મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી
મુંબઈના મહેમાન આવે તો મને મોજ પડે!
હાસ્ય લેખની હળવી શૈલી શરૂ થાય તે પહેલા આ વર્ષની અંતે ઘટેલી દુખદ ઘટના એટલે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું ૧૦૦માં વર્ષે દુ:ખદ અવસાન. તેને ભાવાંજલી, શ્રદ્ધાંજલિ આપી લેખની શરૂઆત કરું છું.
કોઈપણ તહેવાર ગુજરાતીઓ બહુ સરસ રીતે ઉજવે છે, પરંતુ ૩૧મી ડિસેમ્બર એક એવો તહેવાર છે જે ગુજરાતના લોકો ડરી ડરીને પણ જરૂરથી ઉજવે છે. નાતાલની ઉજવણી માં જે પીણું મુખ્ય ભાગ ભજવે છે તે ગુજરાતમાં પ્રતિબંધિત છે. તેમ છતાં જુગાડું ગુજરાતીઓ ગમે તેમ કરી અને વ્યવસ્થા તો કરી જ લે. ડિસેમ્બર મહિનામાં બીજા કોઈ મહેમાનો ગમે કે ના ગમે પરંતુ જે રાજ્યમાં દારૂબંધી નથી તે રાજ્યમાંથી કોઈ મહેમાન આવે તો બહુ ગમે.અને એમાં પણ જો બહુ રોકાણ ન કરવાના હોય તો તો અતી ગમે. ગુજરાતનું પાડોશી રાજ્ય એટલે મહારાષ્ટ્ર અને મુંબઈ સાથે સીધો નાતો ધરાવતા ગુજરાતના દારૂ પ્રિય ગુજરાતી મુંબઈથી આવતા મહેમાનોનું લળી લળી સ્વાગત કરે છે. કારણ કે મુંબઈમાં રહેતા ગુજરાતીઓને ગુજરાતમાં આરામથી દારૂ ખરીદવાની તથા પીવાની છૂટ મળી રહે છે. એટલે ચુસ્ત જૈન પરિવાર કે જે ડુંગળી લસણ કે કંદમૂળને હાથ પણ ન લગાડતા હોય તેવા લોકોના રહેણાંક પુરાવા પર અમારા ગુજરાતના ગુજરાતીઓ દારૂની બોટલ ગળગળા થઈ અને ખરીદી લે છે. ખરીદ વિધિ પૂરી ન થાય ત્યાં સુધી મહેમાન અતિ પ્રિય લાગે. પરંતુ કામ પૂરું થયા પછી જલદીથી મહેમાનને વળાવી અને છાંટો પાણી કરવા બેસવાની ઉતાવળ દરેક ગુજરાતીઓમાં હોય છે. તેમાં પણ ૩૧ ડિસેમ્બર ભલે ખ્રિસ્તીઓનો તહેવાર ગણાય પરંતુ નાત જાતના ભેદ ભૂલી અમુક એકત્રીસ ડિસેમ્બરી ગુજરાતી યજમાનો પણ સાન્તા સ્વામીની માનતા પૂરી કરવા માટે બેસી જાય છે. ૩૧ ડિસેમ્બરે બે પ્રકારના ઉત્સવ પ્રિય લોકો જોવા મળે. એક છાંટો પાણી કરવાવાળા અને બીજા ગમે તે હોય બસ નાચી લેવું છે તે પ્રકૃતિના નૃત્ય વિશારદો.૩૧મી ની રાત્રે પોલીસ તંત્ર વધારે પડતું સજાગ હોય છે.અને ખાટું અત્તર છંટાઈ ગયું હોય કે બેચાર ચીકુ ખાઈ ઓડકાર આવ્યો હોય તેને પણ પિધેલામાં ગણતરી કરી અને દંડો પછાડી લેતા હોય છે.પીધેલ પકડાય તો નબળા નિયમ અનુસાર નાની મોટી ” શિખામણોની આપ લે કરી વધેલો ” માલ જમા કરી જતું કરતા હોય છે.આ બધી વાયકાઓ અને વિધિઓની આછી પાતળી માહિતીઓ ને કારણે ૩૦મી એ જ અમે ઉજવણી કરવાનું નક્કી કર્યુ.આ નક્કી કરવા પાછળ ચુનીયાની બૈરી મુખ્ય કારણ રૂપ હતી.
ચૂનિયાની બૈરીએ ઉપાડો લીધો હતો કે ‘ગમે તે થાય મને ડિસ્કો પાર્ટીમાં લઈ જ જાવ મે તેને માટે ખાસ નવા ચણીયા ચોળી બનાવરાવ્યા છે’. ચુનિયાએ ઠંડીનું બહાનું પણ કયુર્ં તો ભાભીએ ઊનના ચણીયાચોળી દેખાડ્યા. દુનિયા આખી સામે લડવા સક્ષમ યોદ્ધો ઘરના પાત્ર સામે ઘૂંટણિયે પડી જાય એમ ચુનીયો સરન્ડર થઈ. ખુફિયા જગ્યાએ પાર્ટી થઈ શકે તેની વેતરણમાં પડ્યો. સોસાયટીના હોલમાં માત્ર સભ્યો પૂરતું જ આયોજન કરવામાં આવ્યું હતું. દેખીતી કોઇ તક્લીફ ન હતી.પરંતુ અમુક બાળોતિયાના બળેલ હોય એટલે તક્લીફ આવે જ. સાંજે સહુ સભ્યો પોતાનુ ભોજન સાથે લાવે અને મોબાઈલમાંથી મ્યુઝિક વગાડી નાચી લઈ થાકી જવાય એટલે પોતપોતાના ટિફિન ખોલી જમીને છુટ્ટા પડવાનું હતું. સાંજે છ વાગતા જ સોસાયટીના કોમન હોલ તરફ઼ પ્રવાહ ચાલુ થયો, લોકો ઠંડી જાણે છે જ નહીં એમ માની વેસ્ટર્ન ડ્રેસમાં સજજ થઈ હાય.. હેલ્લો… ના નાદ સાથે હલકારે ચડવા સજજ હતાં. આજે સોસાયટીના સભ્યો પણ જાણે અજાણ્યા લાગતા હતા. બહુ બારીકાઈથી, નજીકથી જોતાં એવું લાગ્યું કે મેકઅપને કારણે એકબીજાને ઓળખવામાં તકલીફ પડતી હતી એવુ તારણ નીકળ્યું. જુવાનિયાઓ અમસ્તે અમસ્તા પગ ઉલાળતા હતા આજે અંગ્રેજીનું ચલણ પણ વધારે દેખાતું હતું. રોજ જેસી કૃષ્ણ કરતી આધેડ વયની ગૃહિણીઓ પણ હાઈ, હાવ આર યુ, જેવા શબ્દો ઉચ્ચારતાં હતા. જેવું કોઈ સામે અંગ્રેજી મીડીયમ વાળુ મળી જાય અને મશીનગનની જેમ અંગ્રેજી શબ્દો વછૂટે કે તરત જ ધાણીફૂટ ગુજરાતી ભાષા પ્રયોગ થતો હતો. ચુનિયાનો પરિવાર પણ પહોંચી ગયો ઊનના ચણીયા ચોળી આકર્ષણનું કેન્દ્ર બની ગયા. ભાભીએ તો હોલની બહાર ઊભા રહી અને બે-ચાર ફેર ફૂદરડી પણ ફર્યા લોકોએ વાવ.. હાવ… જેવા ઉચ્ચારોથી નવાજ્યા. સોસાયટીના લગભગ ૮૦ સભ્યો થતા હતા, પરંતુ ટોળું જોતાં લગભગ ૧૨૦ જણા જણાતા હતા. ઓવર મેકઅપ અને અતરંગી કપડાઓ વચ્ચે સભ્યોને જુદા પાડવા થોડું અઘરું લાગતું હતું એટલે નક્કી થયું કે પહેલા બધા જ હોલમાં જમા થઈ પોતાની સભ્ય નોંધણી કરાવે. આ વાતનો ઘણા લોકોએ વિરોધ કર્યો કે આપણે તહેવારો ઊજવવા ભેગા થયા છીએ કે મતદાન કરવા. સમય વીતતો જતો હતો બધા એકસાથે હોલમાં દાખલ થયા કોઈએ એમ્પ્લીફાયર સાથે પેન ડ્રાઈવ લગાવી અને સાઉન્ડ સિસ્ટમ સાથે એટેચ કરી દીધુ. પરંતુ એક વાત પેન ડ્રાઈવવાળા ભાઈ ભૂલી ગયા હતા કે રઘુભાઈના માતુશ્રીનું અવસાન થયું તે સમયે ભજન નું એક ફોલ્ડર ડાઉનલોડ કરેલું. નાચવા માટે તૈયાર બધા લોકો સાઉન્ડ ચાલુ થયું ત્યારે શોકમાં સરી પડ્યા કારણ કે પહેલુ જ ભજન વાગ્યું ‘તુ હી જગ દાતા વિશ્ર્વ વિધાતા તેરે ચરણો મેં ચારો ધામ હે રામ હે રામ…’ જગો ભારાડી મોટા અવાજે ડીક્ષનરી બહારના શુભાષિત બોલ્યો ‘કોણે…. બીપ.. બીપ..’ મામલો માંડ માંડ થાળે પડ્યો જુવાનિયાઓ પોતાના મોબાઈલ આગળ ધરી ડાન્સિંગ સોંગની ફરમાઈશ કરવા લાગ્યા. એક પછી એક સોંગ વાગશે તમે ચાલુ પડી જાવ એમ કહી ચુનિયાએ કમાન સંભાળી. પહેલાં જ સોંગ પર સભ્યો ગાન્ડા થયા જુવાનિયાઓ તો નાચ્યા જ પરંતુ જેના પગમાં વા થયો હતો તેઓએ પણ દોઢ પગે બને એટલા ઠેકડા મારી લીધા. પ્રતિભાબેનના પગમાં બે કપાસી છેલ્લા બે મહિનાથી હેરાન કરતી હતી એ ફુટી અને મૂળમાંથી દૂર થઇ ગઇ. હજુ તો પહેલું ગીત તે ન પતે ત્યાં કોઈ આવી અને ગરબા ની ફરમાઈશ કરી ગયું.સારો ચહેરો જોઈ અને ચુનીયો ના ન પાડી શક્યો. ડિસ્કો ગીત અડધેથી બંધ કરી ગરબા ચાલુ કર્યા થોડી હોહા થઈ પરંતુ ૪૦ પાર કરેલા સભ્ય ખુશ હતા. એટલે ગરબા પર નાચવા લાગ્યા હજી દસ મિનિટ નહોતી થઇ ત્યાં કોઈ આવી અને ભાંગડાની ફરમાઈશ કરી ગયું. ગરબા માંથી તરત જ ભાંગડા વાગવાના શરૂ થયા ફરી થોડી કચકચ થઈ પરંતુ દરેક સભ્યોને સ્વતંત્રતા હોય તેવું માની ચુનિયાએ ભાંગડા શરૂ કરાવ્યા. હજી દસ મિનિટ નહોતી થઇ ત્યાં કોઈએ ફરી મશતભજ્ઞ તજ્ઞક્ષલત વગાડવા શરૂ કર્યા આમ ઊંધિયા જેવો માહોલ સર્જાયો. એકાદ કલાક મિકસ નાચ પછી માત્ર જુવાનિયાઓ જ
નાચવામાં વધ્યા નોન સ્ટોપ જેક્શન ડાન્સ કરતા હતા. પોતાની કલા દ્વારા છવાઈ જવાની ઈચ્છા હોય થાકે તો બીજાને નચાવવા આગળ કરી હાંફ ઉતારી લેતા હતા. કાર્યક્રમ સફળતા પુર્વક આગળ વધી રહ્યો હતો પરંતુ જેવો જમવાનો બ્રેક પડયો એટલે ચુનિયાએ માઈકમાં થી જાહેરાત કરી કે હવે સૌ પોતપોતાના ટિફિન ખોલો અને જમવાનું શરૂ કરીએ, પરંતુ દરેક લોકો એવું વિચારતા હતા કે કોઈના ટિફિનમાં જોડાઇ જઇશું સરવાળે કોઈ ટિફિન લઈ અને આવ્યું ન હતું.એકબીજાના મોઢા જોઈ એકબીજા કેવા આળસુ છે તેવું મનમાં ને મનમાં બોલતા હતા તેવું મને લાગ્યું. હવે ભૂખ આટો લઈ ગઈ હતી. સહુથી વધારે પુરુષોએ ગાળો ખાધી હશે કે કોઈક દિવસ પણ રસોડે રજા ન મળે. ચુનીયાએ તરત જ રસ્તો કાઢ્યો અને સ્થાનિક નેતાઓને ફોન કરી જણાવ્યું કે ‘અમારી સોસાયટી મિટિંગ છે અને સર્વાનુમતે ઠરાવ પસાર કરી સંસદ માં કોને મત આપવો એ નક્કી કરવાના છીએ તમે મત મેળવવા માગતા હો તો આવી જાઓ અને લગભગ ૧૨૦ સભ્યોનું જમવાનુ સાથે લાવશો તો મત પાક્કા’. નેતાઓ ઉજવણીમાં જોડાય એટલે બધાં નિયમ હવામાં ઓગળી જાય. રાત્રીના મોડે સુધી જલ્સો ચાલ્યો જે પોલીસ ખાતું બંધ કરાવવા આવે તેણે વ્યવસ્થા જાળવવામાં સાથ આપ્યો.
આજે ૩૧મી ડિસેમ્બરે હું તો ગીરની ગોદમાં, દિવનાં દરિયાથી નજીક, ખાપટ ગામે ખટપટથી દૂર નવા વર્ષને આવકારવા આવ્યો છું. આટલા બધા પ્રાસ મળતા હોય ત્યારે સ્વાભાવિક છે તમને એવું થાય કે આ કેફિયતમાં ક્યાંક કેફી દ્રવ્ય ઉમેરાયેલું છે તો ચિયર્સ….. પૂરા હોશો હવાસમાં લખાયેલો લેખ છે.
વિચારવાયુ:
લૉકડાઉન દરમિયાન દારૂની હેરફેર ગુજરાતમાં ઘણા અંશે બંધ થઈ ગઈ હતી. ત્યારે પ્યાસી લોકોએ ગૃહઉદ્યોગ શરૂ કરેલો હવે ચારે બાજુથી રસ્તા ખુલ્લા છે પરંતુ ઘરગથ્થુ માલ સદી ગયો છે. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા.