ઇદે કુરબાં: શું માત્ર પશુવધ પૂરતી જ મર્યાદિત છે?

ધર્મતેજ

મીમાંસા -અનવર વલિયાણી

સઉદી અરબના મક્કા નગરી ખાતે કાં’બા શરીફ આવેલ છે. દર વર્ષે દુનિયાભરમાંથી લાખો મુસ્લિમો હજ (ધાર્મિક યાત્રા) કરવા જાય છે. હજ વિધિની સમાપ્તિના વળતે દિવસે ઇદ-ઉઝ-ઝુહા ઉજવવામાં આવેે છે. વિશ્ર્વનો એવો કોઇ ભાગ નહીં હોય જયા વસતો નામે મુસલમાન પોતાના દેશમાં કુરબાનીની ઇદ ઉજવતો નહીં હોય! જે મુસલમાન ખર્ચની શક્તિ ધરાવતો હશે તે બંદો પ્રતિકાત્મક પશુબલિ ધરવાનુ પોતાનું કર્તવ્ય અદા કરતો નહીં હોય!
ત્યાગ અને કર્તવ્ય ભાવનાના સંદેશને ઉજાગર કરતી આ વિધિ પયગંબર હઝરત ઇબ્રાહીમ સાહેબના બલિદાનની સ્મૃતિમાં કરવામાં આવે છે. રબ તઆલાના આદેશ પ્રમાણે હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલ્લામ પોતાના એકના એક વહાલસોયા પુત્ર હઝરત ઇસ્માઇલ અલયહિસ્સલ્લામનું બલિદાન કરવાની તૈયારી કરે છે અને છરી ફેરવી આંખો પરથી રૂમાલ કાઢતા પુત્રને સ્થાને ઘેટું કપાયેલું જુવે છે.
ઇદુલ-ફિત્ર (રમઝાન ઇદ)ની તુલનામાં આ બકરી ઇદ જુદો મહિમા ધરાવે છે. આ પર્વ પોતાની જાત સહિત સર્વસ્વ-ધન, વૈભવ, સિદ્ધાંત, ન્યાય અને સત્ય માટે ન્યોછાવર કરવાનું આહ્વાન આપે છે.
આ ઇંદ ખરેખર તો તેમની છે જેઓ માનવતાની રક્ષા અને અસામાજિક તત્ત્વો, ત્રાસવાદ તેમ જ અધર્મના વિનાશ કાજે સઘળું હોમી દે છે. આમ હજ સમાપ્તિની ઉજવણી અને પયગંબર હઝરત ઇબ્રાહીમ (અ. સ.)ની સ્મૃત્તિમાં અપાતું બલિદાન યોગાનું યોગે એક જ દિવસે આવે છે.
દિને ઇસ્લામના સ્તંભરૂપી પાંચ સિદ્ધાંતો પછી બલિદાન પ્રથમ ક્રમે આવે છે. તે સ્વૈચ્છિક છે, અનિવાર્ય નથી. બલિદાન દ્વારા મુસ્લિમો પોતાનું અલ્લાહને સમર્પણ કરે છે. હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલ્લામના સમયથી આ પ્રથા ચાલુ છે. દંત કથા છે કે અલ્લાહ સમક્ષ ઘણી યાચના પછી ૯૦ વર્ષની પાકટ વયે આપ એક પુત્રના પિતા બનો છે. થોડા સમય પથી પુત્ર ઇસ્માઇલ અને માતા હાજરાને વેરાન અને ધગધગતા રણમાં મૂકી આવવાનો અલ્લાહતઆલા તરફથી આદેશ થયો જેનું પાલન કરવામાં આવ્યું. અસહ્ય તાપ અને ઉષ્ણ લૂથી શિશુ હઝરત ઇસ્માઇલ તરસથી તરફડવા લાગ્યા. માટે જળની શોધમાં માતા હઝરત હાજરા સફા અને મારવા નામની બે ટેકરીઓ પર ગયા પણ ફેરો ફોગટ જાય છે. આજે હજની વિધિમાં આ ટેકરીઓની પ્રદક્ષિણા આવશ્યક છે.
નિરાશવદને હઝરત હાજરા પાછા ફરતા આશ્ર્ચર્યથી પોતાના પુત્રના પગ પાસે તીવ્ર ગતિએ વહેતું અને છલકાઇ જતું તાજા પાણીનું ઝરણું નિહાળી બોલી ઉઠે છે. ‘ઝમઝમ’ (રોકાઇ જા, રોકાઇ જા). આજે આ પાણી મુસલમાન માટે ઘણું પવિત્ર લેખવામાં આવે છે. હજ અદા કરી સ્વદેશ પાછા વળતા હાજીઓ આ જળ વિશ્ર્વભરમાં લઇ જાય છે. જોકે આ વખતે તરત અમલમાં આવે એ રીતે સઉદી અરબ હુકૂમતે (સત્તાધિશે) આબે ઝમઝમના પાણીને સાથે લઇ જવા પર પાબંદી લગાવી દીધી છે. તેમણે બધી જ ઍરલાઇન્સને સખત શબ્દોમાં આદેશ આપી દીધો છે કે કોઇપણ મુસાફીરની જોડે ‘આબે ઝમઝમ’ હોવું જોઇએ નહીં. જો કોઇ ઍરલાઇન્સ પકડાશે તો તેની વિરુદ્ધ સઉદી કાનૂન મુજબ કાર્યવાહી કરવામાં આવશે, તેવું દારૂલ ઉલમ શાહે આલમ અમદાવાદના ‘તયબાહ’ એ જૂન – ૨૦૨૨ અંકમાં જાણકારી આપી છે.
પયગંબર હઝરત ઇબ્રાહીમ સાહેબને ખ્વાબ (સપના)માં કહેવામાં આવે છે કે, અલ્લાહ તેમના તરફ બલિદાન ઇચ્છે છે.
આપ હઝરત આપના પ્રિય ઊંટનું બલિદાન આપે છે. આપને પાછું સપનું આવે છે અને બલિદાન માંગવામાં આવે છે. આ વખતે આપ આપના સઘળા ઊંટોનું બલિવેદ આપે છે. પણ સપના થંભતા નથી અને બલિદાનની અપેક્ષાનું પુનરાવર્તન કરવામાં આવે છે. આ વખતે પયગંબર હઝરત ઇબ્રાહીમ અલયહિસ્સલ્લામ અલ્લાહ પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલનું બલિદાન ઇચ્છે છે તેવું અર્થઘટન કરી આ બીનાથી પુત્રને અવગત કરી વધ માટે તેની સંમતિ માગે છે પુત્ર હર્ષથી સંમતિ આપતા આપ તેને બલિદાન પર લઇ જઇ પોતાની આંખો પર પાટા બાંધી પુત્રના ગળા પર છરી ફેરવે છે અને આંખો પરના પાટા હટાવી જોતા એક કપાયેલું ઘેટું જુએ છે. આમ ત્યારથી બલિદાનની પ્રથા ચાલે છે. આ ઘટના ઇસ્લામી વર્ષ પ્રમાણે હજ માસની ૧૦મી તારીખે બની અને તેજ દિવસ વિશ્ર્વની સર્વ જયેષ્ઠ અને અદિત્ય યાત્રાનો વળતો
દિવસ છે.
મનુષ્યનું ઘેટાથી પૂરણ મહાન સુધારો હતો. પરંપરાગત માનવવધની જગ્યાએ પશુવધ થવા લાગ્યું. પરંતુ પવિત્ર કુરઆનનું આ અંતિમ લક્ષ્ય નથી. તેમ જ તેને શાશ્ર્વત કરવાનો આશય નથી. પવિત્ર ગ્રંથ સ્પષ્ટ કરે છે ‘તેને (અલ્લાહને) માત્ર તમારી કર્તવ્યનિષ્ઠા સ્વીકાર્ય છે. અલ્લાહને તેમનું માસ અને રક્ત નથી પહોંચતાં.’ (૨૨.૩૭) આ આયત (શ્ર્લોક) પરથી જણાય છે કે અલ્લાહને માસ અને રક્તમાં રૂચિ નથી તેને તો અપેક્ષા છે. બલિદાનની ભાવનાની. આ સંદેશ સૌના દિલો-દિમાગમાં ઊંડે સુધી ઉતરી જવો જોઇએ.
આ કુરબાનીનો ઉત્સવ છે. અહ્મ, હું પણું, ક્રોધ, વિલાસ, લોભ, કંજુસાઇ, બેઇમાની જેવા વિકારોનો વધ કરવા પશુવધ માત્ર માધ્યમ છે. સહિષ્ણુતા, અભિપ્રાય અને વિચારધારા પ્રત્યે સન્માન કેળવીએ તોજ સમાજ સૌમ્ય, સમૃદ્ધ થાય.
બોધ :
આ કુરબાની માત્ર પશુવધ પૂરતી જ સીમિત નથી. અલ્લાહ (ઇશ્ર્વર, પ્રભુ)ને બંદાની કર્તવ્યનિષ્ઠા સ્વીકાર્ય છે અને તેની અનદેખીનું પરિણામ નજર સામે મૌજુદ છે.
સૌને ઇદ મુબારક

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.