Homeએકસ્ટ્રા અફેરબ્રિજભૂષણ ૧૫ રૂપિયાનો મેડલ તો જીતી બતાવે !

બ્રિજભૂષણ ૧૫ રૂપિયાનો મેડલ તો જીતી બતાવે !

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણા મોટા ભાગના રાજકારણીઓ સાવ હલકી માનસિકતા ધરાવે છે અને પોતાના પર આવે ત્યારે નીચતાની હદ પણ વટાવતાં શરમાતા નથી એ આપણે વારંવાર જોયું છે. ભાજપ સાંસદ અને ઈન્ડિયન રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે હમણાં તેનો નાદાર નમૂનો પૂરો પાડ્યો છે.
બ્રિજભૂષણ મહિલા કુશ્તીબાજોનું જાતિય અને શારીરિક શોષણ કરતા હોવાનો આક્ષેપ કરીને દેશના ટોચના કુસ્તીબાજો છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી દિલ્હીના જંતર-મંતર પર બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ તપાસ અને ધરપકડની માગ સાથે ધરણાં કરી રહ્યા છે.
દેશને ગૌરવ અપાવનારા કુશ્તીબાજોના આક્ષેપો ગંભીર છે પણ બેટી બચાવોની મોટી મોટી વાતો કરનારા સરકારમાં બેઠેલા લોકોના પેટનું પાણી પણ હાલતું નથી. ઉલટાનું ભાજપના મંત્રીઓ બ્રિજભૂષણની દલાલી કરવા ઉતરી પડ્યા છે. તેનાથી હતાશ થયેલા કુશ્તીબાજોએ ચીમકી આપી છે કે, બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ તપાસ નહીં થાય અને તેની ધરપકડ નહીં થાય તો અમે દેશ માટે જીતેલા મેડલ સરકારને પાછા આપી દઈશું. ૭ મેના રોજ જંતર-મંતર ખાતે ખાપની મહાપંચાયત યોજાઈ હતી. આ મહાપંચાયતમાં સરકારને બ્રિજભૂષણની ધરપકડ કરવા માટે ૧૫ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આ અલ્ટિમેટમ પૂરું થઈ ગયું છતાં બ્રિજભૂષણને કશું થયું નથી તેથી કુશ્તીબાજોએ મેડલ પાછા આપી દેવાની ચીમકી દોહરાવી હતી.
કુશ્તીબાજોની વાતમાં કશું ખોટું નથી ને આ રીતે મેડલ કે સન્માન પાછા આપીને વિરોધ વ્યક્ત કરાય જ છે. સત્તામાં બેઠેલા લોકોના બહેરા કાને કોઈ વાત અથડાય જ નહીં ત્યારે આ રીતે . આ પ્રતિકાત્મક વિરોધ કરવાનું દુનિયાભરમાં તેનું ચલણ છે.
કુશ્તીબાજોની ચીમકીની સરકારમાં બેઠેલા લોકો પર કોઈ અસર ના થઈ તેથી બ્રિજભૂષણ સિંહ ફોર્મમાં આવી ગયા. તેમણે હુંકાર કર્યો કે, કુશ્તીબાજોના ૧૫ રૂપિયાના મેડલને પાછા લઈને શું કરવાના? કુશ્તીબાજોમાં સ્વમાન હોય તો તેમણે તેમની ટ્રેઈનિંગ પાછળ સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા પણ પાછા આપવા જોઈએ.
બ્રિજભૂષણે જે વાત કરી એ હલકટાઈની ચરમસીમા જેવી છે ને ચોરી પર સીનાજોરી છે. પહેલી વાત તો એ કે, આ દેશમાં કુશ્તીબાજો હોય કે બીજા કોઈ પણ ખેલાડી હોય, તેમની ટ્રેઈનિંગ પાછળ સરકાર જે રકમ ખર્ચ કરે છે એ બ્રિજભૂષણ કે સરકારમાં બેઠેલા ભાજપના કોઈ પણ નેતાના પણ બાપનો માલ નથી કે એ પાછો માગી શકે.
આ રકમ પ્રજાના પરસેવાથી ભરાતી સરકારી તિજોરીમાંથી આવે છે ને તેના પર પ્રજાનો અધિકાર છે. આ નાણાં દેશ માટે વાપરવાનાં હોય છે ને દેશને ગૌરવ અપાવી શકે એવા રમતવીરો પાછળ ખર્યાયાં છે. તેમાં ના તો બ્રિજભૂષણની પાઈ ખર્ચાઈ છે કે ના ભાજપના કોઈ નેતાની પાઈ ખર્ચાઈ છે.
આ બકવાસ બદલ ખરેખર તો બ્રિજભૂષણને જાહેરમાં જૂતાં મારવાં જોઈએ ને લાત મારીને પક્ષમાંથી તગેડી મૂકવો જોઈએ. તેના બદલે ભાજપના નેતા સાવ ચૂપ છે ને લવારામાં મૂક સંમતિ આપી રહ્યા છે. બ્રિજભૂષણે પોતાના ઘરમાંથી રૂપિયા કાઢીને કુશ્બીબાજોની ટ્રેઈનિંગ કરાવડાવી હોય એ રીતે રકમ પાછી આપવાની વાતો કરે છે ને ભાજપના નેતા ચૂં કે ચાં પણ કરતા નથી.
બ્રિજભૂષણે કુશ્તીબાજોએ જીતેલા મેડલને ૧૫ રૂપિયાના ગણાવીને તો આખા દેશની બેઈજજતી કરી નાંખી છે છતાં ભાજપના નેતા ચૂપ છે. સાલાઓ, તમારી ઔકાત છે આ પંદર રૂપિયાનો મેડલ જીતવાની? મેડલ જીતીને દેશને ગૌરવ અપાવનારા ખેલાડીઓનું ને વધારે તો દેશને મળેલા ગૌરવનું આનાથી વધારે મોટું અપમાન બીજું હોઈ જ ના શકે. આ કુશ્તીબાજો જે મેદાનમાં ઉતરીને મેડલ જીતીને લાવે છે એ મેદાનની અંદર જવાની તમારી લાયકાત નથી ને લોહી-પરસેવો એક કરીને જીતેલા મેડલને ૧૫ રૂપિયાનો મેડલ ગણાવવા હાલી નીકળ્યા છો.
બજરંગ પુનિયાએ સાચું જ કહ્યું છે કે, બ્રિજભૂષણે ૧૫ રૂપિયાના મેડલવાળો બકવાસ કરીને માત્ર મેડલનું જ નહીં પણ તિરંગાનું પણ અપમાન કર્યું છે કેમ કે જ્યારે આપણે મેડલ જીતીએ છીએ ત્યારે આપણે માથે તિરંગો લહેરાવીને ફરતા હોઈએ છીએ.
વાત સાવ સાચી છે. દેશનો કોઈ ખેલાડી મેડલ જીતે ત્યારે એ દેશનું ગૌરવ વધારતો હોય છે, તિંરગાનું ગૌરવ વધારતો હોય છે. એ વખતે જે ગૌરવની અનુભૂતિ થાય છે તેનો અનુભવ આ દેશનાં કરોડો લોકોએ કર્યો છે કેમ કે લોકોમાં દેશદાઝ છે, રાષ્ટ્રગૌરવ છે. બ્રિજભૂષણ જેવા સત્તા માટે ગમે તે હદે જનારા ને દાઉદ ઈબ્રાહીમ જેવા દેશદ્રોહીને મદદ કરનારા લોકોને એ દેશદાઝ કે રાષ્ટ્રનું ગૌરવ શું હોય તેની ખબર ના જ પડે. એટલે એ લોકો આવો બકવાસ જ કરવાના.
આ પંદર રૂપિયાનો મેડલ જીતવા માટે ખેલાડીઓ આખી જીંદગી હોમી દેતા હોય છે, લોહી-પરસેવો એક કરતા હોય છે, આપણે કલ્પના પણ ના કરી શકીએ એવો ભોગ આપતા હોય છે તેનો અહેસાસ બ્રિજભૂષણ જેવા નેતાઓને થાય એવી આશા રાખવા જેવી નથી જ.
ભારત ૧૫૦ કરોડ લોકોનો દેશ છે છતાં વૈશ્ર્વિક સ્તરે સ્પોર્ટ્સમાં આપણા ચણાય નથી આવતા. સાવ ટચૂકડા દેશો પણ ઓલિમ્પિક ગેઈમ્સમાં બે-પાંચ ગોલ્ડ મેડલ જીતી જાય છે ત્યારે આપણે બ્રોન્ઝ મેડલ માટે પણ વલખાં મારવાં પડે છે. તેનું કારણ એ જ છે કે, બ્રિજભૂષણ જેવા હલકા સ્પોર્ટ્સના સંચાલનમાં છે. જે લોકોને દેશ માટે જીતીને લવાતા મેડલની કિંમત પંદર રૂપિયા લાગતી હોય એ લોકો સ્પોર્ટ્સનું શું ભલું કરવાના?
આ દેશની કમનસીબી છે કે, સરકારમાં બેઠેલા લોકો માટે બ્રિજભૂષણ જેવા લોકો વધારે મહત્ત્વના છે જ્યારે દેશને ગૌરવ અપાવનારા રમતવીરો નગણ્ય છે. આ રમતવીરોએ પોતાને થતા અન્યાય માટે લડવું પડે, ધરણાં કરવાં પડે તેનાથી વધારે શરમજનક બીજું કંઈ ના હોઈ શકે. દેશ અત્યારે એ શરમ અનુભવી જ રહ્યો છે છતાં લોકોને પણ ફરક પડતો નથી. બેટી બચાવોનાં પોસ્ટરો લગાવવાથી કે લવ જિહાદ સામે હોહા કરવા કરતાં વધારે મહત્વનું બ્રિજભૂષણ જેવા લોકોથી દીકરીઓને બચાવવી છે તેનો કોઈને અહેસાસ જ થતો નથી એ વધારે આઘાતજનક કહેવાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -