Homeઈન્ટરવલકેવી રીતે રાખશો સમયને પોતાની મુઠ્ઠીમાં?

કેવી રીતે રાખશો સમયને પોતાની મુઠ્ઠીમાં?

પ્રાસંગિક -નિધિ ભટ્ટ

આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે સૌથી પહેલા સમય નોંધવામાં આવે છે. ત્યારથી જ આપણા જીવનમાં સમયનું ચક્ર શરૂ થઇ જાય છે. ધર્મ કહે છે કે સમય મુઠ્ઠીમાં રાખેલી રેતીની જેમ સરતો રહે છે. મરીઝ સાહેબે એટલે જ કહ્યું છે કે,
જિંદગીના જામને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે
શું કરું, સમય નથી, આ એક ગોખેલા વાક્યની જેમ આપણી વાતચીતમાં વારંવાર બોલવામાં અને સાંભળવામાં આવે છે. ટાઈમ મેનેજમેન્ટ ટ્રિક્સ આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે. શાળામાં ૪૫ મિનિટનો સમયગાળો, ૩ કલાકની પરીક્ષા, ઓફિસમાં ૯ થી ૫ સમય, બધું ઘડિયાળ ને કાંટે ચાલે છે, દરેક કામનો ચોક્કસ સમય હોય છે. ટાઈમ મેનેજમેન્ટ મુશ્કેલ છે, પરંતુ કેટલીક ટેક્નિક છે જેનાથી ટાઈમ મેનેજમેન્ટ શક્ય બને છે.
ધ્યાન ક્યાં છે: આજકાલ આપણું ધ્યાન ભટકાવવા માટે ઘણી વસ્તુઓ છે. કામની વચ્ચે, વોટ્સએપ અથવા સોશિયલ સાઇટ્સ, ઇમેઇલ્સ, ફોન કોલ કરવા અથવા એટેન્ડ કરવાનાં… આ બધા વિચલિત કરતા સંસાધનો ન તો તમને કોઈ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા દેશે, ન તો તે તમને તે કાર્યને યોગ્ય રીતે કરવામાં સફળ થવા દેશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા હો, તો તમારા ફોનને ઓછામાં ઓછો અડધો કલાક એવી જગ્યાએ રાખો જ્યાં તેને ઉપાડવો સરળ ન હોય.
એક સમયે એક કાર્ય: એકસાથે ઘણા બધા કાર્યો હાથમાં લેવાનો અર્થ એ છે કે એક પણ કાર્ય યોગ્ય રીતે ન થવું. સૌથી અગત્યની, તાકીદની, ઓછામાં ઓછી મહત્ત્વની અને બિન-આવશ્યક વસ્તુઓની ટુ-ડુ યાદી બનાવો. કયું કામ સૌથી અગત્યનું છે તે જુઓ, પહેલા તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
સમયનું યોગ્ય રોકાણ: તમે જે રીતે પૈસા ખર્ચો છો તે રીતે સમય પસાર કરો, બેસ્ટસેલર લેખક ટોની રોબિન્સ તેમના પુસ્તક ધ અલ્ટીમેટ ગાઈડ ટુ ટાઈમ મેનેજમેન્ટમાં કહે છે: વ્યક્તિ હંમેશાં પૈસા બચાવવા વિશે વિચારે છે. સમય પણ અમૂલ્ય છે, જેને સમજદારીપૂર્વક ખર્ચવો જોઈએ. તમારા સમયનો પૂરો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, જો કોઈને વાંચવું ગમે છે પરંતુ તેની પાસે સમય ઓછો છે, તો મુસાફરીના સમયમાં વાંચવાનું શરૂ કરો અથવા ઑડિયો બુકના યુગમાં ડ્રાઇવિંગ કરતી વખતે સારા પુસ્તકો સાંભળો. આ તમારી રૂચિ જાળવી રાખવામાં મદદ કરશે.
આટલું વ્યસ્ત રહેવું સારું નથી: બિલ ગેટ્સે ક્યાંક કહ્યું, કબૂલ કરો કે તમે ખૂબ વ્યસ્ત છો, જવાબદારીઓથી ઘેરાયેલા છો, પરંતુ તમારા કેલેન્ડરમાં દરેક તારીખ કોઈને કોઈ કામ કે એપોઈન્ટમેન્ટ માટે નિશ્ર્ચિત હોય એ જરૂરી નથી. થોડા દિવસો ખાલી રાખો, જેથી તમે અચાનક સામે આવતી પરિસ્થિતિઓ પર ધ્યાન આપી શકો. ખૂબ વ્યસ્ત હોવાનો અર્થ એ નથી કે સારું કામ. એકાગ્રતાથી કરેલું કામ ઓછા સમયમાં પૂરું થઈ શકે છે, તો પછી બેદરકારીથી પણ એ જ કામમાં ઘણો વિલંબ થઈ શકે છે. સમયને પૈસાથી ખરીદી શકાતો નથી, તેથી તેને નિયંત્રિત રાખવો એકમાત્ર રસ્તો છે.
સ્વ મૂલ્યાંકન મહત્ત્વપૂર્ણ: શું તમે તમારા કાર્ય વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો છો? તમારી આદતો, દિનચર્યાઓ અથવા કામ કરવાની રીતો શું છે. તમારા કામનું મૂલ્યાંકન કરતા રહેવું મહત્ત્વપૂર્ણ છે. જો તેમાં કંઈક ખોટું લાગે તો તેને બદલવાનો પ્રયાસ કરતા રહો. દરરોજ સવારે તમારી જાતને યાદ કરાવો કે દિવસનો કયો ભાગ ક્યાં અને કયા કામ માટે વાપરવો. પાછલા દિવસ અથવા અઠવાડિયા વિશે પણ વિચારો, તમે તેમાં તમારું કાર્ય કેવી રીતે પૂર્ણ કર્યું તેનો વિચાર કરો. આ તમારી જાતને વ્યવસ્થિત રાખવામાં મદદ કરશે અને તમારી ઉત્પાદકતા વધારવામાં પણ મદદ કરશે.
ટાઈમ બ્લોકીંગ મેથડ: ઉદ્યોગપતિ એલોન મસ્કે ટાઈમ બ્લોકીંગ અથવા ટાઈમ બોક્સીંગ મેથડ દ્વારા જણાવ્યું છે કે વ્યક્તિ પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકે છે-
૧. એક કાગળ અથવા નોટબુક લો અને તેને બે સ્તંભોમાં વિભાજીત કરો. એક કોલમમાં તમારા દિવસના કાર્યો અને બીજી કોલમમાં તેના પર વિતાવેલો સમય લખો.
૨. જો કોઈ કાર્ય ખૂબ જ ગંભીર અથવા સમય માગી લેતું હોય, તો તેને એકસાથે કરવાને બદલે નાના ભાગોમાં કરો. તેમાં વિતાવવા માટેના સમયનો અંદાજ સમજદારીપૂર્વક અને વ્યવહારિક કાઢો.
૩. ઘણી વખત કામમાં કોઈ પ્રકારનો વિક્ષેપ આવે છે, તેનાથી પરેશાન ન થાઓ, ફરીથી પ્લાન કરો. આ માટે તમારી જાતને દોષમાં ન નાખો, નહીં તો બાકીના કામ પર પણ નકારાત્મક અસર પડશે.
૪. સાંજે એક કે બે મિનિટ માટે તમારા પ્લાન પર એક નજર નાખો અને જુઓ કે કેટલાં કાર્યો સમયસર પૂરાં થયાં, કેટલાં કાર્યોમાં વિક્ષેપ કે વિલંબ થયો અને તેનું કારણ શું હતું.
૫. આ ટાઈમ બોક્સિંગ અથવા બ્લોકિંગમાં અનિવાર્ય પરિસ્થિતિઓ માટે મોકળાશ રહે તેની ખાતરી કરો. આ દિવસનું આયોજન ફક્ત એટલા માટે કરવું જોઈએ કે તમે શિસ્ત સાથે કામ કરી શકો. આમાં કોઈપણ પ્રકારનું દબાણ અનુભવશો નહીં, નહીં તો સમય વ્યવસ્થાપન આયોજન જ તણાવ આપવાનું શરૂ કરશે.

RELATED ARTICLES

Most Popular