Homeધર્મતેજઘરમાં પ્રેમ, સ્નેહ, સંવાદિતા, સારું વાતાવરણ અને સારાં પુસ્તકો હોય તો સંસ્કારની...

ઘરમાં પ્રેમ, સ્નેહ, સંવાદિતા, સારું વાતાવરણ અને સારાં પુસ્તકો હોય તો સંસ્કારની કોઈ તાલીમ આપવી પડતી નથી

વાંચન, વિચાર અને મનનથી માણસનું ઘડતર: સંતાનોને ધન, સંપત્તિ કરતાં સંસ્કારનો વારસો આપવો વધુ જરૂરી

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

હાલના સમયમાં કોઇની પાસે સમય નથી. માણસ પાસેથી સમય ઝૂંટવાઈ ગયો છે અને જે કંઈ સમય બચે છે તેનો સદુપયોગ થતો નથી. ખાવા, પીવા અને મનોરંજનમાં તેમજ જેમાંથી કશું નિષ્પન્ન થવાનું નથી એવી પ્રવૃત્તિઓમાં માણસો કીમતી સમય ગુમાવી રહ્યા છે. સમયના કહેવાતા અભાવને કારણે તરુણોમાં વાંચન ઘણું મર્યાદિત બની ગયું છે. ટેલિવિઝન અને મોબાઈલે જે અનેક અનર્થો સર્જ્યા તેમાં વાંચનનો ભોગ લેવાયો છે. પુસ્તકો વાંચવાની મજા અને તેમાંથી મળતા આનંદની આજની પેઢીને ખબર નથી. અખબારો પણ તેઓ બરાબર વાંચતા નથી. ફિલ્મ, સ્પોર્ટ્સ અને થોડા કમર્શિયલ ન્યૂઝ પૂરતું તેમનું વાંચન સીમિત બની ગયું છે. ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલના બિનજરૂરી વધુ પડતા ઉપયોગના કારણે શારીરિક અને માનસિક નુકસાન થઈ રહ્યું છે તે અંગે પણ લોકો પૂરતાં સભાન નથી. બાળકોના હાથમાં પણ હવે મોબાઇલ આવી ગયો છે. ચોક્કસ સારી વસ્તુઓ જોવાની લોકોની પસંદગી નથી. સમય વિતાવવા અને મનોરંજન મેળવવા માટે તેઓ જે કંઈ સાધન હાથમાં આવે તેનો ઉપયોગ કરે છે. ટેલિવિઝન અને મોબાઈલે માત્ર તરૂણોને નહીં મોટેરાઓને પણ ઝપટમાં લઈ લીધા છે. માણસો ઓફિસેથી ઘેર આવીને તેની સામે અડો જમાવે છે અને મહિલાઓ બપોરના ભાગમાં અને સાંજે પારિવારિક ઝઘડાઓ, કાવાદાવાઓ અને તિકડમોની સિરિયલો જોયા કરે છે. મનગમતી સિરિયલો સમયે કોઈ મળવા આવે તે પણ
ગમતું નથી.
મોબાઈલે માણસને સમયની બહાર કરી દીધો છે. વાંચન લુપ્ત થઈ ગયું છે. કોઈપણ પ્રશ્ર્ન અંગે વિચારવાનો અને સમજવાનો ભાગ્યે જ કોઈને સમય છે. જે મનમાં આવે તે કરી નાખવું એવી વૃત્તિ વધી રહી છે. માણસોએ આધુનિકતાના આ પ્રવાહમાં સૌથી વધુ કાઈ ગુમાવ્યું હોય તો એ છે કુદરતનું સાનિધ્ય, હરવા ફરવાની મજા અને પરસ્પરના સંબંધો. આજે એકબીજાને ઘેર જવાનો અને મળવા હળવાનો કોઈની પાસે સમય નથી. આને કારણે કૌટુંબિક અને સામાજિક સંબંધોમાં ઓટ આવી છે. એક જ શહેરમાં રહેવા છતાં નજીકના પરિવારો જલદીથી મળી શકતા નથી અને દૂરના સગાઓ તો સાવ ભુલાઈ ગયા છે. બાળકોને પણ કોઈને ત્યાં જવાનું ગમતું નથી. અભ્યાસ અને મનોરંજનમાં તેમનો સમય વ્યતિત થઈ જાય છે.
આજના સમયમાં યુવાનોને બધુ જલદીથી મેળવી લેવું અને ભોગવી લેવું છે. તેમની પાસે સમય નથી અને ધીરજ પણ નથી. ઉચ્ચ અભ્યાસ પછી માત્ર પૈસા કમાવા એ જ લક્ષ્ય બની ગયું છે. બાળકોમાં પણ શિસ્ત અને સંયમનો અભાવ રહ્યો છે. તરુણો પર મા બાપ કે શિક્ષકોનું વર્ચસ્વ રહ્યું નથી. માત પિતા પાસે પણ કોઈ આદર્શ નથી. તેમનું જીવન પણ ગૂંચવાઈ ગયું છે. એટલે સંતાનો પર તેમનો કોઈ પ્રભાવ રહ્યો નથી. સદ્ગુણો જલદી જીવનમાં ઉતરતા નથી પરંતુ દુર્ગુણો ઝડપથી ઘર કરી જાય છે. બાળકોને સારા સંસ્કારની જરૂર છે. મા બાપ સંતાનો માટે સંપત્તિ ભેગી કરે છે તેમને જરૂર કરતાં વધુ આપે છે પણ તેમને સારી સમજ અને સંસ્કાર આપવાનું સૂઝતું નથી.
ઘરમાં પ્રેમ, સ્નેહ, સંવાદિતા સારું વાતાવરણ અને સારા પુસ્તકો હોય તો સંસ્કારની કોઈ તાલીમ આપવી પડતી નથી. બધું એની મેળે આવી જાય છે. સંતાનો સાથે બૌદ્ધિક ચર્ચા વિચારણા અને વિચારોની આપ-લે કરવાનો અવકાશ રહે છે. વાંચન, વિચાર અને મનનથી માણસનું ઘડતર થાય છે. સારું સાત્ત્વિક વાંચન જીવન પર બહુ મોટી અસર કરે છે.
આપણે મોટેભાગે બાળકોને અંગ્રેજી માધ્યમોની સ્કૂલોમાં અભ્યાસ કરાવીએ છીએ. ગોખણપટ્ટી કરીને બાળકો ઊંચા નંબર લાવે ત્યારે આપણે ગર્વ અનુભવીએ છીએ. પરંતુ તેની સ્વાભાવિક અભિવ્યક્તિ અને વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે તેનો આપણને ખ્યાલ આવતો નથી. અંગ્રેજી ભાષાનું માતૃભાષા જેટલું પ્રભુત્વ તેઓ કદી મેળવી શકતા નથી. એટલે તેમનું અંગ્રેજી સાહિત્યનું વાંચન પણ હોતું નથી. ગુજરાતી ભાષા પણ તેમને બરાબર આવડતી નથી. એટલે બંને બાજુએ તેઓ ગુમાવે છે. આને કારણે તેમને પુસ્તકો વાંચવાનું મન થતું નથી અને તેમની કલ્પનાશક્તિ, ઉર્મિશીલતા અને સર્જનાત્મકશક્તિ જેટલી ખીલવી જોઈએ તે ખીલતી નથી અને બૌદ્ધિકશક્તિ વિકસતી નથી.
વાંચન અને મનન વગર માણસ સંવેદનશીલતા ગુમાવી બેસે છે. વાંચનનો શોખ સંસ્કાર પ્રેરક છે તેમાંથી ઘણું જાણવાનું અને શીખવાનું મળે છે. વાંચનમાં સમગ્ર મન, શરીર અને ચેતના
એકરસ થાય છે અને તેમાંથી મળતો નિજાનંદ અવર્ણનીય છે.
સારા પુસ્તકો સન્મિત્રની ગરજ સારે છે. એકલતા દૂર કરે છે અને તેમાંથી જીવન જીવવાનો યોગ્ય માર્ગ સાંપડે છે. માત પિતાએ બાળકોમાં વાંચનનો રસ કેળવવો જોઈએ. માણસ એની સાચી જિંદગી મનમાં જીવે છે. એની આ જિંદગીની કોઈને ખબર પડતી નથી. સુખ, દુ:ખ, આનંદ અને પીડાનો અનુભવ જે અંદરથી થાય છે તે બહાર ભાગ્યે જ દેખાય છે. માણસતા અંદરના ભાવો હોય તે મુજબનો તેનો મિજાજ રહે છે. આ તેનું વ્યક્તિત્વ છે, આમાં વાંચન મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી દુ:ખ અને નિરાશામાં નવી આશા જાગે છે અને મુસીબતને પાર કરવાની હિંમત ઊભી થાય છે. વાંચનથી મન ઘડાય છે અને તેને રચનાત્મક દિશા મળે છે.
ટેલિવિઝન, મોબાઈલ અને મનોરંજનના આટલા સાધનો નહોતા ત્યારે શાળા અને કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પુસ્તકો, નવલકથાઓ, કાવ્યો અને સાહિત્યકૃતિઓમાંથી જ્ઞાન સાથે મનોરંજન મેળવતા હતા. આનાથી સર્જનાત્મકશક્તિને વેગ મળતો હતો. યુવાનોને ઊંધા રવાડે ચડાવનારા સસ્તા મનોરંજનના સાધનો નહોતા એટલે સંસ્કાર વારસો સચવાઈ રહ્યો હતો. ગુનાખોરી ઓછી હતી ખૂન કે બળાત્કારનો બનાવ બને તો સમાજ હલબલી ઉઠતો હતો. હવે આ રોજનું થઈ ગયું છે. કોઈને કાંઈ અસર થતી નથી. માણસ અસંવેદનશીલ બની ગયો છે. ખોટું કરવાની હવે કોઈને શરમ રહી નથી.
સંસ્કારને સંબંધ છે ત્યાં સુધી શિક્ષણનો કોઈ અર્થ રહ્યો નથી. તેનું વેપારીકરણ થઈ ગયું છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો હવે પહેલાના જેવા રહ્યા નથી. વિદ્યાલયો અને શિક્ષકો હવે કોઈ પ્રેરણાના સ્ત્રોત બની શકે તેમ નથી.
આ બધું છતાં સમયની સાથે આપણે ચાલવું પડે છે. આજે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધ્યું છે એટલે બાળકોને આ પ્રકારનું શિક્ષણ આપવાનું જરૂરી બની ગયું છે. પણ સાથે સાથે તેઓ માતૃભાષા સારી રીતે બોલતા, લખતા અને વાંચતા શીખે એ અત્યંત જરૂરી છે. આ માટે માત પિતાએ ખાસ કાળજી લેવાની જરૂર છે. જે ઘરોમાં ગુજરાતી ભાષા બોલાતી હોય ત્યાં બાળકો ગુજરાતી બોલતા અને સમજતા જલદી શીખી જાય છે પણ તેમને લખતા અને વાંચતા આવડતું નથી. શિક્ષિત અને ઉચ્ચ વર્ગના લોકોમાં મા બાપ પણ ઘરમાં અંગ્રેજી બોલતા હોય છે અને બાળકો સાથે પણ અંગ્રેજીમાં વાતચીત કરતા હોય છે. ત્યાં બાળકોને સરખું ગુજરાતી બોલતા પણ આવડતું નથી. હવે શિક્ષિત મધ્યમ વર્ગને પણ આ ચેપ લાગ્યો છે. પોતાના બાળકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણે છે એટલે તેમની સાથે અંગ્રેજીમાં વાત કરવી જોઈએ તેવું તેઓ માને છે. એટલે ગુજરાતી સાથે ભાંગી તૂટી અંગ્રેજી ભાષામાં તેઓ બોલવાનો પ્રયાસ કરે છે. ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો વાપરવાનો મહાવરો વધ્યો છે. અખબારો પણ આમાંથી બાકાત નથી. આપણી ભાષા એટલી નબળી નથી કે આપણે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવો પડે. આપણે દરેક બાબતનું આંધળું અનુકરણ કરીએ છીએ. આપણી ભાષા માટે આપણને ગૌરવ હોવું જોઈએ. તે ભાષા આપણા બાળકોને ન આવડે તો આપણું માથું શરમથી ઝુકી જવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રતિષ્ઠાનું પ્રતીક બનવી જોઈએ. આ અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. નહીંતર રહ્યો સહ્યો સંસ્કારનો વારસો પણ લુપ્ત થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular