આજે આટલું જ -શોભિત દેસાઈ
આછી હલકી ઠંડીના કાળી રાત પરના લસરકાઓ ૩૧ ડિસેમ્બર-૨૦૨૨ની આક્ષરી ક્ષણોને ગમતી કનડગત ધરતા રહ્યા….
સૂરજ છે નમ્ર ખાસો, પીળિયા તડકાઓ સોનેરી
ઝીણું જાગે હજી પણ આભમાંથી રાત રૂપેરી
બળેલા તાપણાનો શેષ છે અવશેષ સાયંકાળ
રજાઇમાં ભરાયો છે દિવસ, સૂમસામ છે શેરી
નથી ખોલી શકાતા હોઠ, ઉચ્ચારો બધા અસ્પષ્ટ
છે ઇચ્છાઓ કકડતી, મૌન ઊભું છે તને ઘેરી
જરા સરખો મળે ગરમાટો આજે તારી પાસેથી
કહું છું ખાઇ તારા સમ, દઉં પાછો હું, ઉમેરી
તેં જોયો હૂંફથી જેવો, કે પહેરી’તી જે શબ્દોએ
સુરક્ષિત કાનટોપી તો થઇ નક્કામી! હત્તેરી!!!
વગાડું ઘંટડી, સ્પર્શું, કરું અભિષેક તારામાં
હજી સુધી નથી પુજાઇ જે, તું એવી છે દેરી
તિમિર સંવાદ માંડે છે તિમિર સાથે જ, જાગી જઇ
શિયાળામાં સમય સૂતો લપેટી રાત રાનેરી
ધ્રૂજે ધીમું ’ને મૂકે ઉચ્છ્વાસોથી વરાળોને
અને આશ્ર્ચર્યથી તાક્યા કરે છે એક ગંજેરી
નથી મોજુદ હું? તું ધાબળાને કેમ ઓઢે છે?
પરમશૃંગારની ઘડીઓમાં વહાલી! કાં થતી વેરી?!
હવા કે ચાંદની વ્હેંચે મફતમાં શેરના ભાવે
દીવાનો રાજવી, ઠંડી અને નગરી છે અંધેરી
શિશિરના સૂર્યનું પહેલું કિરણ પથરાય ધરતી પર
ઊઠે આળસ મરોડી ઘાસ કેવું ઓસ ખંખેરી!
અને જે જાગ્યા સવાર સુધી, પહેલાં તો ઉજવણીના કેફ સાથે અને પછી ધીરે ધીરે ખુદને શોધવા – ઉદાસ થવા-રડી પડવાની ક્ષણો જીવતાં જીવતાં, એ બધાએ આજે ૧ જાન્યુઆરીએ સવારે પાંચ-સાડાપાંચને સુમારે કૈં કૌતુક અનુભવ્યું, હૃદયમાં પથરાતી કોઈ અવર્ણનીય શાંતિનું…
ના ભાળ મળે કોઈને પણ, છુપાઈ જવામાં લિજ્જત છે
જીવું છું સતત હું યાદ બની, ધરબાઈ જવામાં લિજ્જત છે
આવે તું મને જોવા ત્યારે હું સાજોનરવો સુસ્ત બનું
થોડોક જ દેખાડાનો ઊથલો ખાઈ જવામાં લિજ્જત છે
એ ઈચ્છે એ પ્રતિસાદ દઈ શિશુઓને નમણાં સાચવજો
છો ચિંતાથી ઘેરાયા હો, હરખાઈ જવામાં લિજ્જત છે
નિજની મસ્તીનું ઓસડિયું ઘૂંટીને પવન સામે ઊડતાં
પાંખાળા પ્રેમના સંકેતો સૌ ગાઈ જવામાં લિજ્જત છે
ધારી લોને… ગમતાંને કોઈ! બીડું છું આંખ તમારી હું
બીજાના નામે પણ અમને પરખાઈ જવામાં લિજ્જત છે
નક્કામી જફામાં શું પડવાનું… કેસરિયો કે લીલો છે?
ધૂળેટીના રંગેરંગે રંગાઈ જવામાં લિજ્જત છે
બાંહોમાં લઈ મારો ચહેરો, તું મર્માળું ફરકાવે સ્મિત
છેવટ હસતાં હસતાં બસ સંકેલાઈ જવામાં લિજ્જત છે
આજે આટલું જ….