શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: વહેલી સવારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજામાં વ્યસ્ત હોય છે. ભગવાન ગણેશ ત્યાં આવી કહે છે કે ‘માતા ખૂબ ભૂખ લાગી છે.’ માતા પાર્વતી કહે છે, ‘પુત્ર, હું પૂજા કરી રહું એટલો સમય તમારે પ્રતીક્ષા કરવી પડશે.’ ત્યાર બાદ ભગવાન ગણેશ તેમને પૂછે છે કે તમે કોની અને શું કામ પૂજા કરો છો? માતા પાર્વતી જણાવે છે કે ‘તમારા પિતા આ સૃષ્ટિના તારણહાર છે, એટલે હું તેમના આ પાર્થિવ શિવલિંગની પૂજા કરું છું અને પૂજા એટલા માટે કરું છું કે પૂજાથી આધ્યાત્મિક ઊર્જાની પ્રાપ્તિ થાય છે અને માનસિક શાંતિ મળે છે. પૂજા એ માર્ગ છે જેમાં વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિ તરફ વળે છે. પૂજા સિવાય વ્યક્તિ દિશાહીન થઈ જાય છે.’ સમજ પડતાં ભગવાન ગણેશ પણ પૂજા કરવા ઉત્સાહિત થાય છે તો તેમને સમજાવતાં માતા પાર્વતી કહે છે કે ‘પુત્ર ગણેશ, તમે એ નહીં કરી શકો, કેમ કે પૂજા કરવા માટે જીવનમાં આગ્રહ અને નિગ્રહ હોવું જરૂરી છે. આગ્રહ એટલે વહેલી સવારે ઊઠી સ્નાન કરવું અને નિગ્રહ એટલે પૂજા પૂર્ણ થયા વગર જળ અને અન્નને ગ્રહણ ન કરવું અને મને ખબર છે કે તમે તમારી ક્ષુધા (ભૂખ) નિયંત્રિત નહીં કરી શકશો, તમને તો ઊઠતાં જ મોદક જોઈતા હોય છે.’ એ જ સમયે નંદી મોદકનો થાળ લઈને આવે છે. ભગવાન ગણેશ તેમને અટકાવતાં કહે છે, ‘નહીં નંદીશ્ર્વર, આજથી હું સ્નાન અને પૂજા જેવા નિત્યક્રમ પૂર્ણ કર્યા વગર કંઈ જ નહીં આરોગું.’ તો બીજી તરફ કલ્પવૃક્ષ પાસે એકત્રિત થયેલા સપ્તર્ષિને ભગવાન શિવ જ્ઞાન આપતાં કહે છે: ‘પૂજા એ વિધિ છે જેના દ્વારા આપણે આપણી ઊર્જા એકત્રિત કરી બ્રહ્માંડની મહાઊર્જા સાથે જોડીએ છીએ. મહાઊર્જા સાથે જોડાયા બાદ આપણામાં એકાગ્રતા આવે છે અને એકાગ્રતા જ જ્ઞાનનાં દ્વાર ખોલે છે. જ્ઞાન આપણને શરીર અને જીવનના ભૌતિક સંસારની નિરર્થકતા સમજાવે છે. જો આપણે અંત:કરણને નહીં સમજીએ તો ભટકી જઈશું અને ભટકવાનો અર્થ છે પાપ તરફ વળવું અને જ્યાં સુધી સંસારમાં પોતાના સ્વાર્થ હેતુ પૂજા થતી રહેશે ત્યાં સુધી સંસારથી કષ્ટ દૂર થવા સંભવ નથી. જે ધર્મનું નિર્માણ સ્વાર્થ દૂર કરવા હેતુ થયું હોય અને એ જ ધર્મ સ્વાર્થને પૂર્ણ કરવાનું સાધન સમજવા લાગે તો એ ચિંતાનો વિષય છે. એ જ સમયે કૈલાસ પર દારૂકાનો ‘ઓમ પાર્વતેય નમ:’નો ધ્વનિ સંભળાવા લાગે છે. પ્રસન્ન માતા પાર્વતી દારૂકા પાસે પહોંચી વરદાન આપે છે. વરદાન માગતાં દારૂકા કહે છે કે ‘આ વનને હું ક્યાંય પણ લઈ જઈ શકું તેવું વરદાન આપો.’ માતા પાર્વતી ‘તથાસ્તુ’ કહી તેને વરદાન આપે છે.
* * *
દારૂકાને વરદાન આપી માતા પાર્વતી કૈલાસ પહોેંચે છે તે જ સમયે ભગવાન શિવ પણ કૈલાસ પહોંચતાં માતા પાર્વતી કહે છે: ‘દારૂક અસુરની પત્ની દારૂકા મારી અત્યંત કઠોર તપસ્યા કરી રહી હતી, ફક્ત મને પ્રસન્ન કરવા હેતુ મેં તેને વરદાન આપ્યું છે.’
ભગવાન શિવ: ‘તપસ્યા સફળ હોય તો વરદાન દેવું અનિવાર્ય છે, પણ વરદાન માગવાવાળો વરદાનથી ઉન્મુક્ત થઈ જાય તો એ વરદાનનો દુરુપયોગ કરવા માંડે છે અને એ વરદાન જ સંસાર માટે અભિશાપ પુરવાર થાય છે.’
માતા પાર્વતી: ‘પરંતુ દારૂકા અસુર પત્ની હોવા છતાં પણ નિ:સ્વાર્થી છે, એણે માગેલા વરદાનથી એને કોઈ લાભ થવાનો નથી, તેનો ઉદ્દેશ જ જગત કલ્યાણનો છે, બહુ જ ઉચ્ચતમ વિચારો છે તેના.’
ભગવાન શિવ: ‘સમયાંતરે જ તમે આપેલા વરદાનની પ્રતિક્રિયા સમજાશે.’
એ જ સમયે તેમને દૃશ્યમાન થાય છે કે તેમનો લાડકવાયો ગણેશ તેમની પૂજા કરી રહ્યો છે.
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ ઊઠો, પહેલા દિવસે આટલી પૂજા બહુ છે. તમે સવારથી કંઈ પણ આરોગ્યું નથી, તમને જરૂર ભૂખ લાગી હશે. જુઓ તમારા પિતા પણ અહીં આવ્યા છે.’
ભગવાન ગણેશ: ‘પિતાજી, તમે મારી પૂજાથી પ્રસન્ન થયા હો તો વરદાન આપો.’
માતા પાર્વતી: ‘વરદાન, શું કામ?’
ભગવાન ગણેશ: ‘જો તમે પ્રસન્ન થયાં હો તો મને પણ મારી ઇચ્છાનુસાર વરદાન મળવું જોઈએ.’
ભગવાન શિવ: ‘પુત્ર, પુજા અને તપસ્યાની સફળતા વરદાનથી નથી અંકાતી, સફળતાનો માપદંડ એ હોય છે કે તપસ્યા કરનારને સત્યની અનુભૂતિ થઈ કે નહીં અને તેને શું આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રત્યેક વરદાન પાછળ અતિમહત્ત્વનું કારણ હોવું પણ અનિવાર્ય છે. વરદાન આપવાવાળાએ વરદાન લેવાવાળાની મંછા પણ સમજવી રહી. પુત્ર, મને તમારા જીવનમાં કોઈ અભાવ દેખાતો નથી તો વરદાનની શું આવશ્યકતા? ચાલો પૂજા સમાપ્ત થઈ ગઈ છે, ભોજન ગ્રહણ કરો.’
ભગવાન ગણેશ: ‘નહીં, મને જ્યાં સુધી વરદાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં આરોગું.’
માતા પાર્વતી: ‘સ્વામી, ગણેશ બાળક છે એને વરદાન આપી દો.’
ભગવાન શિવ: ‘બોલો પુત્ર, તમને શું વરદાન જોઈએ છે?’
ભગવાન ગણેશ: ‘હું વરદાન માગું છું કે મારાં માતા-પિતા સદૈવ આનંદમાં રહે અને એક આદર્શ માતા-પિતા બની સંસારને તેનું ઉદાહરણ આપે અને સદૈવ મારું માર્ગદર્શન કરતાં રહે.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ. જો તમારા જેવા વિચાર દરેક વરદાન પ્રાપ્ત કરવાવાળાના હશે તો સંસારનું કલ્યાણ નિશ્ર્ચિત છે.’
વરદાન મળતાં જ ભગવાન ગણેશ માતા-પિતા સાથે ભોજન ગ્રહણ કરે છે.
* * *
દારૂકાને વરદાન મળતાં જ દારૂકા વનના અસુરો ગેલમાં આવી જાય છે અને દારૂકાનો જયજયકાર કરે છે.
દારૂક: ‘દારૂકા, તેં વરદાન તો મેળવી લીધું, આગળ તારી યોજના શું છે.’
દારૂકા: ‘આ દારૂકા વનમાં સંસારને પોષિત કરવા માટેનાં બધાં જ સંસાધન છે. હું આ દારૂકા વનને ઊંચકી સમુદ્રની મધ્યમાં લઈ જઈશ.’
દારૂક: ‘પણ એનાથી આપણને શો લાભ?’
દારૂકા: ‘મનુષ્યો અને દેવો માટે આ વન સુધી પહોંચવું અસંભવ થતાં આ વનનું સુખ ફક્ત અસુરોને જ પ્રાપ્ત થશે, આ વન અસુરોની શક્તિનું સાધન બનશે અને ત્યાર બાદ પૃથ્વી પર આક્રમણ કરી માનવોને આપણા દાસ બનાવીશું અને દાસો પર પૂજા, પાઠ, મનન, ચિંતન, ભક્તિ, સાધના વગેરે બધા પર પ્રતિબંધ રહેશે અને કોઈ પૂજાભક્તિ જ કરતું નહીં હોય તો વરદાન પણ કોઈને નહીં મળે અને કોઈને વરદાન જ નહીં મળે તો મારાથી શક્તિશાળી પણ કોઈ બની નહીં શકે.’
દારૂક: ‘પણ જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મહાદેવે મધ્યસ્થી કરી છે અને તેમની મધ્યસ્થી એટલે આપણો પરાજય.’
દારૂકા: ‘દારૂક, આપ એ પણ યાદ રાખો કે આ વરદાન મને સ્વયં માતા પાર્વતીએ આપ્યું છે, જ્યારે માતા પાર્વતીની કૃપા આપણા પર હોય તો મહાદેવ પણ અસુરોનું કંઈ નહીં બગાડી શકે.’
અટ્ટહાસ્ય કરી દારૂકા વનને આદેશ આપે છે કે હે વન, હું તમારી સ્વામિની છું, ઊઠો અહીંથી. વન દારૂકાના આદેશથી પૃથ્વીથી વિખૂટું પડી સમુદ્રના મધ્યમાં સ્થાયી થાય છે.
* * *
બ્રહ્મલોક ખાતેથી બ્રહ્માજી આ દૃશ્ય જોઈ વિચલિત થાય છે અને ક્ષીરસાગર ખાતે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે પહોંચે છે.
બ્રહ્માજી: ‘હે પાલનહાર, દારૂકા એ વનને પાતાળ લોક લઈ જઈ સૃષ્ટિચક્રમાં હસ્તક્ષેપ કરી રહી છે. ભૂમિ અને સમુદ્રની મર્યાદા તોડી રહી છે. દારૂકાને દેવી પાર્વતીનું વરદાન પ્રાપ્ત હોવાથી આપણે રોકી નહીં શકીએ, પણ આપણે કંઈક કરવું જોઈએ.’
ભગવાન વિષ્ણુ: ‘હા બ્રહ્મદેવ, હું દારૂકાની ગતિવિધિઓ જોઈ રહ્યો છું. વરદાન દેવી પાર્વતીએ આપ્યું હોવાથી આ સમસ્યાનું નિરાકરણ ફક્ત મહાદેવ પાસે જ છે અને મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે મહાદેવ આ સમસ્યાનું સમાધાન યોગ્ય સમયે જરૂર કાઢશે અને વનને ફરી એની જગ્યાએ સ્થાપિત કરશે. તમારે વધુ ચિંતા કરવાની જરૂર નથી.’ (ક્રમશ:)