ઔર યે મૌસમ હંસીં…-દેવલ શાસ્ત્રી
गाडी बुला रही है, सीटी बजा रही है
चलना ही जिंदगी है, चलती ही जा रही है
વૈશ્ર્વિક ડેટા મુજબ, ૧૮થી ૨૯ વર્ષ ઉંમર ધરાવતા ૭૦% પાસે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ છે. ૩૦થી ૪૦ વર્ષની ઉંમરવાળા ૭૭%, ૫૦થી ૬૪ ઉંમરના લોકોમાંથી ૭૩% તથા ૬૫ વર્ષથી મોટા ૫૦% સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. સોશિયલ મીડિયામાં સમય આપે છે. જેઓ ન્યૂઝ પેપર તથા અન્ય માધ્યમથી વાચક મિત્રો છે. આ બધા મિત્રોને એક પ્રશ્ર્ન પૂછવાનું મન થયું, છેલ્લે સીટી ક્યારે વગાડી હતી? સીસોટી કે વ્હિસલ યાદ છે? ઇવન અચાનક ટ્રાય કરશો ત્યારે ખ્યાલ આવશે કે એક જમાનામાં ભલભલાં ગીતો સીટી વગાડીને ગાતા હતાં, આજે મોંમાંથી એ અવાજ ગાયબ થઈ ગયો, સીટી એ માત્ર અવાજ ન હતો પણ એ ખુશી, એ આનંદનો નિજાનંદ હતો. હવે રાત્રે અગિયાર વાગે શહેરોમાં બગીચા બંધ કરતાં સિક્યોરિટીવાળા સીટી વગાડતા હોય છે. બાકી હવે સીટી ભૂલાતી જાય છે.
આમ તો સીટી વગાડવી એ પુરુષપ્રધાન પ્રવૃત્તિ ગણાય. સ્ત્રીઓને અસભ્ય પ્રવૃત્તિ માનીને સીટી વગાડતા રોકવામાં આવતી. હા, સીટી વગાડવાથી માણસનો મૂડ સુધરી શકે છે અથવા કેવા મૂડમાં છે તે જાણી શકાય છે.
આપણે ત્યાં વડીલો માનતા કે સીટી વગાડવી અશુભ છે. જો કે અશુભની માન્યતા દુનિયાના ઘણા દેશોમાં છે. ગમે ત્યાં સીટી વગાડવાથી નુકસાન થઈ શકે છે. વર્ષ ૧૭૮૬માં ફ્રેન્ચ પેલિયર સીટી વગાડતો હતો, એ સમયે લુઇ સોળમાની પત્ની મેરી એન્ટોનેટ પસાર થતી હતી પેલિયરને જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. આપણે ત્યાં પણ સીટી વગાડવા બાબતે ઝઘડા થઈ ચુક્યા છે.
આઇલેન્ડમાં રાત્રે અગિયારથી સવારે સાત સુધી જાહેરમાં સીટી વગાડવા પર પ્રતિબંધ છે, એ જ આઇલેન્ડના લોકનૃત્યમાં કલાકાર હોય કે સામાજિક મેળાવડા કે પછી પબના ઘોંઘાટમાં વાત કહેવા માટે વ્હિસલ કે સીટી સહજ છે.
આમ પણ અત્યારે વસંત અને વેલેન્ટાઈનનો સમય છે, કદાચ પ્રેમની અભિવ્યક્તિ કરવા સીટી વગાડતા ઉત્સાહીઓ નજરે ચડી શકે છે. હા, સીટી વગાડવાથી માણસ લાગણી વ્યક્ત કરવા સાથે કંટાળાજનક કામોમાંથી મુક્તિ મેળવે છે, છતાં છેડતી જેવી ઘટનામાં સીટી વગાડવી મોટો રોલ ભજવે છે. મૂળ વાત એટલી જ કે ક્યાં અને કોની સમક્ષ સીટી વગાડવી એ સમજ હોવી જોઈએ. હા, બેસૂરી સીટી તો ત્રાસ પણ આપતી હોય છે.
સીટી વગાડવાના સકારાત્મક શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભો પણ છે. આપણા આધુનિક સમાજમાં સીટી વગાડવી એ જાણે એક લુપ્ત થતી કળા હોય તેવું લાગે છે. બીજાનું છોડો, તમે આજકાલ સીટી વગાડો છો? શું તમે તમારી આસપાસ અન્ય લોકોને સીટી વગાડતા સાંભળ્યા છે?
આપણામાંના ઘણા લોકો સંસ્મરણો યાદ આવતાં સીટી વગાડતા. વર્ષો પહેલા જાણે દર બીજી વ્યક્તિ પુરુષ સીટી વગાડતા હતા. શારીરિક શ્રમની મજૂરી કરતો માણસ પણ મફતનો આનંદ એવી સીટી વગાડીને હળવો થતો હતો.
ખાસ તો ૭૦ અને ૮૦ના દાયકાના ટીવી શો, મૂવીઝ અને ગીતોમાં પણ નિયમિતપણે સીટી વાગતી જોવા મળતી હતી.
હવે લોકોનો સીટી વગાડવાનો અવાજ આધુનિક જીવનમાંથી અદૃશ્ય થઈ ગયો છે. એક સર્વેક્ષણમાં, લગભગ સિત્તેર ટકા લોકોનું કહેવું છે કે બે કે ત્રણ દાયકા પહેલાની સરખામણીમાં આજે એટલા લોકો સીટી વગાડતા નથી. નિર્દોષ સીટીનો આનંદ કોણ લઇ ગયું? હાથવગી ટેકનોલોજી… દરેકના હાથમાં આવેલા મોબાઈલ થકી એ આનંદ દૂર થયો. સામાન્ય મજૂરનું નિરીક્ષણ કરશો તો તે વીડિયો જોવાનો આનંદ માણવાનું વધુ પસંદ કરે છે, જ્યારે વિદ્યાર્થી વર્ગ ઇયરફોન અને પોર્ટેબલ મ્યુઝિક પ્લેયરનો ઉપયોગ કરે છે. આ બધા વર્ગને પોતાના સંગીત કરતાં રેડીમેડ ટેકનોલોજીમાં વધારે રસ છે.
વ્હિસલિંગ વાસ્તવમાં એક કળાનું સ્વરૂપ છે, જેમાં પ્રેક્ટિસ, શિસ્ત અને દક્ષતાની જરૂર પડે છે. તમે છેલ્લે ક્યારે સીટી વગાડી હતી? આજે ટ્રાય કરો અને એક સેલ્ફી આપો! લોકોને તમારા મસ્ત મૂડનો ખ્યાલ આવશે.
આપણે ગુજરાતી ભાષાના સાપેક્ષે બે શબ્દોની વાત કરીએ છીએ, વ્હિસલ અને સીટી. પહેલાં વ્હિસલની વાત, પાંચ હજાર વર્ષ પહેલા વ્હીસલ ચીનમાં પ્રગટ થયેલી. હાન રાજવંશમાં લડાઈઓ વખતે સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામે અથવા હુમલાની શક્યતાઓમાં કોઈ અલગ અવાજની જરૂર વ્હિસલે પૂરી કરી ત્યાંથી ચાર હજાર વર્ષ પછી યુરોપ પહોંચી. બારમી સદીમાં પક્ષીઓનાં હાડકામાંથી વ્હિસલ બનતી, જેમાં પ્રગતિ થતાં અઢારમી-ઓગણીસમી સદી સુધીમાં શેરડીના સાઠામાંથી વ્હિસલ બનતી થઈ.
છેક ૧૮૪૩માં લાકડાની વ્હિસલ બની, વર્ષ ૧૮૭૦ના દાયકામાં જહાજના ક્રૂને આદેશ આપવા વિશિષ્ટ વ્હિસલ આવી. વર્ષ ૧૮૮૪માં ઇંગ્લેન્ડના જોસેફ હડસને વ્હિસલમાં ક્રાંતિ લાવી, જેમાં વ્હીસલમાં વટાણાનો દાણો વાપરવામાં આવ્યો. આ ટેકનિક લંડન પોલીસને પસંદ પડી અને વર્ષ ૧૯૧૪માં આધુનિક કહી શકાય એવી વ્હિસલ આવી. ૧૮૭૮ સુધી ફૂટબોલ જેવી રમતોમાં રેફરી ફલેગનો ઉપયોગ કરતા. નોટિંગહામ ફોરેસ્ટ અને ઇંગ્લિશ ફૂટબોલ ટીમ વચ્ચેની મેચમાં પહેલીવાર વ્હિસલનો ઉપયોગ કરવામાં આવ્યો. લાઇફ જેકેટ સાથે જીવ બચાવવા પાણીમાં વાપરી શકાય એવી વ્હિસલ આવી દોઢસો વર્ષની થયેલી આધુનિક વ્હિસલ ટ્રાફિક પોલીસ કે સ્કૂલની પરેડમાં હતી, પણ વ્યસ્ત જિંદગીમાં કોણ યાદ રાખે? યાદ કરો, વ્હિસલ ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે સાંભળી? આજે લેશન કરજો. એકાદવાર લોંગ ડ્રાઇવ પર નીકળો, રસ્તામાં એકાંત શોધો અને જોર જોરથી રૂપિયાવાળી લાલ-પીળી પ્લાસ્ટિકની વ્હિસલ વગાડજો, જલસો પડશે. સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળીને મજા આવશે.
બાય ધ વે, થોડું શોધશો તો ખબર પડશે કે આટલા બધા પ્રકારની વ્હિસલો હોય છે? લાંબી છ છિદ્રો સાથે વ્હિસલ હતી, મેટલની વ્હિસલ હતી, સાદી પ્લાસ્ટિકની જૂની ટ્રેનમાં અલગ વ્હિસલ વાગે અને ગાડી ‘સીટી બજા રહી હૈ’ જેવાં ગાયનો લખાયા કે ‘પાકિઝા’ જેવી ક્લાસિક ફિલ્મના ગીતમાં ખાસ વ્હિસલ વાગી. ફેક્ટરીમાં અલગ પ્રકારની વાગે, કૂતરાઓ માટે અલગ ફ્રિકવન્સી સાથેની ‘ડોગ વ્હિસલ’ સીટીઓનો ઉપયોગ કૂતરાઓને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવે છે. જમાનાઓથી માણસો કૂતરા સાથે સીટી વગાડીને વાતચીત કરતા હતા. કૂતરાને બેસવા અને શાંત રહેવા પણ સીટી થકી સમજાવી શકો છો.
ટ્રાફિક પોલીસના ડ્રેસ એવી રીતે ડિઝાઇન થયા હતા કે તેની સાથે વ્હિસલ આવી શકે. પ્રેશર કૂકરની વ્હિસલ તો યાદ છે ને? ચાલીસ કરતાં વધુ પ્રકારની
વ્હિસલ હોવાનો અંદાજ છે. હા, ભૂખ લાગે ત્યારે પેટમાં અલગ જ વ્હિસલ વાગતી હોય છે.
હા, વ્હિસલનો એક પ્રકાર એટલે હાથવગી સીટી વગાડવાની કળા યાદ કરો. નીચેના દાંત સાથે જીભ અડકાડીને વગાડાતી સીટી, ખાસ કરીને નાનાં બાળકોને રમાડતા વગાડતા હોઠને ‘ઓ’ શેપમાં લાવીને વગાડાતી મધુર મધુર સીટી. આ સીટી પર ઘણાં ગીતો ગાયાં હતાં. હોઠમાંથી જીભ નીચે બન્ને હાથની બે બે આંગળીઓ નાખીને વગાડાતી જોરદાર સીટી. અંગૂઠો અને તર્જની આંગળી જોડીને રાઉન્ડ બનાવી જીભ પર મૂકીને વગાડાતી આક્રમક સીટી. જીભને તાળવે ચોંટાડીને વગાડાતી સીટી
સીટીનો એક જ નિયમ છે, જેની હાજરીમાં વગાડો એને ગમવી જોઈએ અને મૂડ અને માહોલ હોવો જોઈએ. પત્ની રસોડામાં રેબઝેબ હોય અને સીટીઓના પ્રયોગ કરવા જાવ તો પરિસ્થિતિ વિસ્ફોટક બની શકે. તમારું જોખમ તમે જાણો… બાકી…
ધ એન્ડ :
धक्के पे धक्का, रेले पे रेला
है भीड इतनी पर दिल है अकेला
गम जब सताये, सीटी बजाना
पर मसखरे से दिल न लगाना
कहता है जोकर