દીકરો ન હોય તો દીકરી કે પત્ની પણ કરી શકે છે શ્રાદ્ધ

ધર્મતેજ

પ્રાસંગિક – નિધિ ભટ્ટ

અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. આ દિવસોમાં પિતૃને યાદ કરી પિંડદાન કે તર્પણની વિધિ કરવામાં આવે છે. માન્યતા એવી છે કે પિતૃપક્ષમાં પિતૃઓ પૃથ્વીલોકમાં પોતાના પરિવારને મળવા આવે છે. પરિવારજનો પિતૃનું સન્માન કરવા શ્રાદ્ધ કરે છે અને કર્મ વિધિ કરે છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ વિધિ કરવાથી પિત-ઋણ પણ ચૂકતે થાય છે. પૂર્વજોના આત્માની શાંતિ અને મરણોપરાંત સંસ્કાર કરવા માટે પુત્રનું સ્થાન પહેલું માનવામાં આવે છે. પુત્ર જ શ્રાદ્ધકર્મ, પિંડદાન અને તર્પણ વિધિ કરવાના અધિકારી માનવામાં આવે છે, પણ જો કોઈને દીકરો ન હોય તો પછી શ્રાદ્ધ વિધિ કોણ કરે… ચાલો જાણીએ શાસ્ત્રો શું કહે છે…
વાલ્મીકિ રામાયણમાં ઉદાહરણ છે
પુત્ર જો ન હોય તો શાસ્ત્રોમાં પુત્રી કે પત્નીને શ્રાદ્ધ કરવાની અધિકારી માનવામાં આવે છે. આ સંદર્ભમાં વાલ્મીકિ રામાયણમાં ઉદાહરણ મળે છે. વનવાસ દરમિયાન ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ રાજા દશરથનું શ્રાદ્ધ કરવા માટે જાય છે. આ સમય દરમિયાન સામગ્રી લાવવા માટે રામ અને લક્ષ્મણને ઘણો સમય લાગી ગયો. ત્યારે જ આકાશવાણી થઈ કે પિંડદાનનો સમય નીકળી ગયો છે. તે બાદ માતા સીતાને દશરથના આત્માના દર્શન થયા અને તેમણે પિંડદાન કરવા માટે કહ્યું. ત્યારે માતા સીતાએ ફાલ્ગુ નદી, કેતકી ફૂલ અને ગાયને સાક્ષી માની બાલુનું પિંડદાન કર્યું હતું, જેનાથી તેમના આત્માને શાંતિ મળી હતી.
ગરુડ પુરાણ શું કહે છે?
ગરુડ પુરાણના એક શ્ર્લોકમાં પણ દીકરીઓને શ્રાદ્ધકર્મ કરવાની અધિકારી માનવામાં આવી છે. શ્ર્લોક સંખ્યા ૧૧, ૧૨, ૧૩, ૧૪માં કહેવામાં આવ્યું છે કે કઈ કઈ વ્યક્તિ શ્રાદ્ધકર્મ કરવાની હકદાર હોય છે. મોટા કે નાના પુત્રના અભાવમાં વહુ, પત્નીને શ્રાદ્ધનો અધિકાર આપવો જોઈએ. આમાં મોટી દીકરી અથવા એકમાત્ર દીકરી પણ હોઈ શકે. જો પત્ની જીવિત ન હોય તો ભાઈ-ભાણેજ, પૌત્રી-પૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે. જો એ પણ ન હોય તો શિષ્ય, મિત્ર, સંબંધી કે પછી કુલપુરોહિત પણ શ્રાદ્ધકર્મ કરી શકે છે. એટલે કે પુરુષને બદલે મહિલા સભ્યો પણ પિતૃની શ્રાદ્ધ તર્પણ વિધિ કરી શકે છે.
આમને પણ છે શ્રાદ્ધ કરવાનો અધિકાર
પુત્ર, પૌત્ર કે અન્ય નજીકના સંબંધી ન હોય તો વિધવા સ્ત્રીને પણ શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. પિંડદાન, શ્રાદ્ધના અધિકારી હંમેશાં પુત્ર કે પુત્રી જ હોય છે. પતિને પણ પત્નીનું પિંડદાન કરવાનો અધિકાર છે જો તેનો કોઈ પુત્ર ન હોય તો.
મહિલાઓએ આ રીતે
કરવાની તર્પણ વિધિ
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો મહિલાઓ શ્રાદ્ધ વિધિ કરે તો તેમણે અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે. શ્રાદ્ધકર્મ કરતા સમયે મહિલાઓ પીળા સાદા કે સફેદ વસ્ત્ર ધારણ કરે, કારણ કે સફેદ શાંતિ અને પીળો રંગ વૈરાગ્યના પ્રતીક છે. શ્રાદ્ધકર્મ દરમિયાન કુશ અને જળ સાથે તર્પણ ન કરે અને કાળા તલનો પણ ઉપયોગ ન કરે. આનો અધિકાર મહિલાઓને નથી.
આ દિવસે કરી શકે છે શ્રાદ્ધ
જો પૂર્વજોની તિથિ યાદ ન હોય તો શાસ્ત્રો અનુસાર બાળકો માટે પાંચમી તિથિ, વૃદ્ધ સ્ત્રી-પુરુષો માટે નવમી તિથિના રોજ શ્રાદ્ધ કરી શકાય છે. જો કોઈ કારણસર સાચી તિથિ પર શ્રાદ્ધ ન કરી શકીએ તો પિતૃ અમાસના રોજ પિતૃને યાદ કરીને શ્રાદ્ધ કરી શકાય છે. આમાં તમામ પિતૃઓનું ભોજન પણ હોય છે. પિતૃપક્ષમાં દરેક દિવસે દક્ષિણ દિશા તરફ મોઢું રાખી જળમાં કાળા તલ નાખી તર્પણ કરવું જોઈએ, આનાથી પિતૃ પ્રસન્ન થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.