બદલાઈ રહેલાં સમયની સાથે લોકોની લાઈફસ્ટાઈલ પણ દિવસે દિવસે બદલાઈ રહી છે અને લોકોમાં હવે મોડે સુધી જાગવાનું પ્રમાણ પણ વધ્યું છે. જોકે, નિષ્ણાતોની વાત માનીએ તો રાતે મોડે સુધી જાગનારા લોકોમાં ટાઈપ-ટુ ડાયાબિટીસ અને હૃદય રોગ થવાનું જોખમ વધું જોવા મળે છે. જેની સરખામણીએ વહેલાં સૂઈ જનારા લોકોનું આરોગ્ય સારુ રહે છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે મોડે સુધી જાગનારા લોકોમાં ચરબીમાંથી ઉર્જા કરવાની ક્ષમતા ઘટે છે અને એટલે જ તેમના શરીરમાં ચરબી જમા થાય છે. જે ટાઈપ-ટુ ડાયાબિટીસ અને હૃદય રોગનો હુમલો થવાની શક્યતામાં વૃદ્ધિ કરે છે.
અમેરિકાની રગર્સ યુનિવર્સિટીના રિસર્ચર સ્ટિવન મલિને જણાવ્યું હતું કે, “વહેલા સૂઇ જનારા અને મોડે સુધી જાગનારા લોકોમાં ચરબીનું પ્રમાણ દર્શાવે છે કે આપણા શરીરની સૂવા કે ઉઠવાની સાઇકલની અસર શરીર દ્વારા કરવામાં આવતા ઇન્સ્યુલિનના વપરાશ પર થાય છે.” એક મેડિકલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં ટીમે લોકોને બે ગ્રુપ (વહેલા અને મોડા)માં વર્ગીકૃત કરવામાં આવ્યા. તેમણે બોડી માસના મૂલ્યાંકન, શરીરના બંધારણ, ઇન્સ્યુલિનની સંવેદનશીલતા માટે આધુનિક ઇમેજિંગનો ઉપયોગ કર્યો હતો. તેમણે ચરબી અને કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમ માટે વિવિધ સેમ્પલ્સ લીધા હતા. આ લોકોની દૈનિક પ્રવૃત્તિની પેટર્નનું એક સપ્તાહ સુધી મોનિટરિંગ કરાયું તું. તેમને કેલરી અને પોષણવાળું ભોજન અપાયું હતું. ઉપરાંત, પરિણામ પર ઓછામાં ઓછી અસર થાય એ માટે તેમને રાતે ઉપવાસ કરવાનું જણાવાયું હતું.
તેમની પાસે ૧૫-૧૫ મિનિટની બે પ્રકારની કસરત કરાવાઈ હતી. એક હળવો વ્યાયામ અને બીજો નોંધપાત્ર શ્રમ સાથેનો ટ્રેડમીલ પર વ્યાયામ. તેમની એરોબિક ફિટનેસ પણ ટેસ્ટ કરવામાં આવી હતી.
રિસર્ચર્સના જણાવ્યા અનુસાર વહેલા સૂઇ જનારા લોકોએ મોડી રાત સુધી જાગનારા લોકોની તુલનામાં આરામ કરતી વખતે તેમજ વ્યાયામ સમયે વધુ ચરબીનો ઊર્જા માટે ઉપયોગ કર્યો હતો. જ્યારે મોડી રાત સુધી જાગનારા લોકોને લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવા વધુ ઇન્સ્યુલિનની જરૂર પડતી હતી. તેમનું શરીર ઊર્જા માટે ચરબીના સ્થાને કાર્બોહાઇડ્રેડ્સનો વધુ ઉપયોગ કરતું હતું.