રાકેશ ઝુનઝુનવાલા ન હોત તો ભારતને શિનચેન કે ડોરેમોન જેવા કાર્ટૂન્સ મળ્યા હોત?

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

જુગાર અને શેરબજાર વચ્ચે શું તફાવત છે ? જુગારમાં તમે માત્ર તમારા લક ઉર્ફે નસીબના આધારે હાર-જીત કરો છો. પરંતુ શેરબજારમાં આવડત, અનુભવ, અભ્યાસ અને છેલ્લે નસીબના આધારે નફો- ખોટ કરો છો. જુગાર રમનારો એ જાણતો નથી હોતો કે તે જે દાવ લગાડે છે તે તેને જીતાડશે કે હરાવશે. તેને એ પણ ખબર નથી હોતી કે તે આજે કેટલી રકમ જીતશે કે હારશે. પરંતુ શેરબજારમાં તમે જે શેરમાં રોકાણ કરો છો તેની તમારી પાસે રજેરજની માહિતી હોય છે. છતાં મોટા ભાગના રોકાણકારો શેરબજારને જુગારખાનું સમજીને એન્ટ્રી લે છે કે પરંતુ શેરબજાર તમારું નસીબ અજમાવવાનું સાધન નહિ બલ્કે વિવિધ પરબિળો અને માપદંડોના અભ્યાસના આધારે પદ્ધતિસર મૂડીરોકાણ કરવાનો સ્રોત છે. આ જ સિદ્ધાંતને જીવનભર વળગી રહેલા રાકેશ ઝુનઝુનવાલાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
પેલો ફોટો યાદ છે.. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઊભા છે અને તેમની બાજુમાં કોથળા જેવું સફેદ શર્ટ પહેરીને એક ભાઈ વિલે મોઢે ઊભા હતા. આ એ જ રાકેશ ઝુનઝુનવાલા છે. એ સમયે તેમનું શર્ટ ખૂબ જ ટ્રેંડ થયું હતું. ત્યારે તેમણે મીડિયાને નિવેદન આપ્યું હતું કે, મારા શર્ટની કરચલીથી લોકોને વાંધો કેમ છે ? ખુદ મોદીએ મારા કાર્યના વખાણ કર્યા તે લોકો નથી જોતા પણ મારા શર્ટની કરચલીઓ જુએ છે.., હજુ કહું છું ‘મારી કરચલીઓ પર નહીં શેરબજાર પર ધ્યાન આપો..’ તેમના આ જવાબને ઘણાંએ બિરદાવ્યો હતો અને તેમને ખરા અર્થમાં બિગબુલ કહીને પણ સંબોધ્યા હતા.
ભારતની જનતાએ હર્ષદ મહેતા બાદ બિગબુલનું બિરુદ રાકેશ ઝુનઝુનવાલાને આપી દીધું હતું. ૧૮ ઓક્ટોબર,૨૦૨૦ બાદ આપણા દેશમાં જુવાનિયાઓમાં શેરબજાર પ્રત્યે અનેરું આકર્ષણ જાગ્યું હતું. કારણ કે એ દિવસ સોની લિવ પર ‘સ્કેમ ૧૯૯૨-ધ હર્ષદ મહેતા સ્ટોરી’ નામની અફલાતૂન વેબ સિરીઝ રિલીઝ થઈ હતી. સિરીઝ નિહાળ્યા બાદ ૯૦% લોકોએ ઈન્ટરનેટ પર સર્ચ કર્યું કે હતું કે, જે પાત્રો દર્શાવવામાં આવ્યા છે તેમાંથી કેટલા પાત્રો હયાત છે. તેમાં રાકેશ ઝુનઝુનવાલા મોખરે હતા. સિરીઝમાં તેમનું એક પણ પાત્ર હતું. જો તમે સિરીઝ નિહાળી હોય તો મનુ મારવાડી સાથે અન્ય ૩ સભ્યોની ટોળકી હતી. જે માર્કેટને પછાડવાનું કામ કરતી હતી. રાકેશ તેમાનાં એક હતા. અને જયારે હર્ષદ મહેતાનું માર્કેટ ક્રેશ થયું હતું, ઈન્કમટેક્સના દરોડામાં કૌભાંડ છતું થયું હતું અને તેના લીધેલા શેર ક્ષુલ્લક થઈ ગયા હતા. ત્યારે ઝુનઝુનવાલાને ૪૬ કરોડનો ફાયદો હતો. પણ એ વખતે તેણે બેઅરમાંથી બુલ બનવાનો નિર્ણય લીધો હતો. જેનું દૃશ્ય પણ સિરીઝમાં આવે છે જેમાં તે કહે છે કે, “આવતાં ૨૫ વર્ષમાં માર્કેટ ઇન્ડેક્સ ૩૫થી ૪૦ હજારના લેવલ સુધી જઈ શકે છે. હવે બેર (મંદીવાળા) બનીને મગફળી ખાવાનો સમય ગયો. હું તો હું શેર બજારમાં મારા કેલ્ક્યુલેશનના આધારે રોકાણ કરીશ શું ખબર આગામી સમયમાં હું જ બિગબુલ બની જાઉં અને બન્યું પણ એવું જ… હર્ષદ મહેતાનું એ બિરુદ તેમને મળી ગયું.
આજના સમયમાં શેરબજારના રોકાણકારો માટે તો ઝુનઝુનવાલા સ્ટાર હતા. તેમનો જન્મ ૧૯૬૦માં મુંબઈમાં થયો હતો. પિતા રાધેશ્યામ ઝુનઝુનવાલા ઈન્કમટેક્સ ઓફિસર હતા. પિતાને તેમના મિત્રો સાથે શેરબજાર અંગે વાતચીત કરતા સાંભળીને નાનપણથી ઝુનઝુનવાલાને શેરબજાર તરફ આકર્ષણ થયું હતું. વોરેન બફેટ વિશે કહેવાય છે કે તેમણે ૧૧ વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું,એ જ રીતે રાકેશ ઝુનઝુનવાલા તેમના કોલેજના દિવસોથી શેરમાં રસ લેવા માંડ્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાએ ૧૯૮૫માં મુંબઈમાં બીકોમના અભ્યાસ બાદ સીએની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ શરૂ કર્યો હતો..જેથી કંપનીઓની બેલેન્સશીટ વાંચવામાં પણ તેમની માસ્ટરી હતી. પણ રંગત એવી સંગત. તેના મિત્રોએ તેને રોકાણ કરતા મંદીના માર્ગો દેખાડ્યા. શેરબજારમાં બે લોકોનું રાજ છે. એક તો પેલું બળદ જેને લોકો બુલ કહે છે, જે પોતાના શીંગડા ભરાવીને માર્કેટને ઉપર લઈ જાય અને બીજું છે બેઅર કાર્ટેલ અર્થાત એવા લોકો જે પેલા બળદને પછાડીને માર્કેટને મંદી તરફ લઈ જાય. જેમાં શેર બજાર ક્રેશ થાય તો મંદીનું સર્જન કરનારને લાખો નહીં કરોડો રૂપિયાનો નફો થાય. એટલે થોડા સમય સુધી તો રાકેશ મંદીની મનહૂસ ગેંગમાં જ રહ્યા, જેમાં હર્ષદ મહેતાનો પણ વારો નીકળી ગયો હતો.
હર્ષદ મહેતાના કેસનું તેમણે એનાલિસીસ કર્યું. તેમાંથી એમને શીખવા મળ્યું કે શેરબજારમાં ખોટી રીતે રોકાણ કરીને ગામનું દેવાળું ફૂંકવા કરતા આપણે માર્કેટનો અભ્યાસ કરવાનો અને પછી જ રોકાણ કરવું. એ સિદ્ધાંતથી તેમણે ૧૯૯૧ મા શેરબજારમાં રોકાણની પદ્ધતિસરની શરૂઆત ૫ હજાર રૂપિયાથી કરી હતી. અત્યારે તેમની સંપત્તિ રૂ.૪૦ હજાર કરોડની થઈ ગઈ છે. ઝુનઝુનવાલાને ટ્રેડિંગમાંથી જે નફો થતો હતો એ નાણાંનું રોકાણ કરતા હતા અને સમયની સાથે તેમની વૃદ્ધિ થઈ અને તેમની શ્રેષ્ઠ રોકાણ વ્યૂહરચનાને લીધે તેઓ ભારતના બિગબુલ બન્યા. તેમનાં અમુક રોકાણ એવાં છે જેમાં તેમને નોંધપાત્ર સફળતા મળી છે. તેનું એક નાનકડું ઉદાહરણ આપું તો ૨૦૦૦ની સાલમાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન નામની કંપનીમાં છ કરોડ જેટલા શેર ખરીદી લીધા હતા. એ વખતે બધા તેમના આ નિણર્યની ટીકા કરતા હતા પણ તેમનું માનવું હતું કે દેશમાં ટાટા ગ્રુપની આ કંપનીના દાગીનાનો વ્યવસાય ફુલશે-ફાલશે. તેમણે આ કંપનીના શેર હોલ્ડ કરી રાખ્યા હતા. અને ૨૦૧૭માં ટાઇટનના શેરમાં તેજી આવવાથી ઝુનઝુનવાલાને એક જ દિવસમાં ૯૦૦ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આજની તારીખમાં ટાઇટનમાં તેમના શેરનું મૂલ્ય રૂ.૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ છે. અને ઝુનઝુનવાલાના કુલ પોર્ટફોલિયોમાં એક તૃતીયાંશ ભાગ ટાઇટનનો છે. આવા તો અનેક રોકાણ છે જેના કારણે આજે તેનો પરિવાર ધનના ઢગલા પર આળોટે છે. ૧૯૯૧થી ૨૦૦૨ સુધી રાકેશ પાસે કોઈ નોકરી ન હતી, તેમણે પોતાનો વ્યવસાય પણ શરૂ કર્યો ન હતો. એકમાત્ર શેર બજારના ગણિતને કારણે જ તેઓ અઢળક કમાણી કરી રહ્યા હતા. જે તેમની શેરબજારની સચોટ દ્રષ્ટિને દર્શાવે છે. અને એ જ કારણથી લોકોએ તેમને બિગબુલનું બિરુદ આપ્યું હતું.
આટલા વર્ષોના અનુભવ બાદ તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ તેમને ટ્રેડિંગ ફર્મ શરૂ કરવાની સલાહ આપી હતી. જેને અનુસરીને રાકેશે ૨૦૦૩માં પોતાની સ્ટોક ટ્રેડિંગ ફર્મ રેર એન્ટરપ્રાઇઝની શરૂઆત કરી. જેમ “રે એટલે રેખા અને “રા એટલે રાકેશ એમ બન્નેના નામનો સમન્વય હતો. પોતાની આખી કારકિર્દી દરમિયાન તેમણે વારંવાર એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જો તેમની પત્નીનો સહયોગ તેમને સાંપડ્યો ન હોત તો આજે તેઓ બિગબુલ બની શક્યા ન હોત.. ૧૯૮૭માં તેમના લગ્ન રેખા સાથે થયા હતા. રેખા ઝુનઝુનવાલા પણ સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટર છે. રેખા પણ પોતાના પતિની જેમ ઘણી કંપનીઓમાં સ્ટોક હોલ્ડર છે. આજે તેમની ફર્મ ૩૨ જેટલી મલ્ટી નેશનલ કંપનીઓના શેર ધરાવે છે. જેમાં અનંત રાજ, ટાટા મોટર્સ, ટાઇટન, ફેડરલ બેંક, નઝારા, સ્ટાર હેલ્થ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
રાકેશ ઝુનઝુનવાલાને શેરમાર્કેટ ઉપરાંત ફિલ્મોનો પણ ખૂબ જ શોખ હતો. આ કારણે તેમણે ‘ઈંગ્લિશ વિંગ્લિશ’, ‘શમિતાભ’ તથા ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસ કરી હતી. ‘ઈંગ્લિશ વિંગ્લિશ’નું બજેટ ૧૦ કરોડ રૂપિયાનું હતું અને તેણે બોક્સ ઓફિસમાં ૮૯ કરોડનો વકરો કર્યો હતો.જયારે અમિતાભ બચ્ચન, ધનુષ તથા અક્ષરા હાસનની ફિલ્મ ‘શમિતાભ’ને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમણે પ્રોડ્યુસ કરેલી છેલ્લી ફિલ્મ કરીના કપૂર તથા અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ‘કી એન્ડ કા’એ ૧૦૦ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ફિલ્મો ઉપરાંત તેમણે બાળકો માટે હંગામા ટીવીની પણ શરૂઆત કરી હતી. આ ચેનલને પગલે તો ભારતમાં ડોરેમોન, શિનચેન, નીન્જા હથોળી, પરમેન, કીતરેક્સુ અને છોટા ભીમ જેવા અમર કાર્ટૂન્સ મળ્યા છે. તેમાંય છોટા ભીમ તોે એટલું ફેમસ થયું કે હંગામા પાસેથી આ બ્રેન્ડને પોગો ચેનલે ૧૫૦ કરોડ રૂપિયાની રકમ ચૂકવીને ખરીદ્યું હતું. દેશના કોઈ કાર્ટૂન માટે આટલી જંગી રકમ ચૂકવાઈ હોય તેવો આ પહેલો કિસ્સો છે.
ગત વર્ષે તેમણે એરલાઈન્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો. જેમાં અકાસા એરલાઇનમાં ૨૭૮કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ એરલાઇનમાં તેમની પાસે લગભગ ૪૦% ભાગીદારી છે. આ ઉપરાંત તેમની રેરા ફર્મ પ્રાઇમ ફોકસ લિ., જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસ, બિલકેર લિ., પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિ., પ્રોવોગ ઇન્ડિયા લિ., કોનકોર્ડ બાયોટેક લિ., ઇનોવાસિન્થ ટેક્નોલોજીસ (ઈં) લિ., મિડ ડે મલ્ટીમીડિયા લિ., નાગાર્જુન ક્ધસ્ટ્રક્શન કંપની લિ., વાઇસરોય હૉટેલ લિમિટેડ અને ટોપ્સ સિક્યુરિટી લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ હતા.
એવુંય નથી કે રાકેશ દૂધે ધોયેલા છે. ૧૯૯૧માં જયારે ભારતીય શેરબજાર આકાશની ઊંચાઈને આંબતું હતું ત્યારે હર્ષદ મહેતાના અધ:પતનમાં તેમણે સિંહફાળો ભજવ્યો હતો. જેના કારણે માર્કેટ ક્રેશ થયું હતું અને દેશના કરોડો લોકોના રૂપિયા ડૂબી ગયા હતા. હજુ ગત વર્ષે જ રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમના પત્ની રેખા ઉપર એપટેક કંપનીના શેરમાં ઇનસાઈડ ઇન્ફોર્મેશનના આધારે ટ્રેડિંગ કર્યું હતું અને તે અંગે સેબી તપાસ કરતી હતી. ૨૦૨૧મા સેબીએ રાકેશ અને રેખા સહિત ૮ લોકોની પૂછપરછ પણ કરી હતી. બાદમાં રાકેશની કંપનીએ રૂ. ૩૭ કરોડની રકમ ભરીને કેસની પતાવટ કરી હતી.
પોતાના આખા જીવનમાં માત્ર નફાનો સ્વાદ ચાખનાર ઝુનઝુનવાલા બીમારી સામે હારી ગયા. ઝુનઝુનવાલાએ ૬ મહિના પહેલા જ કહ્યું હતું કે, હવામાન, મોત અને માર્કેટની ભવિષ્યવાણી કોઈ પણ ના કરી શકે. એ જ રીતે અચાનક તેમને કિડની અને હૃદયની બીમારી લાગુ પડી ગઈ અને છેલ્લા એક સપ્તાહથી તેઓ બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ હતા. કુદરતનો ખેલ જુઓ હર્ષદ મહેતાનું નિધન હૃદય રોગના હુમલાને કારણે થયું હતું અને ઝુનઝુનવાલાનું પણ હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. જતા જતા તેમણે પરિવાર માટે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ખડું કરી દીધું છે. તેમના ૩ સંતાનો છે જેમાં પુત્રી નિષ્ઠા તેની માતા સાથે વ્યવસાયમાં જોડાયેલી છે જ્યારે તેના પુત્રો આર્યમન અને આર્યવીર તો હજુ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જો હવે જોવાનું રહેશે કે આવી વિકટ પરિસ્થિતિમાં તેમના સંતાનો અને તેમની પત્ની પડકારોમાં ટકી રહેશે કે તૂટી જશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.