ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો લોકો વચ્ચે જઈને વિવિધ વાયદાઓ આપી રહ્યા છે. ત્યારે ક્યારેક નેતાઓ મર્યાદા ભૂલી ક્ષોભજનક નિવેદન આપી દેતા હોય છે. બનાસકાંઠાની દાંતા બેઠક પર ભાજપના ઉમેદવારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ હાજર મહિલાઓને કહી રહ્યા છે કે, ‘હું ચૂંટણી જીતીશ તો ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ યાદ રાખજો.’ લોકો પણ તેમના આ નિવેદનને તાળીઓથી વધાવી રહ્યા છે.
બનાસકાંઠાની દાંતા વિધાસનભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુ પારઘીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. તેઓ મોટી સંખ્યામાં હાજર મહિલાઓને સંબોધતા કહી રહ્યા છે કે, ‘મારી બહેનો ખોળામાં સંતાડીને દારુ વેચે છે. કેટલાક અંગ્રેજી દારુ ખુલ્લામાં વેચે છે. પણ ચિંતા ન કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ.’
ગુજરાતમાં દારૂબાંધી હોવા છતાં મબલક માત્રામાં ગેરકાયદેસર રીતે દારૂ વેચાતો હોવાથી અવારનવાર ભાજપ સરકારની ટીકા થાય છે ત્યારે ભાજપના ઉમેદવાર જ લોકોને દારૂ વેચવાની ખુલ્લેઆમ છૂટ આપવાની વાત કરી રહ્યા છે.
તેમનું આ ભાષણ દારુબંધીના લીરેલીરા ઉડાવી રહ્યું છે. લાલુ પારઘીનો આ વિડીયો સામે આવતા ચૂંટણીપંચ કોઈ કાર્યવાહી કરશે કે શું એ જોવું રહ્યું.