આપણે ત્યાં કહેવત છે કે જેની ચા બગડે એનો દિવસ બગડે અને જેના અથાણાં બગડ્યા, એનું વરસ બગડ્યું… સરસમજાનું ખાટ્ટુ-મીઠ્ઠું ચટાકેદાર અથાણું ખાવાનું કોને ના ગમે અને આ અથાણા જ તમારી ડિશને કમ્પ્લિટ તો બનાવે જ છે, પણ તેની સાથે સાથે તેના સ્વાદમાં પણ ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જો તમને અમુક ખાસ પ્રકારની શારીરિક સમસ્યા કે બીમારીઓ છે તો વધારે પ્રમાણમાં અથાણું ખાવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અથાણામાં બે વસ્તુ સૌથી વધુ હોય છે. સૌપ્રથમ, તેમાં મીઠાનું પ્રમાણ વધારે છે. જેના કારણે શરીરમાં સોડિયમની માત્રા વધે છે અને બીજું એટલે તે ખાટા હોય છે એટલે તેમાં સાઈટ્રિક એસિડનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે સારી નથી. આવો જાણીએ કે ક્યા લોકોએ અથાણું ના ખાવું જોઈએ-
જો તમને બીપી છે તો…
બીપીના દર્દીઓએ ક્યારેય ભૂલથી પણ અથાણું ન ખાવું જોઈએ, કારણ કે બીપીના દર્દી માટે અથાણું ઝેર સમાન છે. વાત જાણે એમ છે કે વાસ્તવમાં, અથાણામાં રહેલું સોડિયમ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધારી નાખે છે, જે તમારી નસોને પણ નુકસાન પહોંચાડી શકે છે, એટલે હાઈ બીપીના દર્દીઓએ અથાણું ખાવાથી બચવું જોઈએ.
લીવર અને કિડનીના દર્દીઓ માટે અથાણું બિગ નો
લીવર અને કિડનીના દર્દીઓએ તો ખાસ અથાણાંથી દૂર રહેવું જોઈએ, કારણ કે એમને અથાણાં ખાવાની નુકસાન થઈ શકે છે. વધારે પડતું સોડિયમ ખાવાથી લીવર પર તેની સીધી અસર થાય છે. આ સાથે સાથે જ શરીરમાં પાણીનું પ્રમાણ પણ વધારે છે જેથી શરીરમાં સોજો આવવાની સમસ્યા વધી શકે છે.
યુરિક એસિડના દર્દીઓ પણ મોહ ત્યાગવો જોઈએ
યુરિક એસિડના દર્દીઓએ અથાણું ન ખાવું જોઈએ, કારણ કે અથાણાં ખાવાને કારણે તેમને બળતરાં થઈ શકે છે. એટલું જ નહીં પણ આની સાથે સાથે જ ખૂબ જ ગેસ અને એસિડિટી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. ચયાપચયની ક્રિયામાં પણ બગાડો પેદા કરે છે અને તેને કારણે યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે.
ઓસ્ટીયોપોરોસીસ ધરાવતા દર્દીઓ માટે અથાણાં વર્જ્ય છે
ઓસ્ટીયોપોરોસીસના દર્દીઓ માટે વધારે પડતું અથાણું ખાવું જરાય સારું નથી. આને કારણે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે. સોડિયમનું પ્રમાણ વધવાને કારણે કેલ્શિયમની ઉણપ થાય છે. જેના કારણે હાડકા પણ નબળા પડી જાય છે. જેના કારણે હાડકાં તૂટી જાય છે.