બે ડોઝ કરતા બૂસ્ટર ડોઝ લેનારાઓમાં એન્ટિબોડિઝ વધુ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, છતાં કોરોનાના નવા વેરિયન્ટના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસન નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવા માટે સતત અપીલ કરતી હોય છે. આ દરમિયાન પાલિકાએ કોવિડ -૧૯ના ‘સેરોસર્વે-છ’ના બીજા તબક્કામાં સર્વેના પરિણામ જાહેર કર્યા હતા, જેમાં કોવિડના બે ડોઝ લેનારાઓની સરખામણીમાં બૂસ્ટર ડોઝ લેનારાઓમાં એન્ટિબોડિઝ પ્રમાણ વધુ જણાયું હતું.
સર્વેક્ષણના સહભાગી થયેલા લોકોમાંથી વૅક્સિનના બે ડોઝ લેનારાની સરખામણીમાં બૂસ્ટર ડોઝ લેનારાઓની રોગપ્રતિકારક શક્તિ વધુ જણાઈ હતી.
સિરોસર્વેનો બીજો તબક્કો છ મહિના પછી કરવામાં આવ્યો હતો. પહેલાં તબક્કામાં ૩,૦૯૯ વ્યક્તિઓ ભાગ લીધો હતો. બીજા તબક્કામાં ૨,૭૯૯ (૮૮ ટકા) સહભાગીઓએ ભાગ લીધો હતો, જેમાં ૫૦ ટકા ફ્રન્ટલાઈન કામગારો અને ૫૦ ટકા આરોગ્ય કર્મચારી હતા.
આ સર્વેક્ષણમાં ભાગ લેનારા ૨,૭૩૩ લોકોમાંથી ૫૯ ટકા ૨૫થી ૪૫ વર્ષની વયના હતા, જ્યારે ૪૧ ટકા ૪૫થી ૬૫ વર્ષના વયજૂથના હતા, તેમાં ૫૭ ટકા પુરુષો અને ૪૩ ટકા મહિલાઓ હતી.
સર્વેમાં જણાયું હતું કે માત્ર ૧.૩ ટકા વ્યક્તિઓએ કોવિડથી બચવા માટે રસીનો એક જ ડોઝ લીધો હતો. જ્યારે ૫૫ ટકા લોકોએ બે ડોઝ લીધા હતા અને ૪૩ ટકા લોકોએ વૅક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો હતો. તો ૦.૭ ટકા લોકોએ કોવિડની વૅક્સિન લીધી નથી. બૂસ્ટર ડોઝ લેનારી વ્યક્તિમાં બે ડોઝ લેનારા કરતા વધુ એન્ટિબોડિઝ હતા.