ભક્તિમાં સારા વાચનની શક્તિ ભળે તો સોનામાં સુગંધ ભળે

ઉત્સવ

ઓપન માઈન્ડ -નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો? સૌપ્રથમ તો જગત જનનીને, મારા જન્મદાતાને, જનેતાને, મારાં ભાઈભાન્ડુઓને, તેમના પરિવારને, મારાં સગાંવહાલાંને, કુદરતે રચેલા દરેક સર્જનને, મને લાગતાવળગતાને, સહકર્મીઓને, સજીવ, નિર્જીવ,પશુ-પ્રાણીઓ, ફૂલપત્તાંને, ટૂંકમાં કહું તો સર્વેસર્વાને, ધરતીને, આકાશને, ચારે દિશાઓ તથા બ્રહ્માંડને મારા અત્યારથી ‘મિચ્છા મિ દુક્કડમ’ અને હેપ્પી પર્યુષણ. સર્વે જીવ શાતામાં રહે. જાણતાં-અજાણતાં આ શરીરથી કોઈનું પણ દિલ દુભાયું હોય તો અમને ક્ષમા કરજો જી. જય જિનેન્દ્ર, મિત્રો.
શ્રાવણ આખો સમજાવે કે ભક્તિ કર ભાનમાં આવ. અભિમાન ઉતાર, માનમાં આવ. ભાદરવો આવશે, આનંદના તહેવારો લાવશે. જીવનની મોનોટોની છોડાવશે. ઉત્સવરૂપે માણસોનો મેળાપ કરાવશે. બધાને મજા આવશે.
વાચકમિત્રો! એક વાત તમને જણાવું. મારા ખૂબ ગમતા ભારતીય ઉત્સવો અને તહેવારોમાંનો એક ખૂબ ગમતો પર્યુષણનો તહેવાર. ઈસ્લામ, પર્શિયન, ક્રિશ્ર્ચિયન, બંગાળી, શીખ, જૈન, એવમ સનાતની સંસ્કૃતિ તથા જીવનશૈલી કુદરતે મને નાનપણથી જિવાડી છે. કુદરત શું કરવા માગે છે તે તો મને નથી સમજાયું, પણ કુદરત શું કહેવા માગે છે તે સમજાયું છે કે કોઇ પણ કાસ્ટ, ક્રીડ કે કોમ્યુનિટી હોય, કોઈ પણ પદ્ધતિ હોય, દરેકેદરેક વાતનો સાર એક જ કે તમારું ગુમાન તમને ક્યારેય માન અપાવવાનું નથી. માટે અહંકારને અધ્યાત્મથી આકાર આપો, કારણ કે માણસો કોઈ દિવસ કશું માફ કરતા નથી. થયેલી ભૂલને પણ તેઓ પાપ અને સજાને પાત્ર જાહેર કરે છે. નો સેક્ધડ ચાન્સ. રાઇટ!. જેને આપણે ટફ કોમ્પિટિશનનું નામ આપ્યું છે.
પણ કુદરત…? ભગવાન, અલ્લાહ, જિઝઝ, ખોદાયજી, જે કહેવા હોય તે, ધે ગિવ અસ સો સો સો મેની ચાન્સીસ ટુ ઇમ્પ્રુવ. એવરી વન. બધાને. જેમ આખા વર્ષમાં ભગવાન તમને એકબીજાની માફી માગીને એકબીજાને ક્ષમા કરવાનો અવસર પણ આપે છે. કેવું છે નહીં! માણસ બધું લે લે કરે છે અને કુદરત બધું આપ આપ કરે છે. હવે કોઈ કહેશે એ કઈ રીતે? તો હું કહીશ કે આ રીતે. આજના જે શબ્દો, આજનું વાચન અને વાચનનો બોધપાઠ જે છે તે.
ભગવાનજી આપણને વારે વારે કોઈ પણ રીતે, યેનકેન પ્રકારે, આપણા સુધી, આપણા કાન સુધી, આપણી સ્મૃતિમાં, આપણા માણસ હોવાના સંસ્કાર જાગૃત કરે છે. શબ્દો દ્વારા, કોઇના સંદેશા દ્વારા, આપણને એ સંદેશો આપતા જ હોય છે. બસ આપણે ધ્યાન આપવાની વાર છે. વિદ્યા, વ્યાયામ, વાચન અને સારા વિચારો આટલું જો વ્યક્તિ રોજ કરે પોતાના જીવનમાં તો એનું જીવન ખરેખર સુંદર થવાનું જ. આવું આપણા બધાના વડીલો કહે છે બરાબર!! તો ચાલો એ અનુભવ કરીએ. આજે સુંદર, સારા ને સમજણા વિચારોનું રિવિઝન કરીએ. આ રિવિઝન શબ્દ પણ કમાલનો છે. જુઓ… આ શબ્દની સંધી છોડો અને જુઓ તમારું ફોકસ એ શબ્દને સમજવાનું. રીવિઝન (રી…વિઝન). ફરી એક વાર જુઓ, વાંચો, સમજો. જેમ આપણે આજે કરશું રીવિઝન… અર્થપૂર્ણ શબ્દોનું. આપણામાં રહેલા ગુણોનું. ગુણ અવગુણમાં ગુસ્સો ક્યાંય ન ગણવો. કારણ? આપણે બધા જાણીએ છીએ કે કેવી કપરી પરિસ્થિતિમાંથી આપણે બધા પસાર થતા હોઇએ છીએ, એટલા માનસિક ઘોંઘાટમાં ગુસ્સો કોઇને પણ આવવો એ બહુ જ સ્વાભાવિક છે. (આ વાત સાથે તો બધા સહમત થશે. બરાબર મિત્રો…)
હા, તો મૂળ વાત એ કે આને આપણે વાંચીશું, પણ વાંચીને શાંતિથી સમજીને એનું શક્ય હોય તેટલું જ અનુસરણ કરવાનો પ્રયાસ કરીશું. શનિવારે શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને ભાદરવાનો આરંભ થશે. ગજાનનાય ગણપતિબાપ્પાનું આગમન થશે. મસ્તમજાનો ભક્તિરસ જાગ્રત છે બધામાં. ભક્તિમાં સારા વાચનની શક્તિ ભળે તો સોનામાં સુગંધ ભળે, એવું કહે છેને આપણે ત્યાં. તો ચાલો ભળીએ. સોનું અને સુગંધ બનીએ. શ્યામના મુગટનું મોરપંખ બનીએ.
ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને ચારેય આશ્રમોના ધર્મો સમજાવ્યા. ઉદ્ધવજી પ્રશ્ર્નો પૂછે છે અને ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ એટલે શું ?
બુદ્ધિને પરમાત્મામાં સ્થાપવી તે શમ છે.
દમ એટલે શું?
ઇન્દ્રિયોને વશ કરવી તે દમ છે.
દાન કોને કહેવાય?
કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો તે શ્રેષ્ઠ દાન છે.
તપ કોને કહેવાય?
સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે.
શૌર્ય કોને કહેવાય?
વાસનાને જીતવી તે શૌર્ય છે. સ્વભાવ પર વિજય મેળવવો તે શૌર્ય છે.
સત્ય કોને કહેવાય?
બ્રહ્મનો વિચાર કરવો તે સત્ય છે.
સાચું ધન કયું?
ધર્મ (સ્વ-ધર્મ) એ જ મનુષ્યનું ઉત્તમ ધન છે.
લાભ કયો?
પરમાત્માની ભક્તિ મળવી તે ઉત્તમ લાભ છે.
પંડિત કોણ?
બંધન અને મોક્ષનું તત્ત્વ જાણે તે પંડિત. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે, તે સાચો જ્ઞાની-પંડિત.
મૂર્ખ કોણ?
શરીરને જે આત્મા માને છે, તે મૂર્ખ છે. ઇન્દ્રિય સુખમાં ફસાયેલો તે અજ્ઞાની મૂર્ખ છે.
ધનવાન કોણ?
ગુણોથી સંપન્ન અને સંતોષી, તે ધનવાન.
દરિદ્ર કોણ?
જે અસંતોષી છે, તે ગરીબ છે. જે મળ્યું છે, તે જેને ઓછું લાગે છે ગરીબ છે.
જીવ કોણ?
માયાને આધીન થયો છે તે જીવ. સંસારના વિષયોમાં ફસાયેલો અને ઇન્દ્રિયોનો ગુલામ છે તે.
વીર કોણ?
અંદરના શત્રુઓ મારે તે વીર.
સ્વર્ગ શું અને નરક શું?
અભિમાન મારીએ તો સત્ત્વગુણ વધે. પરોપકારની ઈચ્છા થાય, તો સમજવું કે તે સ્વર્ગમાં છે. આળસ, નિદ્રા ને ભોગમાં સમય જાય તો સમજવું કે તે નરકમાં છે.
ઓહ ગોડ, અમારા બધાનાં જીવન સ્વર્ગમય થાય તેવી તમને ખૂબ ખૂબ વિનંતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.