નાઈજીરિયાના નાઈજર ડેલ્ટા વિસ્તારમાં એક ગેરકાયદેસર ઓઈલ રિફાઈનરીમાં ધડાકા થયા બાદ લાગેલી આગમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે મૃતકોની સંખ્યા હજુ વધુ હોઈ શકે છે, એવી શકયતા વ્યકત કરાઈ રહી છે. સ્થાનિક પોલીસ પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દક્ષિણ રાજ્યના એમુહા વિસ્તારમાં ગેરકાયદેસર રિફાઈનરી સંચાલક ઓઈલ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે એક પાઈપલાઈન નજીક વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતના સંકેત મળ્યા છે કે સાઈટ પર આગ લાગીe સમયે તમામ મૃતકો ક્રૂડ ઓઈલ કાઢી રહ્યા હતા. વિસ્ફોટ અને આગ લાગવાને કારણે પાંચ વાહન, ચાર ઓટો રિક્ષા અને એક મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગયા. હાલ તો અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ઘટનામાં કેટલા લોકો માર્યા ગયા છે. બીજી બાજુ સ્થાનિકોના જણાવ્યાં મુજબ વિસ્ફોટ અને આગ લાગવાની ઘટનામાં 12થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના યુવાન હતા. જેમણે ઓછામાં ઓછા પાંચ વાહનોમાં એક પાઈપલાઈનથી ઓઈલ કાઢવાની અને એક ગેરકાયદેસર રિફાઈનરી સાઈટ પર લઈ જવાની યોજના બનાવી હતી. તેમણે કહ્યું કે વિસ્ફોટ ખુબ મોટો હતો. જેના કારણે આજુબાજુની ઈમારતો પણ ધ્રૂજી ઉઠી હતી. યુથ્સ એન્ડ એનવાયરલમેન્ટ એડવોકેસી સેન્ટરના કાર્યકારી નિદેશક ફાઈનફેસ ડુમનામેને કહ્યું કે જેવા ચાલકે ક્રૂડ ઓઈલના ગેલનથી લદાયેલી બસને સ્ટાર્ટ કરી તે દરમિયાન ધૂમાડો ફેંકનારા પાઈપમાંથી ચિંગારી નીકળતા જ વિસ્ફોટ થયો હતો. બાદમાં આ આગ બીજી બાજુ પણ ફેલાવા લાગી હતી. પાંચ વાહનોમાં સવાર તમામ લોકો બળીને ખાખ થઈ ગયા. અત્રે જણાવવાનું કે ટોચના તેલ ઉત્પાદકોમાં સામેલ નાઈજીરિયામાં ગેરકાયદેસર રિફાઈનરીનો બિઝનેસ ખુબ જ ફૂલ્યો ફાલ્યો છે. ગેરકાયદેસર રિફાઈનરી સંચાલક તેલ સંપન્ના નાઈજીરિયા ડેલ્ટા વિસ્તારમાં વધુ સક્રિય છે. અહીં સુરક્ષાના માપદંડોનું ભાગ્યે જ પાલન કરવામાં આવે છે, જેના કારણે અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઈમો રાજ્યમાં પણ આવી જ ઘટનામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા.