ICICI બેંકમાં લોન કોભાંડ આચરવાના આરોપસર વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આજે મુંબઈમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
વીડિયોકોન લોન કેસમાં ધરપકડ કરાયેલ ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને શનિવારે વિશેષ CBI કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચંદા કોચર અને દીપક કોચરને ત્રણ દિવસ એટલે કે 26 ડિસેમ્બર સુધી CBI રિમાન્ડ પર મોકલી દીધા છે.
વિડિયોકોન લોન કેસમાં સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે તેવી શક્યતા હતી. ચાર્જશીટમાં વિડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત સાથે કોચર દંપતીનું નામ સામેલ થઇ શકે છે. ચંદા કોચર પર વીડિયોકોન ગ્રૂપના પ્રમોટર વેણુગોપાલ ધૂતને ખોટી રીતે લોન આપવાનો આરોપ છે, જેમાં કથિત રીતે કરોડો રૂપિયાનું કોભાંડ આચરવામાં આવ્યું છે.
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે ICICI બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, આરબીઆઈની માર્ગદર્શિકા અને બેંકની ધિરાણ નીતિનું ઉલ્લંઘન કરીને વેણુગોપાલ ધૂત દ્વારા પ્રમોટ કરાયેલ વિડિયોકોન જૂથની કંપનીઓને રૂ.3,250 કરોડની લોન મંજૂર કરી હતી.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, 2009માં, ચંદા કોચર ચેરપર્સન હતા ત્યારે ICICI બેંકની સમિતિએ બેંકના નિયમો અને નીતિઓનું ઉલ્લંઘન કરીને VIELને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. બીજા જ દિવસે, વીડિયોકોન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર વીએન ધૂતે તેમની કંપની સુપ્રીમ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (SEPL) દ્વારા VIEL થી તેમના પતિની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સ લિમિટેડ(NRL)ના ખાતામાં રૂ. 64 કરોડ ટ્રાન્સફર કર્યા હતા.