આદિવાસી કૉંગ્રેસ આજે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે
નવી દિલ્હી: દેશનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે સંસદભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન નહીં કરાવીને મોદી સરકાર આદિવાસી સમાજનું અપમાન કરતી હોવાનું જણાવતાં ઑલ ઇન્ડિયા આદિવાસી કૉંગ્રેસે શુક્રવાર, ૨૬ મેએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના મુખ્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધતાં ઑલ ઇન્ડિયા આદિવાસી કૉંગ્રેસના પ્રમુખ શિવાજીરાવ મોઘેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરે એ લોકશાહીનું અપમાન છે. ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના એક ભાગ આદિવાસી કૉંગ્રેસના પ્રમુખ શિવાજીરાવ મોઘેએ જણાવ્યું હતું કે દેશમાં પહેલી વખત આદિવાસી રાષ્ટ્રપતિ બન્યાં છે. વળી રાષ્ટ્રપતિપદે એક મહિલા બિરાજે છે. એ સંજોગોમાં સંસદ ભવનની નવી ઇમારતનું વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન આદિવાસીઓ અને મહિલાઓનું અપમાન ગણાશે. રાષ્ટ્રપતિ સંસદનો મહત્ત્વનો હિસ્સો છે. સંસદના
સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ સંબોધન કરે છે. અમે આદિવાસી છીએ તેથી અમારી સાથે આવું બની રહ્યું છે કે કેમ, એ મને સમજાતું નથી. સંસદ ભવનની નવી ઇમારતનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પાછળ ઊભા રખાયા હતા. બન્ને પ્રસંગોએ મોદીજી ઉદ્ઘાટન કરવા આવે છે.
શિવાજીરાવ મોઘેએ જણાવ્યું હતું કે શુક્રવારે અમે ગામ, ગ્રામજૂથ- બ્લૉક અને જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શન કરીશું. સંસદ ભવનની નવી ઇમારતનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે એવું અમે ઇચ્છીએ છીએ, વડા પ્રધાનના હસ્તે નહીં. હજુ સમય છે. વડા પ્રધાને તેમનો વિચાર બદલીને રાષ્ટ્રપતિના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરાવવું જોઇએ. અમે આદિવાસીઓને નિશાન બનાવતી સરકારી નીતિઓ સામે પણ વિરોધ કરીશું. અમે શાંતિપૂર્વક લોકતાંત્રિક ઢબે વિરોધ પ્રદર્શન કરીશું. એ લોકો રાજકારણ માટે આદિવાસીઓનો ઉપયોગ કરે છે, તેની સામે પણ વિરોધ દર્શાવીશું.
વીસ વિરોધ પક્ષોએ નવા સંસદ ભવનના વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર જાહેર કર્યા બાદ શિવાજીરાવ મોઘેએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, તૃણમૂલ કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ અને આમ આદમી પાર્ટી સહિત ૧૯ પક્ષોએ સંયુક્ત રીતે સંસદ ભવનની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘લોકશાહીનો આત્મા’ લુપ્ત થયો હોય એવી નવી ઇમારતના ઉદ્ઘાટનનું કોઈ મૂલ્ય નથી. બીજી બાજુ એઆઈએમઆઈએમ પક્ષના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એવી જાહેરાત કરી હતી કે સંસદ ભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન સ્પીકર ઓમ બિડલા ન કરે તો અમે એ ઉદ્ઘાટન સમારંભમાં હાજર નહીં રહીએ. મોદી સરકાર આદિવાસી વિરોધી હોવાથી પછાત વર્ગોના અપમાન માટે આવું પગલું લેવાયું છે.
અગાઉ કૉંગ્રેસે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે એક વ્યક્તિનો અહમ્ સંતોષવા અને તેમની આપવડાઈ માટે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને નવા સંસદ ભવન સંકુલના ઉદ્ઘાટનના બંધારણીય અધિકારથી વંચિત રાખવામાં આવે છે.
વિરોધ પક્ષોના સંસદ ભવનની નવી ઇમારતના ઉદ્ઘાટન સમારંભના બહિષ્કારના એલાન પછી ભાજપ પ્રણિત નેશનલ ડેમોક્રેટિક અલાયન્સે વળતો પ્રહાર કર્યો હતો. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સે વિપક્ષી બહિષ્કારને લોકતાંત્રિક સિદ્ધાંતો અને મહાન રાષ્ટ્રના બંધારણીય મૂલ્યો પર આક્રમણ સમાન ગણાવ્યો હતો.
જનતા દળ (યુનાઇટેડ)ના નેતા નીતિશકુમારના નિકટના સહયોગીએ પક્ષ તરફથી જણાવ્યું હતું કે સંસદ ભવનની નવી ઇમારતનું વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન સત્તાવાર શિષ્ટાચારનો ભંગ હોવાનું જણાવ્યું હતું.
બહુજન સમાજ પક્ષનાં પ્રમુખ માયાવતીએ સંસદ ભવનની ઇમારતના ઉદ્ઘાટન સમારંભના વિપક્ષી બહિષ્કારને ગેરવાજબી ગણાવ્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિવાદ જગાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંસદ ભવનની ઇમારતના ઉદ્ઘાટન સમારંભના વિપક્ષી બહિષ્કારને ‘રાષ્ટ્રનું અપમાન’ ગણાવ્યો હતો.
સંસદ ભવનની નવી ઇમારતના રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાવવાનો લોકસભા સચિવાલયને નિર્દેશ આપવાની માગણી કરતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી છે.
ભૂતપૂર્વ કૉંગ્રેસી નેતા અને ધારાશાસ્ત્રી કપિલ સિબલે જણાવ્યું હતું કે સંસદ ભવનની ઇમારતના ઉદ્ઘાટન સમારંભમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી પ્રજાસત્તાકના સિદ્ધાંતોનું અવમૂલ્યન છે.
કૉંગ્રેસે મોદી સરકારની ઘમંડ દ્વારા સંસદીય પ્રણાલીનો નાશ થયો હોવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હતું કે સંસદ ભવનની નવી ઇમારત વિશિષ્ટ પ્રકારનું બિલ્ડિંગ છે. હાલમાં જે છે, એ કાઉન્સિલ હૉલ હતો. (એજન્સી)