નેતાઓની વય નક્કી ના કરો તો યુવાનોને તક જ નહીં મળે

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

આપણા રાજકારણીઓ રાજકીય હરીફો પર પ્રહાર કરવા માટે ગમે તે ભરડી નાંખે ને પછી પોતે જ ભરાઈ જાય છે. રાજસ્થાન પ્રદેશ ભાજપ પ્રમુખ સતિષ પુનિયાના કેસમાં એવું જ થયું છે. રાજસ્થાન ભાજપ પર વરસોથી વસુંધરા રાજેનું વર્ચસ્વ છે. ભારાડી વસુંધરા ભાજપ હાઈકમાન્ડને પણ ગાંઠતાં નથી. વસુંધરાને કાબૂમાં રાખવા અમિત શાહના માણસ ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવીને મોકલાયેલા પણ વસુંધરાએ તેમને પ્રદેશ ઑફિસમાં પગ જ નહોતો મૂકવા દીધો ને લીલા તોરેણ પાછા કાઢેલા.
ભાજપે એ પછી પ્રમાણમાં નબળા સતિષ પુનિયાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા. પુનિયા પણ અમિત શાહના માણસ છે ને વસુંધરાની પાંખો કાપી નાંખવા મથ્યા કરે છે પણ વસુંધરા સામે ગજ વાગતો નથી. વસુંધરા સામે એ સતત બોલ્યા કરે છે ને તેના ભાગરૂપે તેમણે એવું નિવેદન કરી દીધું કે, રાજકારણીઓએ ૭૦ વર્ષ પછી નિવૃત્તિ લઈ લેવી જોઈએ.
પુનિયાએ ભાજપમાં ઋષિતુલ્ય મનાતા નાનાજી દેશમુખનો હવાલો આપીને કહ્યું કે, નાનાજી માનતા કે રાજકારણીઓએ ૬૫ વર્ષ નિવૃત્ત થઈને સામાજિક સેવા તરફ વળી જવું જોઈએ અને યુવાનોને તક આપવી જોઈએ પણ હું તેમાં પાંચ વર્ષ ઉમેરીને ૭૦ વર્ષે નિવૃત્ત થઈ જવું જોઈએ એવું કહું છું.
વસુંધરા અત્યારે ૬૯ વર્ષનાં છે ને રાજસ્થાનમાં ૨૦૨૩ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં ૭૦ને પાર કરી જશે તેથી પુનિયાનું ટાર્ગેટ વસુંધરા હતાં પણ વાત આડે પાટે ચડી ગઈ ને પુનિયા ભેરવાઈ ગયા. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૦ વર્ષની વય પાર કરીને અત્યારે બોતેરમા વર્ષમાં છે. તોફાની મીડિયાએ એવું અર્થઘટન કરી નાંખ્યું કે, પુનિયા મોદીને નિવૃત્ત થઈને યુવાનોને તક આપવા કહી રહ્યા છે.
ભાજપમાં મોદી સામે કંઈપણ બોલો એટલે આવી જ બને તેથી પુનિયા બરાબરના ભેરવાઈ ગયા ને ચામડી બચાવવા ખુલાસા કરતા ફરી રહ્યા છે. તેમના વિરોધીઓ પુનિયાના નિવેદનને વાયરલ કરીને બરાબરની મજા લઈ રહ્યા છે.
ખેર, પુનિયાથી મિસફાયર થઈ ગયું ને તેનાં શાં પરિણામ એ ભોગવશે એ ખબર નથી પણ તેમણે એક મહત્ત્વનો મુદ્દો છેડી દીધો છે તેમાં શંકા નથી. ભાજપમાં બહું પહેલાં એવી વાતો ચલાવાયેલી કે, પંચોતેર વરસ કરતાં વધારે વયનાં લોકોને હવે કોઈ હોદ્દા નહીં મળે. ઘણા ધુરંધરોને એ બહાને રવાના પણ કરી દેવાયેલા ને એ ઑપરેશન પત્યું એટલે પંચોતેર વરસની વાત ભૂલાઈ ગયેલી, હવે કોઈ યાદ પણ કરતું નથી. પુનિયાએ ઉંમરનો મુદ્દો છેડીને એ વાત યાદ કરાવી દીધી છે.
પુનિયાએ ભલે વસુંધરાને નિશાન બનાવીને વાત કરી હોય પણ તેમની વાત સાચી છે. રાજકારણમાં હોદ્દા લેવા માટે એક વયમર્યાદા હોવી જરૂરી છે. સૈદ્ધાંતિક રીતે આ વાત લોકશાહીના સિદ્ધાંતોની વિરુધ્ધ છે કેમ કે લોકશાહીમાં ગમે તે ઉમંરની વ્યક્તિ ગમે તે કરી શકે. રાજકારણી પણ ૭૫ વર્ષ પછી પણ સત્તામાં રહી જ શકે પણ ભારતમાં તેનો ગેરલાભ ઉઠાવાય છે. રાજકારણીઓ સત્તામાં એવા ચીટકી જાય છે કે ખસતા જ નથી ને તેના કારણે યુવાનોને તક મળતી જ નથી. ભારત વિશ્ર્વમાં સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ છે પણ સત્તામાં યુવાનોને સૌથી ઓછી ભાગીદારી પણ ભાજપમાં જ મળે છે. જે કહેવાતા યુવાનોને તક મળે છે એ બધા પચાસની આસપાસના હોય છે. ત્રીસ-પાંત્રીસ વર્ષે તક મળી હોય ને મંત્રી હોય એવા યુવાનો આ દેશમાં બહું ઓછા છે.
ઘરડા રાજકારણીઓ ખસતા નથી તેના કારણે દેશને નુકસાન થાય છે કેમ કે યુવાનોના ઉત્સાહ, યુવાનોના વિઝન, યુવાનોના ઝનૂનનો લાભ દેશને મળતો નથી. પરિણામે યુવાનોનો દેશ હોવા છતાં દેશ બુઢ્ઢાઓની મરજી પ્રમાણે ચાલે છે. તેના કારણે દેશની હાલત શું થઈ ગઈ એ નજર સામે જ છે. બુઢ્ઢાઓ ભાષણબાજી કરીને વાતોનાં વડાં કરવામાંથી ઊંચા આવતા નથી ને દેશની ઈકોનોમીની પત્તર ખંડાઈ ગઈ છે. આ સ્થિતિ બદલવી હોય તો રાજકારણમાં વયમર્યાદ નક્કી કરવી જરૂરી છે. વાસ્તવિક રીતે રાજકારણમાં વયમર્યાદા નક્કી કરવી કપરી છે. યુવાનોને વધારે તક આપવાની વાતો બધા કરે છે પણ તક આપવાની વાત આવે ત્યારે કોઈ તૈયાર થતું નથી, સત્તા છોડીને ખસતું નથી તેથી અમલ લગભગ અશક્ય છે પણ સૈદ્ધાંતિકરીતે પુનિયાની વાત સાચી છે, દેશના હિતમાં અમલ કરવા જેવી છે.
પુનિયાએ નાનાજીનો ઉલ્લેખ કર્યો છે તો તેમની વાત પણ કરી લઈએ કેમ કે ભારતના રાજકારણમાં નાનાજી જેવા વિરલા ભાગ્યે જ આવે. નાનાજીએ ઉંમર થઈ જતાં સામેથી ખસી જઈને એક દાખલો બેસાડેલો. જેમના માટે સત્તા નહીં પણ લોકોનું ભલું જ ઉદ્દેશ હોય એવા લોકો નમનને પાત્ર છે. નાનાજી એવું જ નમનને પાત્ર વ્યક્તિત્વ છે.
આજનો ભાજપ જનસંઘના પાયા પર ઊભેલો છે. આ જનસંઘની સ્થાપનાના પાયામાં નાનાજી દેશમુખ છે ને હાલના ભાજપની સ્થાપનાના મૂળમાં પણ નાનાજી છે. નાનાજીએ રાજકારણીઓએ ૬૫ વર્ષે નિવૃત્ત થઈ જવું જોઈએ એવું કહ્યું હોવાનો પુનિયાએ ઉલ્લેખ કર્યો છે. ભાજપના બીજા નેતાઓ તો નાનાજીને ના અનુસર્યા પણ નાનાજીએ પોતે તેનો અમલ કરી બતાવેલો.
ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે લડનારા વિપક્ષોએ એક થઈને જનતા પાર્ટી બનાવી ત્યારે જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવાયેલો. ૧૯૭૭માં જનતા પાર્ટીની ભવ્ય જીત પછી મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા ત્યારે જનસંઘના દિગ્ગજ નેતા તરીકે નાનાજીને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવા ઓફર કરેલી પણ નાનાજીએ ઈન્કાર કરી દીધો હતો. સત્તા માટે રાજકારણીઓ એકબીજાનાં ગળાં કાપી નાખતાં વિચારતા નથી ત્યારે નાનાજીએ કેન્દ્રમાં કેબિનેટ પ્રધાનપદ ઠુકરાવી દીધેલું કેમ કે પોતે ૬૦ વર્ષને પાર થઈ ગયા હતા.
નાનાજીએ જનતા પાર્ટીને ઊભી કરવામાં પણ મોટું યોગદાન આપેલું. આંતરિક લડાઈના કારણે જનતા પાર્ટીનો પ્રયોગ નિષ્ફળ ગયો પછી વાજપેયી સહિતના જનસંઘના જૂના નેતાઓએ નવો પક્ષ બનાવવાનું નક્કી કરતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રચાઈ. નાનાજીએ ભાજપની રચનામાં પણ મહત્ત્વનું યોગદાન આપેલું પણ પછી તરત એ નિવૃત્ત થઈ ગયા અને સામાજિક સેવા તરફ વળી ગયા. એ વખતે નાનાજીની વય ૬૪ વર્ષ હતી તેથી યુવા પેઢીને આગળ કરવા તે સામેથી ખસી ગયા હતા. ઉ

1 thought on “નેતાઓની વય નક્કી ના કરો તો યુવાનોને તક જ નહીં મળે

  1. Age limit should not be the sole criterion. An inexperienced young leader can bring about catastrophe for a country. A good example of this is the current president of Ukraine. He is young and is perhaps unaware of two incidences in history would have shown the perils and also safe path for his country. The first was the Cuban Missile crisis that was brought about by the then USSR. The latter was sending nuclear missiles to be stationed in Cuba which is about 80 miles from Florida in US. This was a direct confrontation with US which responded by blockade of Cuba. USSR ultimately backed down and the missiles were not stationed in Cuba.
    The second incidence was that of East Pakistan’s struggle to secede from Pakistan. India was helping them in their efforts. When India decided to come out openly and send in its armed forces to help. US threatened India by sending its Seventh Fleet to Bay of Bengal to thwart India’s efforts to create Bangladesh. The Indian generals pointed out that this was the only threat that India lacked ability to deal with. PM’s advisers suggested that to overcome this the Friendship Treaty with USSR be upgraded to Joint Defense Treaty. This checkmated Nixon from acting on his threat to interfere with India’s efforts in aiding to form Bangladesh.
    If Ukrainian President has paid attention, he would have known what he needed to do before he took issue with Russia. First he would have joined European Union and then join NATO in that order. This would have stopped Russia from attacking Ukraine. Being young he failed to load the dice in his country’s favor, and brought about resulting catastrophe for Ukraine.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.