બોટાદની ખાનગી શાળામાં ધમધમી રહ્યો હતો ગેરકાયદેસર ડીઝલ પમ્પ, અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

આપણું ગુજરાત

બોટાદ શહેરમાં આવેલી એક ખાનગી શાળાના પરિસરમાં ૮૦૦૦ લીટરની ડીઝલ સ્ટોરેજ ટેન્ક સાથે ડીઝલ પંપ મળી આવતા તંત્રના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તંત્રએ ડીઝલનો જથ્થો સીલ કરી શાળા સંચાલકો પર કાર્યવાહી હાથ ધરી છે. શાળામાં બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે શાળાના પરિસરમાં જ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ ડીઝલ નો આટલો મોટો જથ્થો રાખતો હોવાથી મોટી દુર્ઘટના ઘટી શકે છે. શાળા સંચાલકો શાળામાં એસી ચલાવવા અને સ્કૂલ બસમાં ડીઝલ પુરાવવા માટે ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું લૂલો બચાવ કરી રહ્યા છે.
બોટાદ મામલતદારને બાતમી મળી હતી કે બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ આર.એ.કળથીયા સ્કુલમાં ગેરકાયદે ડીઝલ પંપ ચલાવાઈ રહ્યો છે. મામલતદાર અધિકારીઓની ટીમ સાથે શાળાના પરિસરમાં પહોંચતા આશરે ૮૦૦૦ લીટરનો સંગ્રહ કરી શકાય તે મુજબની ટેન્ક તેમજ ભૂગર્ભમાં અન્ય એક ટેન્ક સાથે ડીઝલ ભરવાના ૨ બેરલ સાથે ડીઝલ પમ્પ જોવા મળ્યો હતો. ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની મંજૂરી વગર ડીઝલ પમ્પ પણ બનાવવામાં આવેલ હતો.
હાલ ડીઝલ ટેન્ક અને પમ્પને સીલ મારવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી કાયદાકીય રીતિ કરવામાં આવશે. શાળાના સંચાલકોએ આ અંગે પોતાનો નાચવ કર્યો હતો. તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આ શાળામાં આશરે ૨,૦૦૦ વિધાર્થીઓ અભ્યાસ માટે આવતા હોવાથી શાળા કેમ્પસમાં આ પ્રમાણેનો ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો મોટી દુર્ઘટના સર્જી શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.