Homeવીકએન્ડઈલુ ઈલુ... ઈલુ ઈલુ... ઈલુ કા મતલબ આઈ લવ યુ

ઈલુ ઈલુ… ઈલુ ઈલુ… ઈલુ કા મતલબ આઈ લવ યુ

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

પાશ્ર્ચાત્ય સંગીતની દુનિયામાં સન ૧૯૭૭માં જોન પોલ યંગ નામના ઓસ્ટ્રેલીયન સિંગરે એક ગીત ગાયેલું ‘લવ ઈઝ ઈન ધ એર.’ આ ગીતે તેને સમુંદરોની પાર ઘણી પ્રખ્યાતી અપાવેલી. ત્યાર બાદ ક્યાંય કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે પ્રેમની કુંપળો ફૂટી રહી હોવાનો અહેસાસ થાય તો તે યુગલના મિત્રો તેઓને સીધા જ અથવા દુશ્મનો પીઠ પાછળ કહેતા ‘લવ ઈઝ ઈન ધ એર!’ પ્રેમ અને જાતીય સંબંધો હંમેશાંથી વૈશ્ર્વિક ચર્ચાનો વિષય રહ્યા છે. અમુક લોકો માને છે કે પ્રેમ એક અનોખી અનુભુતિ છે અને જાતીય સંબંધો તેની ફલશ્રુતિ છે. સામે છેડે એક આખો એવો વર્ગ છે જેઓ માને છે કે ’પ્રેમ બ્રેમ કશું છે નહીં અને આખો ખેલ જાતીય સંબંધોની દોડનો છે. ખેર આપણે આ ચર્ચામાં પડવાનું નથી, પરંતુ આખરે આપણે માનવ છીએ એટલે પ્રકૃતિ જગતમાં જાતીય સંબંધોની અટપટી વાત કરવાની હોય ત્યારે આપણે આપણા દૃષ્ટિકોણને પણ સાંકળી લેવો અનિવાર્ય છે.
તો વાત જાણે એમ છે કે … પ્રકૃતિમાં શરીરસંબંધ એ એકદમ સાહજિક પ્રક્રિયા છે, અરે સાહજિક શું અનિવાર્ય છે. પ્રાણી જગતમાં સંબંધો જરૂરિયાતના આધારે ટકતા તૂટતા હોય છે. પ્રાણીજગતમાં પુન:સર્જન માટે પ્રેમ તત્ત્વ અનિવાર્ય નથી, કારણ કે જાતીય સંબંધો કોઈ પણ પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. પ્રાણી જગતના સારસ પંખી જેવા થોડા અપવાદોને બાદ કરવામાં આવે તો જાતીય સંબંધો બાંધવા માટે પ્રેમ હોવો, પ્રેમપત્રો લખવા, વેલેન્ટાઈન ડે ઉજવવા જરૂરી નથી. પ્રાણી જગતમાં તો જીસકી લાઠી ઉસકી ભેંસ! અને જીવતો નર ભદ્રા વરે જેવો તાલ હોય છે.
પ્રાણીઓમાં ભદ્રાને પામવા માટે પ્રબળ વિસ્તારવાદ અને શરીરબળનું મહત્ત્વ હોય છે. સિંહનું જ ઉદાહરણ લઈએ તો જે તે વિસ્તારના તાકાતવર સિંહ પાસે સિંહણોનું આખું ટોળું હોય છે અને નબળા સિંહો વાંઢાઓની ટોળીમાં જીવતા હોય છે. આવા વાંઢા સિંહો નબળા માનવ સમુદાયોને ટાર્ગેટ કરીને પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢતા પણ જોવા મળે છે. આ વિસ્તારમાં બલશાળી બીજો સિંહ આવી જાય તો તે સિંહણોના ઝુંડના સ્વામીને તગેડી મૂકીને આખું હરમ પોતાને નામે કરી લેતો જોવા મળે છે.
પ્રાણીજગતના જાતીય સંબંધોની બાબતે સાવ એક અનોખી વાત છે જે જાણવા જેવી છે. આપણે ત્યાં નોળિયા જેવું જ દેખાતું, પરંતુ કદમાં થોડુ મોટું એવું એક પ્રાણી યુરોપમાં જોવા મળે છે. એનું નામ છે ‘ફેરેટ’. કહેવાય છે કે આ ફેરેટ એ ‘યુરોપીયન પોલકેટ’ નામના એક પ્રાણીના વંશજ છે. આજથી લગભગ બે હજાર પાંચસો વર્ષ પૂર્વે ફેરેટ પોતાના સ્વભાવ મુજબ માનવ વસાહતોની આસપાસ રહેવાનું ચાલુ કરેલું અને વરૂ જેમ કુતરામાં રૂપાંતર પામ્યા એ જ રીતે આ ફેરેટ પણ માનવ સમુદાયમાં વસતું પ્રાણી બની ગયેલું. આધુનિક સમયમાં ‘યુરોપીયન જમાત’માં ફેરેટ એક પાળતુ પ્રાણીનો દરજજો પામ્યું છે, પરંતુ નોળિયા જેવા હોવાથી ફેરેટ જમીનની અંદર આવેલા દરોમાં ખુબ સરળતાથી ઘુસી જઈ શકે છે અને એટલે જ માનવે તેને સસલાનો શિકાર કરવા માટે ઉપયોગ કરવાનું ચાલુ કરેલું.
હવે આવે છે આપણા આજના વિષય ‘ઈલુ ઈલુ …’ની વાત. પ્રાણી પાળતુ હોય કે જંગલી, પરંતુ તેને પ્રેમ ન મળે અને તેનું મૃત્યુ થાય એ વાત માનવામાં આવે? આપણે કહીશું … હાસ્તો … પ્રેમભગ્ન થયેલા શીરી-ફરહાદ, રોમિયો-જુલિયટ, લૈલા મજનું અને હીર રાંઝાનું જ ઉદાહરણ લઈ લ્યો ! એ લોકો પણ પ્રેમ પ્રાપ્ત ન થતાં મૃત્યુ પામેલા. હા દોસ્ત … વાત તો સાચી જ છે, પરંતુ એમાં તકલીફ એ વાતની છે કે આ ચારેય જોડીના પ્રેમને આપણે પ્લેટોનિક લવ, દિવ્ય પ્રેમ અથવા આજના યુવાનોની ભાષામાં ‘ગ્રેટ લવ’ના વાઘા પહેરાવી અમર બનાવી દીધા છે, પણ મને એમાં એક ખાંચો દેખાય છે કે જો એમનો લવ-પ્રેમ એટલો જ દિવ્ય અને પવિત્ર હોત તો એકબીજાને પામી ન શક્યા એટલે જીવ કેમ આપી દેવો પડ્યો ? મતલબ મૂળે તો આખી ગેમ પામવાની જ ગણવાનીને ?
પ્રાણી જગતમાં પણ આજનું પ્રાણી ફેરેટ એક રીતે અમરપ્રેમી જોડાનું એક્સ્ટેન્શન છે. આ પ્રાણીને પાળતું બનાવવનું શરૂ થયા બાદ તેને પાળનારા માલિકોના માદા ફેરેટ એકાએક મરી જવા લાગ્યા. ત્યાર બાદ શરૂ થયા માદા ફેરેટના મૃત્યુની માયાજાળને ભેદવાના સંશોધનો. પ્રાણીઓના ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ આવા મૃતદેહોના શારિરીક અને રાસાયણિક વિશ્ર્લેષણો કર્યા બાદ એક ચોંકાવનારી બાબત સામે આવી. એ બાબત એવી હતી કે તમામ માદા પાળતુ ફેરેટ્સના મૃત્યુનું કારણ એડલ્ટ બન્યા પછી જાતીય સંબંધો બાંધી ન શકવાને કારણે તેમના મૃત્યુ થયેલા! ઓ તેરી … આવું તે કાંઈ હોય? આ પણ માનવને તો આ વાત ગળે કેમની ઊતરે? ફેરેટ કેટનું સરેરાશ આયુષ્ય ૫ થી ૮ વર્ષ જેટલું હોય છે.
ફેરેટ પાંચથી છ મહિનાની ઉંમરે જ પુખ્ત થઈ જાય છે અને પ્રજનનક્ષમ બની જાય છે, પરંતુ માદાના કિસ્સામાં બને છે એવું કે પ્રજનન ક્ષમતા કેળવી લીધા બાદ તે જ્યારે હીટમાં આવે અને તેને નર ફેરેટ સાથે જાતીય સંબંધ બાંધવાની તક ન મળે તો તેના શરીરમાં એસ્ટ્રોજન નામનું એક હોર્મોન ભારે માત્રામાં છૂટે છે અને આ હોર્મોન માત્ર જાતીય સંબંધો બને તો જ બનતું અટકે. હવે જ્યારે પાળતુ માદા હીટમાં આવે અને તેના માલિકને ખબર જ ન હોય તો આ માદાના શરીરમાં એસ્ટ્રોજન છૂટ્યા કરે અને તેના લોહીમાં તેની માત્રા ખૂબ વધી જાય. અને લોહીમાં લાંબો સમય એસ્ટ્રોજન હોર્મોનની માત્રાના કારણે તેના હાડકાની અંદરનો માવો એટલે કે બોન મેરો ક્ષીણ થવા માંડે અને તેનું અત્યંત દર્દનાક મૃત્યું થઈ જાય છે. આમ દિવ્ય પ્રેમની સામે ભૌતિક પ્રેમના અભાવે એટલે કે જાતીય સંબંધ ન બાંધી શકવાથી આ પ્રાણી મૃત્યું પામે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular