જો તમને ‘અગ્નિપથ’ યોજના પસંદ ન હોય તો સશસ્ત્ર દળોમાં જોડાઓ નહીં, કોઈ મજબૂરી નથી: વીકે સિંહે વિરોધીઓની નિંદા કરી

ટૉપ ન્યૂઝ

કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલાઓની નિંદા કરી હતી અને જેઓને નવી નીતિ પસંદ નથી તેમને સશસ્ત્ર દળોમાં નહીં જોડાવા કહ્યું હતું.
અગ્નિપથ’ યોજના પર હિંસા અને જાહેર સંપત્તિના નુક્સાન વચ્ચે, કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહ (નિવૃત્ત)એ રવિવારે વિરોધીઓની નિંદા કરતા કહ્યું કે જો તેઓને સશસ્ત્ર દળોમાં ભરતી માટેની નવી નીતિ પસંદ ન હોય તો તેઓએ તેનો વિકલ્પ પસંદ ન કરવો જોઈએ.
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા વીકે સિંહે કહ્યું કે ભારતીય સેના સૈનિકોની ભરતી કરતી નથી અને ઉમેદવારો પોતાની મરજીથી તેમાં જોડાઈ શકે છે.
” સેનામાં જોડાવું એ સ્વૈચ્છિક છે અને કોઈ મજબૂરી નથી. જો કોઈ ઈચ્છુક જોડાવા માંગે છે, તો તે તેની ઈચ્છા મુજબ જોડાઈ શકે છે, અમે સૈનિકોની ભરતી કરતા નથી. પરંતુ જો તમને આ ભરતી યોજના (‘અગ્નિપથ’) પસંદ ન હોય તો નહીં જોડાઓ. તમને કોણ આવવાનું કહી રહ્યું છે? તમે બસો અને ટ્રેનો સળગાવી રહ્યા છો. તમને કોણે કહ્યું કે તમને સશસ્ત્ર દળોમાં ભરતી કરવામાં આવશે. જો તમે યોગ્યતાના માપદંડ પૂરા કરશો તો જ તમને પસંદ કરવામાં આવશે,” એમ તેમણે કહ્યું હતું.

સિંઘની ટિપ્પણીઓનો એક વીડિયો ટેગ કરીને, કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ પવન ખેરાએ તેમના પર કટાક્ષ કરતા કહ્યું, “પોતાની નિવૃત્તિ મુલતવી રાખવા માટે કોર્ટમાં ગયેલો વ્યક્તિ યુવાનોને 23 વર્ષની વયે નિવૃત્ત થવાનું કહી રહ્યો છે.” પ્રિયંકા ગાંધીએ અગાઉ એવું નિવેદન કર્યું હતું કે અગ્નિપથ’ યોજના યુવાનોની સાથે-સાથે સેનાને પણ બરબાદ કરશે. વી કે સિંહે ‘અગ્નિપથ’ યોજના સામે કોંગ્રેસ પક્ષના નેતા પ્રિયંકા ગાંધીના આ નિવેદન પર પણ પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ પાર્ટી મોદી સરકારના શ્રેષ્ઠ કાર્યમાં પણ ખામી શોધી રહી છે કારણ કે તેઓ ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછથી નારાજ છે.
વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ, યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષ પાસે એક માત્ર કામ બાકી છે તે છે ટીકા કરવી અને કોઈપણ સરકારી યોજનાને બંધ કરવી. તેઓ સરકારને બદનામ કરવા માટે દેશમાં અશાંતિ ફેલાવવા માંગે છે,” તેમણે કહ્યું.
અગ્નિપથ યોજના, 14 જૂનના રોજ જાહેર કરવામાં આવી હતી, જેમાં 17.5થી 21 વર્ષની વયના યુવાનોની ભરતી માત્ર ચાર વર્ષ માટે કરવામાં આવે છે અને તેમાંના 25 ટકાને વધુ 15 વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ છે.બાદમાં, સરકારે 2022 માં ભરતી માટે ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરી છે.જોકે, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આ યોજના અંગે ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. યુવાનો આ યોજના સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.અગ્નિપથ’ યોજના સામે વિરોધ, આગચંપી અને તોડફોડ કરવામાં સામેલ કોઈપણ વ્યક્તિને નવા ભરતી મોડલ હેઠળ ત્રણેય સેવાઓમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે નહીં, એમ એક વરિષ્ઠ લશ્કરી અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.વી. કે. સિંહે કહ્યું કે ‘અગ્નિપથ’ યોજનાની કલ્પના 1999ના યુદ્ધ પછી કારગીલ સમિતિની રચના કરવામાં આવી ત્યારે કરવામાં આવી હતી.
“પ્રાથમિક વિચાર એ હતો કે સૈનિક ટૂંકા ગાળા માટે સશસ્ત્ર દળોમાં જોડાઈ શકે છે….જે બે બાબતોને હલ કરશે,” લશ્કરમાં યુવાનોની આવશ્યક્તા હોય છે. ‘અગ્નિપથ’ યોજના થકી યુવાનો ભરતી થશે. યુવાનોમાં ફરજિયાત લશ્કરી તાલીમનો માર્ગ બનશે. યુવાનો અને ભારતના અન્ય નાગરિકો માટે ફરજિયાત લશ્કરી તાલીમની માંગ હંમેશાથી કરવામાં આવી રહી છે એમ જણાવતા વી. કે. સિંહે ઉમેર્યું હતું કે લશ્કરી તાલીમ અંગે વિચાર કરી ટૂંકા ગાળાની ભરતી યોજનાનો માર્ગ વિચારવામાં આવ્યો, જેમાં સેવાનો સમયગાળો ચાર વર્ષનો રહેશે અને પરફોર્મર્સને જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત, બાકીના 75 ટકા નિવૃત્તોને વિવિધ સ્થળોએ રોજગારમાં એડજસ્ટ કરવામાં આવશે. લોકો રાષ્ટ્રની સેવા કરવા માટે તેમના રસથી આર્મીમાં જોડાય છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે શું ‘અગ્નિપથ’ યોજના અંગેનો અસંતોષ ઉમેદવારોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે ભરતી રેલીઓમાં આવવાથી નિરાશ કરશે, ત્યારે ભૂતપૂર્વ જનરલે કહ્યું કે સરકારે પ્રવેશની વય મર્યાદા 23 વર્ષ (એક વખત માટે) હળવી કરી છે કારણ કે રોગચાળાને કારણે સશસ્ત્ર દળોમાં ભરતી બે વર્ષ સુધી અટકી પડી હતી.
” જો કોઈ વ્યક્તિ અગાઉની ભરતીની તકો ચૂકી ગઈ હોય તો તે હજુ પણ અરજી કરવા પાત્ર છે. આ એક સ્વૈચ્છિક યોજના છે અને જે કોઈ પણ માપદંડમાં બંધબેસે છે તે અરજી કરી શકે છે.”

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.