Homeઈન્ટરવલઆઈ ઊજળી કથિત દુહા: ઉદ્ભવેલા ભાવને જાળવતું-જીરવતું વૃતાંત(૩)

આઈ ઊજળી કથિત દુહા: ઉદ્ભવેલા ભાવને જાળવતું-જીરવતું વૃતાંત(૩)

દુહાની દુનિયાનનડૉ. -બળવંત જાની

ચિર વિરહીણી ઉજળીએ આભપરેથી રાજકુંવર મેહજી જેઠવાને સંબોધીને કહેલા દુહા પછી મેહજીનો નબળો પ્રતિસાદ, પ્રતિભાવ અનુભવી એના મૌનમાંથી જાકારાના -નકારના ભાવને પામી ગયેલી. પછીથી આઈ ઉજળીએ નીજાનુભૂતિને અભિવ્યક્તિ અર્પતા દુહા કથ્યા. ત્રીજા ચરણના-સોપાનના એ અગિયાર દુહાઓમાં આઈનો આક્રોશ પ્રગટે છે. એનું સતીપણું શાપ આપે છે, પોતે રઝળે છે – ભટકે છે, જીવન જીવે છે, જીવને કાઢી નાખવાને બદલે બધું જીરવે છે. પછીથી બે વસ્તુસંઘટના બન્યાના સંકેત ત્રીજા ચરણમાંના એ બધા દુહામાંથી સાંપડે છે. એક તો ખૂબ પશ્ર્ચાત્તાપને અંતે મળવાનું કહેણ મેહજી તરફથી આવ્યું હોય એના પ્રતિભાવરૂપે દુહામાં ઉજળી કહે છે કે, ‘અવસર ચૂક્યા મેહુલા હવે વરસી કાંઉ કરેશ,’ આમાં પોતે શાપ આપી દીધો છે, હવે કશો અર્થ નથી એવો ભાવ નિહિત છે.
‘મનમાં હૂતું મેહ, તો જાકારો કાં ન મોકલ્યો;
લાજું અમણીં લેહ, ભોંઠા પાડ્યા ભાણના.,’.(ર૦)
હે ભાણના મેહજી તારા મનમાં કૂડ-કપટ હતું તો મને ના પાડી દેવી હતીને, જાકારો મોકલી દેવો હતો ને. મારી લાજ લઈને હવે તેં મને ભોંઠી-લાચાર બનાવી દીધી.
‘કાચો ઘડો કુંભારનો, અણજાણ્યે મું ઉપાડિયો;
મેણિયાત રાખ્યા મેહ, જામોકામી જેઠવા.,’.(ર૧)
અરે ! હાય! હાય! મેં અજાણતા કુંભારને ત્યાંથી કાચો ઘડો ઉપાડ્યો- પસંદ ર્ક્યો.(કાચા-પોચાને પસંદ ર્ક્યો) મેહ જેઠવા રાણારૂપી એ કાચું પ્રિયપાત્ર ભાંગીને ભુકો થઈ ગયું – અને મને પણ ભાંગી નાખી.
‘સાકરને સાદે બોલાવતો, (મને) બરડાના ધણી;
(આજ) કૂચા કાંઉ કાઢે, જાતે દાડે જેઠવા.,’.(રર)
હે બરડાના ધણી તમે મને કેવા મધ જેવા-સાકર જેવા ગળચટા વેણથી -સાદથી સંબોધતા-બોલાવતા. હવે એ મોઢામાંથી-કૂચા જેવા હલકા વેણ-વચનો આ દિવસોમાં જેઠવાજી કેમ કાઢો છો.
‘નળીયું હતી નકોર,(તે દિ) બોલાવતો બરડા ધણી ;
(આજ)જાંઘે ભાગ્યા જોર,(તે દિ) જાતા કીધા જેઠવા.,’.(ર૩)
મારી પીંડીઓ લીસી-ચમકતી નકોર-ભરાવદાર હતી તે દિવસોમાં તું મને સતત બોલાવતો રહેતો આજે મારી પગમાં જાંઘમાં જોર નથી, અશક્ત લાગું છું એટલે મારી સામું જોતો નથી.
‘તોણ્યું દીયો તમે, જેઠવા જીવાયે નહીં;
તારા અંગના અમે, ભૂખ્યા છૈયે ભાણના.,’.(ર૪)
હે ભાણ જેઠવાના મેહજી તમે સ્નેહનાં ત્રુટક-ટૂકડા વરસાવોમાં, આમ સંકોચાતા-સંકોચાતા તમે સ્નેહને વરસાવો, એનાથી જીવતર ન જીવાય. અમને તમારા સ્નેહની માયા છે. તમારા અસ્તિત્વ-શરીરની ભૂખ છે. તમારી સાથે જોડાવા માગીએ છીએ.
‘બપૈયો બીજે, પાલર વણ પીવે નહીં;
સમંદર ભરયો હોય,(તોય) જળ ન બોટે જેઠવા.,’.(રપ)
બપૈયો પક્ષ્ાી વર્ષ્ાાૠતુના જળ સિવાય બીજુ પાણી ન પીએ. ભલે ને આખો સાગર ભરેલો લહેરાતો હોય પણ હે જેઠવાજી એને બપૈયો બોટતો નથી.
‘અભડાણાં અમેં, મલકમાં મળ્યો નહીં;
છેલ્લી છાંટ તમે, જળની નાખો જેઠવા.,’.(ર૬)
તમને સમર્પિત થયેલા અમે અભડાણાં, મલકમાં કોઈ મળ્યું નહીં. હવે તમે જેઠવાજી મને છેલ્લી જળની છાંટ નાખી દ્યો, એટલે મારું આભડછેટપણું ભાંગી જાય.
‘આભપરેથી ઉછળયા, જળમાં દીધો ઝોક;
સરગાપરનો ચોક, ભેળા થાશું ભાણના.,’.(ર૭)
હવે આભપરાના પર્વત ઉપરથી હું ફેંકાઈ-ફંગોળાઈ ગઈ છું. તિરસ્કૃત થઈ છું. હું ભારે ઊંડા પાણીમાં ઊતરી ગઈ. હે ભાણના પુત્ર હવે સ્વર્ગના ચોકમાં ભેળા થઈશું- મળીશું.
‘કળ-કળ કરશે કાગ, ઘૂમલીનો ઘૂમટ જશે;
લાગે વધતી આગ, રાણા તારા રાજમાં.,’.(ર૮)
હે રાણા મેહજી હું તમને શાપ આપું છું કે તારા નગરમાં કાગડા કકળાટ કરીને ઉડશે. નગર ઉજજડ થઈ જશે. ઘુમલી નગરના મહેલના આગની જ્વાળાઓ ઘુમશે-મિનારાઓ-તૂટી પડશે. તારું આ નગર આગમાં બળીને ભસ્મીભૂત થઈ જશે.
કહેવાય છે કે ઘુમલીનો ધ્વંસ થવાનું જાણીને કુંવારા રાજકુંવર પોતે પણ શાપથી પરિતપ્ત થયા હતા. પછીથી આઘાતમાં મેહજીએ આઈ ઉજળીને ગઢમાં આવવા કહેણ મોકલેલું. એટલે અવસર ચૂક્યા વાળી વાત કહીને અડગ-અટલ ઉજળી ચારણ આઈનો કથેલો આ દુહો ભારે મહત્ત્વનો છે. ચારણઆઈનો શાપ સાચો જ પડે. કહેવાય છે કે આઈ ઉજળીના આવા વેણના આઘાતથી મેહજીનો દેહ છૂટેલો એની ખબર ઉજળીઆઈને પડતા જ એ કુંવારા રાજકુંવરની પાછળ ચારણઆઈ કુમારી ઉજળી પણ સતી થયેલા એ પૂર્વે કહેલા મનાતાં અંતિમ બે દુહા ઉજળીના ભવ્ય-ઉદાત્ત વ્યક્તિત્વનાં પરિચાયક છે, એ આસ્વાદીએ.
‘ખડ સૂક્યા ગોરસ વસૂક્યા, વહાલા ગયા વિદેશ;
અવસર ચૂક્યા મેહુલા, હવે વરસી કાંઉ કરેશ.,’.(ર૯)
લીલુંછમ્મ ખડ સુકાઈ ગયું. ગોરસ આપનાર ગાય વસૂકી ગઈ. વહાલપ પાથરનાર હવે જયારે કોઈ પડખે રહ્યું નહીં. ત્યારે હવે એવા સમયે હે મેઘ-મેહજી-સમય ચાલ્યા ગયા પછી વરસીને તું શું કરીશ.
‘જાળું મારાં જીવ, ભસમને ભેળી કરાં;
પ્યારા લાગો પીવ, જીવ પલટશું જેઠવા.,’.(૩૦)
ક્ષ્ાાત્રધર્મના ઉપાસક જેઠવાએ ઉજળીને વડીલોના કહેવાથી બહેન ગણેલી એટલે કહે છે ‘આ ભવે તને પ્રેમમાં નાત જાત આડી આવી. વડીલનું માનીને ક્ષ્ાાત્રધર્મ પાળનાર હે પિયુ તમે પ્યારા લાગો છો. મારો જીવ જવાળાને સોંપીને આપણી રાખ જીવને-દેહને એક સાથે ભેગા કરશે. બીજા ભવમાં અવશ્ય મળીશું.’
ક્ષ્ાાત્રધર્મના પાલક, ઉપાસક મેહજી ઉજળીનો અસ્વીકાર કરીને ઓછો દુ:ખી નહીં થયો હોય મેઘાણીએ મેહજી માટે પ્રયોજેલ વિશ્ર્વાસઘાતી રાજપ્રેમ કે દારુણ ખુટામણ
શબ્દો મને ઉચિત નથી જણાયા.મને તો એમાં રાજધર્મ પાળતા રાજવી રામજીનું તેજસ્વી અનુસંધાન કળાય છે. શાપ આપેલ છે રાજ ઘરાનાને, એ તરછોડાયાનું કારણ જાણતી હોઈને મેહજી માટે છેલ્લા દુહામાં મારા જીવ સંબોધન પ્રયોજીને ગાય છે કે આ ભવે તારી સાથે જોડાવામાં નાત-જાત નડી હવે જુદા શરીરે, જીવ પરોવીને પરભવમાં જીવ પલટીને મળીશું. આવા હકારાત્મક ભાવમાંથી ચારણ આઈ ક્વયિત્રીનું જાજ્વલ્યમાન, ગરિમાપૂર્ણ-ગૌરવપૂર્ણ ચરિત્ર અને ચારિત્ર્ય પ્રગટે છે.
એ રીતે મેહજી રાજકુંવર અને ઉજળી ચારણકુમારીકાનો પરિશુદ્ધ નિર્મળ-નિર્ભેળ પ્રેમ અને સમર્પણ ભાવને નારીના અડગ-અટલ મનોબળને, મનથી સ્વીકારેલ પતિવ્રતાભાવને ઉદઘાટિત કરતા સહસ્ત્રાધિક વર્ષ્ાથી કંઠસ્થ પરંપરામાં જળવાયેલી આ ભારતીય જીવનમૂલ્યોને પ્રગટાવતી ભાવકથા છે.
ચારણી સાહિત્યના વિદ્વાન રતુદાન રોહડિયા અનેક વંશાવલીને આધારે જેઠવાકુળના મેહજીનો નિર્વાણ સમય ઈ.સ.૧૧૯૦ અર્થાત્ વિક્રમ સંવત ૧ર૪૬ કહેલ છે એ લગભગ માન્ય ગણાયો છે. ઉજળીઆઈ આમ ભારે મોટું આપણાં ભવ્ય ભૂતકાળનો તેજસ્વી એવો અરુંધતિ તારક છે.
મેહ વિશેના ઉજળીના દુહાની પ્રમાણભૂતતા, એ આજ લગી જીવંત રહ્યા અને પરંપરા બની ગયા એમાંથી જ પમાય છે. લોકકંઠે દુહાઓ આભરણ બની રહ્યા. ભલે વિપુલ દુહા મળે પણ ચારણી બોલીનો વળોટ તથા કથાનાં આંતરિક ભાવજગતને પ્રગટાવતા આ ત્રીશ દુહાઓ તો મને ચારણી કવયિત્રીની પ્રતિભાના ઓજસને અનુકૂળ અને અનુરૂપ તથા કથા પ્રસંગનાં આંતર પ્રમાણોને આધારે અધિકૃત રીતના શ્રદ્ધેય-ઓથેન્ટિક જણાયા છે. એની ઓથરશીપ -ર્ક્તૃત્વ કવયિત્રી આઈઉજળીનું માનું છું. અલબત કંઠસ્થ પરંપરામાં જાળવણી થઈ હોઈને એના ભાષ્ાાકીય રૂપો પલટાયા હોય એ સ્વાભાવિક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular