અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પ્રતિબંધ હટાવ્યા બાદ ફેસબુક પર ફરીથી એક્ટિવ મોડમાં આવી ગયા છે. કેપિટોલ હિલ રમખાણ કેસમાં ભડકાઉ ભાષણો કરવા બદલ આશરે બે વર્ષ પહેલા તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં તેના ખાતા પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ પછી તેણે ફેસબુક પર ‘I’M BACK’ લખીને પહેલી પોસ્ટ કરી છે. યુટ્યુબે ટ્રમ્પની ચેનલને પણ રિસ્ટોર કરી છે. આ પછી ટ્રમ્પના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્ટિવ થઈ ગયા છે.
નોંધનીય છે કે 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ રમખાણો બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 25 જાન્યુઆરીના રોજ, મેટાએ ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી. ગયા વર્ષે નવેમ્બરમાં તેમનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું હતું. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે તેમના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. એલોન મસ્કે અને ડોનલ્ડ ટ્રમ્પની દોસ્તી જાણીતી છે. આવતા વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહ્યા છે. એવા સમયે યુટ્યુબે તેમની ચેનલ રિસ્ટોર કરતા લખ્યું હતું કે, ચુંટણી પહેલા મતદારોને તેમના મુખ્ય ઉમેદવારોના વિચારો, જાણવાની અને સાંભળવાની તક પૂરી પાડવી જોઈએ.’ ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્સ્ટાગ્રામ પર 23 મિલિયન અને ફેસબુક પર 34 મિલિયન ફોલોઅર્સ છે. તે જ સમયે, ટ્વિટર પર તેના 87.4 મિલિયન ફોલોઅર્સ છે.