મુંબઈ ખાતેની વિશ્વ પ્રસિદ્ધ આઈઆઈટીમાં ગુજરાતના એક વિદ્યાર્થી દર્શન સોલંકીના મૃત્યુ અંગે વિવાદ જાગ્યો છે. આ વિદ્યાર્થીએ આત્મહત્યા નથી કરી પણ તેની હત્યા કરવામાં આવી છે અને તેને જાતીભેદ અને રેગિંગનો શિકાર બનવું પડ્યું હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે. આ કેસમાં ગુજરાતના વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમની રચના કરી તપાસનીમાગણી કરી હતી. મેવાણી આજે દર્શનના પરિવારને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દલિત સમાજને આ જાતપાતના ભેદભાવ, રેગિંગ અને હત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે. 18 વર્ષીય દર્શનના વિવાદાસ્પદ મૃત્યુના વિરોધમાં 19મીએ દેસભરમાં કેન્ટલ માર્ચનો કોલ પણ આપવામાં આવ્યો છે.
દરમિયાન મુંબઈ પોલીસે અમદાવાદ ખાતે રહેતા યુવકના પરિવારના નિવેદનો લીધા હતા. દર્શનના પિતાના કહેવા અનુસાર તેના પુત્રના મોતના સમાચાર મામલે તેમને દર વખતે સંસ્થા દ્વારા અલગ અલગ માહિતી આપવામાં આવી અને મૃત પુત્રનો ચહેરો પણ તેમને જોવા દેવામા આવ્યો ન હતો. અહીંના ડીન સહિતના સ્ટાફનો વ્યવહાર આવા સંજોગોમાં જેવો સંવેદનશીલ ન હતો અને તેઓ અમુક દસ્તાવેજો આપવા પણ તૈયાર ન હતા. આ બધી બાબતો શંકાસ્પદ લાગી રહી છે. એક અહેવાલમાં દર્શનની બહેન જાનવીએ જણાવ્યું હતું કે દર્શને તેને આઈઆઈટીમાં જાતપાતને લીધે રંજાડવામાં આવતા હોવાનું કહ્યું હતું અને ઘણા વિદ્યાર્થીઓ આને લીધે પોતાની સાચી જાતિ ન જણાવતા હોવાનું પણ કહ્યું હતું.
દર્શનના પિતા પ્લમરનું કામ કરે છે અને સામાન્ય જીવન જીવે છે. પુત્ર ભણવામાં હોશિયાર હોઈ અને આઈઆઈટીમાં એડમિશન મળતા તેમણે ઉછીના પૈસા લઈ તેને ભણવા મોકલ્યો હતો. ઘટનાની થોડી મિનિટો પહેલા તેમણે દર્શન સાથે વાત કરી હતી અને તેમના કહેવા અનુસાર તે અમદાવાદ આવવા વિશે વાત કરી રહ્યો હતો અને હતાશ કે દુઃખી ન જણાતો હતો.