ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
એક નગરમાં એક વાણિયો અને એક ધોબી પાડોશી હતા. ચતુર અને વ્યવહારિક સમજણ ધરાવતા વાણિયાને પૈસા ગણી ગણીને વાપરવાની આદત હતી. એક રૂપિયાથી કામ ચાલી જતું હોય ત્યાં પાંચ પૈસા પણ વધુ ન ખર્ચવા એ એનો સ્વભાવ. બચત પર વધુ ધ્યાન રાખે અને જો બચત કરવા જતા સહેજ પણ આડો અવળો ખર્ચો થાય તો પત્ની-બાળકો જોડે કકળાટ કરી મૂકે. ધોબીનું જીવન ધોરણ અલગ. રોજનું કમાય એ રોજ વાપરીને આનંદ કરે. કાલની ચિંતા કાલે એવો એનો અભિગમ. પરિણામે ધોબી પાસે ઝાઝા રૂપિયા ન હોવા છતાં કાયમ આનંદ મંગળ જોવા મળે. વાણિયાને ઘેર રૂપિયા ખરા પણ શાંતિ કે આનંદની ગેરહાજરી વર્તાય. હાયવોય વધારે જોવા મળે. પાડોશીનું કિલ્લોલ કરતું ઘર જોઈને વાણિયણને ધોબણની ઈર્ષા થઈ. એણે વાણિયાને સવાલ કર્યો કે, “પાડોશમાં રહેતો ધોબી તમારા કરતાં ખૂબ ઓછું કમાતો હોવા છતાં એ લોકો કેટલા આનંદથી રહે છે, ને આપણે? “વાણિયાએ કહ્યું કે, ધોબી હજી નવ્વાણુંના ફેરમાં નથી પડ્યો ને એટલે, નવ્વાણુંના ફેરમાં પડશે ને તો એના ઘરે પણ આપણી જેવું થઈ જશે. વાણિયણે પૂછ્યું કે નવ્વાણુંનો ફેર એટલે શું? વાણિયાએ કહ્યું,સમય આવશે ત્યારે ઉદાહરણ સાથે સમજાવીશ.
ધોબીની કસોટી કરવા એક રાતે વાણિયાએ રૂમાલમાં ૯૯ રૂપિયા બાંધ્યા ને પોટલી વાળીને ધોબીના આંગણામાં સરકાવી દીધી. સવારે ધોબીએ પોટલી જોઈ, એને ખોલીને રૂપિયા ગણ્યા. નવ્વાણું રૂપિયા એ જોઈને એને મનમાં વિચાર આવ્યો કે, એક રૂપિયો હોય તો સો રૂપિયા પૂરા થાય. આખો દિવસ આ વાત મનમાં ઘુમરાયા કરી. એ દિવસે જે કમાણી થઈ એ વાપરી નહીં. તાણીતૂસીને એક રૂપિયો બચાવ્યો. પછી એને થયું કે, શું કરું તો વધારે રૂપિયા બચાવી શકું? એટલે રોજેરોજ ઘર ખર્ચમાં કાપ મૂકવા માંડ્યો, પત્ની-બાળકોના ખર્ચ પર કાપ મૂકવા માંડ્યો. પરિણામે થયું એવું કે એના ઘરની શાંતિ અને આનંદ ચાલ્યાં ગયાં. હવે એના ઘેર પણ વાણિયાની જેમ કકળાટ થવા લાગ્યો. કેહન્ક બદલાયેલી પરિસ્થિતિ જોઈ વાણિયણને નવાઈ લાગી એણે પૂછ્યું કે, “આ ધોબીને શું થયું? વાણિયાએ કહ્યું,”એ ય મારી જેમ નવ્વાણુંના ફેરમાં પડ્યો છે. પછી વાણિયાએ ધોબીને બોલાવી પૂછ્યું, “કેટલા રૂપિયા ભેગા કર્યા બે મહિનામાં? ધોબીએ કહ્યું કે,”૩૦૦ રૂપિયા, પણ તમને કેવી રીતે ખબર પડી કે હું રૂપિયા ભેગા કરું છું? વાણિયાએ કહ્યું, “તને નવ્વાણું રૂપિયાની પોટલી મળેલી એ મેં તારા વાડામાં નાખી હતી લાવ મારા નવ્વાણું પાછા. ધોબીએ વાણિયાને ૯૯ રૂપિયા પાછા આપી દીધા.પણ પછી એ ય વાણિયાની જેમ રૂપિયા ભેગા કરવાના ચક્કરમાં પડ્યો ને, જીવન જીવવાનો આનંદ અને એની શાંતિ એણે ગુમાવ્યા. આવી રીતે માણસ રૂપિયા કમાવવાના ચક્કરમાં પડી, રૂપિયા ભેગા કરવા ભાગંભાગ કરતો હોય એને કહેવાય નવ્વાણુંના ફેરમાં પડવું.