IIT મદ્રાસ બનશે ગ્લોબલ યુનિવર્સિટી! વિદેશોથી કેમ્પસ ખોલવા આવી રહ્યા છે પ્રસ્તાવ

ટૉપ ન્યૂઝ

કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી(IIT) મદ્રાસને ગ્લોબલ યુનિવર્સિટી બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્ક(NIRF) દ્વારા જાહેર કરાયેલી યાદીમાં IIT મદ્રાસે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આ કારણે ઘણા દેશોએ IIT મદ્રાસ સાથે એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટના કેમ્પસ ખોલવા પ્રસ્તાવ મુક્યો છે.
મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં IIT મદ્રાસનું કેમ્પસ ખોલવાનું વિચારી રહી છે. IIT કાઉન્સિલની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી 16 સભ્યોની સમિતિ દ્વારા એક ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં IITને લઈને આ ભલામણો કરવામાં આવી છે. હવે સમિતિ સંભવિત રોડમેપ પર કામ કરી રહી છે.
IIT મદ્રાસના ડાયરેક્ટર વી કામકોટીએ જણાવ્યું કે તાંઝાનિયા અને અન્ય આફ્રિકન દેશો ઉપરાંત IIT મદ્રાસને શ્રીલંકા અને નેપાળ તરફથી પણ કેમ્પસ ખોલવા માટે પ્રસ્તાવ મળી રહ્યા છે. અમે ઘણા સ્થળોએ કેમ્પસ ખોલવાનું વિચારી રહ્યા છીએ. ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તેમજ એનર્જી સાયન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં અભ્યાસક્રમો શરૂ કરવા અરજીઓ મળી રહી છે. ખાણકામ કાર્યક્રમો આફ્રિકન દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેટા સાયન્સ કોર્સની માંગ દરેક જગ્યાએ છે.
પ્રોફેસર કામકોટીએ કહ્યું, ‘અમે જોઈ રહ્યા છીએ કે કયા પ્રકારના કોર્સ ઓફર કરી શકાય. મળેલા પ્રસ્તાવોની આધારે કેમ્પસમાં કેટલાક વિશિષ્ટ અભ્યાસક્રમો સામેલ કરી શકાય. કેટલાક દેશો માટે સંબંધિત વિષયો કેટલાક દેશો માટે અસંબંધિત હોઈ શકે છે. અમે તે દેશોમાં રોજગાર ક્ષમતાના આધારે વિવિધ મોડલ તૈયાર કરીશું.’
હાલમાં એ ચર્ચા વિચારણા ચાલી રહી છે કે અલગ અલગ IITએ વિદેશમાં કેમ્પસ ખોલવું જોઈએ કે સંયુક્ત IITએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.