Homeમેટિનીઆઈ હેટ લવ સ્ટોરી, રિયલી?

આઈ હેટ લવ સ્ટોરી, રિયલી?

આદિએ કહી દીધું: જુઓ શાહરુખ, જો તમે આ દેશમાં સુપરસ્ટાર બનવા માંગતા હો તો માત્ર પુરુષ્ાોના હીરો બનીને એ થવાનું નથી…

ફિલ્મનામા-નરેશ શાહ

આઈ હેટ લવ સ્ટોરી, રિયલી?
આદિએ કહી દીધું: જુઓ શાહરુખ, જો તમે આ દેશમાં સુપરસ્ટાર બનવા માંગતા હો તો માત્ર પુરુષ્ાોના હીરો બનીને એ થવાનું નથી…
દિલવાલે દુલ્હનીયા લે જાએંગે ફિલ્મમાં શાહરુખ ખાનની જગ્યાએ તમે સૈફ અલી ખાનની કલ્પના કરી શકો છો ? તેના સર્જક આદિત્ય ચોપરાએ કરી હતી. કરવી પડે એવી સિચ્યુએશન એસઆરકેએ નિર્માણ કરી દીધી હતી. દિવાના ફિલ્મમાં જોઈને કિંગખાનથી પ્રભાવિત થયેલાં આદિત્ય ચોપરા ડર વખતે શાહરુખને અલપ-ઝલપ મળતાં રહેતાં. યશજીએ ડર કમ્પલીટ કરી એટલે પોતાની પ્રથમ ફિલ્મ માટે આદિત્યએ તૈયારી આરંભી. નેચરલી, એ એક લવસ્ટોરી જ હતી કે જેમાં લંડનમાં ઉછરેલો યુવાન, પેરેન્ટસની સહમતિથી, દુલ્હનીયાને પોતાની સાથે લઈ જાય છે… આદિ(ત્ય) ઈચ્છતા હતા કે તેમાં લવરબોય આમીર કે સલમાનની બદલે કિલરબોય શાહરુખ ખાન આ રોમેન્ટિક ભૂમિકા કરે, તેણે શાહરુખ ખાનને વાત કરી પણ, હવે આદિત્યના શબ્દોમાં જ વાંચો : તેમણે (શાહરુખે) મને લાંબા સમય સુધી હા પાડી નહીં. ખરેખર તો તેઓ પ્રેમ કહાણીઓ માટે ઘૃણાનો ભાવ રાખતા હતા હું તેમને મળવા દર બીજા-ત્રીજા દિવસે સ્ટૂડિયોના આંટા મારતો. એ મને પ્રેમથી મળતાં. ક્યારેક મારે તેના માટે રાહ પણ જોવી પડતી. એ ફ્રી થાય ત્યારે મને મળતાં પણ મને લાગે છે કે તેમનામાં ખચકાટ હતો. એ હા પણ નહોતા કહેતા અને ના પણ નહોતા કહેતા. જો કે આવી સમસ્યા તેમની સાથે કાયમ રહી છે… આખરે મેં સૈફ અલી ખાનને મારી ફિલ્મમાં લેવા માટે મન મનાવી લીધું છતાં મને થયું કે, એક છેલ્લી વખત મારે પ્રયત્ન કરી લેવો જોઈએ.
આદિત્ય ચોપરા લાસ્ટ ચાન્સ લેવા માટે ફિલ્મસિટી સ્ટૂડીયો પર ગયા. શાહરુખ ખાન ત્યાં સુભાષ્ા ઘઈની ત્રિમૂર્તિ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. જેવો કિંગખાન શોટ આપીને આદિને મળ્યો કે તરત આદિએ, જે કહેવું હતું તે, વિના સંકોચે કહી દીધું: જુઓ શાહરુખ, હું સમજું છું કે તમને પ્રેમ કહાણીઓ બહુ ગમતી નથી. તમને આવી કથાઓ બહુ ભડકીલી અને ઉપરછલ્લી લાગે છે પણ… જો તમે આ દેશમાં સુપરસ્ટાર બનવા માંગતા હો તો માત્ર પુરુષ્ાોના હીરો બનીને એ થવાનું નથી. બાઝીગર પછી તમે સામાન્ય લોકોના હીરો જરૂર બની ગયા છો પણ એ મોટાભાગે પુરુષ્ાો છે. આ દેશમાં તમે હરેક માના દીકરા, હરેક બહેનના ભાઈ અને હરેક યુવતીનું સપનું બની શકો તો જ તમે સુપરસ્ટાર બની શકો… હું તમને માત્ર એટલું કહી શકું કે ભલે તમે મારી ફિલ્મ કરો કે ના કરો, પણ તમારે લવ સ્ટોરી તો જરૂર કરવી જોઈએ…
બહુ ઓછું બોલતાં અને ભાગ્યે જ લાઈમલાઈટમાં આવતાં આદિત્ય ચોપરાને સાંભળી લીધા પછી શાહરુખે તેમને ત્રણ દિવસ પછી મળવાનું કહ્યું. ત્રણ દિવસ પછી આદિ તેને મળવા મહેબૂબ સ્ટૂડિયોમાં ગયા, જયાં બાદશાહ ખાન કરણ અર્જૂનનું શૂટિંગ કરી રહ્યો હતો. તેણે આદિને વેનિટી વાનમાં બોલાવીને દિલવાલે દુલ્હનીયા કરવાની હા પાડી અને રેસ્ટ ઈઝ હિસ્ટ્રી.
૧૯૯પની દિવાળી પર રિલીઝ થયેલી દિલવાલે દુલ્હનીયા મુંબઈના મેટ્રો થિયેટરમાં વીસ વરસ પછી પણ ચાલતી રહી, એટલે કે ૧૯૯૭માં જન્મેલો આર્યન શાહરુખ ખાન અઢાર વરસનો થયો ત્યાં સુધી ચાલતી રહી. ર૦૦૦ના મેમાં સુહાના અને ર૦૧૩માં અબ્રાહમના પિતા બનેલાં શાહરુખખાનના વ્યક્તિત્વમાં અલગ ચમકારો છે. તેની એકટિંગમાં એનર્જી છે. તેના એક્સપ્રેશનમાં તાજગી છે. તેના વિશ્ર્લેષ્ાણોમાં ચિંતનની ધાર છે અને એટલે કદાચ, ર૦૩૦માં કોઈ લેખકબંદો આવી સિરીઝ લખવા ધારે તો ચોકક્સપણે, તેને નવી વાતો, માહિતી શાહરુખ વિષ્ો મળી શકે.
એસઆરકેના સ્ટારડમ પહેલાંની અસામાન્ય વાતો જ કરવાનો આ સિરીઝનો ઉદ્દેશ છે. રોમાન્સમાં બેજોડ કહેવાતાં શાહરુખ ખાનને લવસ્ટોરી કરવામાં રસ જ નહોતો તે જ રીતે બચપણમાં એ હિન્દીમાં કાયમ નાપાસ થતો હતો. આખરે મા લતિફાએ પાસ થવા માટે ફિલ્મ દેખાડવાની લાલચ આપી ત્યારે કિંગ ખાન હિન્દીમાં પિસ્તાલીસ માર્ક લાવેલો. માતા તેને દેવઆનંદની જોશીલા ફિલ્મ જોવા લઈ ગયેલી. કોલેજકાળમાં શાહરુખને તો એડ એજન્સી બનાવવી હતી અને એટલે તેણે જામિયા ઈસ્લામ યુનિવર્સિટીમાં માસ કોમ્યુનિકેશન ભણવા માટે એડમિશન પણ લીધું હતું.
મિત્ર બેની થોમસ અને શાહરુખ હંમેશાં બોલતાં રહેતા કે તેઓ નહીં ના નામની એડ એજન્સી શરુ કરશે અને એવી જ એડ બનાવશે કે જેમાં નહીં ના નો ઉપયોગ થાય. દાખલા તરીકે, તમે પંદર બાળકો ઈચ્છો છો ? નહીં ના, તબ નિરોધ કા ઈસ્તેમાલ અવશ્ય કરે.
સેન્ટ કોલંબસ સ્કૂલનું એક પરાક્રમ પણ નોંધવા જેવું છે. એક વખત કલાસ રૂમમાં શાહરુખે આંચકી આવવાની એવી એકટિંગ કરેલી કે શિક્ષ્ાિકા ખુદ મુંઝાઈ ગયા હતા. આંચકીમાં પગનો જોડો (ચપ્પલ) સુંઘાડવાથી ફાયદો થાય એમ કહીને મેડમનું એક ચપ્પલ લઈને બધા (શાહરુખની સારવારના બહાને) નીકળી ગયેલાં. તે દિવસે એ મેડમ આખો દિવસ, એક ચપ્પલ સાથે જ રહ્યા હતા… તો ય એ હકીક્ત છે કે ૧૯૮પમાં સેંટ કોલંબસમાં અભ્યાસ ર્ક્યા પછી શાહરુખે વિદાય લીધી ત્યારે તેને સ્વોર્ડ ઓફ દ ઓનર નામનો સર્વોચ્ચ એવૉર્ડનું સન્માન આપવામાં આવ્યું હતું.
***
એસઆરકે છ-આઠ હપ્તાની સિરીઝમાં સમાઈ એવું વ્યક્તિત્વ હરગીઝ નથી પણ ફૌજીના અભિમન્યુ રાય પછી સર્કસના શેખરન તરીકે શાહરુખને વધુ પ્રતિષ્ઠા અપાવનારા અઝીઝ મિર્ઝા, સઈદ મિર્ઝા અને કુંદન શાહ હતા. આ ત્રણેય ધુરંધરોએ સર્કસના વીસ-વીસ એપિસોડ નિર્દેશીત ર્ક્યા હતા. શાહરુખે કુંદન શાહ અને અઝીઝ મિર્ઝા સાથે ફિલ્મો કરી. અઝીઝ મિર્ઝા અને જૂહી ચાવલા સાથે પાર્ટનરશિપ કરીને ડ્રિમ્સ અનલિમિટેડ નામની કંપની પાંચ-પાંચ લાખ રૂપિયા નાખીને બનાવી. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની નામની ફલોપ ફિલ્મ આ જ બેનર હેઠળ બની, પછી ચલતે-ચલતે બની. જેમાં હિરોઈન તરીકે રાની મુખરજીને લેવામાં આવી એટલે પરિણીત જૂહી ચાવલાને ગમ્યું નહીં. અશોકા સહિત ત્રણ ફિલ્મો બનાવ્યાં પછી ડ્રિમ્સ અનલિમિટેડ આગળ ન વધી. આજે એ જ ઈમારતમાં શાહરુખની રેડ ચિલી કંપનીની ઓફિસ છે.
૧૯૯૭ પછીના વરસો એસઆરકે માટે ખરાબ રહ્યાં. ખંડાલા પાસે દિલ તો પાગલ હૈનું શૂટિંગ પૂરું કરીને ખાન મુંબઈ આવી રહ્યો હતો ત્યારે અબુ સાલેમનો તેને ફોન આવેલો. એ પછી સાલેમના સતત ફોન આવતાં. શાહરુખે મુંબઈ પોલીસના રાકેશ મારિયાને વાત કરી અને તેમની સૂચના પ્રમાણે જ વર્ત્યો છતાં ચારેક વરસ સુધી માફિયાઓના ફોન કિંગખાન પર આવતા રહ્યા હતા. જોકે માફિયાના ફોન કરતાં પણ શાહરુખ ખાનને વધારે પીડા પોતાની નિષ્ફળતાથી થતી રહી છે. નંબર વન પર રહેવાની તેને મમત છે. રોહિત શેટ્ટીની દિલવાલે પછી કદાચ, એસઆરકે એ માનતો થયો છે કે માત્ર એન્ટરટેઈન્મેન્ટના જોકરવેડાંથી તેની દુકાન ચાલશે નહીં એટલે અભિનયનો પડકાર હોય એવી ફિલ્મો તે ર૦૧પથી કરવા લાગ્યો છે અને ર૦૧૮ પછી છેક ચાર વરસે તેની પઠાન થિયેટરમાં આવી છે. બેશક, પીડાનો કે પછડાટનો સૌથી પહેલો અને સૌથી સ્ટ્રોંગ અહેસાસ તેને કહો ના પ્યાર હૈ (ર૦૦૦)ની રિલીઝ પછી થયો હતો. એ ફિલ્મ સાથે મીડિયાએ રિતીક રોશનને શગ મોતીડે વધાવ્યો અને શાહરુખનો કાંકરો કાઢી નાખ્યો. શાહરુખ ત્યારે સમસમીને પહેલી વખત ચૂપ રહ્યો હતો. એ મન્નતમાં બાળકો સાથે રમતો અને આર્યને પૂછતો કે સબ સે અચ્છા કૌન ? આર્યન કહેતો : સબ સે અચ્છે આપ હૈ, પાપા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular