પ્રધાનમંડળના વિસ્તરણને મુદ્દે બચ્ચુ કડુ થયા આક્રમક
પંઢરપુર: વિધાનપરિષદનાં પરિણામ વિધાનસભા કે પછી લોકસભાની ચૂંટણી પર કોઇ પણ પરિણામ અસર કરી નથી શકતાં, પણ જો પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં નહીં આવે તો તેનો ફટકો ચોક્કસ શિંદે-ફડણવીસ સરકારને બેસશે, એવો ઈશારો ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુએ આપ્યો હતો.
શિક્ષક અને ડિગ્રી જગ્યા માટે થયેલી ચૂંટણીમાં બે લાખની આસપાસ મતદાન થતું હોવાથી તેની કોઇ અસર વિધાનસભા કે પછી લોકસભાની ચૂંટણીમાં થતી નથી. પણ જો તમે રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ ન કરો તો તેને કારણે અનેક કામો રખડી પડતાં હોય છે. આથી જ જનતા નારાજ છે અને તેનો સીધો ફટકો શિંદે-ફડણવીસ સરકારને થશે, એવું કડુએ જણાવ્યું હતું.
વિધાનપરિષદ ચૂંટણીમાં જૂના પેન્શનનો મુદ્દો સામે આવતાં પરિણામ એવાં આવ્યાં છે. આ મતદાર સંઘટિત હોવાને કારણે તેની અસર પરિણામ પર જોવા મળી હતી. જોકે તેનાથી અનેક ગણા વધારે એવા અસંઘટિત ખેડૂત, ખેતમજૂર, કામગાર વર્ગના પ્રશ્ર્નો એનાથી પણ ગંભીર છે. તેમ છતાં એ તરફ દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં હાલમાં એક જ પ્રધાન પાસે અનેક ખાતાં છે. એ ઉપરાંત અનેક જિલ્લામાં એક જ પાલકપ્રધાન હોવાને કારણે લોકોનાં કામ થતાં નથી.
આથી તાબડતોબ પ્રધાનમંડળનું વિસ્તરણ થવું જરૂરી છે, જેથી લોકોના પ્રશ્ર્નો ઉકેલાય. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો સરકારે લોકોના રોષનો ભોગ બનવું પડશે, એવું બચ્ચુ કડુએ વધુમાં જણાવ્યું હતું.