આવા હિન્દુ સંપ્રદાયો હોય તો વિધર્મીઓની શી જરૂર?

ઉત્સવ

* આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો તથા બીજા અગણિત ગ્રંથોમાં એવું કયું જ્ઞાન નથી જે આ લોકોના બાલિશ અને ગપ્પાગ્રંથોમાં છે!

* જો જીભ લપસી હોય તો આવી લાંબી લાંબી બેવકૂફીભરી કથાઓ કોઈ ન કરી શકે…

* કહેવાતા સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતા દેખાડવાની આ ચેષ્ટા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે!

રંગ છલકે -ક્ધિનર આચાર્ય

હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડતા વીડિયોઝથી આજકાલ સોશિયલ મીડિયા ઊભરાઈ રહ્યું છે અને શિવ, વિષ્ણુ, બ્રહ્મા કે દુર્ગાનું અપમાન કરતા આ વીડિયોઝ કોઈ વિધર્મીઓ નથી મૂકતા, હિન્દુ ધર્મના અમુક સંપ્રદાયોના કહેવાતા સંતો જ મૂકી રહ્યા છે. કહો કે તેમના આ વીડિયોઝ લીક થઈ રહ્યા છે. સંપ્રદાયના વિવિધ ફિરકાઓ બાખડે છે અને પછી એકબીજાના આવા ભૂંડા વીડિયોઝ વાઈરલ કરે છે. આ લોકો સતત-સખત-અવિરત બાખડતા રહે તે જરૂરી છે. એટલીસ્ટ આપણને જાણવા મળે કે હરિભક્તોનું બ્રેઈન વોશિંગ કેવી રીતે થઈ રહ્યું છે. આ કોઈ અજાણતાં મુખમાંથી સરી પડેલા શબ્દો નથી, સ્લિપ ઑફ ટન્ગ નથી. જો જીભ લપસી હોય તો આવી લાંબી લાંબી બેવકૂફીભરી કથાઓ કોઈ ન કરી શકે.
એક ટીલા-ટપકાધારી પોતાના પ્રવચનમાં કહે છે કે ‘સ્વામીબાપાને એક વખત પેશાબ લાગી, પેશાબ કરીને પછી તેઓ જોર જોરથી હસવા લાગ્યા. બધાએ કારણ પૂછ્યું તો મહારાજે કહ્યું કે પેશાબમાં મકોડો તણાઈ ગયો! બધાએ પૂછ્યું તે એમાં શું થઈ ગયું? મહારાજે કહ્યું કે એ મકોડો નહોતો, બ્રહ્મા હતો, ગયા જન્મમાં તો એ ઈન્દ્ર હતો!’ બીજો એક ભગવાધારી કહે છે કે ‘એક વખત સ્વામીજીને કેટલાક હરિભક્તોએ કહ્યું કે તેઓ ડાકોર રણછોડરાયનાં દર્શને જવા માગે છે. સ્વામીજીએ હસતાં હસતાં જવાબ આપ્યો, જઈ આવો અને દર્શન આપી (રણછોડરાયને) આવો!’ આટલું કહ્યા પછી એ કહે છે કે ‘તમે આપણો સ્તર તો જુઓ, આપણું માહાત્મ્ય જુઓ!’ ભગવાધારી બિટવીન ધ લાઈન્સ કહે છે કે સ્વામિનારાયણ પંથનો હરિભક્ત તો શ્રીકૃષ્ણ અને દેવી-દેવતાઓ કરતાં પણ મહાન છે.
આવા વીડિયોઝનો વરસાદ થયો છે. જો હિન્દુ સંપ્રદાયો જ આવા હોય તો હિન્દુ વિરોધી વિધર્મીઓની શી જરૂર! હરિધામ-સોખડાના આનંદસ્વરૂપ સ્વામીએ અજબગજબ તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે ‘તપશ્ર્ચર્યાથી ભીતર અહંકાર જન્મે છે. તમે જુઓ શંકર તપ કરે છે અને નાની નાની વાતમાં એને અપમાન જેવું લાગે છે અને બધું ધનોતપનોત કાઢી નાખે છે!’ સંત સ્વામીએ રામને એક પ્રવચનમાં સત્ત્વગુણી કહ્યા તો મહાદેવને ધમાલિયા કહ્યા.
મોરારિબાપુ બહુ વહેલા સમજી ગયા હતા. નીલકંઠવર્ણીનો અભિષેક કરવાનું બંધ કરવાની વાત કહી ત્યારે સનાતનીઓ જાગ્યા નહોતા. બાપુના શેટલિયાઓ પણ ડરના માર્યા શરૂઆતમાં ચૂપ રહ્યા હતા અને પછી સાવ દબાતા સ્વરે ચૂં-ચૂં કરવાનું શરૂ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી નાના ફિરકા એવા સરધાર પંથને કેટલાકે એવોર્ડ વાપસી કરી હતી. જોકે બી.એ.પી.એસ. કે સોખડા વિરુદ્ધ કોઈએ મ્યાંઉં કરવાની હિંમત પણ નહોતી કરી, ગર્જના તો બહુ દૂરની વાત છે.
વાસ્તવિકતા એ છે કે આ આખું ષડ્યંત્ર બહુ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. આવું જ ચાલતું રહ્યું તો પચાસ-સો વર્ષ પછી આપણાં બાળકો એનું માનતાં થઈ જશે કે સૃષ્ટિની રચના સ્વામિનારાયણે કરી હતી અને કૈલાસના અધિપતિ યોગીજી મહારાજ છે તથા ક્ષીરસાગરમાં પ્રમુખ સ્વામી નિવાસ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પેલા સ્વામિનારાયણ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામીના ભક્તો છે. આ લોકોનું સાહિત્ય પણ આવી વિકૃત વાતોથી છલોછલ હોય છે. એમાં પણ આવી વાહિયાત, કપોળકલ્પિત વાતોનો ભંડાર હોય છે.
પોતાના બે કોડીના, કહેવાતા સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતા દેખાડવાની આ ચેષ્ટા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે. આ લોકોનું ટાર્ગેટ ઑડિયન્સ સમાજનો નીચલો વર્ગ છે. જો તેમને સનાતન ધર્મના દેવતા કરતાં ચડિયાતા દર્શાવવામાં આવે તો જ આ વર્ગ પછી સંપ્રદાય તરફ આકર્ષાય. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ કરે છે – એવું જ કંઈક, પરંતુ મિશનરીઓ ઓછા જોખમી છે, કમસે કમ તેમના બદઈરાદાઓ વિશે આપણને ખ્યાલ તો છે. દુશ્મનોથી આપણે એટલીસ્ટ સાવધાન રહીએ. આ લોકો પેટમાં ઘૂસીને પગ પહોળા કરે.
સવાલ એ છે કે હિન્દુ ધર્મને આવા સંપ્રદાયોની જરૂર શી છે? આમની પાસેથી એવું શું મેળવી લેવાનું છે જે સનાતન ધર્મ આપણને નથી આપતો? આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો અને બીજા અગણિત ગ્રંથોમાં એવું કયું જ્ઞાન નથી જે આ લોકોના બાલિશ અને ગપ્પાગ્રંથોમાં છે! એક મૂઢ અને મંદમતિ વર્ગ છે જેમને આવી માથામેળ વગરની વાતોથી ભારે આકર્ષણ થાય છે. આ વર્ગ જ આવા સંપ્રદાયોનું પોષણ કરે છે.
છેવટે આ સંપ્રદાયોનું પ્રદાન શું છે? એ ન હોય તો શું સમાજ પછાત રહી જાય? ના. બિલકુલ નહીં. આ લોકોએ મહેલ જેવાં મંદિરો બનાવ્યાં, કોમર્શિયલ શિક્ષણધામ બનાવ્યાં, તગડા ચાર્જ લેતી હોસ્પિટલો બનાવી. તેમનું કોર્પોરેટ જેવું મેનેજમેન્ટ ભલભલાને આંજી દેવા સક્ષમ છે, પણ સવાલ એ છે કે શું આપણી ભીતરનો પ્રકાશ, આપણી માંહેનો દીવો સાવ ઓલવાઈ ગયો છે કે આપણને આવી ઝાકઝમાળ આંજી નાખે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.