કાશ, તારી સ્મૃતિને હું બ્લોક કરી શકતી હોત…!

લાડકી

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

શું તમને ક્યારેય કોઈને બ્લોક કરવાનું મન થયું છે? બ્લોક કર્યા પછી શું યાદોમાંથી તમારું ગમતું પાત્ર બ્લોક થઈ શક્યું? એવી વ્યક્તિ કે જેના માટે તમે સ્નેહની સુવાસ પાથરતા એણે તમારા માટે વેદનાનાં વમળો સર્જ્યાં હોય એવું લાગ્યું છે? અને એના અભાવને ભૂલવા બ્લોકાસ્ત્ર સુધી પહોંચ્યા છો?
આપણી જન્મજાત પ્રકૃતિ મુજબ આપણને હંમેશાં આપણા લોકોથી ઘેરાવાની આદત છે. જેને દિલ ફાડીને પ્રેમ કરીએ એ આપણી પાસે જ હોવું જોઈએ એવી પ્રબળ ઈચ્છા હોય છે. એની આસપાસ આપણા અસ્તિત્વને જાણ્યે-અજાણ્યે ગૂંથી નાખતા હોઈએ છીએ. આ ગૂંથણી એટલી મનમોહક હોય છે કે એમાં ગૂંથાઈને એકમેકના થઈ જવાનો આનંદ બંને પક્ષને વધુ ને વધુ પાસે રહેવા માટેનો ભાવ પ્રગટ કરી આપે છે. બે પાત્રો પરસ્પર મળીને જાણે એકમેક માટે જ ઈશ્ર્વરે એમને સર્જ્યાં હોય એવી સ્ટ્રોંગ ફીલિંગ ધરાવતાં હોય છે, પરંતુ આ ગૂંથણીમાં ઘૂંચ પડે ત્યારે ગમે એવો અતૂટ સંબંધ વેન્ટિલેટર પર આવી જાય. છેલ્લે પૂરતા શ્ર્વાસ ન લઈ શકવાના કારણે સૌથી નજીકનો સંબંધ ડિજિટલી મૃતપ્રાય બની મોબાઈલમાંથી વિદાય લઈ લે છે.
પરંતુ હૃદયના ખૂણે ધરબાયેલો એ સંબંધ શ્ર્વાસની છેલ્લી ક્ષણો સુધી મનને ટકોરા માર્યા કરે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક સ્ટેજ એવું પણ આવે છે જ્યારે એમ થાય કે કાશ એની યાદોને બ્લોક કરી શકાતી હોત તો…! કાશ એ પળોને પટારામાં પૂરી એને લોક કરી શકાતી હોત તો…! કાશ એ લાગણીથી લથબથ યાદોને કાયમ માટે કેપ્ચર કરેલા આંખના કેમેરામાંથી ડિલિટ કરી શકાતી હોત તો…! કાશ એણે કરેલા પ્રોમિસને ભૂલવા માટેની એક ચિપ મેમરીમાં ફિટ કરેલી હોત તો…! કાશ એના પહેલાં મેસેજ અને રિપ્લાય સાથેની સમગ્ર ચેટને ધક્કો મારી કહી શકાતું હોત કે ‘ચાલ નીકળ તું, મારામાં રોકેલી સ્પેસ ખાલી કર…!’ કાશ એ જીવથી પણ વહાલી આપણામાં વણાયેલી સુવાસને કહી શકાતું હોત કે ‘પ્લીઝ, હવે તું મહેકવાનું બંધ કર, તું હજીએ મઘમઘે છે ને મારું કાળજું કરગરે છે…!’
એની સાથેની એ અંતિમ તસવીર કે જેમાં ફિક્કું સ્મિત પણ હોઠ પર રેલાયું નહોતું એ જોઈને દડ દડ વહેતાં આંસુ પણ કહેવા લાગે કે ‘બસ કર બેટા, કેટલાં વહાવીશ મને? થોડાંક તો સાચવીને રાખ, જરૂરિયાતના સમયે હું જ કામમાં આવીશ.’ હીબકાં ખાતી યાદો ફરિયાદ કરે છે કે ‘જેની યાદમાં ડૂસકાં ભરે છે એની યાદોમાં દૂર દૂર સુધીય તું નથી.’ એના અભાવમાં જિવાતું જીવન કદાચ ન બરાબર છે એ વાતનો વારંવાર એકરાર ગમતા પાત્ર સામે કર્યા પછીય સ્થિતિમાં સુધાર ન આવે ત્યારે એ પાત્રને ‘બ્લોક’ કરવાની ઈચ્છા મનમાં જાગ્રત થતી હોય એવું લાગે, પણ શું એવું કરવાથી આપણા મનને કહેવાતું સુકુન મળશે? આ પ્રશ્ર્ન સાઇલન્ટ છે.
એક કપલનું બ્રેકઅપ થાય છે. બ્રેકઅપ બાદ બહેન નોર્મલ સ્થિતિમાં આવી જાય છે, પણ ભાઈ એના ભૂતકાળને ભૂલી શકતા નથી. એટલે મોબાઈલમાં એનો નંબર બ્લોક કરે છે, પણ યાદ આવતાં ફરી અનબ્લોક કરે છે. આવું ઘણી વાર થયા કરે છે. એના સ્ટોરી અને સ્ટેટસ જોવા ઈચ્છે છે. એની ભૂતકાળની ચેટ વાંચ્યા કરે છે અને હૃદય મનને પીડ્યા કરે છે. એટલે નંબર બ્લોક કરવાની સાથોસાથ ગમતા પાત્ર સાથેના મીઠી ચાસણી જેવા સંભારણાને બ્લોક કરવાનો ઑપ્શન જિંદગી આપતી નથી. આજના ડિજિટલ યુગમાં પણ એવી કોઈ શોધ નથી થઈ જે મનની વેદનાને માપીને એના ઘાના ઉદ્ભવસ્થાનને ભુલાવી શકે.
એક કિસ્સામાં બંને પાત્રો મન મારીને જુદાં પડે છે. ફરી કોન્ટેક્ટમાં નહિ આવીએ અને ફરી ક્યારેય નહીં જ મળીએ એવી વાત કરીને અલગ થાય છે. કેટલાંક વર્ષો પછી યુવતીના મૃત્યુના સમાચાર આવે છે, જે સાંભળીને પેલો યુવાન હતપ્રભ બની જાય છે. હવે જેની સાથે ક્યારેય ફરી સંપર્ક કરવો નહોતો એવું નક્કી થયું હતું અને કુદરતે એવું જ કરી આપ્યું. પરિણામે યુવાન એ છોકરીની યાદોમાંથી ક્યારેય છૂટી ન શક્યો. વર્ષો સુધી જેને ન મળી શક્યાના અફસોસ સાથે જીવ્યો જે ખરેખર ક્યારેય મળવાની નહોતી. એટલે સંબંધનો અંત આણતાં પહેલાં નક્કી કરી લેવું પડે કે સંબંધનો જ અંત લાવવો છે કે પછી જે તે સંબંધ થકી ઉદ્ભવતી પીડાઓનો…! ઘણી વાર પરિસ્થિતિનો અંત લાવવો ખૂબ સરળ હોય છે, પણ એનો સ્વીકાર કરવો અઘરો થઈ પડે છે.
કેટલીક વાર અંદરના ભાવો અને મોંમાંથી નીકળતા શબ્દોમાં વિરોધાભાસ હોય છે. ‘તારા ટચમાં ક્યારેય રહેવા માગતો/માગતી નથી’ આવું બોલાઈ તો જાય છે, પણ મનનો માંહ્યલો તો એના સાથના સફરમાં સહેલવા ઈચ્છે છે, કારણ કે છૂટા પડવું કે અલગ થવું એ કાંઈ દરિયાકિનારે રેતીમાં લખેલા અક્ષરો નથી કે નાનકડું મોજું આવે ને ભૂંસાઈ જાય. આ શબ્દો તો દુનિયાની એવી શાહીથી લખાઈ ગયેલા હોય છે જેને ઈરેઝ કરી શકાય એવું ઈરેઝર હજુ સુધી શોધી શકાયું નથી. એટલે મનગમતા સંબંધમાંથી છૂટા પડ્યા પછી પણ, વોટ્સએપની ઓલ ચેટ ડિલિટ કર્યા પછી પણ, એફબી, ઇન્સ્ટા જેવાં ડિજિટલ માધ્યમોની વોલ ક્લિયર કર્યા પછી પણ અંતરાત્મા સાથેનું વન એન્ડ ઓન્લી પર્સનનું જોડાણ હૃદયના ખૂણેથી તૂટી શકતું નથી.
ભૂલી જવાની કોઈ પણ પ્રકારની સલાહ આવા સંબંધોમાં એક સ્ટેજ સુધી જ ઉપયોગી સાબિત થાય છે. સેક્ધડ સ્ટેજમાં હૃદયને કોતરીને આરપાર નીકળેલું કોઈ એક પાત્ર પાસે હોય કે ન હોય, પરંતુ આજીવન સફરમાં સાથે રહેતું હોય છે. એ એકમાત્ર વ્યક્તિનું જોડાણ એટલું મજબૂત હોય છે કે બંધ આંખે કે ખુલ્લી આંખે, સ્વપ્નમાં કે જાગ્રત અવસ્થામાં, ખુશીના ખજાનામાં કે દુ:ખના દિવસોમાં એની છબી આંખ સામે તરવરે છે. એની લાઈફમાં આપણી સતત ગેરહાજરી હોવા છતાં આપણા સ્નેહને શોક લાગતો નથી. અહીં છૂટા પડ્યા પછી પણ વગર તારના કનેક્શન થકી આવાં પાત્રો જોડાયેલાં રહે છે.
બ્રહ્માંડનો કોઈ એક જ અંશ ગમી જાય અને એને ભૂલી જવાય એ તો કેવી રીતે શક્ય બને…! આવું જોડાણ અંતરના ઊંડાણનું અને અસ્તિત્વના ઉન્માદનું હોય છે. એના દ્વારા સર્જેલો અભાવ તો બસ ટેમ્પરરી હોય છે. એના દ્વારા મળેલું દુ:ખ માત્ર ક્ષણિક પીડે છે. આજીવન પીડે છે એને ભરપૂર પ્રેમ ન આપી શક્યાનો વસવસો. આવો સંબંધ કોઈ કાળે, કોઈ પણના પ્રયાસથી બ્લોક થઈ શકતો નથી. સ્નેહની સુવાસ જેના માટે પાથરી હોય એના માટે અપજશના કાંટા પાથરી શકાતા નથી જ. વેદનાનાં વમળો જેણે સર્જી દીધાં એને ભૂલવાનો પ્રયાસ કરવો એ તો મનને સમજાવવા માટે છે. પછી ભલે એ સંબંધ પ્રેમનો હોય કે મિત્રતાનો કે પછી જેના પર આપણને વિશ્ર્વાસ છે એનો… બ્લોકાસ્ત્ર જો યાદો પર અજમાવી શકાતું હોત તો દુનિયાની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જાત.
——————
ક્લાઈમેક્સ: તારા જવાથી એ સમજાઈ ગયું કે પ્રેમ કરવા માટે તારી જરૂર જ ક્યાં હતી…!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.