નોકરીઓ માટે જમીન કૌભાંડના કેસમાં સીબીઆઈની ટીમ આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેમની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટ કર્યું હતું કે, “તેમના પિતાને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો તેમને કંઈ થશે તો હું કોઈને બક્ષીશ નહીં. આ લોકો પિતાને પરેશાન કરે છે. એ સારી વાત નથી. આ બધું યાદ રહેશે. સમય બળવાન છે. સમયમાં મોટી શક્તિ છે. એ યાદ રાખજો. જો તેમને લાલુ યાદવ) કોઈ સમસ્યા થશે તો તે દિલ્હીની ખુરશી હલાવી દેશે. હવે સહનશીલતા હદ વટાવી રહી છે. નોંધનીય છે કે CBIએ નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસની તપાસ હેઠળ મંગળવારે પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદની પૂછપરછ શરૂ કરી હતી. આ મામલો લાલુ પ્રસાદના પરિવારને કથિત રીતે જમીન ભેટ આપવા અથવા જમીન વેચવાના બદલામાં રેલવેમાં નોકરી મેળવવાનો છે. જ્યારે લાલુ પ્રસાદ યાદવ 2004 થી 2009 વચ્ચે રેલવે પ્રધાન હતા ત્યારનો આ મામલો છે.
એક દિવસ પહેલા, સીબીઆઈએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીની તેમના પટના નિવાસસ્થાને લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 10.40 વાગ્યે પાંચ સીબીઆઈ અધિકારીઓની ટીમ બે કારમાં મીસા ભારતીના પંડારા પાર્ક સ્થિત આવાસ પર પહોંચી હતી, જ્યાં લાલુ પ્રસાદ યાદવ હાલમાં રહે છે. તેમની પૂછપરછ દિવસભર ચાલુ રહેશે. તેમણે માહિતી આપી હતી કે CBIએ આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને અન્ય 14 લોકો સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી દીધી છે અને તમામ આરોપીઓને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં જેલમાં ગયા હતા. આ તપાસ ઘાસચારા કૌભાંડ અંગે વધુ તપાસના ભાગ રૂપે કરવામાં આવી રહી છે, જેમાં તપાસ એજન્સી પૈસાની લેવડદેવડ અને મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.
લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેઓ હજુ પણ બીમાર છે. વિરોધ પક્ષોએ તેમની અને તેમની પત્નીની નવી પૂછપરછની તીવ્ર ટીકા કરી હતી. લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેમનો પરિવાર કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સતત વિરોધ કરી રહ્યો છે અને આ જ કારણ છે કે સીબીઆઈની ટીમ પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચી ગઇ છે.