જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
ઓચરી
વૈ. વદ ૧૧, શુક્રવાર, તા. ૧૧.૦૫.૨૦૧૮
આજે તો વિહારમાં ભારે મજા પડી, ૧૬ કિ.મી. ઉપર ચઢવાનું હતું. ચઢ્યા પછી રોડનાં વળાંકો આવે તો ભલે આવે. રોડ જેટલા વધુ વળાંક લે તેટલા શોર્ટકટ વધુ મળે. પહાડ પર રોડ અજગર આકારે આગળ વધે. અડધો એક કિ.મી. રોડ ફરીને આવે ત્યાં તો અમે ટુંકી કેડીથી ઉપરના રોડે પહોંચી જઈએ, મજા આવે.
ગઈ કાલે વરસાદ પડ્યો ન હતો. આજે તો એક પણ વાદળાનું નામ નિશાન ન હતું એટલે સૂરજનારાયણને મજા આવી ગઈ. ઘણા દિવસની ગરમી ધરતી ઉપર ઉતારતા હતા. સવારે ૯ વાગ્યા સુધીમાં તો તડકો તમ તમ થવા લાગ્યો. અમે તો સાંભળ્યું હતું હિમાલયમાં ઠરીને ઠીકરું થઈ જવાય એટલી ઠંડી હશે પણ અહીં તો પાપડ શેકાય તેવી ગરમી છે. ઝાડનાં છાયામાં બેસતા બેસતા આગળ વધ્યા, ચઢાણ આકરું હતું. યમુના સાથે હતી પણ ઘણી ઊંડી જતી રહી હતી.
અમે બેઠા હતા ત્યાં રસ્તામાં જ એક ગ્રામીણ બકરા ચરાવનારનો ભેટો થઈ ગયો. ૨-૪ વનસ્પતિઓની જાણકારી લીધી. ખાસ કરીને વિચ્છુઘાસનું શાક બનાવવાની ટેકનીક તેણે બતાવી. વિચ્છુઘાસનાં કાંટાવાળા પાન લઈને પાણીમાં ત્રણ વાર ધોઈ નાખવા પછી તેને લસોટીને લોટમાં મેથીની ભાજીની જેમ શાક બને. કેવું ગજબ કહેવાય? આ ઘાસને ભૂલથી અડી જઈએ તો ૨૪ કલાક સુધી ચામડી ચચર્યા કરે અને અહીંના લોકો તેનું શાક બનાવી આરામથી ઓહીયા કરી જાય.
વળી એક ઝીણા ઝીણા લાલ, પીળા, કેશરી ફૂલવાળી ઘાસ જેવી જ કંઈક વનસ્પતિ હતી. અહીં તેનાં ફૂલોની ખટ્ટી મીઠી ચટની બનાવવાનો રિવાજ છે. ગાય, ભેંસને ખાવા માટે જંગલી ઝાડનો ઉપયોગ થાય છે. અહીં દુધાળ પશુઓ માટે ઘાસ ઊગતું જ નથી, ગમે તે ખવડાવીને કામ ચાલે છે. ગાયો તો સાવ નાની નાની હોય. ભેંસ તો ઠીક ઠીક હોય. પણ બકરા…? બકરાની તો શું વાત કરવી, તે તો લાંબા લાંબા લીસા વાળવાળા હોય અને મોટા મોટા શીંગડા. બકરાની જુદી જ જાત હતી. એ તો કંઈ ને કંઈ ચર્યા કરે, એમને બધું ચાલે.
૧૬ કિ.મી. ચાલવામાં વચ્ચે ૮-૧૦ ઠેકાણે પાણીના મોટા મોટા વહેણ આવીને યમુનામાં મળી ગયા. એક વહેણ તો સીધું બરફના પહાડ ઉપરથી જ આવતું હતું. અમે બાજુમાં ઊભા રહ્યા તો ઠંડીથી ઠરી ગયા, દાંત તો શું ખખડે. આખું હાડ ખખડવા માંડ્યું, જલ્દી ત્યાંથી આગળ વધી તડકામાં ઊભા રહ્યા ત્યાં માંડ થોડી ગરમી આવી. હવા આટલી ઠંડી છે તો પાણી કેટલું ઠંડું હશે. ખૂબ અજબ ગજબની સૃષ્ટિ છે ખરેખર.
ઘડિયાળમાં કાંટો ૧૦ પર પહોંચ્યો હતો, હજુ સુધી ક્યાં રોકાવાનું છે કંઈ ખબર નથી. ગવેષણા ચાલુ છે. ગામ છે પણ અડધો કિ.મી. ડુંગરથી નીચે ઊતરવું પડે તેમ છે. રોડ ઉપર જ કંઈક સ્થાન હોય તો નીચે ઊપર ઉતર ચઢ કરવી નહીં. સ્થાનની ગવેષણા થાય ત્યાં સુધી અમે બસ સ્ટેશનમાં બેસીને જ પ્રભુદર્શન આદિ આવશ્યક ક્રિયાઓ આટોપી લીધી. ત્યાં જ એક કિ.મી. દૂર એક સારું સ્થાન મળી ગયું. અમે ત્યાં પહોંચ્યા એક ઘર હતું. ઘર તો શું કહેવું એક કાચું છાપરું અથવા ઢાળીયું કહો તો ચાલે. એક જૂના જમાનાના ભાભા બેઠેલા ૨ વર્ષની એક નાની ઢીંગલી પાસે હતી. કદાચ પોતરી હોય કે દોહિત્રી. તો અમે પહોંચ્યા તેમના ઘરે. તેમણે હાથ જોડીને અભિવાદન કર્યું. હિમાલયી ડોસાને અમારી વાત કરી. કહ્યું કે અમે ગુજરાતથી આવ્યા છીએ. અમે જૈન સાધુ છીએ. આજે સાંજ સુધી અમારે અહીં વિશ્રામ કરવો છે. શું અમે અહીં રહી શકીએ. પેલા હિમાલયના ગુજરાત સે યહાં તક પૈદલ ચલકર આયે હો? અમે કહ્યું હા ભાઈ! ચાલીને આવ્યા છીએ. આખા હિમાલયમાં પગે ચાલીને જ સ્પર્શના કરવાના છીએ. આજે તમારે ત્યાં અતિથિ છીએ. પેલાભાઈએ કહ્યું બાબાજી! આપ ભોજન મેં ક્યા લેંગે. અમે કહ્યું જો હમે ચલેગા વૈસા લેંગે, નહીં તો હમારે સાથ આદમી હૈ વો કર લેગા સબ. વૃદ્ધઉવાચ-આપ ઈતની દૂર સે આયે હો તો ચાય તો પીઓ. બિસ્કીટ ખાઓ, નાસ્તા કરો. આપકી સારી વ્યવસ્થા હો જાયેગી. અમે કહ્યું અમે આ બધું ન લઈએ. અમે તો એકવાર દાલ-રોટી લઈશું બસ. પેલો વૃદ્ધ આશ્ર્વર્યમિશ્રિત અહોભાવથી અમને જોતો રહી ગયો. બાજુના એક નાના રસ્તાથી અમને ઢાળિયાની નીચે લઈ ગયા તો ત્યાં એક ત્રણ રૂમનું ઘર હતું. બહાર વરડો પણ મોટો. અમે તો વરડામાં જ જમાવ્યું. ભાભા પણ ભાવિક હતા. “આ તમારું જ છે જે જોઈએ તે વાપરો તમારા જેવા સાધુ સંતો અમારી ઝૂંપડીમાં ક્યાંથી? અમે ત્યાં રોકાયા. આખાય પરિસરમાં એક નજર દોડાવી. અમે ઓશરીમાં બેઠા છીએ. થોડી દૂર લાકડાનું રાધણિયું બનાવેલું છે. એક બાજુ કપડા ધોવાનો આરો છે. ચારે બાજુ ગુલાબનાં છોડવા છે. અહીં એક સાથે ૧૦-૧૫ ગુલાબના ગોટાનું ગુલ્મ લાગે. ગુલાબ મોટા અને લાલ ચટક થાય. અહીંના પીપુડા જેવા જંગલી આછા ગુલાબી રંગનાં ફૂલોએ પણ ગુલાબની સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. દૂરથી જુઓ તો જાણે રાજા રાણી લાગે. ભરાવદાર ગુલાબનો રાજા જેવો રૂઆબ અને પેલા નાના પોયણાની નમણી કાયારાણી. ખરેખર એક જમાનાનો રાજ પરિવાર હશે. એવું લાગે એમ બેઠા ત્યાંથી ૧૫ ફૂટ આગળ તો ઊંડી ખીણમાં જમનાજી વહી રહ્યાં હતાં ૩૦૦-૪૦૦ ફૂટ નીચે. નજર નાખી, નજર પહોંચે નહીં ત્યાં સુધી પાણી વહેતું હતું. બાકી ચારે તરફ ઊંચાં ઊંચાં અડીખમ શિખરો. ૭-૮ કિ.મી. સુધી તો અમારી નજર પહોંચતી હતી. બહાર તડકો અને અંદર શીળો મંદ મંદ પવન વાતો હતો. સમશીતોષ્ણ વાતાવરણ ખૂબ ગમ્યું. આરાધના સારી થઈ. સાંજે અમે વિહાર કર્યો ત્યાં સુધીમાં ઘરના ૩-૪ સદસ્ય આવી ગયા હતા.
સાંજે ૪.૦૦ વાગે વિહાર પ્રારંભ કર્યો. અમારી આનંદ યાત્રા આગળ વધી, ચાલવામાં કોઈ ઉતાવળ નથી. મંથર ગતિ એ આગળ વધવાનું છે. કલાકના ૩ કિ.મી. ચાલશું તો પણ આરામથી પહોંચી જવાશે. સૂર્યાસ્ત તો ૭.૦૦ વાગે થશે. અમે ચાલ્યા, ૩ કિ.મી. ચાલ્યા ત્યાં સ્યાનાચટ્ટી આવ્યું. ત્યાંથી કાચી કેડીમાં ચઢી ગયા, સીધુ ૨ કિ.મી. ઓછું થઈ ગયું. પણ બાજુમાં રહેલા બિચ્છુઘાસને હાથ ઘસાઈ ગયો. ખતમ વાત… બળતરા ચાલુ થઈ ગઈ. ઘણા દિવસથી જેની વાત ચાલતી હતી તેનો પ્રત્યક્ષ પ્રભાવ સાક્ષાત્ અનુભવાતો હતો. બીજું શું થઈ શકે સહન કરવું જ રહ્યું. ઉપયોગ રાખ્યો હતો તો ન થાત. ૩-૪ કલાક વેદના રહી પછી ધીરે-ધીરે ઓછી થતી ગઈ. આજનું રાત્રિ વિશ્રામસ્થળ રાનાચટ્ટી સ્કૂલમાં હતું. આ રસ્તે કદાચ પહેલી વાર કોઈ જૈન સાધુ આવ્યા હશે. આજુ બાજુ રહેતા સ્કૂલના ૪-૫ ટીચર આવી ગયા. અમારી પૂછપરછ કરી. અમારે તો એટલું જ જોઈતું હતું. લગભગ પોણો કલાક જૈન સાધુ અને જૈન ધર્મ સંબંધી જાણકારી આપી. એ લોકો અચંબામાં પડી જાય તે સહજ છે. પહેલા તો અમને સ્કૂલની બહાર વરંડામાં રહેવાની અનુમતિ પણ માંડ માંડ આપી. પછી તો રૂમ આપી અને છેલ્લે તો ઑફિસરૂમ ખોલી આપવા માટે પણ કહ્યું. પણ અમારે એની જરૂર ન હતી. રાત્રે ઠંડી ખૂબ હોય તેથી રૂમ આવશ્યક હતી. હાં… યમુના પાછળ જ હતી કલકલ નાદમાં ક્યાં ખોવાઈ ગયા એ ખબર ન પડી. છેક સવારે ૪ વાગે ભળભાંકળું થયું ત્યારે ખબર પડી. અહીં વહેલી સવારે ૪ વાગ્યામાં થોડું થોડું અજવાળું થવાનું ચાલુ થઈ જાય. લગભગ પોણા છ એ સૂર્યોદય થશે. કેટલાક પક્ષીઓ વિવિધ સુરતાલમાં મધુર ગીતો છેડી દે.
જ્યારથી હિમાલયની ગિરિમાળામાં પ્રવેશ કર્યો છે. ત્યારથી ઊંઘ અને આહાર ખૂબ ઓછા થઈ ગયા છે. કદાચ અહીંના વાતાવરણનો પ્રભાવ હોય. ૪-૫ કલાકની નિદ્રા તો ભયો ભયો. પ્રયત્ન કરવા છતાં પણ એથી વધુ ઊંઘ આવતી નથી. અને આહારમાં પણ ઘણો કાપ મુકાઈ ગયો છે. પાણી સાવ હળવું છે. વાપરીએ એટલે તરત પચી જાય.
યમનોત્રી
વૈ. વદ ૧૨, શનિવાર, તા. ૧૨-૫-૨૦૧૮
આજેતો ૧૦-૧૨ કિ.મી. ચાલવાનો વિચાર હતો. વિચાર્યું હતું જાનકીચટ્ટી જઈને ક્યાંક રોકાઈ જઈશું પછી સાંજે ૬ કિ.મી. પહાડ ઉપર યમુનોત્રી પહોંચી જઈશું. પણ ધાર્યું થયું નહીં. જાનકીચટ્ટી પહોંચ્યા ૮ વાગે. હનુમાન આશ્રમમાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. આશ્રમના બાપુ ભલા હતા. ઉંમર તો ૭૦ ઉપરની હશે, પણ અમારા માટે રહેવાની બધી જ વ્યવસ્થા કરી આપી અને અન્નેક્ષેત્રમાં આહાર માટે પણ આમંત્રણ આવી ગયું. ધર્મશાળા તો ખૂબ મોટી છે. આવ્યા-ગયા કોઈ સાધુ સંત માટે જ આટલી મોટી વ્યવસ્થા રાખી છે. અન્નેક્ષેત્ર ચાલુ છે. કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમે પહોંચ્યા પરમાત્માની દર્શનવિધિ આટોપી ત્યાં બાવાજી સૂચન આપી ગયા, ‘તુમ લોગો કો ધૂમ્રપાન કરના હો તો બહાર જાકે કરના અંદર મત કરના.’ અમે કહ્યું અમે ધૂમ્રપાન કરતા નથી. અમારે કોઈ બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા કે ગાંજાનું વ્યસન નથી. અમે તો ચા પણ નથી પીતા. બાવાજી ખુશ ખુશ થયા કહે કે ‘બહુત અચ્છા મેં ભી ચાય નહીં પીતા ખુશી સે રહો, કોઈ સેવા હો તો કહેના! ’ અમે હકારમાં માથું હલાવ્યું.
દર્શનવિધિ કરીને બધા બેઠા હતા. ઠંડી ખૂબ હતી, શીતાગારમાં અંધારું પણ હતું. વિચાર્યું હમણા જ યમનોત્રી પહોંચી જઈએ હજુ તો પોણા ૯ થયા છે. ૬ કિ.મી. ચઢવાનું છે દોઢ ૨