કાયદો-વ્યવસ્થા, ક્રાઇમ ડિટેક્શન પર વધારે ધ્યાન આપીશ: ફણસલકર

આમચી મુંબઈ

મુંબઈ: વરિષ્ઠ આઇપીએસ ઓફિસર વિવેક ફણસલકરે ગુરુવારે મુંબઈના નવા પોલીસ કમિશનરનો પદભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી અને ગુનાનો ઉકેલ લાવવો એ મારી ટોચની પ્રાથમિકતા રહેશે.
૧૯૮૯ બેચના આઇપીએસ ઓફિસર ફણસરકરની પોલીસ કમિશનર તરીકે નિયુક્તિની જાહેરાત મહારાષ્ટ્રના ગૃહ વિભાગ દ્વારા બુધવારે કરવામાં આવી હતી.
દક્ષિણ મુંબઇના ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં આવેલી પોલીસ કમિશનરની ઓફિસમાં તેમણે ગુરુવારે સાંજે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. ફણસલકરે જણાવ્યું હતું કે હું અધિકારીઓની મદદથી મુંબઈ પોલીસને દુનિયામાં સૌથી ઉત્કૃષ્ટ અને મજબૂત પોલીસબળ બનાવવા પર ભાર આપીશ.
ઉપરાંત કાયદો-વ્યવસ્થા જાળવવી, ગુના ઉકેલવાનું પ્રમાણ સુધારવું, વરિષ્ઠ નાગરિકો, મહિલા અને બાળકોની સુરક્ષાને ટોચની અગ્રતા આપીશ. લોકોને મહાનગરમાં હરવા ફરવાનું સુરક્ષિત મહેસૂસ થવું જોઇએ, એમ તેમણે કહ્યું હતું. નોંધનીય છે કે ફણસરકરે અગાઉ પોલીસ હાઉસિંગ એન્ડ વેલફેર કોર્પોરેશનના ડીજી અને એમડી તરીકે ફરજ બજાવી હતી. તેઓ થાણેના પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના ચીફ સહિત મહત્ત્વના પદો પર કાર્યરત રહી ચૂક્યા છે. (પીટીઆઇ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.