શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: અશોકસુંદરીને પોતાના ભાઈને મળવાની ઈચ્છા દર્શાવતા ભગવાન શિવ માતા પાર્વતી, અશોકસુંદરી, નંદી સહિત શિવગણો દક્ષિણ વિભાગ પહોંચ્યાની જાણ થતાં જ રાજા નમ્બી અને તેમની પુત્રી દેવી મીનાક્ષી તેમનું સ્વાગત કરે છે. માતા પાર્વતી દેવી મીનાક્ષીને આશીર્વાદ આપતા કહે છે, ‘મીનાક્ષી તમે કાર્તિકેયની સંભાળ એક માતા તરીકે કરી છે, યુગોયુગો સુધી માનવો તમને કુમાર કાર્તિકેયના માતા તરીકે પૂજશે.’ એ જ સમયે કુમાર કાર્તિકેય ત્યાં ઉપસ્થિત થાય છે અને તે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લે છે. પ્રથમવાર કુમાર કાર્તિકેયને મળતાં હેતલાગણી ઊભરાઈ આવતાં અશોકસુંદરીના નેત્રથી આંસુ ટપકે છે. આસું ટપકતાં જોઈ કુમાર કાર્તિકેય અશોકસુંદરીને ગળે લગાડે છે. કૈલાસ કેમ આવતા નથી તેવા પ્રશ્ર્નના જવાબમાં કુમાર કાર્તિકેય કહે છે, ‘બહેન મને તમારી ખૂબ યાદ આવતી પણ હું આવી શકતો નથી, હું દક્ષિણ ક્ષેત્રથી બહાર જાઉં એટલે જ અસુરો અહીં આક્રમણ કરી દે છે અને પિતાજીએ મને દક્ષિણ ક્ષેત્ર સંભાળવાની જવાબદારી સોંપી છે.’ ભાઈ-બહેનમાં ખૂબ લાંબી ચર્ચા ચાલતી હોવાથી દેવી મીનાક્ષી તેમને ભોજન ગ્રહણ કરવા આમંત્રણ આપે છે. ભગવાન શિવ અને રાજા નમ્બી પરિવારસહ ભોજન ગ્રહણ કરે છે. ભોજન બાદ અશોકસુંદરીને દેવી મીનાક્ષી અને કુમાર કાર્તિકેય દક્ષિણ ક્ષેત્રનું ભ્રમણ કરાવે છે. ભ્રમણ દરમિયાન કુમાર કાર્તિકેય અશોકસુંદરીને પોતાનું તપસ્યા સ્થળ બતાવે છે. તપસ્યા સ્થળનું નિરીક્ષણ કરી અશોક સુંદરી પૂછે છે, ‘શું ભાઈ મારે પણ તપસ્યા કરવી જોઈએ.’ તેના જવાબમાં કુમાર કાર્તિકેય કહે છે, ‘અવશ્ય કરવી જોઈએ, જેના પિતા દેવાધિદેવ મહાદેવ અને માતા આદિશક્તિ હોય તેમણે તપસ્વી બનવું પૂર્વનિયોજીત હોય છે. તપસ્યા વગર તમારી આત્મોન્નતિ અશક્ય છે. અશોકસુંદરી તપસ્યા જ આપણી કર્મભૂમિ છે, તપસ્યા અવશ્ય કરો.’ મોટાભાઈની શિખામણ લઈ અશોકસુંદરી ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે કૈલાસ પરત ફરે છે. કૈલાસ પહોેંચ્યા બાદ અશોકસુંદરી તપસ્યા અંગે મનોમંથન કરે છે અને ભગવાન શિવ પાસે પહોંચે છે અને પૂછે છે, ‘પિતાજી ભાઈ કુમાર કાર્તિકેય કહેતા હતા કે જેના પિતા દેવાધિદેવ મહાદેવ અને માતા આદિશક્તિ હોય તેમણે તપસ્વી બનવું પૂર્વનિયોજીત હોય છે. શું ભાઈની જેમ મારું પણ કોઈ કર્તવ્ય છે?’
ભગવાન શિવ: ‘અવશ્ય, તમારું કર્તવ્ય છે તપસ્યા દ્વારા કર્મ અને ધર્મને પ્રચલિત કરવાનું.’
અશોકસુંદરીને પોતાના કર્તવ્યનું ભાન થતાં પોતાનાં આભૂષણો ત્યાગી માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લઈ તપસ્યા કરવા વન તરફ નીકળી પડે છે.
***
એક ગુપ્ત સ્થળને પસંદ કરી અશોકસુંદરી પોતાની તપસ્યાની શરૂઆત કરે છે. થોડા દિવસો વિતતાં માતા પાર્વતી ચિંતામાં ગરકાવ થઈ જાય છે અને ભોજન સાથે અશોકસુંદરી પાસે પહોંચે છે. પોતાની માતાને આવેલા જોઈ અશોકસુંદરી કહે છે:
અશોકસુંદરી: ‘મા મને આ ભોજનની આવશ્યકતા નથી હું હવે ફક્ત કંદમૂળ જ
આરોગું છું.’
માતા પાર્વતી: ‘ફક્ત કંદમૂળ’.
અશોકસુંદરી: ‘હા માં, શરીર અને મનને એકાગ્ર કરવા જેમ જેમ આવશ્યકતા વધતી હોય તેમ તેમ ભોજનની આવશ્યકતા ઘટતી જતી હોય છે.’
માતા પાર્વતી: ‘બસ, પુત્રી હવે વધુ નહીં. તમારે તપસ્યા કરવી હોય તો અવશ્ય કરો પણ તમારા પોષણનું ધ્યાન તો હું જ રાખીશ.’
અશોકસુંદરી તેમને સમજાવવાનો પ્રયાસ
કરે છે.
માતા પાર્વતી: ‘જો તમારે ભોજન ત્યાગી તપસ્યા કરવી હોય તો હું એની અનુમતિ તમને નહીં આપું.’
માતાને ક્રોધિત થયેલા જોઈ અશોકસુંદરી માતા પાર્વતીને ભેટી પડે છે અને કહે છે:
અશોકસુંદરી: ‘માતા હું તપસ્યા કરવા માગું છું, મને ના રોકો, હું ભાઈની જેમ તમને અને પિતાજીને ગૌરવ અપાવીશ. પિતાજીએ કહ્યું હતું કે તપ વગર મેળવેલું શુભ નથી હોતુંં કે શિવ હોતું નથી.’
એ જ સમયે માતા મેનાવતી ત્યાં પહોંચે છે, અને કહે છે:
માતા મેનાવતી: ‘પુત્રી તમારે હજી તો ગૃહસ્થજીવનના ગુણો શિખવાના છે.‘
અશોકસુંદરી: ‘જે પ્રમાણે ભાઈ પોતાના ઉદ્દેશ્યને સમર્પિત છે તેવી રીતે હું પણ મારા ઉદ્દેશ્યને સમર્પિત થવા માગું છું, તેમણે પણ નાની ઉંમરે જ તપસ્યા કરવાનું આરંભ કર્યું હતું. મહેરબાની કરી મને તપસ્યા કરતા ન રોકો.’
પોતાની વાતને પણ ધ્યાનમાં ન રાખતાં માતા મેનાવતી નારાજ થાય છે અને ભગવાન શિવ પાસે પહોંચે છે.
માતા મેનાવતી: ‘મહાદેવ, જુઓ અશોકસુંદરી શું કહી રહી છે, તેને રોકો.’
માતા પાર્વતી: ‘મહાદેવ તમે પરમપિતા છો, તમારી તપસ્યા અમે સમજી શકીએ છીએ પણ અશોકસુંદરી…’
ભગવાન શિવ: ‘પાર્વતી આટલી ચિંતા કેમ? અમારી પુત્રી તમારું જ પ્રતિબિંબ છે. તમે એક ગૃહસ્થ જીવન વ્યતીત કરી રહ્યા છો, તમારો એક પુત્ર છે, તમારી એક પુત્રી પણ છે, જો તમે ઘોર તપસ્યા ન કરી હોત તો શું આ બધું શક્ય હોત? તમે આ જન્મમાં જ નહીં આગલા બધા જ જન્મમાં ઘોર તપસ્યા કરી હતી, જેનું ફળ તમે ભોગવી રહ્યાં છો, તમે પોતે માતાપિતાની વિરુદ્ધ જઈ ઘોર તપસ્યા કરી હતી, તપસ્યાનો અર્થ તમારાથી વધુ સારી રીતે કોણ જાણી શકે? તમારી પુત્રી તમારા ગુણોનું અનુસરણ કરી રહી છે તો ભય શાનો? તપસ્યાના લાભોથી તમે પરિચિત છો, કષ્ટદાયક તપસ્યા બાદ જીવન સુખનું માધ્યમ બની જાય છે તો આટલી વ્યાકુળતા કેમ? ગંગા મારી જટામાંથી વહેતી જરૂર છે પણ તેણે છેલ્લે તો સમુદ્રમાં જ સમાઈ જવાનો તેનો ઉદ્દેશ્ય છે, એ જ પ્રમાણે સંતાનોએ માતા-પિતાથી દૂર જઈ પોતાના ઉદ્દેશ્યને પામવાનું હોય છે. સંસાર પ્રત્યે જેટલી જવાબદારી મારી અને તમારી છે, એ જ પ્રમાણે આપણાં સંતાનોની જવાબદારી આપણા સુધી જ સીમિત નથી, સંસારના કલ્યાણ માટે તેમણે પણ ખૂબ મોટું યોગદાન આપવાનું બાકી છે. જો આપણે સ્વયં તેમને રોકશું તો એ અન્યાય હશે. જગતપિતા અને જગતમાતા આવું કદાપિ નહીં થવા દે. તપસ્યા પૂર્ણ કર્યા બાદ અશોકસુંદરીના વિવાહ નહુષ સાથે થવાના છે અને તે બાદ આપણી પુત્રી મહાન પરંપરાનો આધાર બનશે. જે રીતે આદિશક્તિની અનુભૂતિ હેતુ તમે તમારી જાતને સ્વતંત્ર કરી હતી તેમ અશોકસુંદરીને સ્વતંત્ર થવા દો.’
સંપૂર્ણ જ્ઞાનની સમજ આપતાં જ માતા પાર્વતી અશોકસુંદરીને સફળ થવાના આશીર્વાદ આપી ત્યાંથી વિદાય લે છે.
પોતાની પુત્રીને એકલી જોઈ માતા મેનાવતી પોતાની સહાયક અને માતા પાર્વતીની સખી જયા અને વિજયાને કૈલાસ રોકાવાનો આદેશ આપી ત્યાંથી વિદાય લે છે.
***
સમય વિતતા ભગવાન શિવ પણ તપમાં લીન થઈ જાય છે અને માતા પાર્વતી સખી જયા અને વિજયા સાથે પોતાનો સમય વ્યતીત કરતા હોય છે. એક દિવસ માતા પાર્વતી સ્નાનગૃહમાં સ્નાન કરતા હોય છે અને તે સમયે ભગવાન શિવ ત્યાં આવતાં જયા-વિજયા અને માતા પાર્વતી લજ્જાની લાગણી અનુભવે છે.
તે સમયે માતા પાર્વતી વિચારે છે કે, અહીં બધા જ ગણ ભગવાન શિવના છે, નંદી, ભૃંગી વગેરે આપણા જ સેવક છે પણ તેમની સાથે આપણો મનમેળ થતો નથી, મારો એક એવો સેવક હોવો જોઈએ, જે પરમ શુભ, કાર્યકુશળ અને મારી જ આજ્ઞામાં તત્પર રહેનારો હોય, એ જરાય વિચલિત થનાર ન હોય, આવો વિચાર કરીને માતા પાર્વતીએ પોતાના શરીરના મેલથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે શુભલક્ષણોથી સંયુક્ત હતો. એના બધા જ અંગ સુંદર દોષરહિત હતાં, એમનું શરીર વિશાળ, પરમ શોભાયમાન અને મહાન બલ-પરાક્રમથી સંપન્ન હતું, માતા પાર્વતીએ તેમને અનેક પ્રકારના વસ્ત્ર, વિવિધ પ્રકારના આભૂષણથી ખૂબ જ ઉત્તમ આશીર્વાદ આપીને કહ્યું, ‘તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો. તમારા સમાન વ્હાલું મારું અહીં કોઈ બીજું નથી. આજથી તમે મારા દ્વારપાળ થઈ જાઓ, મારી આજ્ઞા સિવાય કોઈ પણ હઠપૂર્વક મારા મહેલની અંદર પ્રવેશી ન શકે, ભલેને એ ગમે ત્યાંથી આવે અને કોઈ પણ હોેય.’ (ક્રમશ:)