રૂપિયા ન ચૂકવે તો આવા હાલ કરવાની ચીમકી: મેક્સિકો કાર્ટેલમાં કામ કર્યાનો દાવો
યોગેશ સી. પટેલ
મુંબઈ: બે યુવાનનાં માથાં વાઢી નાખતો વીડિયો ઈ-મેઈલથી મોકલી ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સાયન્ટિસ્ટને ખંડણી માટે કથિત ધમકી આપવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રૂપિયા ન ચૂકવે તો વીડિયોમાં નજરે પડતા યુવાનો જેવા હાલ કરવાની ચીમકી આપનારા શખસે પોતે મેક્સિકો કાર્ટેલમાં કામ કરી ચૂક્યો હોવાનો દાવો કર્યો હતો.
પવઈમાં રહેતા અને પરેલની કેઈએમ હૉસ્પિટલ સ્થિત આઈસીએમઆરમાં કામ કરતા ૩૫ વર્ષના સાયન્ટિસ્ટે નોંધાવેલી ફરિયાદને આધારે ભોઈવાડા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદી ૧૧ નવેમ્બરે હૉસ્પિટલ સ્થિત કાર્યાલયમાં કામે ગયો અને બપોરે દોઢ વાગ્યાની આસપાસ પોતાના પર્સનલ ઈ-મેઈલ આઈડી પર આવેલા મેસેજ જોયા હતા. જોકે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ આવેલો એક મેઈલ વાંચી તેને આંચકો લાગ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે મેસેજ સાથે એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. ફરિયાદીએ વીડિયો જોતાં બે શખસનાં બેરહેમીથી માથાં વાઢી નાખવામાં આવ્યાં હોવાનું નજરે પડ્યું હતું. બિહારના મિરઝાપુરમાં રહેતા એક ડૉક્ટરે ૫૦ હજાર રૂપિયા ચૂકવવાનો ઇનકાર કરતાં તેના આવા હાલ કરવામાં આવ્યા હોવાનું મેસેજમાં નોંધવામાં આવ્યું હતું.
મેઈલ મોકલનારે મેસેજમાં લખ્યું હતું કે પોતે ચાર વર્ષ સુધી મેક્સિકો કાર્ટેલમાં કામ કર્યું છે અને છેલ્લાં બે વર્ષમાં તેણે ત્રણ જણની ક્રૂરતાથી હત્યા કરી છે. ૫૦ હજાર રૂપિયા ચૂકવવામાં ન આવે તો તારા પણ આવા જ હાલ થશે. મૃત્યુથી તું બચી નહીં શકે.
ધમકીભર્યો મેઈલ વાંચી ડરી ગયેલા ફરિયાદીએ ઑફિસના ડિરેક્ટરને અને ઑફિશિયલ સ્ટાફને આ બાબતની માહિતી આપી હતી. મુંબઈ પોલીસના ઑનલાઈન વેબ પોર્ટલ પર ઈ-મેઈલ દ્વારા ફરિયાદ મોકલાવી ફરિયાદીએ ભોઈવાડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો તેની તપાસ પોલીસ કરી રહી છે.