પ્રભુતામાં વિશ્ર્વાસ રાખો તો પ્રભુ તમને જ્યાં ત્યાંથી જવાબ આપવાનો પ્રયાસ કરે છે

ઉત્સવ

ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? ધોધમાર, ધમધોકાર, મુશળાધાર વર સાદ પાડી રહ્યો છે. એટલે કે વરસાદ પડી રહ્યો છે. હાહાહા.
આપણે હસી રહ્યા છીએ, પણ ખરેખર આ જે ધબાધબ મેઘરાજા વરસી રહ્યા છે એમાં ઘણી બધી જગ્યાએ પૂર આવી રહ્યાં છે. તબાહી મચી ગઈ છે. મંદિર ભેખડો પરથી સીધાં જમીનદોસ્ત થઇ રહ્યાં છે. અમુક લોકો બેઘર થઈ રહ્યા છે તો અમુક લોકો ઘરની બહાર નીકળી નથી શકતા. વળી પાછા સ્કૂલોમાં ખાડા પડી રહ્યા છે.
આ બધી વાત જ્યારે થઈ રહી છે ત્યારે હકીકત તો એ છે કે આ નજારો માણતાં માણતાં, કુદરતને રિસ્પેક્ટ આપતાં, એનું કામ કરવા દેતાં, આપણે જીવન કેવી રીતે સારું બનાવી શકીએ, આપણે બધામાં હું પોતે પણ, એ વિચારવું રહ્યું. કાં સખત વસ્તુને વખોડીએ છીએ કાં એકદમ જાણે કાંઈ ફરક ન પડતો હોય એ રીતે બસ થવા દઈએ છીએ અને થતી રહેવા દઈએ છીએ.
આજે ઘણાં વર્ષો પછી છુકછુક ગાડીથી, ટ્રેનથી પ્રવાસ કરવાનો થયો. એટલા માટે કે અહીંથી સુરત જવું અને સુરતથી અહીં આવવું એમાં અત્યારે સગવડ કે વીઆઇપી ટ્રીટમેન્ટ કે કેટલા કલાક. એના કરતાં વધારે, શું વરસાદમાં રોડ પર વાહન ફસાઈ જાય કે કાંઈ થઈ જાય અને આપણે જે કામ માટે જવાનું છે એ કામમાં પહોંચી જ ન શકાય તો શું ફાયદો. માટે થઈને ટ્રેનમાં મુંબઈથી સુરત જવાનું કહ્યું અને એ જ રીતે સુરતથી મુંબઈ પાછા આવવાનું કહ્યું. હા, બહુ જ મજા આવી, પણ સાથે વિચાર આવ્યો કે હાઇવે પર શું થઇ રહ્યું હશે?
અને જ્યારે હું પાછી વળી રહી હતી આજે, સમાચાર આવ્યા. એક પુલ તૂટી ગયો છે ને એના કારણે સરકારના કર્મચારીઓએ આજે દરેકેદરેક વ્યક્તિઓને એ રસ્તેથી જનારને પ્રવાસ ન કરવા માટે વિનંતી કરી છે અને જે લોકો મુંબઈ માટે નીકળ્યા હતા એ લોકો હજુ રસ્તામાં જ ફસાઈ ગયા છે અને હું અહીંયાં ટ્રેનમાં સુંદર મજાની કુદરતી લીલીછમ વાદીઓ જોતી જોતી મુંબઈ પહોંચી ગઈ…
જ્યારે રસ્તામાં સાંભળ્યું કે હાઇવે પર પુલ તૂટ્યો છે અને લોકોને સખત તકલીફ પડી રહી છે. વાહનો, ખટારા એકબીજાને વળગીને ચોંટીને ઊભાં રહ્યાં છે અને માણસ એમાંથી બહાર નીકળી અંદર જઈ અડધા ભીના અડધા કોરા રહીને પાન પિચકારીઓ કરી ગંદકીમાં વધારો પણ કરી રહ્યા છે. કોઈક વાર બિચારા ઘરડા માણસોને ગળામાં કચરો આવે ને તેઓ ઉમ્રના કારણે ન દોડી શકે ને રસ્તામાં થૂંકે તો આપણે જાણે… ઇઇઇઇ કરીને તેમને વખોડી નાખીએ છીએ અને યંગ હોટ બ્લડ શું કરે છે. પાનપટ્ટીની પિચકારી મારી બસ વાતો કરી રહ્યા છે. અફરાતફરી કરી રહ્યા છે, પણ હજુ સુધી પોતાને ઠેકાણે પહોંચી શક્યા નથી.
એ વખતે કહેવાનું થાય કે ભગવાન જે કરે તે સારા માટે. બસ, આપણે સમજતાં શીખવું જોઈએ. આપણે એના પર વિશ્ર્વાસ રાખતા થવું જોઈએ.
આ બધામાં ધાર્મિક કાર્ય અને ધાર્મિક પ્રવૃત્તિઓ જે માત્ર કરી રહ્યા છે એ જ કરી રહ્યા છે શ્રદ્ધાથી. બાકી બધા કાં તો સખત વિરોધ બોલી રહ્યા છે, કાં માણી પણ રહ્યા છે અને કદર નથી કરી રહ્યા.
આ બધું હવે થોડું આપણે બંધ કરીએ અને સ્વાસ્થ્ય સાચવવાનો પ્રયાસ કરીએ તો જ આપણે કુદરતને માણવાલાયક બની શકીશું. એવું અમારા સહયાત્રી સાથે સત્સંગ કરવાથી મને ખબર પડી. હવે એ કેવી રીતે? તો મારી સાથે કુપેમાં એક અંકલ-આંટી હતાં અને એક (વિમાનચાલક) પાયલોટ.
અંકલ-આંટી અને એ યુવા વ્યક્તિએ મારી જાતને હૂડીમાં સંતાડેલી હોવા છતાં મારા અવાજથી અને મારી આંખો પરથી તેમના કહેવા પ્રમાણે એમણે મને ઓળખી લીધી. અંકલે મારી સામે જોયું એટલે મને લાગ્યું કાંક છે તો ખરું! એમને જાણીતી લાગી રહી છું, પણ એમને જરા એમ લાગ્યુ કે હું એમની સાથે ટ્રેનમાં ક્યાંથી.
વળી મારા સાથીદાર મને મૂકવા આવ્યા હતા તેઓને બીજી ટ્રેનમાં પાછું આવવાનું હતું. અમારા અડધા સાથીઓ બાય રોડ આવી રહ્યા હતા. એમાં મને લાગ્યું કે ભગવાન આ પછી ક્યાં બધાની સાથે ટ્રેનમાં જવાનું ને રિસ્ક લેવાનું.
પ્રાઇવેટ ગાડી કરી લીધી હોત તો ભૈયા સારું થતે. આપણે પ્રાઇવેટમાં પહોંચી જાત. એવી છેલ્લી છેલ્લી વાત કરતાં કરતાં હું મારી ટ્રેનમાં ચડી અને એમની પણ ટ્રેન પેલી બાજુ આવી. એટલે મેં પાછા મારા લબાચા જાતે ખભે ઉપાડીને કહ્યું કે તમે જાઓ, હું પહોંચી જઈશ.
પણ મિત્રો જો કોઈ વસ્તુની પ્રેક્ટિસ ન હોય તો લોચા અચૂક પડે એ સાબિત થયું. હું મારા લબાચા લઈને ચઢવા ફરી અને સામેથી ભોળા હૃદયે કોઈએ મને ધક્કો માર્યો. જમીનદોસ્ત થતાં થતાં બચી ગઈ. બચી એટલા માટે ગઈ કે મારી પાછળ બે જણની બેગ પડી હતી એની ઉપર ઢચકી પડી, હાહાહાહા.
સવારે હોટેલવાળાએ પ્રેમથી મને બ્રેકફાસ્ટ ભરી આપ્યો હતો એ ઝભલું સાચવતાં સાચવતાં મારી આફત આવી ગઈ. અને મને ખબર પડી કે હું જે ડબ્બામાં મારે જવાનું છે એ ડબ્બાથી ૩ ડબ્બા આગળ બેસી ગઈ છું.
પોટલાની જેમ ગબડતી વચ્ચે નિસાસા નાખી રહી હતી કે આના કરતાં ઘરેથી સીધી ગાડી ઊપડી હોટેલ અને હોટેલથી ઘરે ગાડી ઊભી હોત. ક્યાં મેં ટ્રેનની હા કહી. ભલેને થોડોક ટ્રાફિક હોત. મસ્તી કરતી કરતી આવત, આમ ગબડવું તો ન પડત એમ કરતાં સીટ ગોતી.
થોડું ગુસ્સાનું, થોડુંક ઇનસિક્યોરિટીનું, થોડું ક્યાં આવી આટલા બધા લોકો સાથે, એટલા બધા લોકો નહોતા, પણ મગજની પરિસ્થિતિ કે હું ક્યાં આવી ગઈ. હવે શું થશે. એમ કરતી પહોંચી. એમાં વળી સીટ પર આંટી મહારાણી આરામ ફરમાવી રહ્યાં હતાં. સામેની સીટ પર અંકલ અને પેલો યુવાન બેસેલા હતા અને હું પાછી ગબડી હાથમાં સામાન સાથે હાહાહા.
પણ એઝ ઓલ્વેઝ મારા પિતાજી ને માતાજીના આશીર્વાદ થકી મંઝિલ પર પહોંચી જતી હોઉં છું. જીવનમાં પણ એમ મારી આજ સવારની મંઝિલ મારું કમ્પાર્ટમેન્ટ સુધી પહોંચી ખરી, પણ ત્યાં સુધીમાં તો બહાર ઠંડું વાતાવરણ અંદર ટ્રેનમાં ભયંકર વાતાનુકૂલન વાતાવરણ, બેસવાની પહેલાં સામાનનું પોટલું ગબડી પડ્યું. પેલા યુવા ભાઈ અને કાકાએ મને મદદ કરી. મને બેસાડી. સેટલ કરી. પછી આંટી ગુણ ગુણ કરવા માંડ્યાં અંકલ સાથે.
ત્યાં યુવાન વ્યક્તિથી રહેવાયું નહીં એટલે એમણે મને કહ્યું, આવો અમે તમને ઓળખી ગયા છીએ. માસ્ક કાઢીને તમે બેસો શાંતિથી. મારી થાકેલી હાલતમાં જવાબ આપવાનો વિચાર કરું કરું કે આ માસ્ક તો આ બધા પ્રોટોકોલ સાચવવા માટે પહેર્યું છે. ગભરાયેલી કારણ ટ્રેનમાં ખોવાઈ ગઈ હતી એટલા માટે છું.
એવું બધું કંઈ બોલવું કે સામાન ઉપરની સીટ પર મૂકું? આન્ટી સૂતાં હતાં હવે નહીં બેસ એમ કહે નહીં. એવી કોઈ શક્તિ નહોતી કે તરત હું ઉપર ચડી અને જમ્પ મારીને બેસી જઉં. ભલું થજો પાયલટસાહેબનું મારો સામાન તો ઉપર ચડાવ્યો.
વળી પાછું એમ થયું કે જોયું જોયું જતી વખતે મારો તો ફર્સ્ટ ક્લાસ હતો. હું એકલી હતી ડબ્બામાં અને આવતી વખતે શું થયું? એ બધાનું કામ પતી ગયું એટલે મને કદાચ મોકલી દીધી હશે આવી રીતે. મનમાં ગુણ ગુણ કરતી હતી, પણ ત્યાં જ મારા સવાલોના જવાબ મળવાનું શરૂ થયું. મારી મનની પરિસ્થિતિ શાંત થઈ. મને ખબર પડી કે આંટીની તબિયત નાજુક છે એટલે સૂઈ રહ્યાં છે અને આ ટ્રેન આખી કેટલી આજે ભરેલી છે. ખાસ કરીને આ કમ્પાર્ટમેન્ટ ચકાચક ભરેલા છે. એટલે આ તો આપણને ટ્રેનની ટિકિટ મળી એ પણ બહુ સારી વાત કહેવાય.
આપણે બધા પહોંચી જઈશું. હાઇવેના સમાચાર સારા નથી આવી રહ્યા. એમ બધું કરતાં કરતાં મને જોઈ આખી રાતનું કામ કર્યાનો થાક મનમાં થતું હોય ને એવું બધું ચાલુ જ હતું, પણ એ અંકલનો સ્વભાવ અને જે કોન્ફિડન્સ. જે અમારી બંનેની સાથે વાતો કરી, વિશ્ર્વના વિષયોની વાતો. એમાં જે એમણે સચોટ જવાબ આપ્યા છે સાહેબ. એક બાજુ આંટી ગુણ ગુણ બોલ્યા કરે. અંકલ કહે આરામ કર અને આંટી એમને… શું ખાવું છે. કચોરી ખાવી છે, મીઠાઈ ખાવી છે, પૂછ્યા કરે. અંકલ કહે કે બેન મારી, સૂઈ જાને. આરામ કરને. મારે ખાવું હશે તો મારા હાથે નહીં લઈ લઉં. મારી સામે તો પડ્યું છે. વળી પાછાં આંટી સૂઈ ગયાં.
પછી જે આઇસ બ્રેક થયો અને પેલા પાયલટ સાહેબે મને કહ્યું કે અમે તમને ઓળખી ગયા છીએ. વર્ષોથી અમે તમને જોઈને તમારા અવાજથી, તમારી છટાથી અને તમારી આંખોથી. મેં તો તમને ક્યારનાં ઓળખી લધાં છે પણ મેં કહ્યું કંઈ વાંધો નહીં મેડમને સેટલ થવા દો. ગભરાયેલી હતી એટલે મેં સહેજ વગર આંસુએ રડવાનું શરૂ કર્યું. હાહાહા.
મારે તો ગાડીમાં જવું હતું, પણ હું અહીંયાં આવી ગઈ. આ રીતે, આમ તેમ. પછી અંકલ બોલ્યા કે બેટા, જે વસ્તુ થઈ છે એને તમે સ્વીકારો. અમારી પાસે ઘરે ગાડી છે, પણ આંટીની તબિયત ખરાબ છે. મારે આંટીને ઘરે લઈ જવામાં એને બાથરૂમની કે કોઇ ખાડામાં ઝટકા ન લાગે, ટ્રાફિકમાં ભરાઈ ન જવાય એટલે અમે ટ્રેન પસંદ કરી (આ ઉંમરે પણ એમણે કેટલી શાંતિથી પોતાના નિર્ણયો લીધા હશે). પછી પાયલટભાઈએ પણ કહ્યું કે હું ગાડી લેવાનું વિચારતો હતો. વાતાવરણ સારું નથી માટે મારા પપ્પાએ કહ્યું કે તમે ટ્રેનમાં જાઓ તો વધારે સારું અને તમે પણ મેડમ ટ્રેનમાં આવ્યાં એ બહુ જ સારું કર્યું. આજે સત્સંગ કરવાની બહુ જ મજા આવશે અને આ સફર સારી રીતના પસાર થઈ જશે અને પછી અંકલે જે સુંદર મજાની અનુભવની વાતો કરી, જેમ કે પ્રગતિનો એકમાત્ર માર્ગ શું?
તેમણે એ જ કહ્યું જે મારા પિતાજી હંમેશ કહે છે: પરિશ્રમ પરિશ્રમ પરિશ્રમ.
મારી ને પાયલટભાઈની વાતો અને પ્રશ્ર્નોનો પટારો ખૂલી ગયો… મસ્ત મજાની વાતની શરૂઆત. તમને કહું તો હું અને પાયલટ પણ એ જ વિચારતા હતા કે અંકલ, અમારી સામે જોયા વગર પણ અમારી દરેકેદરેક વાતની અંદર ઇન્વોલ્વ થઈને શું જવાબ આપતા હતા. શું એકદમ નિખાલસતાથી અને જરાય આછકલાઈ વગર એમનો અનુભવ શેર કરી રહ્યા હતા. માપીતોલીને બોલી રહ્યા હતા અને સાથે સાથે અમારી માનસિક ક્ષમતાને પણ ચકાસી રહ્યા હતા.
હું તરત બોલી કે તમે મારા પિતાજી જેવા જવાબ આપો છો અને પાયલટભાઈ પણ બોલ્યા કે એકદમ બરાબર, મારા પિતાજી પણ આવું જ બોલે છે.
અંકલે કહ્યું કે જે વ્યક્તિ પરિશ્રમ, ધ્યેય, પ્રભુતામાં અને માનવતામાં માને છે એ તમને આ જ શિક્ષણ આપશે કે કોઈ બીજાની લાઈન કાપ્યા વગર, કોઈ બીજાને હેરાન કર્યા વગર, એકબીજાને ગંદો પ્રતિસાદ આપ્યા વગર તમે તમારી ઉપર મહેનત કરો. તમે પરિશ્રમ કરીને તમારી સફળતાની લાઈન મોટી કરો. મારું ને પાયલટભાઈનું જ્ઞાનધનની ગંગામાં ભીંજાવાનું અને સફર માણવાનું શરૂ થઈ ગયું.
પછી વાતમાંથી વાત નીકળી. ફોન ઉપર આ બધી ગેમો આવે છે અંકલ એમાં મને એડ્વર્ટાઇઝ કરવાનો અને કામ કરવાનો મોકો મળી રહ્યો છે. શું મારે કરવું જોઈએ?
હજુ હું વાક્ય પૂરું કરું અને આમ જોઉં એ પહેલાં તો સદંતર ના પાડી દીધી. દીકરા તારે આ કરવું જરૂરી છે? એવા પૈસા લેવાય? મેં કીધું આટલું મોટું નાણું આવી રહ્યું છે. તો કહે એ નાણાં તને નડશે દીકરા. એના કરતાં આજે એ કામ છોડી અને તારું નામ સાચવીને રાખ. નાણાં તો ભગવાન ધીરે ધીરે તને આપતા જ રહેશે. કેમ બધા એકસાથે ધડાકો મારીને બેંક લૂંટવી છે? કેમ પોતાના પદ પરથી, પોતાના સત્કર્મથી, પોતાની મહેનતથી, પોતાની જાતને જ્ઞાનથી ધની બનાવીને ધનમાં વૃદ્ધિ કેમ નથી કરવી અને મને લાગે જાણે (કૌશિકરાય) મારા પિતા મારી સામે પાછા બીજા સ્વરૂપમાં બેસી ગયા છે.
મનમાં કેટલા દિવસથી આખી ઋતુની શરૂઆત પછી માતા-પિતાને, ભાઈ-બહેનને ન જોયાની પીડા સતાવતી હતી. હું પણ માણસ છું. એમ વિચારો તો ઘણા આવી જ રહ્યા હતા. બેંક ઓફ માઈન્ડ જાણે પપ્પાએ મને જવાબ આપ્યા હોય એ રીતે પ્રત્યક્ષ અનુભૂતિ થઇ કે આ તો જાણે મારા પિતાજી જવાબ આપી રહ્યા છે. કહેવાય છેને કે પ્રભુતામાં વિશ્ર્વાસ રાખો તો પ્રભુ તમને જ્યાં ત્યાંથી જવાબ આપવાનો પ્રયાસ કરે છે. પ્રભુના પ્રેમ અને જીવનના સફરને આપણા સારથી સમજવાની વાત આવતા રવિવારે ઉત્સવ સહ ચાલુ રાખીશું. ત્યાં સુધી તમે પણ જરા વિચારો સ્વસ્થ અને સુઘડતા સાથે જીવન પ્રવાસને સમજવાનો પ્રયત્ન કરો. ખાઓ, પીઓ, મોજમસ્તી કરો, અફકોર્સ જિંદગી જીવી લ્યો.

 

 

 

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.