જૈન સાધુની હિમાલય યાત્રા -આચાર્ય વિજય શ્રી હાર્દિકરત્નસૂરિજી
(ગતાંકથી ચાલુ)
આનંદમંગલ મ., રત્નયશ વિ.ના પગમાં તો ચોટવાં જ લાગી. એ તો સારું થયું, અમૃતધારા હાથવગી જ હતી. જેવી ‘જોંક’ ચોંટે એટલે એક બે ટીપા અમૃતધારા નાખી દેવાના જોંક નીકળી જાય. લોહી વહેલું બંધ થઈ જાય અને તરત રૂઝ આવી જાય. થોડું બળે ખરું. અડધો કલાક થઈ ગયો વરસાદ ધીમો પડ્યો પછી ૧૦ મિનિટમાં બંધ થઈ ગયો અમે નીકળ્યા. સામે જ કાચો રસ્તો હતો. ઉતરી ગયા અમે તો સીધા ૫ કિ.મી.ના પથ્થરે રોડ ઉપર હજુ તો પહોંચ્યા ત્યાં લાભભાઈ અને રાજુ ગોચરી લઈને સામે આવ્યા. અમે પૂછ્યું હવે આગળ ક્યાં રોકાવાનું રાખ્યું છે. રાજુ ઉવાચ્ – ‘હજુ પાંચ કિ.મી. બાકી છે.’ અમે કહ્યું અહીં રસ્તામાં ક્યાં ગોચરી વાપરશું. ક્યાંય બેસાય તેેવું નથી. હવે પાંચ કિ.મી. છે એક કલાક લાગશે. પહોંચી જઈશું. ત્યાં રાજુ કહે અહીંથી સામે શોર્ટકટ ઉતરી જાવ માત્ર ૨ કિ.મી.માં આવી જશે મંડલગામ. ત્યાં સીતારામ આશ્રમમાં આજની વ્યવસ્થા છે. બંનેને વિદાય કર્યા. અમે કાચો રસ્તો પકડ્યો. આટલો વરસાદ થયો હતો છતાં રસ્તામાં ક્યાંય પાણી ભરાયું ન હતું, કારણ કે ઊભા પથ્થરોની છફૂટી હતી. પાણી તરત નિતરી જાય. પણ ૨ કિ.મી. કેવી રીતે ચાલવું. આ વરસાદ તો પાછો ચાલુ થયો. ભારે કરી હવે તો. વળી ક્યાંક ઝાડવા નીચે ઊભા રહ્યા. ૧૫-૨૦ મિનિટ વરસાદ પડ્યો. સાડા ત્રણે અમે નીચે ગામમાં પહોંચ્યા. બધાના પગમાં ‘જોંક’ ચોંટેલી હતી. લોહીની ટસરો છેક પગની પાની સુધી પહોંચી ગઈ. એમાં’ય ભીના પગમાં તો થોડું લોહી નીકળ્યું હોય તો પણ વધુ વધુ લાગે. ‘જોંક’ ને તો મજા પડી ગઈ ક્યારે ચોંટી હશે ખબર નહીં લાંબી લાંબી થઈ ગઈ હતી. આ ઈયળની એક ટેવ સારી છે ગમે તેટલું લોહી પીએ પણ દુ:ખે નહીં, એમાં જ માણસ થાપ ખાઈ જાય. પગમાં કશું જ નથી એમ માની ને ચાલે પણ પેલી તો મજેથી લોહી પીતી હોય. ‘જોંક’ કાઢ્યા પછી પણ લોહી ચાલુ રહ્યું. એનો ઈલાજ પણ અમારી સાથે જ હતો. ચુનાની ડબ્બી સાધુ મ. વિહારમાં પોતાની પાસે રાખે જ. ઘા પર ચૂનો લગાવી દીધો. રોડની એક તરફ એક દુકાનના છજ્જા નીચે આ બધી ટ્રીટમેન્ટ પતાવી. હવે અમે સીતારામ આશ્રમની શોધમાં નીકળ્યા. ૧ કિ.મી. ચાલ્યા પછી આશ્રમમાં પહોંચ્યા, ઘડિયાલમાં ૪.૨૫ વાગ્યા હતા. સવારે સાડા પાંચના નીકળેલા સાંજે સાડા ચાર વાગે ઠેકાણે પહોંચ્યા. ટોટલ ૩૮ કિ.મી.નો વિહાર કાચા રસ્તે ૧૦-૧૨ જેટલું તો ઓછું થયું હશે. થાકીને ઢગલો થઈ ગયા હતા. ગોચરી તૈયાર હતી પણ થોડો થાક ઉતારીને પાંચ વાગે એકાસણું કરવા બેઠા. આશ્રમમાં બધી જ વ્યવસ્થા સારી હતી હવે બાકી કંઈ નથી. પડિલેહણ પ્રતિક્રમણ કરીને જલદી આવતા દિવસની પૂર્વ તૈયારીમાં સરી પડ્યા.
આખી રાત કેવા કેવા વિચાર આવ્યા. આજનો દિવસ કેવો હતો. જંગલના વાતાવરણમાં સાંભળેલી જાનવરોની ચીચીયારીઓ હજુ પણ અમારા કાનમાં અવાજ કરતી હતી. કેવું બીહડ વન? જંગલી પ્રાણીઓ અમને જોતા હતા પણ અમે તેમને જોઈ શકતા ન હતા. જોકે આડું અવળું જોવાનો સમય જ ક્યાં હતો? અમે તો સવારથી સાંજ સુધી ચાલ ચાલ જ કર્યું. એમાં’ય વિકટ અટવીમાં કંઈ થઈ જાય તો કોઈ સાંભળનાર અને સાંભળનાર મળે. તેમાંય જંગલી જાનવરોની વચ્ચેથી નીકળવાનું. એકાદ પણ રીંછ કે ચીત્તો સામે આવી જાય તો ક્યાંય જઈ શકાય એવી કોઈ જગ્યા નથી. કોઈએ બાળકોનું ‘જંગલબુક’ કાર્ટુન જોયું હોય તો ખ્યાલ આવે બસ એ જ જંગલમાં અમે ચાલી રહ્યા હતા. ભૂલથી એકાદ ડગલું પણ બીજા રસ્તે ચાલ્યા જઈએ તો કેટલાય દિવસો સુધી એ જંગલ પૂરું ન થાય. અંતે ભૂખ્યા તરસ્યા ભટક્યા કરીએ. વળી વરસાદનો કોઈ ભરોસો નહીં ગમે ત્યારે તૂટી પડે. માથું ઢાંકવા માટે બે ફૂટની જગ્યા નહીં. ઝાડ નીચે ઊભા રહીએ તો હજુ વધારે પલળી જઈએ. અમારી પાસે વરસાદથી બચવા વધારાની એક કામળી કે પ્લાસ્ટિકનો ટુકડો પણ નથી. બસ ભગવાને ભરોસે અમે ચાલી નીકળ્યા હતા નહીં તો આવા જંગલને પાર કરવું ખૂબ મુશ્કેલ હતું. પાકા રોડથી ચાલ્યા હોત તો પણ જંગલમાં કંઈ ફરક ન પડે એટલી વાત ખરી પથ્થરોને બદલે રોડ પર સારી રીતે ચલાય પણ રોડ તો છેક ક્યાંક ફરીને આવે. એમતો સાંજે ૭ લાગે પણ પહોંચાય કે નહીં. છેલ્લે સીતારામ આશ્રમ મળી ગયો તે પણ સારું થયું અહિંના મહાત્મા સારા છે. તરત જ બધી વ્યવસ્થા કરી આપી. રાત્રિ વિશ્રામ પણ આશ્રમમાં જ થયો છે. ખૂબ યાદ રહેશે આજનો દિવસ. અમને તો એક જ શ્રદ્ધા છે જેમણે અમને અહીં મોકલ્યા છે તેઓ જ અમારું ધ્યાન રાખશે તેથી અમારે કંઈ વિચારવાનું હતું જ ક્યાં? અને થયું પણ એમજ જુઓ ને અમને કોઈ ક્યાં તકલીફ આવી સાજા નરવા આરામથી અહીં આવીને આરાધના કરીએ છીએ. ખરેખર ભગવાન ઉપર ભરોસા રાખીને જીવવાવાળા ને કોઈ તકલીફ આવતી નથી. સાપ પણ ફૂલની માળા થઈ જાય. ઝેર પણ અમૃત થઈ જાય. જંગલ પણ મંગલ થઈ જાય. આવા અનુભવો અમને આ વિહાર યાત્રામાં ડગલે-ડગલે થઈ રહ્યા છે. હજુ સુધી કોઈ પ્રકારની તકલીફ આવી નથી અને આગળ પણ આવશે નહીં. આદિશ્ર્વર દાદા અમારી સાથે છે.
અહીં આવ્યા પછી છેક સાંજે ખબર પડી કે મંડલ કોઈક એક ગામનું નામ નથી. પણ ૯ ગામનાં નાનકડા ક્ષેત્રને અહીં મંડલ કહેવાય છે. આજે તો રાત્રિ વિશ્રામ કરતા વિચારતા રહી ગયા. સવારે છેક સમુદ્ર સપાટીથી ૧૨,૫૦૦ ફૂટ ઉપર હતા અને હમણા કેટલા નીચે આવી ગયા. જો કે અમે તો તુંગનાથ મંદિર સુધી ગયા હતા. એથી પણ ઉપર ‘ચંદ્રશિલા’ નામનું સ્થાન છે એ તો ૧૩૭૭૨ ફૂટ ઉપર છે.
ખરેખર આજે હિમ્મત કરીને જો તુંગનાથ ન ગયા હોત તો મનમાં રહી જાત. આખાય હિમાલયની યાત્રા કરતા તુંગનાથ શિખર કંઈક વધારે સુંદર લાગ્યું. તુંગનાથ શિખર પરથી દેખાતી ક્ષિતિજ રજતવર્ણા હિમશિખરોથી સજાવેલી હતી. જાણે આખી ધરતીને ચારે તરફથી રજત કટીમેળલા પહેરાવી હોય તેવું લાગતું હતું. અહીં એક ઠેકાણે ઊભા રહી હિમાલયના બધા જ તીર્થધામોના દર્શન થાય છે. કહેવાય છે કે તુંગનાથ મંદિરમાં મહાદેવજીના બન્ને બાહુ અને હૃદયની પૂજા થાય છે. એ જ કારણે કદાચ ઉત્તરાખંડના હૃદય તરીકે પણ પ્રતિષ્ઠિત થયું છે.
મહાદેવજીના બાહુ અને હૃદય અહીં કેવી રીતે આવ્યા એની પુરાણ કથાઓ અહીંના પુરોહિતો કહે છે. આવનારા ભાવિક યાત્રિકોએ કથાઓ ખૂબ ધ્યાનથી સાંભળે છે અને ભાવોમાં વૃદ્ધિ કરે છે. જો કે આ બધો શ્રદ્ધાનો વિષય છે. તત્ત્વ શું છે? એ તો ઉપરવાળો જાણે છે. ભારતવર્ષ આખું શ્રદ્ધા ઉપર જ તો જીવે છે. જગતમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે બુદ્ધિ ગમ્ય નથી.
તુંગનાથ ઉપર જુદા જુદા તીર્થક્ષેત્રો પણ હતા. જેમકે રાવણશિલા-ચંદ્રાશિલા-નારદશિલા-ગરૂડશિલા-ધર્મશિલા.
વળી મંદિર પરિસરમાં જ નાના મોટા ૧૨ મંદિરો છે. પંચકેદારમંદિર-ભૈરવમંદિર-ગણેશમંદિર-રુદ્રનાથમંદિર, પિતૃશિલામંદિર, ભૂતનાથમંદિર, વનદેવતા મંદિર વગેરે.
આ બધા ક્ષેત્રો અને મંદિરોની કથાઓ પણ જુદી જુદી છે. તુંગનાથથી ‘આકાશગંગા’ નામની નદી નીકળે છે. રાત્રિનો સમય ઘણો વ્યતિત થઈ ગયો છે. આવતી કાલે હજુ ચાલવાનું છે. આંખો તો ક્યારની બંધ થઈ ગઈ છે, પણ આ મન… મનમાં તો આખા હિમાલયના દૃશ્યો ચાલ્યા કરે છે.
ક્યારે ઊંઘ આવી ખબર નથી. કોઈકે સાચું જ કહ્યું છે ને…
સુવા સમાન સુખ નહીં અને મુવા સમાન દુ:ખ નહીં.
ચમૌલી
જેઠ સુદ ૨, શુક્રવાર, તા. ૧૫.૬.૨૦૧૮
ગઈકાલના થાકને ખંખેરીને વિહાર કરવા માટે સાબદા થયા. આજે તો વિચાર્યું છે ૧૨ કિ.મી.નો જ વિહાર કરવો છે. આગળ ગોપેશ્ર્વર ગામ આવે છે ત્યાં જ રોકાઈ જઈશું. સૂચના આપીને આગળ વધ્યા. આકાશમાં વાદળની દોડાદોડ ચાલુ થઈ ગઈ હતી. નીલગગનમાં છૂટા-છૂટા વાદળ હિમાલયની શોભામાં વૃદ્ધિ કરતા હતા, હિમાલયનું આકાશ દુનિયાના આકાશથી જુદુ જ દેખાય છે. આટલું સાફ કાંચ જેવું ઘાટ્ટા નીલવર્ણનું આકાશ જોતા જ આંખ ઠરે. જાણે નવડાવી ઘોવડાવી સાફ સુથરું કરીને ટીંગાળ્યું હોય તેવું પારદર્શક આકાશ માત્ર અહીં જોવા મળે. અન્ય સ્થાને ધૂંધળું આકાશ હોય. ધૂળ-ધુવાળાથી ધુમીત્ત આકાશ જોવાનું મન ન થાય. અહીં તો ઊંડા આકાશને જોવું એ પણ એક સાધના છે.
સાચી વાત છે હિમાલયનાં કેટલાક સાધકો ઊંડા આકાશનું ધ્યાન ખુલી આંખે કરે છે. કલાકો સુધી એકીટશે સતત આકાશ તરફ જોયા કરે. કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે.
અનુભવ એમ કહે છે કે સતત બ્લ્યુ આકાશ સામે જોવાથી સમાધીમાં સરકી જવાય એ વાત સાચી છે. મનની સ્થિરતા માટે આ ઉપાય પણ ઉચિત છે.
વિહાર આગળ વધ્યો ૩-૪ કિ.મી. ચાલ્યા ત્યાં એક ગામ આવ્યું. અને દૂર સામે મોટા પહાડના ઢોળાવ પર ગોપેશ્ર્વર દેખાયું. ઊડીને જઈએ તો એક દોઢ કિ.મી. થાય, પણ એ ક્યાં શક્ય હતું? રોડ તો ૮ કિ.મી. ફરીને ડુંગરની ધારે-ધારે આગળ વધતો હતો. તેમાં ગામનાં કોઈ ભલા માણસે અમને સામેથી કહ્યું, ‘બાબા! છફૂટી સે ચલે જાવ ૪ કિ.મી. મે ગોપેશ્ર્વર આ જાયેગા એમ કહી છફૂટી તરફ આંગળી ચીંધી. એની વાત સાચી હતી એક સાવ પતલી પગદંડી ગોપેશ્ર્વર સુધી જતી હતી. ‘અમને તો ભાવતું હતું ને વૈદ્યે બતાવ્યું’ પગવટીએ આગળ વધ્યા. સારું થયું આખી છફૂટી સીમેન્ટની બનાવેલી હતી, લીલોતરીની સંભાવના ક્યાંથી હોય ? મજેથી જંગલની વાટે આગળ વધ્યા. સમતલ આગળ વધતી તે છફૂટીએ અમને છેક ગોપેશ્ર્વરના પાદરમાં મૂકી દીધા.રસ્તામાં