આચમન -કબીર લાલણી
એકવાર એક ગામમાં દુકાળ પડે છે. એટલે ગામના બધા આગેવાનો ભેગા મળીને નક્કી કરે છે કે આપણે વરસાદ માટે પ્રાર્થના કરીએ. નક્કી કરેલ દિવસે સહુ ગામના ચોતરે
હાજર થાય છે, ત્યારે એક નાનો બાળક હાથમાં છત્રી લઈને આવ્યો હોય છે. કેવો પ્રબળ આત્મવિશ્ર્વાસ. એને વિશ્ર્વાસ હોય છે કે એ પ્રાર્થના કરશે અને વરસાદ અચૂક આવશે જ.
* આત્મવિશ્ર્વાસ એનું નામ છે.
* તમને જેમાં પૂરો ભરોસો છે, શ્રદ્ધા છે એ જ આત્મવિશ્ર્વાસ.
* ઉપરોક્ત વાતમાં દરેકને વરસાદની ઝંખના છે, પ્રાર્થના કરવી છે, પણ વરસાદ આવશે કે નહીં તેનો વિશ્ર્વાસ નથી.
* આપણા પોતાના પર જ વિશ્ર્વાસ ના હોય, શ્રદ્ધાના હોય, તો સફળતા ક્યાંથી મળે?
– આત્મવિશ્ર્વાસ એ સફળતાની મુખ્ય પ્રોડક્ટ છે.
– જ્યારે સારી પર્સનાલિટી અને હિંમત એ આત્મવિશ્ર્વાસની બાયપ્રોડક્ટ છે.
ભાંખોડિયા ભરતું હોય એવા નાનકડા શીશુને અને અંતિમ અવસ્થાએ પહોંેચેલા વૃદ્ધને પણ આત્મવિશ્ર્વાસની જરૂર
પડે. આત્મવિશ્ર્વાસ વગર કોઈનુંય પાંદડું ન હાલે.
સફળતા તમારો આત્મવિશ્ર્વાસ અનેકગણો વધારી દે છે. એનો મતલબ એ નથી કે
જેઓ સફળ નથી થતા તેમનો આત્મવિશ્ર્વાસ ઓછો હોય છે. પણ ક્યારેક વધુ
પડતો આત્મવિશ્ર્વાસ અહંકારમાં પરિણમે છે અને આ અહંકાર જ વિનાશનું કારણ
બને છે.
લંકાપતિ રાજા રાવણ બળવાન હતો, બુદ્ધિમાન હતો. તેને આજીવન અમર થવું હતું. એને વરદાન પણ હતું કે વાનર અને માનવ સિવાય કોઈ એને મારી શકે નહીં. એટલે રાવણ એટલો ઘમંડી થઈ ગયો કે જો ત્રિલોકના દેવ અને દાનવો મારું કાંઈ ન બગાડી શકતા હોય તો આ વાનરો અને માનવોનું મારી આગળ શું ગજું?
– અને કહેવાની જરૂર નથી કે આ અહંકાર જ રાવણને વિનાશ તરફ દોરી ગયો અને તેનું પતન થયું.
બોધ
* આત્મવિશ્ર્વાસ હોવો જરૂરી છે, પણ એ ઓવરકોન્ફિડન્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.
* આપણે ત્યાં સરકારી તંત્રમાં કે કોર્પોરેટ તંત્રમાં પણ ઊંચી પોસ્ટ માટે પર્સનલ ઈન્ટરવ્યુ રાખવામાં આવે છે. એનું કારણ ફક્ત એટલું જ હોય છે કે કોઈ વ્યક્તિ બુદ્ધિમત્તામાં નિપૂર્ણ પુરવાર થઈ હોય પણ જ્યારે કટોકટીની પરિસ્થિતિ હોય ત્યારે એનો આત્મવિશ્ર્વાસ કેવો રહે છે એનો ટેસ્ટ આ પર્સનલ ઈન્ટરવ્યુમાં થતો હોય છે.
સચ્ચાઈ
પંખ હોને સે કુછ નહીં હોતા,
હોંશલો સે ઉડાન હોતી હૈ…
મતલબ કે પાંખો હોવાથી જ ફક્ત
ઊડવાનું કે તરવાનું આવડે એમ નથી હોતું. ઊડવા માટે હિંમત, આત્મવિશ્ર્વાસની જરૂર હોય છે.
* આ દુનિયામાં ખોવાઈ ગયેલ, લૂંટાઈ ગયેલ મતા કે પછી આખી જિંદગી મહેનત કરીને જે સામ્રાજ્ય ઊભું કર્યું હોય એ સંપત્તિ જો પળવારમાં છિન્નભિન્ન થઈ જાય તો માણસ ચોક્કસ ભાંગી જાય, તે છતાંય એ બધું જ ફરી પાછું મેળવી શકે છે, પણ જો એકવાર આત્મવિશ્ર્વાસ તૂટી ગયો તો જીવનમાં કંઈ ના શકે.
પ્રેરણા
થોમસ આલ્વા એડિસન, અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે આગવા આત્મબળના ભરોસે જ આ દુનિયામાં કાયમ માટે નામ અમર કરી ગયા.
* આ મહાન વિભૂતિઓનો આત્મવિશ્ર્વાસ એટલો પ્રબળ હતો કે આજની તારીખે પણ તેઓના પ્રસંગો અન્યો માટે પ્રેરણારૂપ બને છે.
ખુમારી
આપણી ગુજરાતી ગઝલ, શેરો શાયરીના ખ્યાતનામ કવિ માનનીય અમૃત ઘાયલ સા’બનો ખુમારી અને આત્મવિશ્ર્વાસથી ભરપૂર એવો આ શેર વાચક – મિત્રોને અર્પણ…
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું,
આ મારી શાયરી સંજીવની છે;
ઘાયલ શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.