મહાપાલિકા ચૂંટણી: ભાજપની ગુજરાતીની બીજી કૅડર નારાજ થાય તો તેમને આવકારવા બીજા પક્ષોએ પાથરી લાલ જાજમ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર બધાની મીટ છે. દેશના સૌથી મોટું બજેટ ધરાવતી મહાપાલિકા પર પ્રભુત્વ જમાવવાનું શિવસેના અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાય એમ છે. આ ચૂંટણીમાં ભાજપ રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે યુતિ કરે અને શિવસેના શિંદે જૂથ અને આરપીઆઈ તથા બીજા અપક્ષોને અમુક બેન્કો ફાળવે તો ભાજપની ગુજરાતીની બીજી કેડરમાં અસંતોષ ફેલાઈ શકે છે. શિવસેના અને બે કાંગ્રેસ આ અસંતોષને એન્કેશ કરવા સજ્જ છે. શહેરની પાલિકામાં સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવતા ગુજરાતીઓને જો આ વખતે ઉમેદવારી આપવાની ભાજપ કચાશ રાખશે તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આ તક ગુમાવશે નહીં.
ગુજરાતી બહુમત વિસ્તાર ધરાવતા વોર્ડમાં જો ભાજપ દ્વારા ગુજરાતીઓને ઉમેદવારી નહીં મળે તો સિનારિયો અલગ સ્વરૂપ ધારણ કરી શકે એમાં કોઇ બેમત નથી. ઈતર જ્ઞાતિના ઉમેદવારોને જિતાડવા માટે પણ જ્યારે ગુજરાતી મતદારોને મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો ભાજપ દ્વારા ગુજરાતીઓને ઉમેદવારી આપવામાં નહીં આવે તો ઉપેક્ષિત ગુજરાતીઓ કોઇ પણ પક્ષમાં ઢળી શકે છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ આવા ઉપેક્ષિત ગુજરાતીઓ માટે લાલ જાજમ બિછાવી રાખી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
હાલમાં જ મુંબઈ મહાપાલિકા સહિત અનેક નગરપાલિકાઓના વોર્ડની પુન:રચના કરવાનો શિંદે-ફડણવીસ સરકારે પસાર કર્યા બાદ ભાજપમાં કામ કરતા અનેક કાર્યકરોને પોતાને ઉમેદવારી મળશે એ અંગે પાણી ફરી વળી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં હોવાથી ભાજપના ગુજરાતીઓને ઉમેદવારી નહીં મળે તો તેઓને પોતાની તરફેણમાં લેવાની કોશિશમાં અન્ય પક્ષો લાગી ગયા છે.
મુલુંડ, ઘાટકોપર, પાર્લા, અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહીંસર જેવા ઉપનગરમાં અનેક વર્ષોથી કાર્ય કરી રહેલા ગુજરાતી કાર્યકરોને આ વર્ષે તો પાલિકામાં ઉમેદવારી મળે એવી અપેક્ષા છે, રાજ્યમાં સત્તાપલટો થયા બાદ નવાં સમીકરણો જોવા મળ્યા બાદ હવે તેઓને ઉમેદવારી મળશે કે કેમ તેની અનિશ્ર્ચિતતામાં વધારો થયો છે. બહુભાષી ગુજરાતી વિસ્તારોમાં ગુજરાતીઓનો મત નિર્ણાયક ઠરતા હોય છે ત્યારે ભાજપ દ્વારા કોને ઉમેદવારી આપવામાં આવે છે ત્યાર બાદ ઘણી ઊથલપાથલ જોવા મળી શકે એમ છે. ભાજપ દ્વારા ઉપેક્ષિત કરાયેલા કાર્યકરો માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આવા ગુજરાતીઓની શોધ ચલાવી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથે બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારનું પતન થયું. ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એવી ચર્ચાએ જોર પકડ્યું ત્યારે સૌના આશ્ર્ચર્યની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસને નાયબ અને એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. આના પરથી એટલું તો કહી શકાય કે દિલ્હીમાં બેસેલા વરિષ્ઠ નેતાઓની નજર મહારાષ્ટ્ર પર બરાબર ચોંટી છે.
પ્રધાનમંડળના વિસ્તરણ કોઇ પણ ઘડીએ થઇ શકે છે અને એમાં નવા ચહેરાઓને તક આપવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ત્યારે મહાપાલિકાની ચૂંટણી પણ ઢૂંકડી જ હોવાથી એ અંગે ભાજપ શો નિર્ણય લેશે એ તો સમય જ નક્કી કરશે.

કેટલી બેઠકોમાં ગુજરાતીનો દબદબો?
મુંબઈ પાલિકાની બેઠક ઘટીને ફરી ૨૨૭ કરાઈ છે. મુંબઈમાં ૨૨ ટકા મરાઠી, ૨૦ ટકા ગુજરાતી અને ૧૫ ટકા ઉત્તર ભારતીયો હોવાનો અંદાજ છે. ૮૦ જેટલી બેઠકમાં ગુજરાતી મતદારોના મત નિર્ણાયક હશે. આ જ પ્રમાણે ૫૦ બેઠકમાં ઉત્તર ભારતીયના મતદાતાનો દબદબો છે. ૧૯૭૯-૮૦ના ગાળામાં એડવોકેટ રજની પટેલ અને ભાનુશંકર યાજ્ઞિકને લીધે કૉંગ્રેસનું ગુજરાતી મત પર પ્રભુત્વ હતું. જોકે ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમીત શાહને લીધે આખી ગુજરાતી વોડ બૅંક સાગમટે ભાજપ તરફ વળી છે. તાજેતરમાં કૉંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ મુંબઈ કૉંગ્રેસને ગુજરાતીઓને મહત્ત્વના હોદ્દા આપવાના અને ગુજરાતી મતદારને આકર્ષવાના તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને મત આપીને મુંબઈ કૉંગ્રેસમાં ગુજરાતીને સ્થાન અપાઈ રહ્યું છે. બીજા પક્ષો પણ ભાજપની બીજી કેડર નારાજ થાય તો તેનો લાભ ઉઠાવવાની
પેરવીમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.