પ્રવીણ પીઠડિયા
પ્રકરણ-૫૦
વેટલેન્ડ જહાજ ક્યારેય ડૂબ્યું જ નહોતું એ જાણીને માનસા સ્તબ્ધતામાં સરી પડી હતી. ભૂતકાળની એક કહાની જેને સત્ય માનીને તે ઉછરી હતી એ કહાની મૂળથી જ ખોટી હતી એ પચાવતાં તેને થોડો સમય લાગ્યો.
“એ જહાજનું શું થયું હતું ડેડી? માનસાએ પૂછયું. એ પ્રશ્ર્ન ઉપર શ્રેયાંશ જાગીરદાર, એટલે કે તેનો ડેડી હસ્યો હતો. એ જોઈને માનસા થથરી ગઈ. એ હાસ્યનો મતલબ સમજતાં તેને થોડી વાર જરૂર લાગી, પરંતુ જ્યારે સમજાયું ત્યારે ભયાનક આશ્ર્ચર્યથી તેની આંખો વિસ્ફારીત બની, છાતીમાં ધડકતું હૃદય ઉછળીને તેના ગળા સુધી આવી ગયું, ઘડીક તો લાગ્યું જાણે તેને ચક્કર આવી રહ્યાં છે. તેની નજરો સમક્ષ એકાએક અંધકાર છવાયો હોય એમ બધું ધૂંધળું બની ગયું. “ઓહ, માયગોડ.. બસ, એટલા જ શબ્દો નિકળી શક્યા તેના ગળામાંથી. તેના હાથ આપોઆપ પલંગની ધારે મજબૂતીથી ભિંસાયા. મતલબ કે ઓહ! એ સત્ય કેવી રીતે હોય શકે..? શું એ જહાજ વેટલેન્ડનાં કિનારે આવ્યું હતું? કે પછી એ જહાજનાં કારણે જ આ આઈલેન્ડનું નામ વેટલેન્ડ રખાયું હશે..?
તું યોગ્ય દિશામાં વિચારી રહી છે માય પ્રિંસેસ. શ્રેયાંશ બોલ્યો. તેને ગર્વ થયો કે વગર જણાવ્યે જ માનસા ઘણું સમજી ગઈ હતી. એ જહાજને રઘુ આ આઈલેન્ડ સુધી લઈ આવ્યો હતો. એ સમયે આ આઈલેન્ડ સાવ વેરાન અને ઉજ્જડ હતો. તેના વિશે કોઈને જાણ પણ નહોતી. ઓલીવરે જ તેને આ ઠેકાણું ચિંધ્યું હતું જેથી જહાજને દુનિયાની નજરોથી સંતાડીને અહી લાંગરી શકાય. થયું પણ એવું જ. વેટલેન્ડ એ પછી ક્યારેય કોઈની નજરે ચડ્યું નહોતું. વેટલેન્ડ જહાજની શોધખોળ ઘણાં લાંબા સમય સુધી ચાલી હતી અને જ્યારે એ મામલો ઠંડો પડ્યો, લોકો વેટલેન્ડને ભૂલી ગયા ત્યારે ઓલીવર અહી આવ્યો હતો અને જે અપાર સંપત્તિ તેના હાથે લાગી હતી એનાથી તેણે આ આઈલેન્ડને વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું. એ અરસામાં જ તેણે બ્રિટિશ સેનામાંથી પણ રાજીનામું આપ્યું હતું અને કાયમ માટે આઈલેન્ડ ઉપર રહેવા આવી ગયો હતો.
રઘુ અને તેના માણસોને તેણે યોગ્ય બદલો આપીને પોતાની સાથે જ આઈલેન્ડ ઉપર વસાવ્યા હતા, પરંતુ થોડા વર્ષો પછી એ લોકો પણ ગાયબ થઈ ગયા હતા. રાતોરાત એ લોકો ક્યાં ગયા એ કોઈ નહોતું જાણી શક્યું. મારું અનુમાન છે કે ઓલીવરે તેમને ખતમ કરીને આઈલેન્ડમાં જ ક્યાંક દફનાવી દીધા હોવા જોઈએ. સત્તા, સંપત્તિ, શરાબ અને શબાબનો અતિરેક હંમેશા તેની પાછળ તબાહી લઈને આવે છે એ અફર સત્ય યુગો-યુગોથી ક્યારેય બદલાયું નથી અને ક્યારેય બદલાશે નહીં. એ પછી વર્ષોનાં વહાણા વિત્યાં હતાં. ઓલીવરે પોતાનું સંપૂર્ણ ધ્યાન આઈલેન્ડને વિકસાવવામાં આપ્યું હતું.
એ સમય દરમ્યાન જેમ્સ કાર્ટરે વેટલેન્ડને શોધવામાં કોઈ કચાશ છોડી નહોતી, પરંતુ તે ક્યારેય જાણી શક્યો નહોતો કે વેટલેન્ડનું શું થયું હતું. તે નાસીપાસ થતો જતો હતો. તેણે ચિક્કાર શરાબ ઢિંચવાનું શરૂ કર્યું હતું જેના લીધે તેની તબિયત બગડતી ગઈ હતી. માર્ગારિટા એટલે કે તેની પત્નીનાં કાને એ સમાચાર પહોંચ્યા હતા અને તેણે યેનકેન પ્રકારે જેમ્સને ઈંગ્લેન્ડ તેડાવી લીધો હતો. ખરેખર તો વેટલેન્ડ જહાજની કહાની અહી સમાપ્ત થઈ જવી જોઈતી હતી. શ્રેયાંશ એકાએક ખામોશ થયો.
મને નથી લાગતું કે એ કહાની ક્યારેય ખતમ થઈ હોય ડેડી. જો એમ હોત તો તમારા કમરામાં કોઈ છૂપી તિજોરી ન હોત. અને તેની અંદર પેલી બૂક, નકશો કે આપણા ખાનદાનની વંશવાળી લખાયેલી ન હોત.
ધેર યુ આર, એટલે જ મને તારા પર ગર્વ છે. યસ, એ કહાની ત્યારે સમાપ્ત નહોતી થઈ. ઈવન આજે પણ સમાપ્ત નથી થઈ. જેમ્સ કાર્ટરનો એક સાથીદાર હતો પીટર એન્ડરસન. કાર્ટરે તેને વિજયગઢનો હવાલો સોંપ્યો હતો. તેની પાસે પણ એક રહસ્ય હતું, વિજયગઢનાં મંદિરનું રહસ્ય. જે રાત્રે વિજયગઢ અંગ્રેજોના કબજામાં આવ્યું એ રાત્રે એ મંદિરમાં કશીક ભેદી હલચલ થઈ હતી. એ શું હતું એ જાણવા એન્ડરસન તેની પાછળ પડી ગયો હતો. કાર્ટરની જેમ ઘણાં વર્ષો સુધી તેના હાથે પણ કશું લાગ્યું નહોતું, પરંતુ એક દિવસ તેનો વફાદાર આદમી વજાખાન એક મહત્ત્વનાં સમાચાર લઈને તેની પાસે આવ્યો હતો. એ સમાચારે એન્ડરસનને ખળભળાવી મૂક્યો હતો. વજાખાન મંદિરનું રહસ્ય જાણીને આવ્યો હતો અને શ્રેયાંશ ફરી રોકાયો.
અને શું ડેડી? કંઈક અજુગતું સાંભળવાની આશંકામાં માનસાનો શ્ર્વાસ અધ્ધર થઈ ગયો હતો.
તેની એક અલગ કહાની છે. પહેલા તને આપણાં ખાનદાનની હિસ્ટ્રી જણાવી દઉં એટલે તું અટવાય નહી. ઓલીવર વિલિયમ્સનો દીકરો ડેનીયલ વિલિયમ્સ, અને તેનો દીકરો બેન્જામિન વિલિયમ્સ. આ ડેનિયલ વિલિયમ્સે બે લગ્ન કર્યા હતા. એક બ્રિટિશ ઓરત મેગી સાથે અને એક ભારતીય સ્ત્રી સુહાની સાથે. સુહાનીથી તેને એક પુત્ર થયો હતો જેનું નામ હતું દેવદત્ત. દેવદત્ત જાગીરદાર. જાગીરદાર એટલા માટે કે તેની માં સુહાનીની સરનેમ જાગીરદાર હતી જે તેણે ક્યારેય બદલી નહોતી.
દેવદત્ત જાગીરદાર એટલે! ભયંકર આશ્ર્ચર્યથી માનસા એકાએક ઊભી થઈ ગઈ. તેનું મગજ ફાટફાટ થવા લાગ્યું. એક ન સમજાય એવી લાગણી તેને ઘેરી વળી.
યસ, તું બરાબર સમજી પરંતુ કહાની હજુ ખતમ નથી થઈ. તું બેઘડી શાંતીથી સાંભળ એટલે બધું સમજાય જશે. શ્રેયાંશને ખ્યાલ હતો જ કે દેવદત્તનું નામ આવતાં જ માનસા ચોંકી ઉઠશે. બન્યું પણ એવું જ, પરંતુ અત્યારે તેનું ખામોશ રહેવું જરૂરી હતું. ડેનિયલનાં મેગી સાથેનાં સહવાસને કારણે બેન્જામિન જનમ્યો હતો. હવે બહુ ધ્યાનથી સાંભળજે માનસા બેન્જામિન અને દેવદત્તની માં અલગ-અલગ હતી, પરંતુ તે બન્નેનો બાપ ડેનિયલ હતો. મતલબ કે તે બન્ને ઓરમાયા ભાઈઓ હતા. સમય જતાં તેઓ મોટા થયા અને દરેક ખાનદાનમાં બને છે એમ વિલિયમ્સ કુટુંબમાં પણ સંપત્તિને લઈને ડખા શરૂ થયા હતા કારણ કે એક છત નીચે બે ઓરતો ક્યારેય સુખેથી રહી શકતી નથી એ સનાતન સત્ય અહી ભજવાયું હતું. ડેનિયલે એ ડખાથી ત્રાસીને પોતાના ભાગે આવેલી સંપત્તિનાં બે ભાગ પાડયા હતા અને બન્ને ભાઈઓમાં સરખે ભાગે વેહેંચી દીધા હતા, પરંતુ અગાઉ થયેલા ઝઘડાઓનાં કારણે બેન્જામિનનાં મનમાં કડવાશ પેદા થઈ હતી અને એ તેનાં ભાગની સંપત્તિ દેવદત્તને વેચીને ઈંગ્લેન્ડ જતો રહ્યો હતો. એટલે આ આઈલેન્ડ હવે સંપૂર્ણપણે દેવદત્ત અને તેની માં સુહાનીની માલિકી હેઠળ આવ્યો હતો. તને તિજોરીમાંથી જે કાગળીયા મળ્યાં તેમાં બેન્જામિન વિલિયમ્સ સુધીનો જ ઈતિહાસ લખેલો છે કારણ કે એ વંશવાળી ખૂદ બેન્જામિને તૈયાર કરી હતી જે તેના ગયા પછી દેવદત્તે સાચવી રાખી હતી. એ દેવદત્ત એટલે મારાં પિતા અને તારા દાદા. શ્રેયાંશે એકદમ શાંતીથી કહ્યું અને ઊભો થઇ માનસાની સમીપ પહોંચ્યો. તું જે સમજી હતી એ અફર સત્ય છે. આપણે દેવદત્ત જાગીરદારનાં વારસો છીએ. ૧૯૯૧ માં તેમનું મૃત્યુ થયું હતુ ત્યારે તારો જન્મ પણ નહોતો થયો અને એ ઈતિહાસથી તને અળગી રાખવા માટે જ આજ પહેલા ક્યારેય તને આ વાત કહી નહોતી.
માનસા શું બોલે? તે એકદમ સ્તબ્ધ ખામોશીમાં સરી પડી હતી.
ૄૄૄ
શ્રેયાંશ જાગીરદાર માનસાને એક પછી એક ઝટકા આપી રહ્યો હતો અને કહાની તો હજું બાકી હતી.
રૂદ્રદેવનાં મંદિરમાં તે રાત્રે શું થયું હતું એ વજાખાન જાણીને આવ્યો હતો અને એ વાત તેણે એન્ડરસનને કહી હતી. એન્ડરસન તુરંત એ ખજાનાની પાછળ પડ્યો હતો, પરંતુ ખજાનો શંકર જેવા વિજયગઢને વફાદાર શખસે છુપાવ્યો હતો. એ એટલી આસાનીથી ક્યારેય તેના હાથમાં આવવાનો નહોતો.
કોણ શંકર..?
એ સવાલનો જવાબ આપવામાં શ્રેયાંશ ખચકાયો હતો. શંકર કોણ હતો અને તેણે શું કર્યું હતુ એ તો જે તેની નજીક હતા એ લોકો જ જાણતાં હતા. અને… (ક્રમશ:) ઉ