બિનજરૂરી વસ્તુઓ અને વિવાદોને ઈગ્નોર કરવા એ પણ પ્રેક્ટિકલ એપ્રોચ જ છે

ઇન્ટરવલ

‘જિંદગી બહુ જ સરળ છે, ઈઝી છે’ – આ વાત એકદમ ખોટી છે. જિંદગીને સરળ બનાવવી પડે છે. તેને ઈઝી કરવી પડે છે અને તેના માટે પ્રેક્ટિકલ થવું પડે છે

આનન-ફાનન -પાર્થ દવે

ડિક્શનેરીમાં ‘પ્રેક્ટિકલ’ શબ્દનો અર્થ થાય છે: વહેવારનું, વહેવારને લગતું, વ્યાવહારિક. આ ઉપરાંત પ્રેક્ટિકલનો એક અર્થ ‘આવડતવાળું’ પણ થાય અને વાસ્તવિક પણ થાય. ‘બી પ્રેક્ટિકલ’ એટલે શું? વધુમાં વધુ વાસ્તવિક અથવા તો વાસ્તવિકતાની નજીક. સચ્ચાઈની નજીક. રોજબરોજની જિંદગીમાં અતિશય બોલાતો ફ્રેઝ છે: બી પ્રેક્ટિકલ. એના કારણે નાના બાળકને પણ આ શબ્દ ખ્યાલ છે, કદાચ તેનો અર્થ પણ તેના મનમાં કંઈક બની ચૂક્યો હશે! આપણે મોટા ભાગે પ્રેક્ટિકલ ન થઈને પોતાની જિંદગી વધુ મૂંઝણવભરી ને ગૂંચવણભરી કરી નાખતા હોઈએ છીએ! સૌથી મોટું અને તમને તાદૃશ દેખાય એવું ઉદાહરણ છે: સગાં-સંબંધીઓનું.
કોઈ સારો-નરસો પ્રસંગ હોય, કોઈકને ત્યાં જવાનું હોય કે ન જવાનું હોય, મદદ કરવાની હોય કે ના પાડવાની હોય, માગવાની હોય કે અટકી જવાનું હોય, જમવા બોલાવવાના હોય કે નાસ્તો કરાવવાનો હોય, વગેરે પરિસ્થિતિમાં ‘બી પ્રેક્ટિકલ’ થવું કે ન થવું તેની કશ્મકશ રહેતી હોય છે! એમ કરીએ તો તેમને કેવું લાગશે – અગેઈન આ જ સવાલ રાક્ષસની જેમ સામે આવીને ઊભો રહેતો હોય છે. વેલ, ‘જિંદગી બહુ જ સરળ છે, ઈઝી છે’ – આ વાત એકદમ ખોટી છે. જિંદગીને સરળ બનાવવી પડે છે. તેને ઈઝી કરવી પડે છે અને તેના માટે પ્રેક્ટિકલ થવું પડે છે.
પ્રેક્ટિકલ થવું એ કોઈ પાપ નથી, જિંદગી કોઈ પણ જાતના ટેન્શન વગર જીવવાનો કીમિયો છે! અને
દરેક વખતે બી પ્રેક્ટિકલ થઈએ એટલે ‘બીજાનું
બગાડીએ છીએ’ કે ‘બીજાને ખરાબ લાગશે’ (જે
આપણે માનીએ છીએ) એવું નથી હોતું. આપણે
નાની-મોટી બાબતો અવગણીને અને પોતાનો
સ્વભાવ બદલાવીને પણ ઈઝી ગો લાઈફ જીવી
શકીએ છીએ.
૧૮થી ૨૫ની આજુબાજુના છોકરાઓ, જેમની પાસે માહિતીના અધધધ સોર્સીસ છે, શીખવા માટે બધું જ છે, જોવા માટે ઈન્ટરનેટમાં જાત જાતનાં પ્લેટફોર્મ્સ છે, ભણવા માટે કેટલા બધા પ્રવાહો છે; આ છોકરાઓ સૌથી વધારે ક્ધફ્યુઝ્ડ પ્રાયોરિટી કોને આપવી એમાં હોય છે! આમાં સૌથી વધારે મહત્ત્વનું શું છે તે નક્કી કરો અને એ હિસાબે ગાડી આગળ ધપાવો. વેરી ઈઝી, છતાંય અઘરું! કેમ કે આ જ વાતનો બીજો તબક્કો એ આવે છે કે જ્યારે જરૂર ન હોય ત્યારે કોમ્યુનિકેશનનાં જેટલાં પણ સાધનો છે તે સ્વિચ ઑફ કરી નાખો. ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ, મેઈલ, મેસેજીસ, ફોન, વગેરે વગેરે! ખાસ તો રાતના! તમને કદાચ સવાલ થઈ શકે કે આમાં બી પ્રેક્ટિકલ ક્યાં આવ્યું? પણ મોબાઈલ કે કોઈ પણ માધ્યમથી કોઈને જવાબ ન આપવો એ પણ પ્રેક્ટિકલ જ છેને! બીજું, આ ઉંમરના કે એથી થોડા મોટા યુવાનો, જેમણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે કે સ્ટાર્ટ કરવાનું વિચારે છે કે કંઈક નવું કરવું છે, તેમને ખાસ કહેવું છે કે એક સમયે એક ટાર્ગેટ નક્કી કરો. એક લક્ષ્ય પર ફોકસ હશે તો તે ઝડપથી અને સ્પષ્ટ મળશે. એકસાથે બે ઘોડા કે દુનિયાના એકેય પ્રાણી પર સવારી ન થાય! પણ એક વખત એક પર હાથ બેસી જાય પછી તેને ઑટોમોડ પર રાખીને અન્ય વાહન ટ્રાય કરી શકાય! માટે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો, મગજ બહુ હાલતું હોય તો પણ એકસાથે કૂદી ન પડો! (આ બાબત મારા સહિત અનેક યુવાનોને લાગુ પડે છે!)
બી પ્રેક્ટિકલની સૌથી મોટી અને મહત્ત્વની સલાહ છે, જે તમામ ઉંમરની વ્યક્તિઓને લાગુ પડે છે અને જેના પર અલાયદો આર્ટિકલ લખી શકાય એમ છે, એ છે: ના કહેતાં શીખો. લર્ન ટુ સે નો અને નો મીન્સ નો! બીજું, એમ કહેતાં (ના પાડતાં) યાદ રાખો કે આ કોઈ સ્વાર્થી વૃત્તિ કે ગદ્દારી નથી, આ તમારી અંગત સ્પેસનો મામલો છે. પ્રાથમિક જરૂરિયાત છે એકાંતની, એ માટે ના કહેતાં શીખો. શરૂઆતમાં આકરું લાગશે બેય બાજુ, સમય જતાં ઇઝી થઈ જશે! જે વસ્તુ કરવી ન ગમે; નોકરી, કામ વગેરે ત્યાંથી બને એટલા જલદી છૂટા થઈ જાઓ. (આજે ને આજે અમલ કરવો જરૂરી નથી. બે વખત વિચારીને કરવો. ખરેખર તમને કામ નથી ગમતું? તો તમને શું ગમે છે? માત્ર આળસ આવે છે માટે રાજીનામું આપી દેવું એમાં માલ નથી.)
એક બાબત માર્ક કરી છે કે ૧૮થી ૨૫ વર્ષની ઉંમરનાને કે એથી મોટાને પણ (કદાચ) જંપ નથી વળતો! શાંતિ નથી હોતી. ઘણા યુવાનો કહેતા હોય છે કે રાતના નીંદર નથી આવતી એટલે પછી ફિલ્મો જોયા કરીએ છીએ! સતત વિચારો આવ્યા કરે છે, વગેરે વગેરે. એમને એટલું જ કહેવું છે કે મોમેન્ટમાં જીવવાનું શરૂ કરો. જમતા હો ત્યારે માત્ર જમો. નાહતા હો ત્યારે માત્ર બાથરૂમમાં જ રહો! નાહતાં નાહતાં જમવાના અને જમતાં જમતાં નાહવાના વિચારો બંધ કરો! એક એક કોળિયો શાંતિથી આરોગો. ન થઈ શકતું હોય તો યાદ રાખો કે દુનિયામાં તમામ લોકોને જમવાનું નસીબ નથી થતું હોતું! માટે તમે લકી છો. તમને મળલી ક્ષણનો આભાર માનીને સ્વીકાર કરો. પરિવાર સાથે સમય વિતાવો. પરિવાર સાથે જ રહેતા હો તો એકલા, પોતાની જાત સાથે સમય વિતાવો! આ બંને બાબતો અતિશય જરૂરી છે. દુનિયામાં કંઈક કરી છૂટેલા, આગળ વધેલા, સફળતાના શિખરે ચડેલા લોકોની જીવનશૈલી માર્ક કરશો તો તમને ઉપર કહ્યાં એ લક્ષણો જરૂર દેખાશે. તેઓ કોઈ બીજા માટે ખરાબ સાબિત નથી થયા. સામે પક્ષે સમય જતાં અન્ય લોકો તેમને ઓર રિસ્પેક્ટ આપે છે. બિનજરૂરી વસ્તુઓ અને વિવાદોને ઈગ્નોર કરવા એ પણ પ્રેક્ટિકલ એપ્રોચ જ છે. એમ કરવાથી જ તમારે જ્યાં પહોંચવું છે ત્યાં કહ્યું એમ ઝડપથી પહોંચાશે!
ઓલ ધ બેસ્ટ દોસ્તો!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.