Homeમેટિનીહું બટેટું છું, મને ગમે ત્યાં ફિટ કરી દો, સ્વાદ તો આવશે...

હું બટેટું છું, મને ગમે ત્યાં ફિટ કરી દો, સ્વાદ તો આવશે જ: જેકી શ્રોફ

બોલીવુડના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ કેટરિના કેફ, ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે. આ મામલે તેમણે ખાસ વાતચીત કરી. તેમણે પોતાના પરિવાર, કરિયર, બાળકો, ઈન્ડસ્ટ્રી જેવા અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી. તો જોણીએ તેમણે શું કહ્યું.
ચાર દસકાથી ફિલ્મજગતમાં કામ કરતા જેકી દાદાને પૂછવામાં આવ્યું કે આટલી ફિલ્મો કર્યા બાદ તમે હજુ કામ કરો છો, તો તમારે શું જોઈએ છે ત્યારે તમણે હસતાં હસતાં કહી દીધું કે મારે કંઈ જોઈતું જ નથી. હું માત્ર મજા લઉં છું. હું વૃક્ષો વાવું છું. અલગ અલગ પ્રકારના ચોખા ઉઘાડું છું. ચકલીઓનો અવાજ સાંભળું છું. તેમની ભાષા સમજવાની કોશિશ કરું છું. પછી જ્યારે હું અહીં રિચાર્જ થઈ જાઉં અને કોઈ મિત્ર કહે કે મારા જેવી ભૂમિકા છે તો પાછો જાઉં છું. તે સમયે હું મારી ખેતીવાડી વિશે નથી વિચારતો. બન્ને કામ અને તાકાત આપે છે. આટલાં વર્ષોથી અભિનય કર્યો છે આથી તે મારા શરીરમાં ઘૂસી ગયો છે. કલાકાર મિત્રો વચ્ચે બેસીને જે મજા આવે છે તે હું વર્ણવી શકતો નથી. હું જાણે ઊચક-નીચક (સી-શો)ની બન્ને બાજુએ બેસું છું અને મજા લઉં છું.
પહેલાંના સમયમાં ફિલ્મના સેટ પર પરિવાર જેવો માહોલ હતો, પરંતુ હવે વાતાવરણ ઘણું પ્રોફેશનલ થઈ ગયું છે. તમને પહેલાંના સમયની યાદ આવે છે તેમ પૂછતાં જેકી કહે છે કે હાલમાં પણ એટલો બધો ફેરફાર નથી થયો. તે સમયે પણ ફિલ્મ ૬૦ દિવસમાં પૂરી કરવાની હતી, આજે પણ એમ જ છે. ત્યારે સાથે બેસીને લંચ કરતા હતા, આજે પણ કરીએ છીએ. આજે પણ સૌ સાથે મળીને રહીએ છીએ. સેટ પર તમે યુનિટને ફેમિલી માનીને નહીં ચાલો તો વાત બનશે નહીં. યંગસ્ટર પણ એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે, જેમ કે શ્રદ્ધાજી છે, કૃતિ સેનનજી છે કે દિશા છે. બધા તેના મિત્ર છે.
અગાઉ બે-ત્રણ ફિલ્મોમાં ભૂત બની ચૂકેલા જેકી ફરી ભૂતવાળી ફિલ્મ કરી રહ્યા છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે અગાઉની ફિલ્મો બાળકો માટેની હતી, પરંતુ આ ફિલ્મ ઘણી અલગ છે. ‘ફોન ભૂત’ સરસ કોમેડી છે. ‘અતિથિ દેવો ભવ:’ જે મારી આ પહેલાંની ફિલ્મ છે તેમાં ભૂતને પ્રેમની તલાશ હોય છે. મને ફરી પાછો ભૂત બનાવાનો મોકો મળ્યો તો લાગ્યું કે માણસ બનીને તો ઘણા રોલ કર્યા, હવે ભૂત બનીને કરીએ. જેકીએ પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું બધાના જીવન વિશે તો ન જણાવી શકું કે સંબંધો તૂટવાનાં શું કારણ હોય છે. માત્ર હું એમ કહેવા માગીશ કે સંબંધમાં ધીરજ અને બીજાને સમજવાની શક્તિની ખૂબ જરૂર પડે છે. પોતાના અને આયેશાના લાંબા સુખી સંસાર વિશે તે કહે છે કે તમારે એ દિવસને યાદ કરવો જોઈએ જ્યારે તમે પહેલી વાર મળ્યા હતા અને કાગળ પર રંગોથી દિલ બનાવ્યાં હતાં અને તેમાં સુગંધ ભરી તેને કવરમાં મૂક્યાં હતાં. ત્યારે પ્રેમનું મહત્ત્વ સમજાશે.
જેકી શ્રોફની ઘણી ફિલ્મોમાં તેનો રોલ તેના સ્ટારડમ કરતાં નાનો હોય છે ત્યારે આ વિશે તે જણાવે છે કે હું બટેટા જેવો છું. તેને ગમે તેમાં નાખી શકાય. રીંગણામાં નાખી શકાય, બિરયાનીમાં કે માંસમાં પણ નાખી શકાય. તે જ રીતે મને ગમે તેમાં નાખી દો. લોકોને સ્વાદ આવી જાય છે. હું વધારે વિચારતો નથી, જેમ કે ‘દેવદાસ’માં મારા સાત સીન હતા. મેં કર્યા. લોકો આજે પણ ચુન્નીભાઈને યાદ કરે છે. ઓકે, ‘ચાર્લી’માં તો મને ખૂબ જ મજા પડી. મારી ઈચ્છા હતી કે હું વાંદરો બનું. બાળકોને આવા રોલ ગમતા હોય છે. ખરું કહું તો મારું બાળપણ હજુ ગયું નથી અને હું જવા પણ નહીં દઉં. ભૂતની ફિલ્મ પણ એટલે જ કરું છું કે બાળપણમાં આ જોવાનું ગમતુ હતું. ડર લાગતો હતો અને સારું પણ લાગતું હતું.
પોતે ક્યારેય સંતાનોને તેમના સંબંધોને લઈને સલાહ આપતો નથી તેમ કહેતાં જેકી કહે છે કે હું તેમને સલાહ આપતો નથી અને આપવા માગતો પણ નથી. તેઓ પરિપક્વ છે અને તેમનાં માતા-પિતાને જુએ છે. અમારાં લગ્નને ૩૭ વર્ષ થઈ ગયાં છે અને તેઓ જોઈ રહ્યાં છે. જો તેઓ આમાંથી નથી શીખ્યાં તો કહેવાથી શું શીખવાનાં. જો તેમને એકબીજા સાથે ન ફાવતું હોય તો અમે નથી ઈચ્છતાં કે તેઓ ઝઘડીને રહે. તેમનામાં સમજ હોવી જોઈએ. દરેક વખતે અમે અમારા ઉદાહરણથી ન સમજાવી શકીએ, તેમણે પોતે ઉદાહરણ બનવું જોઈએ.

RELATED ARTICLES

Most Popular