તુમ કો પીડા મેં ઢૂંઢા,તુમ મેં ઢૂંઢૂંગી પીડા

વીક એન્ડ

ઝાકળની પ્યાલી- ડૉ. એસ. એસ. રાહી

કૈસે સુખદુ:ખ
કૈસા પતઝર, કૈસા સાવન,
કૈસી મિલન વિરહ કી ઉલઝન,
કૈસા પલ, ઘડિયોંમય જીવન,
કૈસે નિશદિન, કૈસે સુખ દુ:ખ,
આજ વિશ્ર્વ મેં તુમ હો યા હમ,
ટૂટ ગયા વહ દર્પણ નિર્મમ.
– મહાદેવી વર્મા
હિન્દી કાવ્યવિશ્ર્વમાં ‘મીરાં’ તરીકે ઓળખાતાં છાયાવાદી કવયિત્રી મહાદેવી વર્માને ઇ. સ. ૧૯૮૨ના વર્ષનો જ્ઞાનપીઠ ઍવૉર્ડ અપાયો હતો. તેમના ‘યામા’ નામક કાવ્યગ્રંથને કેન્દ્રમાં રાખીને ભારતનો આ સર્વોચ્ચ, પ્રતિષ્ઠિત ઍવૉર્ડ તેમને એનાયત થયો હતો. આ ઍવૉર્ડ મેળવનારા શ્રીમતી મહાદેવી વર્મા અઢારમી વ્યક્તિ હતી, તેમ જ ત્રીજા મહિલા હતા. આ પહેલા બંગાળી લેખિકા આશાપૂર્ણાદેવી અને વિવાદાસ્પદ પંજાબી સાહિત્યકાર અમૃતા પ્રીતમને આ બહુમાન અપાયું હતું. સુખ્યાત કવિ ‘નિરાલા’એ મહાદેવી વર્માને ‘હિન્દી કે વિશાલ મંદિર કી સરસ્વતી’ તરીકે ઓળખાવ્યા છે.
મહાદેવી વર્મા વેદના, દર્દ, પીડાનાં કવયિત્રી છે. સહજ મૃદુલતા, વિષાદ, વિરહવેદના તેમની કવિતાનાં મુખ્ય તત્ત્વો છે. તેમના કુલ પાંચ કાવ્યસંગ્રહો ‘નીહાર’ (૧૯૩૦), ‘રશ્મિ’ (૧૯૩૨), ‘નીરજા’ (૧૯૩૪), ‘સાંધ્ય ગીત’ (૧૯૩૬) અને ‘દીપશિખા’ (૧૯૪૦) પ્રકાશિત થયા હતા. ‘વામા’ મહાદેવીના પ્રથમ ચાર કાવ્ય સંગ્રહોનું સંકલન છે, જેનું ઇ.સ. ૧૯૩૯માં પ્રકાશન થયું હતું.
ઉત્તર પ્રદેશના ફરુખાબાદ શહેરમાં એક સુખી સંપન્ન પરિવારમાં ૨૬ માર્ચ ૧૯૦૭ના રોજ હોળીના દિવસે તેમનો જન્મ થયો હતો. તેમના પિતા ગોવિંદ પ્રસાદ વર્મા ભાગલપુરની કૉલેજમાં અધ્યાપક હતા અને માતા હેમરાની દેવી વિદુષી હતા. શૈશવ કાળમાં તેમના માટે ઘરમાં જ હિન્દી, ઉર્દૂ, ચિત્રકળા તથા સંગીતની તાલીમની વ્યવસ્થા કરાઇ હતી. નવમા વર્ષમાં તેમણે વ્રજ ભાષામાં પદ, કવિત, સવૈયા અને ખડી બોલીમાં કવિતા લેખન શરૂ કર્યું હતું. તેઓ ઇ. સ. ૧૯૨૯માં પ્રથમ વર્ગમાં બી. એ. અને ઇ. સ. ૧૯૩૩માં સંસ્કૃત સાથે પ્રથમ વર્ગમાં એમ. એ. થયાં હતાં. એ જ વર્ષે પ્રયાગના મહિલા વિદ્યાપીઠના આચાર્ય તરીકે તેમની નિમણૂંક થઇ હતી. તે અરસામાં તેમણે ‘ચાંદ’નું સંપાદન કરેલું. ઇ. સ. ૧૯૫૬માં તે જ સંસ્થાના ઉપકુલપતિ પદે તેઓ નિમાયાં હતાં.
ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળ્યો તે પહેલાં તેમને ઇ. સ. ૧૯૩૪માં ‘સેકસરીય પુરસ્કાર,’ ૧૯૪૪માં મંગલા પ્રસાદ પારિતોષિક, ૧૯૫૬માં પદ્મભૂષણ તથા ઉત્તર પ્રદેશના હિન્દી સંસ્થાને તેમને ૧ લાખ રૂપિયાના પુરસ્કાર સાથે ‘ભારત ભારતી’ની ઉપાધિ આપી તેમનું સન્માન કર્યું હતું.
મહાદેવી વર્મા એક રહસ્યવાદી કવયિત્રી ઉપરાંત યથાર્થવાદી ગદ્યકાર, સમન્વયવાદી વિવેચક તેમ જ રેખા ચિત્રકાર તરીકે હિન્દી સાહિત્યસૃષ્ટિમાં ખૂબ જ આદરપાત્ર રહ્યાં છે. ‘અતીત કે ચલચિત્ર’ (૧૯૪૧) અને ‘સ્મૃતિ કી રેખાએ’ (૧૯૪૩) તેમની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. ‘શૃંખલા કી કડિયા’ (૧૯૫૦)માં સામાજિક સમસ્યાઓનું અવલોકન કરાયું છે. તેમની પાસેથી ‘પથ કે સાથી’, ‘સ્મરિકા’, ‘સાહિત્યકાર કી આસ્થા’ તથા ‘અન્ય નિબંધ’ જેવા નિબંધગ્રંથો પ્રાપ્ત થયા છે. ‘સપ્તપર્ણા’ એમણે ભાવાનુવાદ કરેલા કાવ્યોના સંચય છે. કાવ્યભાવને વફાદાર રહીને તેમણે કરેલા અનુવાદો હિન્દી સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં આ પ્રતિભાશાળી કવયિત્રી વૈદિક ઋચાઓને હિન્દી ભાષામાં ઉતારવા વ્યસ્ત હતાં.
આસ્થા, આનંદ અને શ્રદ્ધામય જીવનના મહાન ગાયિકા, કરુણામૂર્તિ, સુંદર વકતા, નારી જાગૃતિના કાર્યકર, બહુશ્રુત અધ્યાપક, પ્રબુદ્ધ, ચિંતક શ્રીમતી મહાદેવી વર્માનો ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ દેહવિલય થયો હતો.
તેમની કાવ્યસૃષ્ટિમાંથી તેમની બે-ત્રણ શ્રેષ્ઠ કવિતાનું હવે આચમન કરીએ.
મિટને કા અધિકાર
વે મુસ્કાતે ફૂલ, નહીં
જિનકો આતા હૈ મુરઝાના,
વે તારો કે દીપ, નહીં
જિનકો ભાતા હૈ બુઝ જાના.
વે સુને સે નયન, નહીં
જિનમેં બનતે આંસુ મોતી,
વહ પ્રાણોં કી સેજ, નહીં
જિસમેં બેસુધ પીડા, સોતી!
વે નીલમ કે મેધ, નહીં
જિનકો હૈ ધુલ જાને કી ચાહ,
વહ અનન્ત રિતુરાજ, નહીં
જિસને દેખી જાને કી રાહ.
ઐસા તેરા લોક, વેદના
નહીં, નહીં જિસ મેં અવસાદ,
જલના જાના નહીં, નહીં
જિસને જાના મિટને કા સ્વાદ.
કયા અમરોં કા લોક મિલેગા
તેરી કરુણ કા ઉપહાર,
રહને દો હે દેવ! અરે
યહ મેરે મિટને કા અધિકાર.
આ ગીતિકાવ્યમાં કવયિત્રીની આધ્યાત્મિક અનુભૂતિઓને દર્શનનો આધાર મળ્યો છે. તેમાં જીવનનિષ્ઠા અને સૌંદર્યબોધનું આકલન પ્રકટ થતું અનુભવાય છે. વળી તેમાં ઉત્કટ વ્યાકુળતાની અભિવ્યક્તિનો વિકાસ પણ જોવા મળે છે. પ્રકૃતિનાં તત્ત્વો અને માનવજીવનની સંવેદનાનો સમન્વય સાધીને તેમણે આ કવિતામાં કમાલ કરી છે. ઇશ્ર્વર તરફથી હંમેશાં કરુણા વરસતી રહેતી હોય છે. છતાં માનવજીવન અંતે તો માટીમાં રાખમાં-મળી- ભળી જતું હોય છે. આ અધિકાર પોતાની પાસે રહેવા દેવાની પ્રાર્થના અત્રે વ્યક્ત કરવામાં આવી છે. સરળ-સાદી ભાષા આ ગીતકાવ્યનું આભૂષણ બની રહે છે.
‘તિતલી સે’ શિષર્ક હેઠળનું ટૂંકા લયનું તેમનું ગીત આસ્વાદ્ય છે:
મેહ બરસને વાલા હૈ
મેરી ખિડકી મેં આ જા તિતલી.
બાહર જબ પર હોંગે ગીલે,
ધુલ જાયેંગે રંગ સજીલે,
ઝડ જાયેગા ફૂલ, ન તુઝકો
બચા સકેગા છોડી તિતલી,
ખિડકી મેં તૂ આ જા તિતલી.
નન્હે તુઝે પકડ પાયેગા,
ડિબ્બી મેં રખ લે જાયેગા,
ફિર કિતાબ મેં ચિપકાયેગા,
મર જાયેગી તહ તૂ તિતલી
ખિડકી મેં તું છિપ જા તિતલી.
પર્યાવરણ, વન્યસૃષ્ટિ, વૃક્ષો, પાંદડાં, ફૂલો વગેેરે મહાદેવીજીની કવિતામાં જીવંત થાય છે. તેમની આ કવિતા પ્રથમ નજરે બાળગીત લાગે. છતાં તે બાળકો માટે જ નહીં. મોટેરાઓ પણ તેનો રસાસ્વાદ કરી શકે તેવું રસાળ અને સરળ છે. પતંગિયું કેટલું નાજુક, નમણું અને રંગીન હોય છે. વળી તેનું આયુષ્ય પણ કેટલું નજીવું હોય છે! છતાં તે તેની મોજ-મસ્તીમાં સતત ઊડતું રહેતું હોય છે. પતંગિયાને સંબોધીને લખાયેલું આ ગીત તેના ઝડપી લયને લીધે યાદ રહી જાય તેવું છે. પતંગિયાને અનુલક્ષીને લખાયેલ આ રચનામાં જીવનની નશ્ર્વરતાને પ્રગટ કરવામાં આવી છે. અહીં કલ્પના અને કૌતુકનો સમન્વય કરાયો છે તો સાથે સાથે ચેતવણી પણ અપાઇ છે. આમ, આ કવિતામાં મહાદેવી વર્માની સર્જકતાનો નવો ઉન્મેષ પ્રગટતો અનુભવાય છે. પતંગિયાની જેમ પક્ષી વિશે ચિંતા કરતા કવયિત્રીનાં એક ગીતનો ટુકડો જોઇએ :
આંધી આઇ જોર શોર સે,
ડાલેં ફૂટી હૈં ઝકોર સે,
ઉડા ઘોંસલા અંડે ફૂટે,
કિસ સે દુ:ખ કી બાત કહેગી,
અબ યહ ચિડિયા કહાં રહેગી?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.