શિવ રહસ્ય – ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: માતા પાર્વતી અને કુમાર કાર્તિકેયનું મિલન જોઈ શિવગણોનું હૃદય દ્રવિત થઈ જાય છે, તેઓ ભગવાન શિવ, માતા પાર્વતી અને કુમાર કાર્તિકેયનો જયજયકાર કરે છે. ભગવાન શિવને ત્યાં પધારેલા જોઈ કુમાર કાર્તિકેય ભગવાન શિવને કહે છે, ‘પિતાજી મને આશીર્વાદ આપો હું થોડા સમય માટે સત્યની શોધમાં વનવાસ જવા ઈચ્છું છું. તેના જવાબમાં ભગવાન શિવ કહે છે કે, ‘પુત્ર હું એટલું કહીશ કે જો આપણા મન, ચક્ષુ અને હૃદય પર ચઢેલા ક્રોધ, અહંકાર અને મહત્ત્વાકાંક્ષાના આવરણને દૂર કરી દઈએ તો સત્ય તુરંત દેખાવા માંડે છે, જો આ આવરણો દેવ હોય કે દાનવ તેના મનોમસ્તિષ્ક પર ચઢેલા હોય તો તેમને સત્ય દેખાતું નથી.’ તો કુમાર કાર્તિકેય કહે છે, ‘નહીં પિતાજી, મારે મનોમંથન પણ કરવું છે એટલે મને આજ્ઞા આપો.’ તો ભગવાન શિવ કહે છે, ‘પુત્ર આ જીવન તમારું છે, એના પર તમારો અધિકાર છે નહીં કે તમારા માતા-પિતાનો. નિર્ણય લેવાનો અધિકાર તમારો જ છે.’ કુમાર કાર્તિકેયને સમજાવતા માતા પાર્વતી કહે છે, ‘કુમાર તમે એ સમજો કે તમારા પિતા અને હું કોઈપણ રૂપ લઈએ તો એ ફક્ત સૃષ્ટિના માનવોના કલ્યાણ માટે જ હોય છે, સમસ્ત સૃષ્ટિનાં માતા-પિતા હોવાની જવાબદારી નિભાવતાં તમને અન્યાય નહીં થાય તેની તકેદારી રાખીશું, તમને જે પ્રેમ માતા-પિતા તરીકે મળવો જોઈએ એ જરૂર આપીશું, કુમાર તમને દેવગણો ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર તરીકે ઓળખે છે, પણ સમય એવો આવશે કે સૃષ્ટિના માનવો મને અને મહાદેવને તમારા માતા-પિતા તરીકે ઓળખશે. તમે વનવાસની જીદ છોડો.’ તો કુમાર કાર્તિકેય કહે છે, ‘સાચી વાત છે માં, હું ભયભીત થઈ ગયો હતો તમારી અને પિતાજીની મહાનતામાં, પુત્ર તરીકે માતા-પિતાથી દૂર થઈ જવાનો આભાસ મને થઈ રહ્યો હતો. હું એમ સમજી રહ્યો હતો કે મારા માતાપિતાની સંપૂર્ણતાને મારી કોઈ જરૂરત નથી. મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો માતા.’ તો ભગવાન શિવ કહે છે, ‘જીવનમાં નવો માર્ગ શોધવા ભટકવું અનિવાર્ય હોય છે, તમે તમારો માર્ગ સ્વયં શોધ્યો છે, જો તમારે વનવાસ જ ભોગવવો હોય તો દક્ષિણ તરફ જાઓ, ત્યાં અસુરો અને દાનવોના અત્યાચાર વધી રહ્યા છે, ત્યાં વસતા માનવોની સુરક્ષાનું દાયિત્ય સંભાળો અને તમારી નવી ઓળખ ઊભી કરો, જેથી સમસ્ત સંસારવાસીઓ કહે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી પરાક્રમી કુમાર કાર્તિકેયનાં માતા-પિતા છે. જાઓ કુમાર અમને ગૌરવ અપાવો.’ કુમાર કાર્તિકેયને વનવાસ જવાની પરવાનગી મળતાં જ માતા પાર્વતી કહે છે, ‘કુમાર તમે જતા રહેશો તો મારી મમતાનું શું થશે? હું કોને ભોજન કરાવીશ?’ તો તેના જવાબમાં કુમાર કાર્તિકેય કહે છે, ‘માતા તમારો પુત્ર તમારી મમતાને દુ:ખી નહીં થવા દેશે, ભોજનની થાળી તૈયાર કરી જ્યારે જ્યારે તમે હાક પાડશો ત્યારે તમારો કુમાર અહીં ઉપસ્થિત થશે, મારું વચન છે.’ માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ લઈ કુમાર કાર્તિકેય દક્ષિણ તરફ નીકળી પડે છે.
***
દક્ષિણના વન તરફ જઈ રહેલા કુમાર કાર્તિકેયને જોઈ દેવર્ષિ નારદ દેવરાજ ઈન્દ્રને કહે છે, ‘જુઓ દેવરાજ, હજુ સમય છે, તમારી ભૂલ સુધારો અને કુમાર કાર્તિકેયને સ્વર્ગનું સિંહાસન આપી દો અથવા આવનારાં પરિણામો ભોગવવા તૈયાર રહો.’ ચેતવણી આપી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.’ કૈલાસ ખાતે કુમાર કાર્તિકેયની વિદાયથી માતા પાર્વતી અને શિવગણોને સાંતવન આપે છે. માતા પાર્વતી કહે છે, ‘હું અને તમે પણ જાણો છો કે, અમારા પુત્રને દેવરાજ ઈન્દ્રએ જ ભડકાવ્યા છે, તેમણે આવું શું કામ કર્યું એ પણ હું અને તમે જાણીએ છીએ. એક બાળકને આટલું દુ:ખ આપીને દેવરાજને શું મળ્યું, શું એમના પદની ગરિમાને આ શોભા આપે છે. હું દેવરાજના વ્યવહારથી ક્રોધિત છું.’ તો ભગવાન શિવ કહે છે કે, ‘ખરેખર તો તમે મારા નિર્ણયથી દુ:ખી છો.’ માતા પાર્વતી ભગવાન શિવને વારતા કહે છે કે, ‘તમે એના પિતા છો, તમારો આ નિર્ણય પણ કુમાર કાર્તિકેયનું ઉધ્ધાર જ કરશે એની મને ખાતરી છે.
***
સ્વર્ગલોક ખાતે દેવર્ષિ નારદ દ્વારા અપાયેલી ચેતવણી બાદ દેવરાજ ઈન્દ્ર ભયના ઓથાર નીચે આવી જાય છે કે કુમાર કાર્તિકેયને કેવી રીતે રોકવા? તેજ સમયે એક દૂત ખબર આપે છે કે કુમાર કાર્તિકેય દક્ષિણ દિશા તરફ જઈ રહ્યા છે. કુમારને અટકાવવા દેવરાજ ઈન્દ્રને એક યુક્તિ સૂઝે છે. તેઓ પાંચ જ્ઞાનેન્દ્રીય અને પાંચ કર્મેન્દ્રીયને આદેશ આપે છે કે તમે કુમાર કાર્તિકેય પર આક્રમણ કરો અને દક્ષિણ દિશા તરફ જતા રોકો. દેવરાજ ઇન્દ્રનો આદેશ મળતાં જ જ્ઞાનેન્દ્રીયો અને કર્મેન્દ્રીયો કુમાર પર આક્રમણ કરે છે. અચાનક થયેલા આક્રમણથી કુમાર કાર્તિકેય સતેજ થઈ જાય છે અને કહે છે:
કુમાર કાર્તિકેય: ‘તમે લોકો કોણ છો? અને આ રીતે મારા પર આક્રમણ કરવાનું પ્રાયોજન શું છે?’
એક જ્ઞાનેન્દ્રી: અમે પાંચ જ્ઞાનેન્દ્રીયો છીએ અને સામે છે તેઓ પાંચ કર્મેન્દ્રીયો છે. કુમાર તમે પોતાને વીર યોદ્ધા સમજો છો ને? પરોક્ષ યુદ્ધમાં તમને પછાડવા મુશ્કેલ જ નહીં અશક્ય છે પણ……… અમે તો દરેક માનવના મનમાં વસીએ છીએ. દરેકના મનને નિયંત્રિત કરીએ છીએ. તેનું ઉત્થાન કે પતન અમે જ નિશ્ર્ચિત કરીએ છીએ. આજે તમારો માનસિક પરાજય નિશ્ર્ચિત છે. આટલું બોલતાં જ દસેય ઇન્દ્રીયો કુમાર કાર્તિકેય પર આક્રમણ કરે છે. ચતુર કુમાર કાર્તિકેય અલૌકિક (આભાસી) દોરડાથી દસેય ઇન્દ્રીયોને બંદી
બનાવે છે.
***
કુમાર કાર્તિકેય પર દેવરાજ ઇન્દ્ર દ્વારા થયેલા આક્રમણથી માતા પાર્વતી ક્રોધિત થાય છે અને કહે છે: ‘દેવરાજ ઈન્દ્ર તમે આ ખોટું કરી રહ્યા છો, તમને આની સજા થવી જોઈએ.’
ભગવાન શિવ: ‘દેવરાજ ઈન્દ્રના આ દુ:સાહસથી તમે ક્રોધિત થાવ એ સ્વાભાવિક છે પાર્વતી, પરંતુ સત્ય તો એ છે કે પ્રત્યેક શત્રુ આપણા વ્યક્તિત્વની ખામીઓ અને ક્ષમતાથી પરિચિત કરાવે છે. દેવરાજ ઇન્દ્રની અસુરક્ષા ઉત્પન્ન થતાં કુમારનો વિકાસ અને પરિપક્વ બનાવવાના હેતુ માટે આવશ્યક હતું. કુમાર પોતાની શક્તિઓને જાણવાં વ્યાકુળ ક્યારેય ન થાત.
***
તો સામે દસેય ઇન્દ્રીયોને બંદી બનાવી કુમાર કાર્તિકેય વિજયી મુદ્રામાં ઊભા હોય છે.
જ્ઞાનેન્દ્રીય: ‘ક્ષમા, શિવપુત્ર ક્ષમા.’
કુમાર કાર્તિકેય: ‘તમને લોકોને બહુ ઘમંડ હતું ને કે તમે લોકો કોઈના પણ મન પર નિયંત્રણ મેળવી શકો છો. જુઓ મેં મારા મનને નિયંત્રિત કરી તમને બંદી બનાવ્યા છે. હવે બતાવો કે કોનું ઉત્થાન અને કોનું પતન?
દસેય ઇન્દ્રીયો: ‘અમારી રક્ષા કરો ઈન્દ્ર દેવ, અમારી રક્ષા કરો.’
કુમાર કાર્તિકેય: ‘શું તમને દેવરાજ ઈન્દ્રએ મોકલ્યા હતા?’
કર્મેન્દ્રીય: ‘અમને ક્ષમા કરો શિવપુત્ર, દેવરાજના આદેશથી…..’
કુમાર કાર્તિકેયને સમજ પડતાં તેઓ દસેય ઇન્દ્રીયોને છોડી દે છે અને કહે છે, ‘જાઓ…. તમારા ઈન્દ્રદેવને કહો કે હિંમત હોય તો સામે આવીને યુદ્ધ કરે.’
મામલો ગંભીર થતાં દેવરાજ ઇન્દ્ર ત્યાં આવે છે, તેમને જોઈ કુમાર કાર્તિકેય કહે છે, ‘તમે ભૂલી ગયા છો દેવરાજ ઇન્દ્ર કે જેનું મન મહાદેવની સેવામાં સમર્પિત હોય, જેમનું જીવન મહાદેવના આશીર્વાદથી પરિપૂર્ણ હોય, જે મહાદેવના નિર્ધારીત માર્ગ પર અગ્રેસર હોય છે તેઓ ઇન્દ્રીયોના નિયંત્રણમાં નહીં પણ તેમના નિયંત્રણમાં ઇન્દ્રિયો હોય છે, જો મેં આ આક્રમણનો જવાબ આપ્યો હોત તો તેનું પરિણામ તમને ખબર છે? હું દેવલોકના સંચાલનમાં વિક્ષેપ પાડવા માગતો નથી કે મારો ઉદ્દેશ તમારી સાથે શત્રુતાનો પણ નથી કેમ કે મહાદેવ અને માતા પાર્વતીના પુત્રની વિચારધારા સંકિર્ણ અને સીમિત ક્યારેય હોઈ ન શકે. જાઓ તમારા સ્વર્ગલોકમાં અને સંભાળો તમારું સિંહાસન, મને
તમારા સિંહાસનનો કોઈ લોભ નથી, ત્યાં જઈ દેવો અને માનવોના ઉદ્ધાર માટેના કાર્ય હાથ ધરો.’
***
કૈલાસ ખાતે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ‘દેવી પાર્વતી તમને ખબર છે દેવરાજ ઇન્દ્રએ એક મહત્ત્વની ભૂમિકા નીભાવી છે જેની તેમને પણ જાણ નથી, તમણે અમારા પુત્રને વધુ બુદ્ધિશાળી અને પરાક્રમી બનાવ્યા છે.’
માતા પાર્વતી: ‘આપ દયાળુ છો સ્વામિ, કોઈને પણ ક્ષમા કરવાનું પર્યાપ્ત કારણ તમે શોધી જ કાઢો છો. પણ જો બીજી વાર દેવરાજ ઇન્દ્રએ આવું કંઈક પગલું ભર્યું તો હું કુમારની માતા તરીકે તેમને ક્ષમા નહીં કરી શકું.’
ભગવાન શિવ: ‘પાર્વતી એટલું ધ્યાન રાખો કે, મહાસાગરમાં એક નાની હોડી ત્યાં સુધી ડૂબી નથી શકતી કે જ્યાં સુધી એ મહાસાગરનું પાણી તેમાં ભરાઈ ન જાય. આપણા આજુબાજુમાં કેટલાય દોષ કેમ ન હોય કે નકારાત્મક વિચાર ધરાવતી વ્યક્તિઓ સાથે આપણે ઘેરાયેલા કેમ ન હોઈએ, જ્યાં સુધી તેમના દોષ અને તેમના વિચાર આપણામાં સમાવિષ્ટ ન કરી લઈએ ત્યાં સુધી આપણે ડૂબી શકતાં નથી. દેવરાજ ઇન્દ્ર કે અન્ય પર અવિશ્ર્વાસ ન કરતાં આપણા કુમાર પર વિશ્ર્વાસ કરો.
(ક્રમશ) ઉ

Google search engine