કેતકી જાની
સવાલ: મારા છ મહિના પહેલાં જ લગ્ન થયાં છે. આખો દિવસ જૉબ, નવું નવું સાસરું, માત્ર છ જ મહિના પહેલા સગાઈ બાદ લગ્ન આ બધાનો તાલમેલ જાણે મારા પર હાવી થઈ ગયો છે. ક્યારેક થાય નોકરી છોડું, ક્યારેક થાય લગ્ન ના કર્યા હોત તો સારું. હું હજી મારા પતિને પણ બરાબર સમજી શકી નથી. તેવું જ્યારે લાગે ત્યારે ખરેખર જીવવું મુશ્કેલ લાગે છે, શું કરું?
જવાબ: બહેન, લગ્ન કર્યે માત્ર મહિનો થયો છે ને? તને હજી છ એક મહિનામાં જ લાગે છે કે તું તારા પતિને બરાબર સમજી શકી નથી? તો ખરેખર મને તારી સમજદારી માટે માન છે. ઘણી સ્ત્રીઓ આખી જિંદગી સાથે ગુજારી દે છતાં તે પતિને સમજી શકી નથી તે કબૂલ નથી કરતી. ખૈર, તું આટલી વિચારશીલ છે એટલે એક વાત નક્કી કે એક મહિનાના લગ્નજીવન પછી તારા હિસ્સે જે જીવન આવ્યું છે તેમાં તું ખુશ નથી. જૉબ અને નવાસવા લગ્ન બંને વચ્ચે યોગ્ય તાલમેલ બેસાડી શકી નથી. આ માટે તારા લેશમાત્ર ડિસ્ટર્બ થયા વગર કે જરાય શરમ સંકોચ રાખ્યા વગર એકવાર એકાદ કલાકનો સમય માત્ર પોતાના માટે જ ફાળવીને સવારથી ઉઠ્યાથી માંડી રાત્રે સૂવે ત્યાં સુધીની દિનચર્યાનું મનોમન નિરીક્ષણ કર અથવા તો બધું એક નોટમાં નોંધી લે. જયારે ઑફિસ અને સાસરું/નવું લગ્નજીવન પોતાની રીધમ ગરબડ થાય તેવું બતાવે ત્યારે સૌ પ્રથમ આજ કામ કરવું પડે, તે છે સ્વનિરીક્ષણ/આત્મપરીક્ષણ. તને આ કર્યા પછી ખબર પડશે કે તું ક્યાં ઓછી પડે છે? તારા સાસરિયા તને સહકાર આપવામાંં ઓછા પડે છે? તારું ઑફિસ વર્ક ઓવરલોડેડ છે? તારું અને તારાં પતિનું અંગત લગ્નજીવન સાચે જ એકબીજાને પૂરક છે? છ મહિના પૂર્વે પિયરમાં રહેતી ત્યારે અને હમણાં તારી જિંદગીમાં શું ફરક આવ્યા છે? આ બધા જ સવાલોના જવાબ તને માત્ર તારી પાસે જ મળવાના છે. તારે મનથી ખરેખર નોકરી છોડવી હોય, તારાં પતિનું કે સાસરિયાનું કોઈ જ દબાણ તારી નોકરી છોડવા માટે ના હોય અને તારે નાણાકીય સહાયની કોઈ જરૂર નથી તેમ તને લાગતું હોય તો તું બેશક નોકરી છોડી દે, પરંતુ જો ઉપરોક્ત કારણ વગર માત્ર નવા ઘર, નવા જીવનની જવાબદારીથી ભાગીને કે કંટાળીને તું નોકરી છોડવા માગતી હોય તો થોભી જજે, તું નોકરી છોડી દેવાથી ઉત્કૃષ્ટ જીવન જીવી શકીશ તેની કોઈ ગેરંટી નથી.
જો તારા સાસરામાં સૌ સાથે સહકાર, અનુકૂલન અને આમંજસ્યથી રહેવાની તૈયારી નહીં હોય તો નોકરી વગર પણ તને જીવવું મુશ્કેલ લાગશે. પિયર અને સાસરામાં બે અલગ ઘર હોવાથી દિવસથી રાત સુધીની ગતિવિધિઓમાં નિશ્ર્ચિત જ ફરક રહેવાનો. સાસરાની પદ્ધતિઓ ધીરે ધીરે જાણવી જરૂરી છે. હર વાતમાં મારા ઘરે તો આમ થતું, આમ જ ચાલતું જેવા કોઈ દુરાગ્રહો રાખીશ તો તારા જીવન અને નોકરી તો શું? કોઈપણ સંજોગોમાં તું તાલમેલ સાધી શકીશ નહીં. માટે મોટું મન રાખી નાની વાતો જતી કરતા અને મોટી છતાં મનને દુ:ખી કર્યા કરતી વાતો ભૂલવાનો પ્રયત્ન કરજે. ઘરના દરેક સદસ્ય પ્રત્યે પ્રેમ રાખી બને તો તેમના વિશે ક્યાંય પણ બેક બીચિંગથી બચવું. સરળ રહેવું, વડીલોને માન આપવું જેમ પિયરમાં સૌ સાથે રહેતી તેમ જ. ઑફિસનો વર્કલોડ ઑફિસ છોડવા સાથે ત્યાંની જ ખુરશી પર મૂકી દેવો અને ઘરની જવાબદારીઓની ચિંતા ઘરથી ઑફિસ જતા વખતે ઘરમાં જ છોડી જવી. ઘરને ઑફિસમાં કે ઑફિસને ઘરમાં કદી ના લાવવા. હજી છ જ મહિના થયા છે. બહેન, લગ્ન ટકાવવા જ હોય તો હજી થોડો સમય રુકી જા. તારા પતિને મનમાં ચાલતા દ્વંદ્વથી અવગત કર. તેના વિશે જાણવાનો અધિકાર છે તને, તેને સીધુંસટ પૂછીને જાણી લે તેના વિશે. મનોમન ધૂંધવાતા રહેવાના બદલે વ્યક્ત થઈને મનને મોકળું કરી દે કદાચ ગેરસમજણ દૂર થઈ આગળ વધવા યોગ્ય રસ્તો મળી જશે, અસ્તુ.