પતિના જીવનમાં પત્નીનો રોલ શું? પત્નીની એવી કઈ ભૂમિકા છે જેનાથી પતિનું જીવન આનંદમય રહી શકે? કોઈ પુરુષ પોતાની ભાવિ પત્ની પાસેથી શું ઇચ્છતો હોય છે? પત્નીના એવા કયા ગુણો છે જેની કલ્પના દરેક પતિએ કરેલી હોય છે?
સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
દરેક પુરુષ પોતાની પત્નીમાં કેટલાક ગુણો ઈચ્છે છે. ભર યુવાનીમાં જ્યારે ઘરે છોકરી જોવાની શરૂઆત થાય ત્યારે ભાવિ શમણાંની એ સ્ત્રી વિશેની કલ્પનાઓ આસમાને હોય. જેમ કે એની આંખોમાં આંખ નાખીને કલાકો બેસી રહેવા મળશે. એનો મુલાયમ જેવો હાથ પકડીને વ્હાલ કરાશે. એના ખોળામાં માથું રાખીને દુનિયાનાં દર્દોને બે ઘડી ભૂલી જવાશે. એના સુંવાળા વાળમાં હાથ ફેરવવાનો અનેરો જ આનંદ આવશે. બગીચાના બાંકડે, ઢળતી સાંજે એના ખભે માથું ટેકવીને મનનો ભાર હળવો કરી શકાશે. કોઈ પ્રસંગમાં એને સાડી ભેંટ આપેલી હશે, એ પહેરીને મલક મલક મલકાશે. સવારે ઊઠતી વખતે મસ્ત ભીના વાળ અડાડીને પ્રેમથી ઉઠાડશે. ઑફીસ જવાના સમયે ગરમ ગરમ લંચ બોક્સ હાથમાં પકડાવતી વખતે મસ્ત હગ આપશે. ઑફિસેથી આવે ત્યારે ગરમા ગરમ ચા નાસ્તો રેડી હશે. વળી સૂતી વખતે સ્નેહથી સુવડાવશે. કદાચ આ કે આના જેવી ઘણીય કલ્પનાઓ લગ્ન પહેલાં અને લગ્નના થોડા સમય સુધી પુરુષના મનમાં ઘમરોળાતી હોય છે. અને હોય પણ કેમ નહિ. કલ્પનાઓ થકી તો આપણું કેટલુંક જીવન જીવાતું હોય છે.
પરંતુ અર્લી મેરેજ આ બધું જ કદાચ એક સાઈડ હાંસિયામાં થતું જાય છે. જેની ખબર સ્ત્રી કે પુરુષ કોઈને હોતી નથી. લગ્નનાં વર્ષો બાદ પુરુષ પોતાની પત્નીમાં ઈચ્છે છે મા સમાન પ્રેમ. અને મા સમાન પત્નીમાં એ સર્વસ્વ સમર્પિત કરી પોતે એ ખોળામાં નિશ્ર્ચિત થઈ જવા ઈચ્છે છે. એને ભીના વાળથી ઉઠાડે અને ગરમાગરમ ચા રેડી રાખે એ પત્ની કરતાં એના ભેદી મૌનને સમજી, પરિસ્થિતિ સંભાળી લેનાર સાથી ઈચ્છે છે. બોસનો ગુસ્સો કે વર્કલોડથી થાકીને આવ્યા બાદ સવારે પત્નીને મુવી માટે આપેલા પ્રોમિસને જો ભૂલી જાય તો ‘ફરી ક્યારેક’ માત્ર આટલો જ રિપ્લાય ઈચ્છે છે. બાળકોની કચકચ અને સાસુ વહુની ડખ ડખ રોજ સાંભળીને કદાચ પોતાને શું કહેવું છે એ ભૂલી જાય છે ત્યારે પત્ની પાસેથી ઈચ્છે છે શાંતિ. થાકી હારીને કામ પરથી આવે ત્યારે થોડો ટાઈમ મુવી કે વેબ સિરીઝ જોતી વખતે એને નથી જોઈતી હોતી પત્નીની અકારણ બકબક. ભીંડો ક્યારેય ન ખાતો હોવા છતાં મૂંગા મોંએ ખાઈ લે છે. પણ ઈચ્છે છે અઠવાડિયામાં એકવાર પોતાને ગમતું મેનું ટેબલ પર ગોઠવાયેલું હોય. સિરિયલો જોતી પત્નીથી કદાચ એને તકલીફ નથી, પણ સાથોસાથ પોતાની કે ઘરનાની બીમારીમાં વીમા પોલિસીનો ઉપયોગ કેમ કરાય એવી ખબર પડતી હોય એવું ઇચ્છે છે. શાકભાજીના ભાવની સાથે શેરમાર્કેટ અને સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો એની આછી પાતળી માહિતી હોય. પોતાની સેલેરી પ્રમાણે બજેટ સેટ કરી શકતી હોય અને જીદના નામે ઝીરો હોય. સગા વ્હાલાઓ સાથે એટલી જ વિનમ્રતાથી વર્તે જેટલું પોતાના પિયરપક્ષના લોકો સાથે વર્તે. પતિના મિત્રો કે ક્લીગ્સ અનાયાસે આવી ચડે તો મોંના હાવભાવમાં કોઈ જ ફેરફાર વગર એમને સાચવી લે. પતિના વધી ગયેલાં પેટને માફક આવે એ રીતનો ડાયટ પ્લાન હોય અને ઑફિસના એક્સ્ટ્રા વર્કલોડમાં હેલ્પ કરી શકવા સક્ષમ હોય. અચાનક મૂડ બદલાતા એ કહેવાની જરૂર ન પડે, પણ પારખીને બીજી તરફ વાળી લે.
‘તમને તો માત્ર હું જ વેઠી શકું’, ‘બીજી કોઈ મળી હોત તો ખબર પડતે’, ‘તમને તો બસ કામ કામ ને કામ જ દેખાય, ઘરવાળીની ક્યાં પડી છે’, ‘હા, મોબાઇલમાંથી ઊંચા આવે તો મારા પર ધ્યાન જાય ને’, ‘હું આખો દી ઢસરડા કરું ને સાંજે એમને મારા માટે ટાઈમ ન હોય’, ‘બાજુવાળા પરીખ સાહેબ ભાભીને લઇને રોજ બગીચે જાય છે,’ ‘ભાભીને લઈને ને મહિને એકાદ વાર મુવી જોવા જાય’, ‘મને તો યાદ પણ નથી કે છેલ્લે ક્યારે થિએટરમાં પગ મૂક્યો’, ‘આખું ગામ નોકરી કરે પણ તમે તો નવીનવાઈના કરો’, ‘આખો દિવસ ઘરના તમારા બધાનું કામ કરીને થાકી જાઉં છું, જરાક મને તો પૂછતાં હોય’ આના જેવા બીજા કેટલાંય મેણા જ્યારે પત્નીના મુખેથી નીકળે ત્યારે પુરુષ ઘણું કહેવા
ઇચ્છતો હોવા છતાંય મૌન રહેવાનું પસંદ કરે છે. પોતે જાણે છે કે પોતાની પત્નીની અગણિત ઈચ્છાઓ અને સપનાઓ પોતે પૂરા કરી શકતો નથી. છતાંય એ પ્રયાસ કરવાનું છોડતો નથી.
‘તમે ચિંતા ન કરો, બધું થઈ પડશે’, ‘હું બેઠી છું ને તમતમારે, ફોડી લઈશ’, ‘અરે મુંઝાવ છો શેના? પડખે હું હોય પછી…’, ‘તમે જરાય ઉપાધિ ન કરો, હવે બધું મારા પર છોડી દો’ આવાં વાક્યો જ્યારે પત્નીના મોંમાંથી નીકળે છે ત્યારે ‘આઈ લવ યુ’ કહેવાની કોઈ જ જરૂર રહેતી નથી. ખરા અર્થમાં અર્ધાંગીનીનો રોલ આપોઆપ પ્લે થઈ જાય છે. ઢળતી ઉંમરે જ્યારે છોકરાઓ પણ પોતાની દુનિયામાં સેટલ થઈ ગયા હોય છે, ત્યારે એ સપનાઓ ફરી પૂરા કરવા મથે છે. એનું સમગ્ર જીવન ઘરની સ્ત્રીઓને શણગારવામાં અને સમજાવવામાં વ્યતિત થઈ ગયેલું હોય છે. એટલે એક પત્ની તરીકે સ્ત્રી પોતાના પતિને અતથી ઇતિ સમજે તે જરૂરી છે. મૂડ પારખીને પોતાની જીદ પર અડી ન રહેતાં એનામાં લવચિકતા હોવી જોઈએ. એક ઉમરે પુરુષને માનસિક ટેકાની સવિશેષ જરૂર પડે છેે. અને ત્યારે નખરાળી પત્નીથી વિશેષ નમ્રતા સભર સાથીની એને તલાશ હોય છે.
જો પહેલાની માફક એટલે કે લગ્ન પહેલાંના દિવસોમાં જ્યારે પત્ની ‘એઝ એ જીએફ’નો રોલ પ્લે કરતી. એવો જ ચાર્મ આજીવન ટકાવી રાખવા માટે પહેલાં તો પત્ની મટીને મિત્ર બનવું પડે. પતિ પોતાની બહેનપણીને ઘૂરી ઘૂરીને જુએ છે એ વાતને લઈને પોતાનામાં ચેન્જ લાવવાના પ્રયાસ કરવા જોઈએ. પોતાની ઈચ્છાઓ ઈમ્પોર્ટન્ટ જ છે, પણ પતિને શું જોઈએ છે એ બાબત એના એન્ગલથી વિચારવી જોઈએ.’લગ્ન પહેલાં આવા નહોતાં, પછી જ આવા થઈ ગયા’ આ સેન્ટેન્સ બેય પક્ષે સમાન ધોરણે લાગુ પડે છે.
લાંબા વાળ અને મેઇન્ટેઇન ફિગર કે પછી ૨૮ની કમર એ ભૂંસાઈ જાય એવું કડવું સત્ય છે. માથાની ટાલ, વધેલી ફાંદ, બદલાઈ ગયેલી ચાલ, ધૂંધળી દ્રષ્ટિ એ જ અંતિમ સત્ય છે. વહેલાં મોડા આ પડાવ સુધી દરેકે પહોંચવાનું જ છે. કોઈ ખૂબ ઝડપથી એને આંબી જશે જ્યારે બીજાને વાર લાગશે. આ ફિઝિકલ ફેરફારોની સાથે માનસિક અવસ્થા પણ ચોક્કસ બદલાશે. અને આ બદલાયેલી અવસ્થામાં જ એકબીજાની લાકડી બની શકે, એકબીજાની અધૂરપને પૂર્ણ કરી શકે એનો જ જીવનરથ વગર અટકયે એના ડેસ્ટિનેશન પોઇન્ટ સુધી પહોંચે. બાકીનાનો પહોંચે પણ અઢળક ડચકા ખાતા ખાતા… ————-
ક્લાઈમેક્સ
તું આવ્યો, મને મળ્યો, મને ગમ્યો, મેં અંદર ઉતાર્યો… છેક સુધી… અને પછી લોક કરીને ચાવી ફેંકી દીધી જેથી તું હૈયેથી બહાર ન નીકળી શકે. એટલે જ તારી ખુશી ન વહેચીશ તો ચાલશે મને, તારી તકલીફની બધી ખબર હોવી જોઈએ મને…!