Homeધર્મતેજજેના જીવનમાં ત્રણ સૂત્ર જોવા મળે તેવી વ્યક્તિનો ભેટો થાય તો સમજવું...

જેના જીવનમાં ત્રણ સૂત્ર જોવા મળે તેવી વ્યક્તિનો ભેટો થાય તો સમજવું કે તેનામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે

માનસ મંથન -મોરારિબાપુ

बिरती बिबेक बिनय बिग्याना । बोध जथारथ बेद पुराना ॥
जध्यति तप गुरु कें नहिं क्रोधा । अति कृपाल चित सम्यक बोघा ॥
કોઈ યુવકનો પ્રશ્ર્ન છે, એ પહેલા લેવાની ઈચ્છા છે. પ્રશ્ર્ન છે કે ભગવાન બુદ્ધને અહીં પ્રકાશ મળ્યો, બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ. રામકથાના આધારે કાલે બુદ્ધત્વનાં કેટલાંક લક્ષણોની ચર્ચા પણ થઈ રહી હતી. કોઈનામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે કે કેમ એનો પરિચય અમારા જેવા લોકો સરળતાથી કરી શકે એવી કોઈ જુગતિ છે?
મારી દૃષ્ટિએ જેઓ કંઈક પામ્યા છે અથવા તો પૂરેપૂરું પામ્યા છે, એવા પહોંચેલા સાધુ-સંત વિશેના ‘રામચરિતમાનસ’માં સંકેતો છે એ તો છે જ, પરંતુ એક યુવકની જ્યારે માગ છે ત્યારે હું એટલું જ કહીશ કે બાપ, જ્યારે કોઈનામાં ત્રણ વસ્તુ ન દેખાય, તો હું પાકું તો ન કહી શકું કે એ બુદ્ધ છે, પરંતુ એમનામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે, એવું તો હું જરૂર કહીશ. ચાહે એ બહેન હોય, ભાઈ હોય; ભારતના હોય, વિદેશના હોય; કોઈ પણ ધર્મના હોય એની કોઈ તકલીફ નથી.
બહુ સીધાં-સાદાં સરળ સૂત્રો છે. નાની નાની ત્રણ વાત. એક, અનુભવે તમે જોઈ શકો કે જેમના જીવનમાં ક્યારેય તમને ક્રોધ ન જોવા મળે તો સમજવું કે બુદ્ધત્વ ઊતરી રહ્યું છે. બહુ સીધાં-સાદાં સૂત્રો છે. એને ‘પરીક્ષણ’ શબ્દ લગાવવો બરાબર નથી, કેમ કે કોઈ બુદ્ધત્વની પરીક્ષા કરવી એ અણસમજ છે. બુદ્ધત્વની પરીક્ષા નથી થઈ શકતી. પ્લીઝ, બુદ્ધત્વની પ્રતીક્ષા કરીએ કે બુદ્ધત્વ ઊતરી રહ્યું છે.
કોઈ સંત-સાધુની પરીક્ષા તો કરો જ નહીં. થઈ શકે તો સમીક્ષા કરો. આ કેવળ શબ્દલાલિત્ય નથી અને સૌથી સારું તો એ છે કે પ્રતીક્ષા કરીએ. પ્રતીક્ષા કરવામાં આવે શબરીની જેમ, અહલ્યાની જેમ, સુતીક્ષ્ણની જેમ. બુદ્ધત્વના પરિચયના આ કેટલાક અણસાર છે. આધ્યાત્મિક રહસ્યોના કેવળ સંકેતો જ આપવામાં આવે છે, એની સ્પષ્ટતા કરવામાં નથી આવતી. પ્લીઝ, ધ્યાન દેજો, વેદોએ પરમાત્માને જાણ્યા બાદ કેવળ એક જ સંકેત કરી દીધો, ‘નેતિ.’ આધ્યાત્મિક મારગમાં આપણને ગુરુની શું કામ જરૂર પડે છે? એટલા માટે કે આપણે નિર્ણય નહીં કરી શકીએ. આ સંકેતોનું શાસ્ત્ર છે. મને કહેવા દો, બુદ્ધવચનોનો તો પછીથી વિસ્તાર થયો હશે. બુદ્ધ બહુ જ ઓછું બોલ્યા છે; બુદ્ધ ઓછામાં ઓછું બોલ્યા છે. કોઈનામાં બુદ્ધતા, પરિપક્વતા ઊતરી રહી છે, એના કેટલાક સંકેત આપવામાં આવે છે. મને જે નિકટ પડે છે એ કહું છું કે જોતા રહો, કોઈ એવી વ્યક્તિ તમને મળે કે એનામાં ક્યારેય તમને ક્રોધ જોવા ન મળે, તો સમજવું કે કેટલીક માત્રામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે.
મારી સમજમાં જે આવ્યું છે એ એવું છે કે બુદ્ધમાં ક્રોધ જોવા નથી મળતો. આપણે જીવ છીએ. આપણામાં નબળાઈઓ હોય છે અને ક્રોધ સારો તો નથી, પણ જરૂર પડે ત્યારે સમ્યક ક્રોધ ખરાબ પણ નથી. આ ‘સમ્યક’ શબ્દ હું બુદ્ધમાંથી વારંવાર લઈ રહ્યો છું. અલબત્ત, મારા ગોસ્વામીજીએ પણ એનો ઉપયોગ કર્યો છે. બહુ મજાનો શબ્દ છે ‘સમ્યક’. જેમણે સાધના કરવી છે, આ જ જીવનમાં જેમણે વિશેષ પ્રસન્નતાના માલિક બનવું છે, કંઈક પામવું છે, આ જગતમાંથી હસતાં હસતાં જવું છે, એમણે આ સાંકેતિક બોલી સમજવી પડશે.
હું કરબદ્ધ પ્રાર્થના કરું, પ્લીઝ, આપણે કેટલોક સમય એવો રાખીએ કે જેમાં આપણે ક્રોધ ન કરવો, પરંતુ કેટલાક લોકો તો સવારથી ગણેશ સ્થાપના કરી દે છે! એ કોઈ જીવન છે? એ વિકૃતિ છે. મારી પ્રાર્થના છે, સવારે સવારે ક્યારેય ક્રોધ ન કરવો. પ્લીઝ, ટ્રાય. બીજું, સૂતી વખતે ક્યારેય ક્રોધ કરીને સૂવું નહીં. એક તો નિદ્રા તમસ છે, પાછો ક્રોધ પણ તમસ છે. એટલે સત્ત્વગુણની સવાર પાડવામાં મુશ્કેલી થશે. ત્રીજું, જો તમે ધ્યાન કરતા હો, પૂજા-પાઠ કરતા હો, જપ-યજ્ઞ કરતા હો, બંદગી કરતા હો, નમાજ અદા કરતા હો, જે કરતા હો તે, એવા ભજનના સમયે ક્રોધ ન કરવો. ચોથું, ભોજનના સમયે ક્રોધ ન કરવો. ભજન કરતી વખતે ક્રોધ ન કરવો અને ભોજન કરતી-કરાવતી વખતે ક્રોધ ન કરવો, પ્લીઝ, કેમ કે ઉપનિષદે કહ્યું છે, ‘अन्नं ब्रह्मेति व्याजानात । ’ અન્નને તમે બ્રહ્મ સમજો. તો, આપણે અન્નને પણ બ્રહ્મ સમજ્યું, વિજ્ઞાનને પણ બ્રહ્મ સમજ્યું છે. એટલે ખાસ કરીને યુવાન ભાઈ-બહેનો, ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો.
ભોજન કરતા સમયે ક્રોધ ન કરવો. આપણા ફાયદાની વાત છે અને ઘેરથી જ્યારે ધંધા માટે દફ્તર, ઓફિસ અથવા બહારગામ જાઓ ત્યારે ક્રોધ ન કરવો. આપણે ક્રોધ કરીને પોતાના માટે ખુદ અપશુકન બની જઈએ છીએ!
મારા યુવાન શ્રોતાએ પૂછ્યું, બુદ્ધત્વ ઊતરી રહ્યું છે એનો સંકેત. આ પહેલો સંકેત. જેના જીવનમાં તમે ક્રોધ ન જુઓ તો સમજવું હળવે હળવે બુદ્ધત્વ ઊતરી રહ્યું છે. આપણે સંસારી છીએ, ક્રોધ થઈ જાય, પરંતુ સમ્યક ધ્યાન રાખવું.
કોણ બુદ્ધપુરુષ? કોનું વરણ કરશો? કોઈના કહેવા પર નહીં, તમારો ભીતરી અવાજ કહે એ અનુસાર કરો. શિષ્યની કોઈ ખુશી ન છીનવે કે તું બાંધકામ કરે છે, બિલ્ડર છોને, મને એક ફ્લેટ આપી દે! મેં આવા ગુરુજનો મારી હાજરીમાં જોયા છે!
ક્રોધ ન હોય, એ બુદ્ધત્વનો સંકેત; વિરોધ ન હોય એ બુદ્ધત્વનો સંકેત અને ત્રીજું સૂત્ર જેનું પૂરું જીવન કોઈના જીવનમાં અવરોધરૂપ ન બન્યું હોય, કોઈનો સાધના મારગ હોય, લૌકિક મારગ હોય, અલૌકિક મારગ હોય, સાંસારિક વાત હોય, ક્યારેય પણ કોઈનો અવરોધ ન બને, કોઈના અવરોધક ન હોય ત્યારે સમજી લેવું કે એનામાં બુદ્ધત્વનું અવતરણ છે. બીજું, કોઈ વાતનો ક્યારેય પણ કોઈ સાથે વિરોધ ન કરવો, એ બુદ્ધત્વની નિશાની છે. મારું ‘માનસ’ મનાઈ કરે છે; બ્રહ્મમય જગત જેને દેખાય છે એ બુદ્ધ. રુણઘ પ્ધૂપ્રૂ ડજ્ઞઈંવિ ઘઉંટ ઇંવિ લણ ઇંફવિ રુરૂફળજ્ઞઢ જેમાં બુદ્ધત્વ ઉતરે છે તે વિરોધ નથી કરી શકતા. ક્રોધ ન હોય, એ બુદ્ધત્વનો સંકેત; વિરોધ ન હોય એ બુદ્ધત્વનો સંકેત અને ત્રીજું સૂત્ર, જેનું પૂરેપૂરું જીવન કોઈના જીવનમાં અવરોધરૂપ ન બન્યું હોય, કોઈનો સાધના મારગ હોય, અલૌકિક મારગ હોય, સાંસારિક વાત હોય, ક્યારેય પણ કોઈનો અવરોધ ન બને, કોઈના અવરોધક ન હોય ત્યારે સમજી લેવું કે એનામાં બુદ્ધત્વનું અવતરણ થઈ રહ્યું છે.
(સંકલન : જયદેવ માંકડ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular