કાજલ ઓઝા-વૈદ્ય
નામ: કિશોરી અમોનકર
સ્થળ: મુંબઈ, મહારાષ્ટ્ર
સમય: નવેમ્બર, ૨૦૧૬
ઉંમર: ૮૩ વર્ષ
સિનેમામાં ગાવું (પાર્શ્ર્વ ગાયન) મને ક્યારેય બહુ એક્સાઈટિંગ કે રસપ્રદ લાગ્યું નથી. શાંતારામજીના આગ્રહને કારણે મેં ‘ગીત ગાયા પથ્થરોં ને’માં એક ગીત ગાયું, પરંતુ એ પછી અનેક ઓફર્સ આવી જેની મેં ના પાડી. સાચું પૂછો તો મારી માઈ પણ એવું માનતી કે, ફિલ્મોમાં ગાવું એ મારી શાસ્ત્રીય સંગીતની ગાયિકી માટે યોગ્ય નથી. એ દિવસોમાં (૬૫) મેં એક આલ્બમ તૈયાર કર્યું, ‘મ્હારો પ્રણામ’. એ કાર્યક્રમને ખૂબ પ્રતિસાદ મળ્યો. આજે પણ એ આલ્બમ બેસ્ટ સેલરમાં ગણાય છે. કોણ જાણે કેમ, મને સંગીતના ભાવક વગર ગાવું થોડું વિચિત્ર લાગે છે. સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતી વખતે હું થોડીક અગવડ અનુભવું છું. તેમ છતાં એ આલ્બમને મળેલા પ્રતિસાદ પછી ૧૯૬૧માં ગોલ્ડન હોર, ગાન-સરસ્વતી, ૧૯૬૩માં પડીલે દૂર દેશી, ૧૯૭૧માં ક્લાસિકલ વોકલ, ૧૯૮૦માં હિન્દુસ્તાની ક્લાસિકલ, ૧૯૮૪માં મ્હારો પ્રણામ, ૧૯૮૪માં શ્રી રાઘવેન્દ્ર બારો, ૧૯૯૧માં ગજલે અભંગ, ૧૯૯૧માં દ્રષ્ટિ, ૧૯૯૬માં રંગી રંગલા શ્રીરંગ, ૧૯૯૮માં સાધના, ૨૦૦૦માં પ્રભાત, ૨૦૦૭માં દિવ્યા, ૨૦૧૫માં સેલિબ્રેટિંગ ધ લેજન્ડ અને ૨૦૧૮માં મારા ઉત્તમ કાર્યક્રમોના લાઈવ સહિત કેટલાક રેકોર્ડિંગ્સ સાથે બેસ્ટ ઓફ કિશોરી અમોનકરના ચાર વોલ્યુમ રજૂ થયાં.
શાસ્ત્રીય સંગીતને સન્માન મળે એ, મારી માઈની ઈચ્છાને મેં પૂરા હૃદયથી નિભાવવાનો પ્રયાસ કર્યો અને સાચું પૂછો તો હું જે કંઈ કરી શકી એ વાતનો મને સંતોષ છે. મારા કાર્યક્રમો પૂરજોશમાં ચાલી રહ્યા હતા. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવૉર્ડ્સ, સંગીત નાટક અકાદમીની ફેલોશિપ અને ડૉ. ટી.એમ.એ. પાઈ આઉટ સ્ટેન્ડિંગ કોંકણી એવૉર્ડ, એમ.એસ. સુબ્બુલક્ષ્મી એવૉર્ડ જેવાં અનેક સન્માન એ વર્ષોમાં મને મળ્યા. તબલા વાદક ઝાકીર હુસૈન સાથેનો એક કાર્યક્રમ હતો જેમાં મેં અનેક રાગો ગાયાં. ઝાકીર હુસૈને એ કાર્યક્રમ પછી મને કહ્યું, ‘એક સદીમાં આવો એક કાર્યક્રમ થતો હોય છે. આ કાર્યક્રમ તમે અને હું જીવનભર યાદ કરીશું.’ જોકે, મહારાષ્ટ્ર સરકારે જ્યારે સંગીતના એવૉર્ડમાં ફિલ્મનું સંગીત, સૂફી સંગીત, ગઝલ અને શાસ્ત્રીય સંગીત જેવી કેટેગરીને અલગ પાડવાને બદલે બધું જ ભેગું કરીને એવૉર્ડ આપવાની શરૂઆત કરી ત્યારે મેં મારો અભિપ્રાય પ્રગટ કર્યો હતો. સાચું પૂછો તો હવે ભાવકોની પસંદગી પણ બદલાતી જાય છે. શુદ્ધ શાસ્ત્રીય ગાવાવાળા તો ઘટ્યા જ છે, પણ શુદ્ધ શાસ્ત્રીય સાંભળનાર વર્ગ પણ પ્રમાણમાં ઓછો થતો જાય છે. એનાં કારણોમાં ન પડીએ તો પણ એક વાત જે મને સમજાઈ છે તે એ છે કે, શાસ્ત્રીય સંગીતને અતિશય વિશુદ્ધ રાખવાથી એની પવિત્રતા જળવાય છે એ સાચું, પરંતુ એને જીવાડવું હશે તો થોડું ડાઈલ્યુટ કરીને યુવા પેઢીને સમજાય અને ગમે એવા શાસ્ત્રીય સંગીતનો એક નવો ચીલો ઊભો કરવો પડશે.
મારી સાથે એક આખી પેઢી જે શાસ્ત્રીય સંગીતને સંપૂર્ણપણે સમર્પિત હતી એ પૂરી થઈ જશે એવો મને ભય છે. મારી માઈને પણ એમ જ લાગે છે, કદાચ એટલે જ, માઈનો આગ્રહ હતો કે, મારે થોડાક વિદ્યાર્થીઓને પણ સંગીત શીખવવું જોઈએ. મારી કડક તાલીમ અને શુદ્ધ શાસ્ત્રીય ગુરૂ શિષ્ય પરંપરામાં કેટલા લોકો ટકી શકશે એની મને ખબર નહોતી, પરંતુ એ વિચાર સાથે મેં મારી જાતને જોડી. એ પછી અનેક વિદ્યાર્થીઓ મારી પાસે શીખ્યા જેમાં માનિક ભીડે, રઘુનંદન પણશિકર, માયા ઉપાધ્યે, અરૂણ દ્રવિડ, માલતી કામત, નલિની બેડેકર, સુહાસિની મુળગાંવકર, દેવકી પંડિત, મંજરી અસ્નારે, મીરાં પણશિકર, સુલભાતાઈ પિશાવિકર, વિદ્યા ભાગવત જેવાં અનેક અદભુત રત્નો મારા જીવનમાં આવ્યાં. સાથે સાથે તેજશ્રી પણ મારી શિષ્યા બની. જીવનમાં ખરેખર જો કોઈ એક વાતનો આનંદ હોય તો એ આપણા વિચારો કે આપણી પરંપરા જીવિત રહી શકે એનો હોય છે. બિભાસ અને નિહારે સંગીતને વ્યવસાય તરીકે ન સ્વીકાર્યું, પરંતુ તેજશ્રી એ વિશે કટિબદ્ધ હતી અને એને શીખવવાનો આનંદ પણ સાવ જુદો હતો. મેં કોઈ દિવસ એના પર સંગીત ઠોકી બેસાડવાનો પ્રયાસ નથી કર્યો. મને આનંદ છે કે, એણે અમારી કૌટુંબિક પરંપરાને આગળ વધારી અને આજે એ ખૂબ સારી ગાયિકા છે.
તેજશ્રીએ એના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મારે માટે એ ‘આજ્જી’ છે, પરંતુ જ્યારે મેં સંગીત શીખવાનું શરૂ કર્યું ત્યારે એ દાદીમાનું વહાલ અને એની બધી જ લાગણી બાજુએ મૂકીને એણે એક અનુશાસન પ્રિય ગુરૂની જેમ મને શીખવવાનું શરૂ કર્યું. એ ભલે ‘આજ્જી’ મારી જ હોય, પરંતુ એ માત્ર મારા ગુરૂ નથી. એમણે એમના અન્ય શિષ્યોને જે રીતે શીખવ્યું એટલી જ નિષ્ઠા અને કડક અનુશાસનથી મને પણ સંગીત શીખવ્યું.
મને એક જ ફાયદો થયો, કે હું કિશોરી અમોનકરની પૌત્રી હતી-એટલે કાર્યક્રમોમાં એમની સાથે સંગત કરવાની કે ઘરમાં એમને રિયાઝ કરતા જોવાની મને તક મળી. માત્ર આજ્જી જ નહીં, મારી આજ્જીની માઈ, પણ મારી પ્રેરણા હતા.’
તેજશ્રી સ્કૂલમાં હતી, અને એના પેરેન્ટસ મિટિંગ વખતે એની શાળામાંથી એને કંઈક ગાવાનું કહેવામાં આવ્યું, ત્યારે મેં એને ‘અજીબ દાસ્તાં હૈ યે’ ગાતાં શીખવેલું… ફિલ્મી પાર્શ્વ ગાયન સાથે મારો સંબંધ નથી રહ્યો છતાં ગોવિંદ નિહાલાની જેવા દિગ્દર્શકની ફિલ્મ ‘દ્રષ્ટિ’ (૧૯૯૦) માટે મારો અવાજ આપ્યો. મને એ ફિલ્મની વાર્તા ખૂબ ગમી અને ગોવિંદજી એક સમજદાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સર્જક છે, એટલે એમની ફિલ્મમાં મેં ફરી એકવાર પાર્શ્ર્વ ગાયન સ્વીકાર્યું. ‘મેહા ઝર ઝર બરસાત રે…’ ગીત અને કેટલાક આલાપ સાથે મેં કદાચ અંતિમ વખત ફિલ્મ સંગીત કે પાર્શ્ર્વ ગાયન માટે ગાયું.
આટલા બધા કાર્યક્રમો છતાં મારા કોઈક કામનું દસ્તાવેજીકરણ નહોતું થયું. બિભાસ અને નિહારને લાગતું હતું કે, મારા જીવન અને કામ વિશે કશુંક નાનકડું દસ્તાવેજીકરણ થવું જોઈએ, પરંતુ મને બહુ રસ નહોતો. એ ગાળામાં અમોલ પાલેકરે મારો સંપર્ક કર્યો. એણે અને સંધ્યા ગોખલેએ મળીને એક ડોક્યુમેન્ટ્રી બનાવી જેનું નામ આપ્યું, ‘ભિન્ન ષડજ’. એ ડોક્યુમેન્ટરીમાં મારા જીવનની કેટલીક અંતરંગ વાતો, મારું સંગીત, મારી માઈ સાથેના મારા સંબંધો અને રવીન્દ્ર સાથેના મારા લગ્નની બધી જ વિગતો એમણે વણી લેવાનો પ્રયત્ન કર્યો. કિશોરી અમોનકર, એક સંગીતકારથી આગળ વધીને-એક વ્યક્તિ તરીકે પણ સહુ એને ઓળખી શકે એ માટે અમોલ પાલેકરે સાચે જ એક સુંદર ફિલ્મ બનાવી.
જિંદગીના એક એવા તબક્કે આવી પહોંચી છું, જ્યાંથી પાછી વળીને જોઉં તો સમજાય કે હું ભરપૂર જીવું છું. મારું જીવન શાંત નથી રહ્યું, પણ સુખી ચોક્કસ રહ્યું છે કારણ કે, બીજા કોઈએ મારો સાથ આપ્યો હોય કે નહીં, સંગીતે મારો સાથ ક્યારે નથી છોડ્યો, જ્યારે ગાઈ નહોતી શકતી ત્યારે પણ એ ડિપ્રેશનના દિવસોમાં સંગીત જ મારા જીવનનું પ્રેરક બળ બની રહ્યું છે. કદાચ એટલે જ હું વારંવાર કહું છું કે, ‘મારે રિયાઝ કરતાં કરતાં આ જગત છોડવું છે.’ જેમ કોઈ એક વ્યક્તિ ઈશ્ર્વરનું નામ લેતા લેતા, પ્રાર્થના કરતા કરતા પોતાના શરીરમાંથી આત્માને મુક્ત કરે એવી જ રીતે, મારે સંગીતનો હાથ પકડીને આ પાર્થિવ દેહ છોડીને ઈશ્ર્વરના ધામમાં જવું છે… હું રોજ એ જ પ્રાર્થના કરું છું.
નોંધ: સોમવાર, રાત્રે ૮.૦૦ વાગ્યે કિશોરી અમોનકરજીએ પોતાનો રિયાઝ કર્યો. સૂપ અને સાદું ભોજન કર્યું. એ સ્વસ્થ હતા. બીમારી કે શારીરિક અસ્વસ્થતાની કોઈ જ નિશાની નહોતી. એમના ઘરમાં ડોમેસ્ટિક હેલ્પ કરતી બહેનને એમણે કહ્યું કે, મારે થોડીવાર આડા પડવું છે. એ આટલા વહેલા ક્યારેય સૂતા નહીં, પરંતુ એમની આંખો મીંચાઈ ગઈ. સાડા નવ વાગ્યે જ્યારે એમના ઘરમાં ડોમેસ્ટિક હેલ્પ કરતાં બહેન એમને જગાડવા ગયા ત્યારે એમણે કોઈ પ્રતિભાવ ન આપ્યો. શરીર ઠંડું પડી ગયું હતું એ જોઈને એમના ઘરના કામવાળા બહેન ગભરાઈ ગયાં. રિયાઝ કર્યા પછી ઊંઘમાં જ કિશોરી અમોનકરે દેહ છોડી દીધો.
એમના પાર્થિવ શરીરને સવારે ૧૧થી ૪ સુધી રવીન્દ્ર નાટ્ય મંદિરમાં રાખવામાં આવ્યું જેથી એમના ચાહકો અને ભાવકો અંતિમ દર્શન કરી શકે. સાંજે શિવાજી પાર્ક ક્રેમેટોરિયમ (સ્મશાન ગૃહ)માં એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. (સમાપ્ત)