ધર્મ જો પ્રેમ અને આનંદ બને તો પરમ સુખ

ધર્મતેજ

સાચા પ્રેમમાં કશી અપેક્ષા હોય નહીં

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

મહાવીર પ્રભુનાં વચનો છે પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ અને મૈત્રીભાવ રાખો. પ્રેમ, કરૂણા અને મૈત્રી હોય ત્યાં હિંસા સંભવી શકે નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં રાગ – દ્વેષ ના હોય. પ્રેમ એટલે સમર્પણ. કશી અપેક્ષા નહીં. પણ સાચો પ્રેમ શું છે એ સમજવું મુશ્કેલ છે. વાસના, ઈચ્છા, આકાંક્ષા અને કશું પ્રાપ્ત કરવાની ભાવના પ્રબળ બને છે ત્યારે પ્રેમ ધીરે ધીરે અદૃશ્ય થાય છે. આવો પ્રેમ લાંબો સમય
ટકતો નથી.
પ્રેમ એ જીવનનું અમૃત છે. ધન વગર માણસ જીવી શકે, પરંતુ પ્રેમ વગરનું જીવન શુષ્ક બની જાય. માણસના તમામ સંબંધો પ્રેમ પર આધારિત છે. પ્રેમમાં સ્વાર્થ આવે છે ત્યારે તે પ્રેમ રહેતો નથી પણ સોદો બની જાય છે. પ્રેમ બંધન છે અને મુક્તિ પણ છે. સાધારણ રીતે આપણે જે પ્રેમને જાણીએ છીએ તે બંધન છે. તેને પ્રેમ કહેવાનું વ્યર્થ છે. પ્રેમનું બંધન અપેક્ષાઓથી નિર્મિત થાય છે. પ્રેમના સંબંધો કશું મેળવવા માટે હોય તો આમાં પ્રેમ સાધન છે સાધ્ય નહીં. આમાં સમગ્ર નજર મેળવવા પર હોય છે. દેવાનું ગૌણ બને છે. માણસ કોઈને પ્રેમ કરે છે તો સામે મેળવવા માટે જ. આમાં પણ આપ્યા વગર પ્રેમ મળી જાય તો એ વધુ માફક આવે. મનુષ્યનો સ્વભાવ છે કશું આપ્યા વગર બધું મેળવી લેવું છે. પણ હકીકત એ છે કે આપ્યા વગર દુનિયામાં કશું મળતું નથી. અને પ્રેમ તો એવી ચીજ છે જેટલા પ્રમાણમાં આપીએ તેટલા પ્રમાણમાં મળે. પ્રેમમાં સ્વાર્થ, લોભ, અને સાંકડી મનોવૃત્તિ હોય તો અંતે કશું હાથમાં આવતું નથી.
પ્રેમ એ સોદો નથી એમાં કેટલું મળ્યું અને કેટલું ગુમાવ્યું એવો હિસાબ થઈ શકે નહીં. પ્રેમ જ્યારે લેવડદેવડનું સ્વરૂપ ધારણ કરે, જેમાં ભય અને દબાણ હોય, ઝૂંટવી લેવાની ભાવના હોય ત્યારે ખરા અર્થમાં પ્રેમ રહેતો નથી. આ પ્રકારના પ્રેમમાં કેટલું આપવું પડ્યું તેના પર ધ્યાન કેન્દ્રિત હોય છે. કેટલું મળ્યું છે તે દેખાતું નથી. દરેકને એમ થાય કે હું સામી વ્યક્તિને કેટલો પ્રેમ કરું છું પણ તેને મારા પ્રેમની કશી કદર નથી. હું જેટલું કરૂ છું તેટલો સામેથી પ્રતિભાવ મળતો નથી. માને પોતાના સંતાનો માટે અપાર પ્રેમ અને ચાહના હોય છે. તે કદી એમ નહીં વિચારે કે બદલામાં મને શું મળ્યું ? પ્રેમના સંબંધોમાં જેમને એવો વિચાર થાય કે મને શું મળ્યું તો નિશ્ર્ચિત માનજો કે તેણે સાચો પ્રેમ કર્યો નથી. જ્યારે દ્રષ્ટિ મેળવવા પર હોય ત્યારે સાચો પ્રેમ પ્રગટ થતો નથી. અપેક્ષાઓ યુક્ત પ્રેમ બંધન બને છે. આમાં દુ:ખ અને પીડા સિવાય બીજું કશું નિષ્પન્ન થતું નથી.
સાચો પ્રેમ હોય ત્યાં કશી અપેક્ષા હોય નહીં, આમાં સમર્પણની અને ન્યોછાવર થવાની જ ભાવના હોય. આમાં દેવાનું જ મહત્ત્વ છે. કશું લેવાનો સવાલ નથી. પ્રેમમાં કશું મેળવવાની અપેક્ષા એ બંધન છે અને સમગ્ર ધ્યાન આપવા પર જ હોય ત્યારે મુક્તિ છે. આમાં કશી ઈચ્છા અને લાલસા નથી. કશું જોઈતું નથી એટલે કશી પીડા નથી. મન આપવા માટે ઉત્સુક હોય અને સામી વ્યક્તિ તેના પ્રેમનો સ્વીકાર કરે તો તેનો આનંદ અનોખો હોય છે. જેનું ધ્યાન લેવા પર હોય તેનો ભિક્ષા ભાવ વધતો જાય છે. ભિખારી ગમે તેટલું મળે આભાર માની શકતો નથી. તેની આકાંક્ષા વધુ હોય છે એટલે તેને જે મળે તે ઓછું લાગે છે. માત્ર લેવાની દાનત હોય તે હંમેશાં યાચક જ રહે છે. જીવનમાં આપ્યા વગર કશું મળતું નથી.
એક ભિક્ષુક રાજ માર્ગ પર હાથ લાંબો કરીને ઊભો હતો. ચામડી છૂટે પણ દમડી ન છૂટે એવો તેનો સ્વભાવ હતો. પ્રભુને તેની કસોટી કરવાનું મન થયું. અને તેઓ રાજાનો સ્વાંગ ધારણ કરીને ભિખારી સામે હાથ લાંબો કરીને ઊભા રહી ગયા અને કહ્યું હું તને રોજ આપું છું આજે તારે મને કાંઈક આપવું પડશે. ભિખારીને થયું આ તો લેવાના દેવા થઈ ગયાં. થેલીમાં થોડું પરચૂરણ હતું. પણ આપવા માટે જીવ ચાલ્યો નહીં.
સામે રાજા હાથ પ્રસારીને ઊભા હતા. કાંઈક આપવું પડશે. તેનું મન કચવાઈ રહ્યું હતું. પણ આપ્યા વગર છૂટકો નહોતો. મથામણ પછી તેણે ઝોળીમાં હાથ નાખીને એક નાનો સિક્કો રાજાના હાથમાં મૂકી દીધો. પ્રભુ ચાલ્યાં ગયાં. ભિક્ષુકનું મન દુ:ખી દુ:ખી થઈ ગયું. તેને થયું કે ગરીબની ઝોળીમાંથી રાજાએ એક સિક્કો છીનવી લીધો.
આવું વિચારતો વિચારતો દુ:ખી મને તે ઘેર આવ્યો અને થેલી થાળીમાં ઠાલવી તો તેમાં સોનાનો એક સિક્કો હતો.
ભિક્ષુક આ જોઈને દિગ્મૂઢ થઈ ગયો. રાજાના રુપમાં પ્રભુ તેની પાસે આવી ગયા હતા પણ તે મોકો ચૂકી ગયો. તેને ભારે અફસોસ થયો. તેને થયું મેં આખી થેલી રાજાના હાથમાં કેમ ધરી દીધી નહીં.
મન ઉદાર હોય તો પ્રભુ આપના માટે બેઠેલો છે. જીવનમાં આપણે જેટલું આપીએ તેના કરતાં અનેક ગણું આપણને એક યા બીજા સ્વરુપે મળી જતું હોય છે. પ્રેમનો જાદુ પણ એવો છે માગો તો કશું મળે નહીં અને ન માંગો તો બધું પ્રાપ્ત થઈ જાય. પ્રેમમાં કશું કરવાનું હોતું નથી પ્રેમમય બની જવાનું હોય છે. પ્રેમ અને કર્તવ્યમાં ફરક છે. માતા માંદગીના બિછાને હોય અને પુત્ર તેની સારવાર માટેની બધી વ્યવસ્થા કરી આપે તે કર્તવ્ય અને ફરજ છે અને માતાનો હાથ પકડીને તેને હૂંફ અને સધિયારો આપે તે પ્રેમ છે. જેમના પ્રત્યે પ્રેમ હોય તેની ખુદ સેવા કર્યા વગર રહી શકાય નહીં. પ્રેમપૂર્વકનું જે આચરણ છે તે સ્વાભાવિક છે. પ્રેમ જો હોય તો માણસ કોઈની પ્રત્યે જે કાંઈ કરશે તે આનંદપૂર્વક કરશે. પ્રભુ પરમાત્માની ભક્તિમાં પણ પ્રેમ અને આનંદ હોવો જોઈએ. આ પરમસુખ છે.
પ્રેમ હોય ત્યાં ભાર લાગે નહીં. એક બાર વર્ષની છોકરી પોતાના બે વર્ષના નાના ભાઈને ઊંચકીને પહાડ પર ચડી રહી હતી. કોઈએ તેને પૂછ્યું આને ઊંચકીને તું ઉપર ચડી રહી છો તને ભાર નથી લાગતો ? છોકરીએ કહ્યું ; ભાર શેનો લાગે ? આ તો મારો ભાઈ છે. પ્રેમ હોય ત્યાં બોજો હળવો થઈ જાય છે. સંત કબીરે કહ્યું છે તેમ ‘પ્રેમ ન બાકી ઉપજે, પ્રેમ ન હાડ બીકા’ પ્રેમ ક્યાંય ઉગાડી શકાતો નથી. પ્રેમ બજારમાં ક્યાંય વેચાતો મળતો નથી. પ્રેમ એ તો અંતરની અભિલાષા છે. તીવ્ર ઝંખના છે. પ્રેમ તો હૃદય અને મનની શુદ્ધ ભાવના છે.
પ્રેમ ત્રણ પ્રકારના છે. એક પ્રેમ છે શરીરનો, બીજો મનનો અને ત્રીજો આત્માનો. શરીર સાથેનો પ્રેમ વાસનાનો છે. તેમાં દુ:ખ અને પીડા છે. બીજો પ્રેમ છે મનનો. સારું – ખરાબ બધુ મન કરાવે છે. મન પોતાને ગમે તેવા રંગો પૂરી લે છે. આ એક ભ્રમણા છે. ત્રીજો પ્રેમ છે આત્માનો તે શુદ્ધ અને આત્મિક છે. તેમાં કશું કરવાનું નથી, પણ કરુણાસભર બનવાનું છે. પરમાત્મા સુધી પહોંચવાનો આ માર્ગ છે.
પ્રેમપૂર્ણ બનવા અને આનંદપૂર્વક રહેવા માટે કોઈ કારણની જરુર નથી. પ્રેમ જો સ્વભાવ બની જાય તો માણસ ગમે ત્યાં ગમે તેવી પરિસ્થિતિમાં ખુશી અનુભવી શકે છે. પ્રેમ જો સાચા અર્થમાં સમજાય તો તે ભક્તિ બની જાય. જ્યાં પ્રેમ છે ત્યાં પરમાત્મા છે. પ્રેમ વગરની દુનિયા નિર્ધન છે. પ્રેમમાં મોહ ડુબાડે છે અને ભક્તિ તારે છે. ટાગોરે જેમ કહ્યું છે તેમ…
” મુજ મોહ સઘળો જે બધો
મુક્તિ રુપે સળગી ઊઠો
મુજ પ્રેમ સઘળો જે બધો
ભક્તિ રુપે વ્યાપી રહો

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.